મહાભારત : પર્વો, આવૃતિઓ, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર ગ્રંથ

મહાભારત
મહાભારત
Spread the love

મહાભારતની વાતો આજે પણ એવી જ સંવેદનાથી થાય છે. સમસ્ત ભારતના સાહિત્ય અને કલાજગતને આજે પણ આ કથાવસ્તુમાંથી પ્રેરણા મળે છે. પાંડવો સાથે સંકળાયેલાં સ્થાનો આખાયે દેશમાં બતાવવામાં આવે છે. દંતકથા અને ઈતિહાસ જ્યાં હજુ જુદાં નથી પડ્યાં તે દૂર સુદૂરના ધૂંધળા ભૂતકાળની આ કથા છે. એક એવા સમયની કથા છે જ્યાં કલ્પના કે વાસ્તવિકતાનો ભેદ અતીતના અંધકારમાં ખોવાઈ ગયો છે. અતીત ત્યારે જનમાનસમાં એવો દ્રઢ થઇ જાય છે ત્યારે તે જીવંત ઈતિહાસ બની જાય છે. મહાભારત આવો અતીત છે.

મહાભારતના પર્વો

મહાભારતમાં કુલ ૧૮ પર્વ એટલે વિભાગ છે. જેના નામ છે :

 • આદિપર્વ
 • સભાપર્વ
 • વનપર્વ
 • વિરાટપર્વ
 • ઉદ્યોગપર્વ
 • ભીષ્મપર્વ
 • દ્રોણપર્વ
 • કર્ણપર્વ
 • શલ્યપર્વ
 • સ્ત્રીપર્વ
 • સૌપિત્કપર્વ
 • શાંતિપર્વ
 • અનુશાસનપર્વ
 • આશ્વમેધિકપર્વ
 • આશ્રમવાસિકપર્વ
 • મૌસલપર્વ
 • મહાપ્રસ્થાનનિકપર્વ
 • સ્વર્ગારોહણપર્વ

આ મુખ્ય પર્વોના ઘણા પેટાવિભાગ છે, જે ઉપપર્વ કહેવાય છે. તે લગભગ સો જેટલા છે.

મહાભારત ની આવૃત્તિઓ

આપણે ત્યાં એવી પરંપરા છે કે મહર્ષિ વ્યાસે મૂળ સાઠ લાખ શ્લોકોની રચના કરી, તમાથી ત્રીસ લાખ દેવો પાસે રહ્યાં. પંદર લાખ પિતૃઓ પાસે, ચૌદ લાખ ગાંધર્વો પાસે અને એક લાખ પૃથ્વી પર રહ્યા. આપણે ત્યાં ગુપ્તસમયના દાનપત્રમાં એક લાખ શ્લોકોવાળા મહાભારતને શાસ્ત્રપ્રમાણ તરીકે ગણવામાં આવ્યું છે.

મહાભારત એ કોઈ એક સમયની રચના નથી. તેના વિકાસનાં થોડાં પદ દેખાય છે. આપણે તેનાં ત્રણ સોપાન જોઈએ.

જય

વ્યાસરચિત મૂળ કાવ્યનું નામ જય હતું, જેમાં ૮,૮૦૦ શ્લોકો હતા. તેમાં પાંડવોની અને સારપની જીતનું વર્ણન છે.

ભારત

વ્યાસનાં શિષ્ય વૈશમ્પાયને તેમાં ઉમેરો કર્યો અને રાજા જનમેજયના સર્પયજ્ઞ વખતે લગભગ ૨૪,૦૦૦ શ્લોકોવાળા આ ‘ભારત’ નામના કાવ્યનું પઠન થયું.

મહાભારત

વ્યાસે પોતાના અન્ય શિષ્યો શુક, સુમંતુ, જૈમિનિ અને પૈલને પણ આ કથાનું જ્ઞાન આપ્યું હતું. તે બધાએ પણ કાવ્યમાં વધુ શ્લોકો ઉમેર્યા હતા. આ ઉમેરા સાથે શ્લોક સંખ્યા એક લાખ જેટલી થઈ હતી. એ લાખ શ્લોકવાળો ગ્રંથ તે મહાભારત. રોમહર્ષણ (લોમહર્ષણ) ના પુત્ર સૌતિઉગ્રશ્રવાએ નૈમિષારણ્યમાં શૌનકના બાર વર્ષના સત્રમાં લાખેક શ્લોકોની આ આવૃત્તિનું વાચન કર્યું હતું.

પ્રમાણભૂત આવૃત્તિ

પુણેની Bhandarkar Oriental Research Institute તરફથી મહાભારતની જેટલી પ્રત મળી તેટલીનો અભ્યાસ કરી તેની સંશોધિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે, તે આજે પ્રમાણભૂત ગણાય છે.

