અમારી ભોજનચર્યા – નટવર પંડ્યા

Spread the love
નટવર પંડ્યા

અમે બોર્ડિંગમાં રહીને ભણતા (?) એ વખતની આ ભોજનકથા છે. પણ એ જમાનાની બોર્ડિંગ એટલે શું એ જાણવું જરૂરી છે. તો જ ભોજનચર્યાનો સાચો આસ્વાદ માણી શકાય. તે વખતે અમારી બોર્ડિંગમાં છ માસ રહેવા જમવા માટે ફકત અઢીસો રૂપિયા જ લેવામાં આવતા. વિદ્યાર્થીઓમાંથી કોઈના પિતાજીને ઘેર કાર નહોતી. અમારામાંથી મોટા ભાગના પ્રાથમિક શાળાના માસ્તરના કે એવી પાતળી આવક ધરાવનારા પિતાનાં સંતાનો હતાં. ઘરેથી દરેકને હાથખર્ચ માટે પચાસ સાઠ, કોઈકને વળી સો રૂપિયા જેવી બાંધી રકમ વાપરવા માટે મળતી, જે બાપાઓને ખૂબ મોટી અને અમને ખૂબ ઓછી લાગતી. તેમાં વધારો મંજૂર કરાવવો તે લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. તેથી જ કડકાઈ સાથે અમારે કાયમી નાતો હતો. અડધી ચા પીવા માટે પણ ઉછી-ઉધારા કરવા પડતા.

એ બોર્ડિંગ કે હૉસ્ટેલ એટલે આજના જેવી સંપૂર્ણ સગવડોવાળી નહિ પણ લગભગ સંપૂર્ણ અગવડોવાળી બોર્ડિંગ.આ બોર્ડિંગમાં દિનચર્યામાં કેન્દ્રસ્થાને ભોજન રહેતું. વચ્ચે એક આડવાત – એક વખત એક વિદ્યાર્થીના પિતાજી આવ્યા. તે આયુર્વેદના જાણકાર. તેથી અમો બધા બેઠા ને તેમણે અમને ‘ભૂખ કઈ રીતે જગાડવી’, ‘હોજરી કઈ રીતે પ્રદીપ્ત કરવી’ એવી વાતો વિગતે સમજાવી. પણ અમારી સમસ્યા સાવ જુદી જ હતી. તેથી વાતને અંતે હું જ બોલ્યો કે હોજરી તો પ્રદીપ્ત થાય, પણ પછી ખાવું શું ? અમારે તો જઠરાગ્નિ પ્રદીપ્ત કરવાની નહિ, બુઝાવવાના ઉપાયની જરૂર હતી. જો કોઈ સારું ખાવાનું (ખાધેબલ) આપે તો હોજરીની તો ગમે ત્યારે ‘હા’ જ હતી. હોજરી તો ચોવીસ કલાક પ્રદીપ્ત રહેતી ને જઠરાગ્નિ તો કોઈ અવધૂત જોગીના ધૂણાની જેમ દિવસ-રાત ભડકે બળતો. મહંમદ બેગડાની જેમ દિવસ-રાતના કોઈ પણ સમયે ખાઈ લેવા માટે અમે તૈયાર અને શક્તિમાન હતા. ‘ખાધું પ્રભુ પચાવે છે.’ એ ભક્તિસૂત્રમાં મને એકસોને દશ ટકા દઢ વિશ્વાસ હતો. ‘અપચો’ શબ્દ અમારા શબ્દકોશમાં જ નહોતો.