મહાભારત : એક દ્રષ્ટી

કોઈ પણ પ્રજાની વિચારસરણી, ભાવ, અનુભૂતિ, જીવન પ્રત્યેનો અભિગમ આદિ અનેક બાબતોથી આપણેને તેની સંસ્કૃતિની જાણ થાય છે. સંસ્કૃતિની વ્યાખ્યા તો મુશ્કેલ છે. તે કોઈ પણ પ્રજાની ફક્ત રાજનૈતિક કે સાંસ્કૃતિક ચેતના જ નથી, ફક્ત્ત ધાર્મિક શ્રદ્ધા કે નૈતિક, મૂલ્યો જ નથી, એ તો એ દેશની ભૂમિમાં જ ઊગેલું કંઇક બાહ્ય વિશેષતાઓનું એક સમષ્ટિગત ચિત્ર છે. મૂળ આ વિશિષ્ટ તત્ત્વ જ સમજવાનું હોય છે. આપણે ત્યાં પણ આવી સામુહિક ચેતનાનો વિસ્તાર થતો રહ્યો હતો. આ ચેતનાનાં મૂળ એટલા ઊંડા રહ્યાં હતાં કે સદીઓના ભીષણ રક્તપાત અને ઊથલપાથલમાં પણ એ મૂળ ઊખડી ન ગયાં. તેનાં બીજ સુષુપ્ત અવસ્થામાં પણ ટકી તો રહ્યાં અને જ્યારે જયારે અવસર મળ્યો, અનુકુળ વાતાવરણ મળ્યું, ત્યારે તે ઊગી નીકળ્યાં અને આપણને પ્રેરણા આપતાં રહ્યાં.

એવા એક સંસ્કારવ્રુક્ષનું નામ છે મહાભારત. તે કોઈ જાતિ કે ધર્મના સંકુચિત વાડામાં બદ્ધ નથી. તે ભારતની ભૂમિનું એક અમૂલ્ય રત્ન છે. હજારો વર્ષ પહેલાં કોઈ ઘટના ઘટી હતી કે નહીં તેનું આજે ખાસ મહત્ત્વ નથી. મહત્ત્વ એ જ રીતે પ્રભાવિત કરે છે. ભારતના કોઈ પણ ભાગમાં જઈએ, મહાભારતના પાત્રો ત્યાં એવાં જ સજીવ છે.

આજ પણ આપે ક્યાંક કૌટુંબિક કલહકંકાસ થાય ત્યારે ‘મહાભારત મચી ગયું’ એમ કહીએ છીએ. પછી વધુ કંઈ કહેવાનું રહેતું નથી. આપણે અત્યારે મહાભારતની કટુતા, કલહકંકાસ, વિનાશ લાવતું યુદ્ધ અને કરુણતાની વાત જ વધુ જાણીએ છીએ. તેથી લોકોમાં એવો વહેમ પણ છે કે મહાભારત (પુસ્તક) ઘરમાં રખાય નહિ કે વંચાય પણ નહિ. પણ મહાભારત વાંચ્યા વગર પણ કૌટુંબિક વિખવાદ કે ઘર્ષણ ક્યાં નથી થતું ? મહાભારત એ રીતે યુગોથી વિશ્વમાં ભજવાતું જ આવ્યું છે. અંદર અંદરની ઈર્ષા, લોભ, મોહ, અહંકાર – એ કોઈ પણ સભ્યતા કે સમાજજીવનનો એક ભાગ છે.

પીટર બ્રુક નામના એક પરદેશી મહાનુભાવે વિશ્વના જુદા જુદા દેશોના અદાકારો લઈને આ શાશ્વત મહાભારત ભજવવાનો સફળ પ્રયોગ પણ કર્યો છે.

મહાભારતનું મહત્ત્વ

મહાભારત ગ્રંથમાં જ તેની મહાનતા આંકવામાં આવી છે.

ધર્મશાસ્ત્ર ઈદં પુણ્યં અર્થશાસ્ત્રમ ઈદં પરં

મોક્ષ શાસ્ત્રમાં ઈદં પ્રોક્તમ વ્યાસેન અમિતબુદ્ધિના

(અમાપ બુદ્ધિવાળા વ્યાસે રચેલું આ પવિત્ર ધર્મશાસ્ત્ર છે, પરમ અર્થશાસ્ત્ર છે અને મોક્ષશાસ્ત્ર છે.) એ પ્રાચીન કાળમાં અર્થશાસ્ત્રનો અર્થ ફક્ત આજના ‘ઇકોનોમિકસ’ જેવો નહોતો થતો. લોકવ્યવહાર એટલે જીવનયાત્રા માટે જે કંઈ પણ આવશ્યક હોય તે બધું જ ‘અર્થ’ અને તે સમજાવે તે અર્થશાસ્ત્ર. એટલે તેમાં રાજ્યશાસ્ત્ર, કાયદાકાનૂન, આર્થિક નીતિ, આંતરિક રાજ્યવ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય સંબંધો જેવી અનેક બાબતોનો તેમાં સમાવેશ થતો હતો.

ધર્મે ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતષરભ

યદિહાસ્તિ તદન્યત્ર યન્નેહાસ્તિ ન કુત્રચિત

(જીવનના પારંપરિક ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે મહાભારતમાં જે કંઈ છે તે જ બીજાં શાસ્ત્રોમાં છે, અને અહીં નથી તે બીજે ક્યાંક નથી.)

આવો સ્પષ્ટ દાવો મહાભારતમાં કરવામાં આવ્યો છે. મહાભારતમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનની પણ સરસ ચર્ચા કરવામાં આવી છે, જે કોઈ ધર્મ કે સંપ્રદાયના વાડાની નથી. મહાભારતનું મહત્ત્વ પ્રાચીન કાળથી જ ભરતવંશીઓના ઈતિહાસ તરીકે સ્થાપિત થયેલું છે. પ્રાચીન યુગમાં શિક્ષણના વિષયોમાં ઈતિહાસ તરીકે મહાભારતનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

મહાભારતની મહત્તા ભારતની ભૌગૌલિક સીમાઓની બહાર પણ ફેલાઈ હતી. કંબોડિયામાં લગભગ ઈ.સ. ૬૦૦ નો એક લેખ મળ્યો છે, તેમાં ત્યાંના એક મંદિરમાં મહાભારત અને રામાયણનું રોજ પઠન કરવામાં આવતું એવો ઉલ્લેખ છે. ત્યાંના એક રાજા યશોવર્ચનના શિલાલેખમાં મૃત્યુશૈયા પરથી ભીષ્મે પાંડવોને કરેલા ઉપદેશનો ઉલ્લેખ છે. પ્રાચીન ચંપાદેશના રાજાઓના વિદ્યાભ્યાસમાં મહાભારતનો સમાવેશ થતો હતો. જુના વખતમાં નેપાળના રાજાઓના રાજ્યાભિષેકવખતે શાંતિપર્વનું પઠન થતું.. સવંત ૭૬૭માં ત્યાંના રાજા શ્રી જયપ્રતાપમલ્લદેવે રાજધર્મ અને મોક્ષધર્મ પર્વોનું પઠન કરેલું એવો ઉલ્લેખ મળે છે. શાંતિપર્વમાં રાજ્યશાસ્ત્રના સિદ્ધાંતોનું લંબાણપૂર્વકનું વિવરણ છે.

મહાભારતનો સમય

પ્રાચીન ભારતની પરંપરાઓમાં કોઈ પણ કૃતિ કે કર્તાનાં સમય, સ્થળ કે નામનું મહત્વ નથી. તેથી ભારતીય પ્રાચીન ઈતિહાસમાં કોઈ ચોક્કસ તારીખ મળતી નથી. એક વાત મળે છે કે દ્વાપર યુગના અંતમાં આ યુદ્ધ થયું અને ત્યાર પછી થોડા જ સમયમાં કળિયુગનો પ્રારંભ થયો. પણ આ સમય કયો તે સાબિત કરવા ક્યાંય કોઈ પ્રમાણ નથી. આપણે ત્યાં વિદ્વાનોનું એક જૂથ (સી. વી. વૈદ્ય, સી. કે. રાજા આદિ) આ મહાયુદ્ધને ઈ.સ. પૂર્વે ૩,૧૦૦મા મૂકે છે. બીજું જૂથ (એ. કે. મઝુમદાર, અલ્તેકર, પુસાળકર આદિ) આ યુદ્ધ ઈ.સ. પૂર્વે ૧,૪૦૦ થી ૧,૦૦૦ ની સાલમાં મૂકે છે. મહાભારત સાથે પારંપરિક રીતે સંકળાયેલાં ઉત્તર ભારતનાં સ્થળોએ જે અવશેષો મળ્યા છે, તે ઈ.સ. પૂર્વે ૧,૦૦૦ થી ૫૦૦ સુધીના છે.

એમ જોઈએ તો વેદકાળમાં આ મહાભારત યુદ્ધનો ઉલ્લેખ નથી, પણ શાંતનું, વિચિત્રવીર્ય, ધુતરાષ્ટ્ર, પ્રતીપ વગેરે મહાભારતના રાજાઓના ઉલ્લેખો છે. પ્રાચીન બ્રાહ્મણગ્રંથોમાં શિખંડી, યજ્ઞસેન, પરીક્ષિત, જનમેજય, ભરત વગેરેના ઉલ્લેખો છે.

છાંદોગ્ય ઉપનિષદ જે ખૂબ પ્રાચીન છે, બુદ્ધની પહેલાંનું છે, તેમાં દેવકીપુત્ર કૃષ્ણ અને કુરુઓના ઉલ્લેખ છે. આશ્વલાયન ગૃહ્યસૂત્રમાં ભારત અને મહાભારત નામ મળે છે. સાંખ્યાયન શ્રોતસૂત્રમાં કુરુક્ષેત્રની લડાઈ અને પાંડવોનો ઉલ્લેખ છે. બૌધાયન ધર્મસૂત્રમાં યયાતિ ઉપાખ્યાન અને ગીતાનો શ્લોક છે. આ બધાં ધર્મસૂત્રનો કાળ ઈ.સ. પૂર્વે ૮૦૦ થી ૪૦૦ સુધીનો માની શકાય. મહાન વ્યાકરણશાસ્ત્રી પાણિનિ (આશરે ઈ.સ. પૂર્વે ૫૦૦ ) ભારત યુદ્ધ, વાસુદેવ,વ્યાસ અને તેમના શિષ્યો તથા મહાભારતનાં લગભગ બધાં પાત્રોથી પરિચિત છે.