અમારી ભોજનચર્યા કંઈક આવી હતી. સવારે ઊઠીને નાહીધોઈ લીધા પછી સાત વાગ્યે અમને ચા આપવામાં આવતી. અમારી એ ચા ખરેખર ‘ચા-પાણી’ હતી જેમ પૃથ્વી પર લગભગ એકોતર ટકા વિસ્તારમાં પાણી છે એવું જ અમારી ચામાં હતું. ચામાં ‘ચા’ (ચાની ભૂકી) જ ઓછી પડતી. તેથી ચાનો રંગ લોહીના ટકા ઘટી ગયેલા મનુષ્ય જેવો ફિક્કો રહેતો. આ ચાને ‘ચા’નું સ્વરૂપ આપવા માટે ત્રણ-ચાર મિત્રો સાથે મળી જૂથ બનાવી, ભાગીદારીમાં ચા-ખાંડ ખરીદી લાવતા. પછી પોતાના હિસ્સે આવેલી ચામાં ઘરની ચા અને ખાંડ ઉમેરી સગડી પર ફરીથી ગરમ કરી કડક ચા બનાવતા. જેને અમે ‘અમીરી ચા’ કહેતા. આ ચાની સાથે ખાવા માટે ભાખરી મળતી, પણ સાંજની. જે ભાખરી સાંજે ગરમાગરમ બની હોય ત્યારે પણ ખાઈ ન શકાય એવા મજબૂત બંધારણ વાળી ભાખરીને અમે છેક બીજે દિવસે સવારે પણ શેકીને ચા સાથે ખાઈ જતા. તે વખતે અમારી બોર્ડિંગમાં રસોડું નીચે જ હતું.

ઘણી વાર બોર્ડિંગનો મુખ્ય દરવાજો ખુલ્લો હોય ત્યારે બકરાં કે કૂતરાં ઘૂસી જતાં. ઘણી વાર રસોડું પણ ખુલ્લું હોય પણ ક્યારેય કોઈ બકરું કે કૂતરું અમારી ભાખરી ઉપાડી ગયાનો દાખલો નથી, જો કોઈ નવું કે અજાણ્યું કૂતરું-બકરું હોય તો સાહસ કરે ખરું. આવું કોઈ કૂતરું-બકરું ભાખરી લઈને ભાગી જતું હોય તો અમે તેના મુખમાંથી ભાખરી છોડાવવાનો પ્રયત્ન ન કરતા. સૌ કહેતા કે ‘નવું લાગે છે. અજાણ્યું લાગે છે.’ જો ભૂલેચૂકે તે પ્રાણી અમારી ભાખરી ખાઈ ગયું તો ફરી દેખાતું નહિ. માત્ર અમે જ એવા હતા કે એ જ કઠોર ભાખરીઓ ખાઈને પણ સાજા-તાજા રહેતા.હવે સીધા જ બપોરના ભોજન પર આવીએ તો અમારું બપોરનું મેનું હતું. ‘દાળ, ભાત, શાક, રોટલી, છાશ.’ એમ તો અમારી ભોજનશાળાની બહારની દીવાલ પર દૈનિક ભોજનની સવાર-સાંજની વાનગી દર્શાવતું મોટું ઝળહળતું બોર્ડ મારેલું હતું. જો કોઈ અજાણ્યો માનવી આ વાનગીઓ વાંચે તો ભોજન બાબતે તો અમને ભાગ્યશાળી જ સમજે એવું સાડીના સેલના બોર્ડ જેવું લોભામણું બોર્ડ હતું.

બપોરે અમે જમવા બેસીએ ને તવા પરથી જે ગરમાગરમ રોટલી ઊતરે તે ઊતર્યા પછીની વધુમાં વધુ પાંચ મિનિટમાં ખાઈ જવી પડતી. જો રોટલી ઠંડી થઈ જાય, ઠરી જાય તો અનબ્રેકેબલ બની જતી. તેથી જ ગરમાગરમ રોટલી માટે બૂમાબૂમ થતી. અમારી રોટલી, ભાખરી કે પૂરીના મજબૂત બંધારણનો એક કિસ્સો – એક વાર સાંજે ભોજનમાં પૂરી બનાવવામાં આવી. તે પૂરી મોડી રાત્રે નાસ્તો કરવામાં ખપ લાગે તે માટે અમે ચોરી લીધેલી. રાત્રે બે વાગ્યે તે ચોરેલી પૂરીઓનો ચા અને નાસ્તો પણ કરેલો. પણ કોઈક અવળચંડાએ વધેલી એકાદ પૂરી બારીએથી બહાર ગલીમાં ફેંકી દીધી.