પતંજલિ ઈ.સ. પૂર્વે ૨૦૦માં થયા. તે પણ આ બધાંથી પરિચિત છે. લગભગ આ જ અરસામાં થયેલા અશ્વઘોષ પોતાના વજ્રસૂચિક ઉપનિષદમાં મહાભારતમાંથી અવતરણ ટાંકે છે. ઈ.સ. પૂર્વે ૪થી સદીમાં ગ્રીક લોકોને મહાભારતની થોડી જાણ હતી.

મહાભારતમાં નક્ષત્રો છે, પણ રાશિઓનો ઉલ્લેખ મળતો નથી. એવી માન્યતા છે કે આપણે ત્યાં ગ્રીક લોકો આવ્યા પછી રાશિઓના નામ મળ્યા. એટલે મૂળ મહાભારત ગ્રીક લોકોના આગમન પહેલાં રચાયું હોવું જોઈએ.

આદિપર્વમાં વિશ્વામિત્રે નક્ષત્રગણના શ્રવણથી શરૂ કરી છે. બાળ ગંગાધર ટીળક આ પરથી આ સમય ઈ.સ. પૂર્વે ૪૫૦ હોય તેમ માને છે. એવું માનવને કારણો છે કે સમગ્ર મહાભારત એક જ સમયે નથી રચાયું પણ તેમાં જુદે જુદે સ્થળે અને સમયે ઉમેરા થતા ગયા છે. પાશ્ચાત્ય વિદ્વાન વિન્ટરનીત્ઝનો મત છે કે ઈ.સ. પૂર્વેની ચોથી સદીથી ઈ.સ. પછીની  ૪થી સદી વચ્ચે આ મહાભારતની રચના થઇ. સામાન્ય રીતે આજે આ મતને સ્વીકૃતિ મળી છે. જોકે મૂળ મહાભારતના અમુક ભાગ આ સમય કરતાં વધારે પ્રાચીન છે.

મહાભારતની કથા

કુરુ રાજા પ્રતીપનો પુત્ર શાંતનું એક પ્રજાવત્સલ અને બધા જ રજોચિત ગુણોથી ભરપૂર રાજા હતો. ગંગાએ તેની સાથે લગ્ન કર્યા, પણ શરત મૂકી કે એ જે કઈ કરે તે વિશે રાજાએ કોઈ પણ પ્રશ્ન ન કરવો. ત્યાર પછી ગંગાએ એક પછી એક એમ સાત પુત્રોને નદીમાં વહાવી દીધા. હવે રાજાની ધીરજ ખૂટી. આઠમા પુત્રના જન્મ વખતે રાજાએ એ વિશે પૂછ્યું. ગંગાએ સ્વર્ગના વસુઓને અવતરવું પડે તેવા મળેલા શાપની વાત વિગતથી કરી.  ગંગાએ આ વસુઓને જન્મ આપીપાણીમાં વહાવી  આ શાપથી મુક્તિ અપાવી હતી.  પણ શરત પ્રમાણે, આ આઠમા પુત્રને યોગ્ય સમયે પાછો આપવાની વાત કરી, ગંગાએ વિદાય લીધી. વર્ષો પછી આ પુત્ર દેવવ્રતને બધા જ અસ્ત્રશસ્ત્ર અને શાસ્ત્રમાં પ્રવીણ બનાવી, રાજાએ યોગ્ય તાલીમ આપી. ગંગાએ શાંતનુંને પાછો સોંપ્યો. શાંતનુંએ પુત્રની યોગ્યતા જોઈ તેનો યુવરાજપદે અભિષેક કર્યો.   

દેવવ્રતમાંથી ભીષ્મ

એક વાર રાજા શાંતનુંને ગંગામાં નાવ ચલાવી પાર લઇ જતી એક નિષાદરાજની કન્યા મસ્ત્યગંધા સત્યવતી તરફ અદમ્ય આકર્ષણ થયું. નિષાદરાજે શરત કરી કે પોતાના દોહિત્ર રાજગાદીનો વારસ બન તો જ આ લગ્ન થવા દે. રાજા શાંતનું વિમાસણમાં પડ્યો. ખબર પડતાં જ પિતૃભક્ત યુવરાજ દેવવ્રતે આ લગ્ન કરાવી દેવાનો નિશ્ચય કર્યો તેમણે પ્રતિજ્ઞા કરી કે રાજગાદી તો ન જ લેવી, પણ રાજગાદીનો સંભવિત વારસ  પણ આવે તે માટે આજીવન બ્રહ્મચર્ય પાળવું. આ પ્રતિજ્ઞાથી દેવવ્રતનું નામ પડયું ભીષ્મ. પિતાએ પ્રસન્ન થઇ પુત્રને ઈચ્છામૃત્યુનું વરદાન આપ્યું.