બરાબર બીજે દિવસે સવારે આઠ વાગ્યે અમારી બોર્ડિંગના સંચાલક મંડળના પ્રમુખ જે પોતે પણ આ બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા, તે નીકળ્યા. તેમની નજરે પૂરી ચડી. તરત જ તેમણે સ્કૂટર થોભાવી તે પૂરી લીધી. પૂરી બે હાથે ખેંચી, તાણી પણ તૂટી નહિ તેથી તેને ખાતરી થઈ ગઈ કે આ પૂરી બોર્ડિંગની જ છે અને ઉપરની આઠ નંબરની રૂમની બારીએથી જ ફેંકાણી છે. આ મુદ્દે તેમણે ‘રો’ ના જાસૂસની જેમ ઈન્વેસ્ટિગેશન કરી, પૂરી ચોરીનો આખો કેસ પ્રકાશમાં લાવ્યા. પૂરી ચોરવાના મુદ્દે અમને કડક નોટિસો મળી. નોટિસોમાં એવું લખાણ હતું કે, ‘આ રીતે પડેલી પૂરી કોઈ જુએ તો (કદાચ તોડે તો) બોર્ડિંગની પ્રતિષ્ઠા શું ? જેના જવાબમાં અમે ફુલસ્કેપનાં બબ્બે પાનાં ભરાય એવાં માફીપત્રો લખી આપેલ.

રસોઈયા પણ વારંવાર બદલાતા રહેતા. કારણ કે તેઓ જાતે ટિફિન ભરીને ટિફિનમાં જરૂર કરતાંય ઘણી વધારે રોટલી ઘરે લઈ જતા. પણ ઘરે જઈને તેઓ રોટલી ખાઈ શકતા નહિ. તેથી નોકરી છોડી દેતા. કારણ કે માત્ર લોટ અને પાણી જેવા નિર્દોષ પદાર્થોમાંથી જ અમારી રોટલીનો દેહ ઘડાતો. મોણને એમાં ક્યાંય સ્થાન નહોતું. મોણ વળી શું ? રોટલી કે ભાખરીમાં મોણ નાખવું પડે તેની ખબર તો અમને વરસો વીત્યાં પછી પડી.

ભોજનમાં દાળ પણ દરરોજ બનતી પણ દાળમાં નાખેલા સ્વાદવર્ધક પદાર્થો વિરોધ પક્ષની જેમ નોખા તરી વળતા ને ધીમે-ધીમે છેક તળિયે બેસી જતા. પછી દાળ સ્વરૂપે માત્ર આછી પાતળી કલરવાળી મરચાની ભૂકીને કારણે સહેજ લાલાશ પડતી દેખાતી. પ્રવાહી જ તપેલામાં તરતું. તેથી દાળ પીરસનારાએ મહાસાગરના તળિયેથી મરજીવાઓ જેમ સાચાં મોતી કાઢવાનો પ્રયત્ન કરે તેમ ડોયો વારંવાર તળિયા સુધી લંબાવી દાળને ગોળ ગોળ ફેરવી, તળિયે પડેલા સ્વાદવર્ધક પદાર્થોને ડોયામાં પકડવાનો પ્રયત્ન કરવો પડતો. પણ ચાળીસ વિદ્યાર્થીઓ માટે બનેલી દાળના મહાસાગરમાંથી અતિ લઘુમતી સ્વરૂપે રહેલા આ ચંચળ પદાર્થો પકડી શકતા નહિ.

આમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ ઠંડી થઈ ગયેલી આ દાળને પોતાની ખાનગી તપેલીમાં ભરી, રસોડામાં ભઠ્ઠા પર ગરમ કરી, બબ્બે તપેલી દાળ પી જતા. આજે પણ અમારા મિત્રોમાં કહેવાય છે કે જેટલા જેટલાએ આ દાળ પીધી તે તમામને રાજ્ય સરકારમાં ઉચ્ચ હોદા પર ઑફિસર તરીકે બિરાજે છે. શાક લગભગ બાફેલું જ રહેતું. તેમાં પણ તેલ-મસાલા જેવા તામસિક પદાર્થોને કોઈ સ્થાન નહોતું. ટૂંકમાં અમારું ભોજન સંતો જેવું (પહેલાન) હતું. તેથી અમને અસંતોષ રહેતો.દર રવિવારે જ્યારે અમારા બોર્ડિંગ સંચાલકોની મીટિંગ થતી અને તેલમસાલા વગરના માત્ર બાફેલા શાક વિશે અમે ફરિયાદ કરતા ત્યારે તેઓ વિસ્તારપૂર્વક બાફેલું ખાવાના ફાયદા વૈજ્ઞાનિક ધોરણે સમજાવી તેમાં શિખામણનો છંટકાવ કરી અમને ટાળી દેતા.

અમારી ફરિયાદોમાં દાળમાંથી વંદો નીકળવો, રોટલી ન તૂટવી, ભાત સિમેન્ટના ચોસલા જેવા હોય વગેરે રહેતી. ત્યારે અમારા એક બુદ્ધિજીવી ગણાતા ટ્રસ્ટી અમારી ફરિયાદને મનોવૈજ્ઞાનિક ઢબે ટાળવા શાંત સ્વરે કહેતા કે, ‘ જુઓ આજે મારે ઘરે પણ દાળમાંથી વાળ નીકળ્યો હતો બોલો ?’ ત્યારે અમારા એક આખાબોલાએ કીધેલું કે, ‘તો પછી તમેય અહીં આવતા રહો ત્યાં શું કામ પડ્યા છો.’ તે આખાબોલાને શિસ્તભંગની નોટિસ મળેલી પણ પેલા બુદ્ધિજીવીએ ત્યાર પછી પોતાના મનોવૈજ્ઞાનિક મંત્રનો ત્યાગ કરેલો.

ભાત સિમેન્ટના ચોસલાની જેમ જામેલા અને કાયમ કાચા રહેતા. આ ચોસલું થાળીમાં લઈ તેના પર દાળ નાખતા ત્યારે ‘પથ્થર પર પાણી’ જેવી હાલત થતી. આ દાળ અને ભાતને યુગોથી બાપે માર્યાં વેર હોય એવું લાગતું. ટૂંકમાં ભાતને પલાળીને પોચા બનાવી દેવાની દાળની દાળ ગળતી નહિ. તેઓ મિક્સ થવા માગતા નહિ ને અમે તેને મિક્સ કર્યા વગર છોડતા નહિ. ટૂંકમાં અમારાં દાળભાતને ભેગાં કરવાં એ ભાજપ અને ડાબેરીઓને ભેગા કરીને સરકાર રચવા જેવું અઘરું કામ હતું.અમે એક હાથેથી સામે છેડેથી થાળીને ઊંચી પકડી રાખતા ને નીચાણવાળા ભાગમાં દાળ સ્વરૂપે એકઠાં થયેલા પ્રવાહીમાં પરાણે ભાતને ચાર આંગળા વડે નિર્દયપણે છૂંદીને મિક્સ કરતા. એમાં પણ થોડી મરચાની ભૂકી છાંટતા. જેથી તીખાશ પકડે.

અમને દાળભાતમાં નાખવા માટે લીંબુ કે દહીં એવું કશું મળતું નહિ. ત્યારે કોઈક વિદ્યાર્થી પોતાના ખર્ચે લીંબુ લાવતો ત્યારે બીજા પણ કહેતા કે થોડું મને દે જે, બે ટીપાં પડે એટલું મને દેજે. આમ, એક લીંબુનું અડધું ફાડિયું ચાર-પાંચ જણ નિચોવતા, લીંબુનું છોતરું એકના હાથમાંથી બીજાના હાથમાં જાય ત્યારે દર વખતે તે જોતાં એવું લાગતું કે હવે આમાંથી કાંઈ નીકળશે નહિ. પણ એ નિચોવાયેલા લીંબુને સ્વીકારનારા દરેક વિદ્યાર્થી ‘જોર લગા કે હેઈસા’ કરીને તેમાંથી બબ્બે ટીપાં રસને તો કાઢતો જ. ‘ચિચોડો’ કહેવાતા અમારા એક મિત્રને તો લીંબુનું છોતરું છેલ્લે જ આપવામાં આવતું.

આ ‘ચિચોડો’ ઉપનામધારી મિત્રને કુદરતે એવી શક્તિ આપી હતી કે તે પથ્થર નિચોવે તો પણ તેમાંથી રસ કાઢી શકે. ચિચોડો ‘બજરંગબલી કી જય’ બોલીને ગોઠણભેર થઈને, દાંત કચકચાવીને મકરધ્વજની જેમ લીંબુ પર એવું ભયંકર દબાણ કરતો કે ખલ્લાસ થઈ ગયેલા છોતરામાંથી આઠ-દશ ટીપાં રસ નીકળતો. પછી કોઈની તાકાત નહોતી કે તેમાંથી એક ટીપું પણ કાઢી શકે. આ મિત્રના હાથમાંથી લીંબુ નીકળી ગયા પછી સૌ કહેતા બસ હવે ચિચોડામાં આવી ગયું. હવે એમાં કાંઈ ન હોય. આમ ચિચોડાના હાથમાંથી પસાર થયા પછી લીંબુ ખરેખર છોતરું બની જતું.સાંજના ભોજનમાં ભાખરી, ખીચડી, કઢી અને શાક રહેતાં.

આમાં જે દિવસે સેવ-ટામેટાનું શાક બનતું તે દિવસે રંગ રહી જતો. એનો અર્થ એવો નથી કે સેવટામેટાનું શાક ખૂબ સ્વાદિષ્ટ બનતું. સેવટામેટાનું શાક એટલે ખરેખર તો સેવટામેટાની દાળ જ જોઈ લ્યો. ચાળીસ જણ માટે તપેલું ભરીને બનેલા શાકમાં જેમ પેસિફિક મહાસાગરમાં પચાસેક માછલીઓ તરતી હોય તેમ ટામેટાના સાત-આઠ ટુકડા તરતા હોય. રડી-ખડી સેવ તરતી હોય. કારણ કે શાક માટે સેવ પચાસ ગ્રામ જ મંગાવવામાં આવતી. શાકમાં સેવ અને ટામેટા અતિ અલ્પ માત્રામાં હોવા છતાં તે શાકનું નામ ‘સેવટામેટાનું શાક’ કહેવાતું. પીરસતી વખતે કોઈ કોઈના વાટકામાં તો માત્ર સેવટામેટાનો ગરમાગરમ સૂપ જ આવતો.

સેવ કે ટામેટું તો આવતું જ નહિ. આવી ઘટના બનવાથી એક વિદ્યાર્થી સેવટામેટાના શાકથી છલ્લોછલ્લ ભરેલો કટોરો લઈ ગૃહપતિ સાહેબની ઑફિસમાં ગયો. અમે પણ ભોજન પડતું મૂકી મનોરંજન ખાતર તેની પાછળ ગયા. તેણે સાહેબના ટેબલ પર વાટકો મૂકી પુણ્યપ્રકોપ ઠાલવતા કહ્યું : ‘સાહેબ આમાં માત્ર એક ટમેટું તો બતાવો, એક ટુકડો તો બતાવો.’ સાહેબ ગુસ્સે થયા. પેલાને દોષિત ઠરાવવા કટોરામાં ચમચી ફેરવવા લાગ્યા. પાંચસાત મિનિટ હલાવતા છતાં ન જોવા મળ્યું ટમેટું કે ન જોવા મળી સેવ ! છતાં સાહેબ ગર્જયા. ‘આ બધું કરવાનું કારણ ?’ પેલાએ કહ્યું, ‘આપણા બોર્ડના દૈનિક ટાઈમટેબલ મુજબ આને સેવટામેટાનું શાક કહેવામાં આવે છે. જેમાં સેવ કે ટામેટા શોધ્યાં જડતાં નથી.’ ત્યારે સાહેબે ફરી પેલા વિદ્યાર્થીને તતડાવતા કહ્યું, તને શું ખબર પડે, આપણે શાક માટે ખૂબ સારી ગુણવત્તાવાળાં પાકેલાં ટમેટાં લાવીએ છીએ. આ ટમેટાં ગરમ થતાં, બફાતાં પાણી સાથે એકરસ થઈ જાય છે. ઓગળી જાય છે. હવે પેલા પાસે કોઈ જવાબ નહોતો.