અંબિકા અને અંબાલિકા

શાંતનું અને સત્યવતીના બે પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય. ચિત્રાંગદ નાની ઉમરમાં ગાંધર્વો સામેની લડાઈમાં માર્યો ગયો. અતિભોગને લીધે અંબિકા અને અંબાલિકા નામની યુવાન પત્નીઓને રડતી મૂકી બીજો પુત્ર વિચિત્રવીર્ય પણ મૃત્યુ પામ્યો. સત્યવતીએ ભીષ્મને રાજ્યપદ ગ્રહણ કરવા ખૂબ સમજાવ્યા. ભીષ્મ તો પોતાની પ્રતિજ્ઞા પર અટલ રહ્યા. આખરે માતા સત્યવતીએ પોતાની કન્યાવસ્થામાં ઋષિથી થયેલા પુત્ર વ્યાસની ભીષ્મને ઓળખ આપી અને તેમની સમંતિથી વ્યાસને અંબિકા અને અંબાલિકા સાથે નિયોગ માટે નિયુક્ત કર્યા. એ પ્રાચીન કાળમાં જે  સ્ત્રીને સંતતિ ન હોય તે (વિધવા) સ્ત્રી પરિવારની સંમતિથી કોઈ વિદ્વાન અને સારા પરિવારના પુરુષને સંતતિ માટે નિમંત્રણ આપી શકતી. આ પ્રથા શાસ્ત્રસમંત અને લોકમાન્ય હતી.    

પાંડવોનો જન્મ

એ રીતે વ્યાસ સાથેના સંબંધથી અંબિકાને અંધ ધૃતરાષ્ટ્ર, અંબાલિકાને ફિક્કો પાંડુ અને વફાદાર દાસીને વિદૂર  નામના પુત્રો જન્મ્યા. પ્રાચીન પરંપરા પ્રમાણે અંધ હોવાથી જ્યેષ્ઠ પુત્ર ધૃતરાષ્ટ્રઓ રાજ્યાભિષેક ન થઇ શક્યો. રાજ્ય પાંડુને મળ્યું. ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધારનાં સુબલ્રાજની પુત્રી ગાંધારી સાથે થયાં, અને તેને સો પુત્રો અને એક પુત્ર થયાં. બીજી એક સ્ત્રીથી ધૃતરાષ્ટ્રને મુમુત્સુ નામનો પુત્ર થયો.

રાજા કુંતિભોજની પુત્રી કુંતીએ સ્વયંવરમાં પાંડુની વરણી કરી અને તેમનાં લગ્ન થયાં. મદ્ર દેશની પ્રથા પ્રમાણે કન્યાનું મૂલ્ય આપી મદ્ર રાજા શલ્યન  બહેન માદ્રી સાથે પાંડુએ બીજા લગ્ન કર્યા. પાંડુ સ્ત્રીસંગ કરે તો મૃત્યુ પામે એવો શાપ તેને લાગ્યો હતો, તેથી ભગ્નચિત્ત પાંડુ વનમાં ગયો. પતિની ઈચ્છા જાણી દુર્વાસાનું વરદાન પામેલી કુંતીએ અનુક્રમે ધર્મ, વાયુ અને ઇન્દ્ર નામનું દેવોથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન નામના પુત્રો મેળવ્યા. પતિએ માદ્રીનાં બાળકો માટે ઈચ્છા વ્યક્ત કરતાં કુંતીએ અનુક્રમે ધર્મ, વાયુ અને ઇન્દ્ર નામના દેવોથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન નામના પુત્રો મેળવ્યા. પતિએ માદ્રીનાં બાળકો માટે ઈચ્છા વ્યક્ત કરતાં  કુંતીએ માદ્રીને પણ આ મંત્ર આપ્યો અને માદ્રીએ બે અશ્વિનીકુમારોથી નકુળ અને સહદેવ નામના જોડિયા પુત્રો પ્રાપ્ત કર્યા.

એકવાર પાંડુને માદ્રીમાં આસક્તિ થઇ ગઈ અને શાપને લીધે તે મૃત્યુ પામ્યો. પોતાનાં નાણા બાળકો કુંતીને સોંપી માદ્રી સતી થઇ. પાંચે પુત્રો સાત્થે કુંતી હસ્તિનાપુર પાછી આવી. હવે ધૃતરાષ્ટ્ર અને પાંડુના બાળકો સાથે ઉછરતા રહ્યા અને અંદર અંદરની ઈર્ષા અને તેજોદ્વેષ વધતાં રહ્યા.  

વરદાનનું પારખું – કર્ણનો જન્મ

દુર્વાસાએ આપેલા વરદાનનું પારખું કરવા કુંતીએ કન્યાવસ્થામાં સૂર્યને આમંત્ર્યા હતા અને તે રીતે તેને સૂર્યથી એક પુત્ર થયો હતો. કુંવારી અવસ્થામાં આમ બન્યું તેથી ડર અને લજ્જાને વશ થઇ તેણે પેટીમાં પુત્રને મૂકી નદીમાં વહાવી દીધો હતો. કૌરવોના સારથિ અધિરથને આ પુત્ર મળ્યો. તેણે તેને ઉછેરીને મોટો કર્યો. સૂતપુત્ર (સારથિનો પુત્ર) કહેવાતો અને સારથિની પત્ની રાધાએ ઉછેરેલો (રાધેય) કર્ણ સહજ ર્રીતે જ પ્રતાપી અને બળવાન વીર થયો.

પાંડવો અને કૌરવોની અસ્ત્રવિદ્યાની પરીક્ષા ચાલતી હતી ત્યારે અર્જુને જે શસ્ત્રકૌશલ્ય બતાવ્યું હતું તે બધુ જ કર્ણે પણ દેખાડી આપ્યું.પણ એ વખતે જાહેર થયું કે અર્જુન જેવા અણીશુદ્ધ ક્ષત્રિય રાજકુમારનો મુકાબલો તો બીજો એવો સમોવડિયો રાજકુમાર જ કરી શકે, સૂતપુત્ર કર્ણ નહિ. કર્ણને આ અપમાન અને લજ્જાથી દુર્યોધને બચાવી તરત જ તેનો અંગદેશના રાજા તરીકે અભિષેક કરી દીધો ત્યારથી મહાપ્રતાપી કર્ણ દુર્યોધનનો મિત્ર બની રહ્યો. કદાચ દાસ કહેવાય એટલી હદ સુધી.

લાક્ષાગૃહ પ્રસંગ

દુર્યોધનને પાંડવો સાથે સાહજિક વેર હતું. તેણે પાંડવોને તેમની માતા સહિત મારી નાખવાનું કાવતરું ઘડ્યું. પિતાને સમજાવી પાંડવોને વારણાવત નામના ગામમાં વિહાર માટે મોકલ્યા. ત્યાં તેણે જ્વલનશીલ પદાર્થોથી એક સુંદર મહેલ (લાક્ષાગૃહ) બનાવ્યો હતો. પણ પાંડવોને તો વિદુરે ચેતાવી દીધા હતા. મોકો જોઈ તેઓ પોતે જ આ મહેલને આગ લગાવી નાસી છૂટ્યા. બધાંને થયું કે આ અકસ્માતમાં પાંડવો મૃત્યુ પામ્યા. આ વખતે વનમાં ભીમને હિડિંબા નામનીઈચ્છાવેશ ધરનારી રાક્ષસી સાથે સમાગમ થયો અને   તેમને એક પુત્ર થયો, નામે ઘટોત્કચ.

દ્રૌપદી સ્વયંવર

પાંડવો છુપે વેશે ફરતા રહ્યા. એક્ચાક્રા શહેરમાં એક મનુષ્યભક્ષી રાક્ષસ બકનો ખૂબ ત્રાસ હતો. વિપત્તિમાં પણ કુંતા રક્ષણ  કરવાનો પોતાનો ક્ષત્રિયધર્મ ભૂલી નહિ, અને તેની પ્રેરણાથી ભીમે આ રાક્ષસને મારી નાખ્યો. ત્યાં તો તેમણે પાંચાલરાજ દ્રુપદની યજ્ઞની વેદીમાથી ઉત્ત્પન્ન થયેલી પરમ સુંદરી પુત્રી દ્રૌપદીના સ્વયંવરની વાત સાંભળી. પાંડવો પણ ત્યાં છુપા  વેશે પહોંચ્યા. સમગ્ર આર્યાવર્તના વીર પુરુષો ત્યાં આવ્યા હતા. પણ શરત પ્રમાણેનો મસ્ત્યવેધ કોઈ કરી શક્યું નહીં. અહીં આવેલા છૂપા વેશધારી પાંડવોને શ્રીકૃષ્ણ ઓળખી ગયા હતા. આ સભામાં દ્રૌપદીએ કર્ણને સૂતપુત્ર કહી તે મસ્ત્યવેધ કરવા જાય તે પહેલાં તેનો ઇન્કાર કરી દીધો. છેવટે અર્જુને મસ્ત્યવેધ કરી શરત પૂરી કરી ત્યારે દ્રૌપદીએ તેને વરમાળા પહેરાવી અકિંચન છતાં કુલીન વીરની સ્વીકાર કર્યો.

બધા ભાઈઓ ઉતારે ગયા ત્યારે બારણું ખોલતાં પહેલાં માતાએ લાવેલી વસ્તુને બધાએ સમાન ભાગે વહેંચી લેવી એમ વાત કરી. હવે? મૂળ તો બધા જ ભાઈઓ દ્રૌપદીના સૌંદર્ય પર મુગ્ધ થયા હતા. છેવટે અણધાર્યું બન્યું અને દ્રૌપદીના લગ્ન પાંચે ભાઈઓ સાથે થયાં.