આ વિદ્યાર્થીને પણ ‘સેવટામેટાના શાકના મુદ્દે વિદ્યાર્થીઓની ઉશ્કેરણી’ એવી ગંભીર નોટિસ આપવામાં આવી.

ભગવાન બુદ્ધે કહ્યું છે કે, ‘દુ:ખ છે તો દુ:ખનો ઉપાય પણ છે.’ આવી રીતે માત્ર પ્રવાહી સ્વરૂપે જ્યારે સેવટામેટાનું શાક આપવામાં આવતું ત્યારે અમે એક સાથે ચાર-પાંચ ભાખરી લઈ અને તે ગરમ હોય ત્યાં જ એનો ભૂકો કરી, ચૂરમું બનાવી આ ભાખરિયા ભૂકામાં ટમેટાની અસરથી ખાટા થઈ ગયેલા પાણીમાં મરચાની ભૂકી નાખી, તીખાશ ઉમેરીતે પ્રવાહીને ભૂકામાં રેડી, તેમાં ભાખરી ચોળીને ચાર-પાંચ ભાખરી ખાઈ જતા. ભાખરીના ભૂકા અને ખાટા-તીખા પાણીથી બનેલી આ ખાટસવાદિયા છાપ નવી જ વાનગી અમે આરોગતા. એનો સ્વાદ સ્પષ્ટપણે કહી શકાય એમ નથી. કારણ કે તે વાનગીની તુલના થઈ શકે એવી જગતમાં બીજી કોઈ વાનગી જ નથી. તેની તો અનુભૂતિ જ કરવી પડે, શબ્દોથી વર્ણવી શકાય નહિ.

આમ જેને સેવટામેટાનું શાક જ ન કહી શકાય એવા શાકમાં પણ અમે ભરપેટ જમી લેતા. પેલા બબ્બે તપેલી દાળ પીનારા તો દશ-દશ ભાખરી ચોળીને ખાઈ જતા. પછી ગીરના સાવજ ડણકતા હોય એમ કાચા-પોચાના તો હાંજા ગગડી જાય એવા રજવાડી ઓડકાર ખાતા. અમારા ઓડકાર ધ્વનિ (જેનું મહત્વ ત્યારે ‘ૐકાર’થી પણ વિશેષ હતું.) સાંભળનાર ને ભારોભાર ઈર્ષ્યા થાય કે આ આવા ઓડકાર ખાય છે તો તેમનું ભોજન કેવું સ્વાદિષ્ટ હશે ?’ આમ ઓડકાર એ અમારી ભોજનચર્યાની ખૂબી હતી. અમને ભલે કાંઈ ન મળતું પણ ઓડકાર તો બીજાને ઈર્ષ્યા થાય તેવા જ ખાતા. પેલા શ્રદ્ધાસૂત્રમાં અમે ઉમેરો કર્યો હતો કે, ખાધું પ્રભુ પચાવે છે એટલું જ નહિ, ‘કાચું પણ પ્રભુ પચાવે છે.’


       -નટવર પંડ્યા

Total Page Visits: 1060 - Today Page Visits: 1

1 comments on “અમારી ભોજનચર્યા – નટવર પંડ્યા

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!