ઇન્દ્રપ્રસ્થ – સુભદ્રા – અભિમન્યુ

ધ્રુતરાષ્ટ્રે હવે પાંડવો ને તેમનો રાજભાગ આપ્યો. શ્રીકૃષ્ણની પ્રેરણા અને માર્ગદર્શન લઇ પાંડવોએ ઇન્દ્રપ્રસ્થ નામનું નવું સુંદર અને વૈભવશાળી નગર વસાવ્યું. નારદની સલાહને અનુસરી પાંચે ભાઈઓએ મર્યાદા બાંધી કે દ્રૌપદી સાથે કોઈ પણ એક પાંડવ એકાંતવાસમાં હોય  ત્યારે બીજાએ જ જવું.  અને જો જાય તો તેણે બાર વરસનો વનવાસ વેઠવાનો. યોગાનુયોગ અર્જુનને જ એવા સંજોગોમાં ત્યાં શસ્ત્રો લેવા જવું પડ્યું. પ્રતિજ્ઞા ખાતર તે વનવાસે ગયો, જ્યાં તે ઉલૂપી અને ચિત્રાંગદાના સહવાસમાં આવ્યો. ફરતાં ફરતાં યાદવોના દેશમાં તેણે સુભદ્રાને જોઈ અને મુગ્ધ થઇ ગયો. શ્રી કૃષ્ણની સલાહ લઇ તે અને સુભદ્રા નાસી છૂટ્યા. બળરામ અને અન્ય યાદવોનો ક્રોધ શ્રીકૃષ્ણે શમાવ્યો. વાત શાંત પાડી. દ્રૌપદીએ પણ શ્રીકૃષ્ણની બહેનને અપનાવી. સુભદ્રાને એક પુત્ર થયો. તેનું નામ અભિમન્યુ. એ દ્રૌપદીને પાંચ પુત્રો થયા. અર્જુને શ્રીકૃષ્ણની સહાયથી અગ્નિનું કામ કરવા ખાંડવવન બાળ્યું અને અગ્નિ પાસેથી અમોઘ શસ્ત્રો મેળવ્યાં.

રાજસૂય યજ્ઞ – શિશુપાલ વધ

યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞની સમાપનવિધિ વખતે ક્યાં વરિષ્ઠ પુરુષને પહેલો અર્ઘ આપવો તેની ચર્ચાવિચારણા વખતે ભીષ્મે શ્રીકૃષ્ણ ઉપર પસંદગી ઉતારી. શિશુપાલ ખૂબ ચિડાઈ ગયો અને છેવટે શ્રીકૃષ્ણે તેનો વધ કર્યો.  યજ્ઞમાં આ વિઘ્ન આવવાથી યુધિષ્ઠિરને ચિંતા થઇ. ભવિષ્યમાં યુદ્ધનો ભય નિવારવા કટિબદ્ધ થઇ હંમેશાં સારું વર્તન જ રાખવાનું નક્કી કર્યું.  

અંધત્વ અને ધૃતસભા

પણ યુધિષ્ઠિરની ઝળહળતી લક્ષ્મી અને સમૃદ્ધિ જોઈ  દુર્યોધનને ભયંકર ઈર્ષા થઇ. તેમાં વળી સભાગૃહમાં જળને સ્થળ માની ચાલ્યો, દ્વાર ખુલ્લું છે કે બંધ તેમાં છેતરાયો, અને તેને રસ્તો ન મળવાથી ભટકાઈ ગયો. સહદેવે તેની હાથ પકડી રસ્તો બતાવ્યો. આ વખતે ભીમ, અર્જુન, નકુળ, સહદેવ, નોકરચાકર અને શ્રીકૃષ્ણ પણ હસ્યા હતા. દ્રૌપદી અબે બીજી સ્ત્રોઓ પણ હસી. ભીમે તેને આંધળાનો પુત્ર કહ્યો, દ્રૌપદીએ નહીં. હસ્તિનાપુર પહોચ્યા પછી દુર્યોધન અને તેના મળતીયાઓ (શકુનિ, દુ:શાસન, કર્ણ વગેરે) એ કપટથી યુધિષ્ઠિરને હરાવવા યુક્તિ કરી. ધુતસભાનું આયોજન કરી વિદૂરને જ યુધિષ્ઠિરને તેડું કરવા મોકલ્યા. આહવાન આપ્યું છે માટે ના ન પાડવી એવો નિયમ લઈને બેઠેલા યુધિષ્ઠિર ભાઈઓ અને દ્રૌપદી સહીત હસ્તિનાપુર આવ્યા. યુધિષ્ઠિર ભાઈઓ અને દ્રૌપદી સહિત હસ્તિનાપુર આવ્યા.

યુધિષ્ઠિર સામે દુર્યોધનને બદલે મહાધૂર્ત શકુનિએ કપટથી યુધિષ્ઠિરની સમગ્ર સંપત્તિ લઇ લીધી. હાર્યો જુગારી બમણું રમે એ રીતે યુધિષ્ઠિર ભાઈઓ અને દ્રૌપદીને પણ દાવમાં લગાડી બધું જ હારી બેઠા. આર્યાવર્તમાં જ બનાવાનું બન્યું અને રજ્સ્વાલા એકવસ્ત્રા દ્રૌપદીને દુ:શાસને રાજસભામાં ઘસડી આણી. દ્રૌપદીને દયા કે ન્યાય તો ક્યાંયથી મળ્યાં જ નહીં. પણ કર્ણે તો દાસ થઇ ગયેલા પાંડવો અને દ્રૌપદીનાં વસ્ત્રો ઉતારી લેવાનું દુ:શાસને કહ્યું. ચીર ખેંચવા લાગતાં દ્રૌપદીએ શ્રીકૃષ્ણનું સ્મરણ શરૂ કર્યું અને અનેક રંગબેરંગી વસ્ત્રો તેને છાઈ રહ્યાં.

મહાભારત : ભીમની પ્રતિજ્ઞા

આ વખતે ભીમસેને દુ:શાસનની છાતી ચીરી લોહી પીવાની પ્રતિજ્ઞા કરી. ભીષ્મે દ્રૌપદીને યુધિષ્ઠિર પાસે  જ સત્ય અને ન્યાય માગવા કહ્યું. બીજું કોઈ કશું જ બોલ્યું નહીં, ફક્ત વિકર્ણ જ દ્રૌપદીના પક્ષે બોલતો રહ્યો. કર્ણે દ્રૌપદીને આવા નિર્માલ્ય પતિઓછોડી બીજા બીજા વરી લેવા સલાહ આપી અને દુર્યોધને પોતાની સાથળ બતાવી. આ વખતે ભીમે ગદા વડે આ સાથળ ભાંગવાની પ્રતિજ્ઞા કરી. છેવટે અપશુકનોથી ગભરાઈને અને ગાંધારી અને વિદુરની સમજાવટથી ધૃતરાષ્ટ્રે દ્રૌપદીને વરદાન આપી બધા પાંડવોનની મુક્ત કર્યા, રાજ પાછું આપ્યું. પાંડવો પાછા પોતાને સ્થાને જવા નીકળી ગયા. દુ:શાસનની ચડામણીથી દુર્યોધન, કર્ણ અને શકુનિએ ફરીથી સમજાવી પાંડવોને ફરી જુગાર રમવા તેડાવ્યા. આ વખતે  જે હારે તે બાર વર્ષ વનવાસ વેઠે અને એક વર્ષ અજ્ઞાતવાસમાં રહે, અને જો એ વખતે ઓળખાઈ જાય તો ફરી બાર વર્ષનો વનવાસ વેઠે એવી શરત થઇ. થવાનું હતું તે જ થયું. પાંડવો અને દ્રૌપદી વનવાસમાં ગયાં, માતા કુંતી હસ્તિનાપુરમાં રહ્યા.  

મહાભારત : પાંડવોની યાત્રા

આ વખતે શ્રીકૃષ્ણ શાલ્વ સામેના યુદ્ધમાં રોકાયેલા હતા, નહીંતર એ જરૂર આ અનિષ્ટકારી જુગાર બંધ કરાવત. વનમાં ભીમ રાક્ષસોને મારતો રહ્યો અને અવનવાં પરાક્રમો કરતો રહ્યો. વનમાં રહીને યુધિષ્ઠિર અનેક ઋષિમુનિઓને મળીને ધર્મની ચર્ચાવિચારણા અવિરતપણે કરતા રહ્યા. વનમાં સુખેદુઃખે પાંડવો રહેતા હતા. યુધિષ્ઠિરે અર્જુનને દિવ્ય અસ્ત્રો લાવવાની સૂચના કરી. અર્જુને તપ અને સાધના કરી પાશુપતાસ્ત્ર, લોકપાલ દેવોનાં શસ્ત્ર મેળવ્યાં અને ઇન્દ્રને ત્યાં જઈ અસ્ત્રશસ્ત્ર અને સંગીતની યોગ્ય તાલીમ લીધી. ઋષિમુનિઓ અનેકવિધ કથાઓ અને આખ્યાનો કહી પાંડવોનું મન બહેલાવતા રહ્યા. પાંડવોએ કેટલાંયે તીર્થોની યાત્રા પણ કરી.

પાંડવો ફરતાં ફરતાં દ્વેતવનમાં પહોંચ્યાં. દુર્યોધન પિતાને સમજાવી રસાલા સાથે ગાયોના ધણ અને નેસડાની તપાસ કરવા ઘોષણયાત્રાનું બહાનું કાઢી દ્વેતવનમાં પહોંચ્યો. ત્યાં ગાંધર્વો સાથેની લડાઈમાં કૌરવો  હારી ગયાં અને પકડાયા. આખરે યુધિષ્ઠિરે બધાને છોડાવ્યા. જયદ્રથે દ્રૌપદીને વનમાં જોઈ તેના મોહમાં ભાન ભૂલી તેનું હરણ કર્યું. પાંડવોએ જયદ્રથને હરાવી પત્નીને બચાવી લીધી. જયદ્રથે તપ કરી શંકર પાસેથી વરદાન મેળવ્યું કે અર્જુન સિવાય ચારે પાંડવભાઈઓને રણમાં રોકી શકશે.

મહાભારત : પાંડવોનો અજ્ઞાતવાસ

અર્જુનના પિતા ઇન્દ્ર બ્રાહ્મણવેશે કર્ણના કવચ અને કુંડળ માગવા આવવાના છે એ માહિતી કર્ણને તેના પિતા સૂર્યે આપી હતી. પણ કર્ણે યાચકને દાન આપ્યું જ. બદલામાં કોઈને પણ મારી શકે તેવી અમોઘ શક્તિ (એ નામનું હથિયાર) ઇન્દ્રે તેને આપી.

બધા પાંડવભાઈઓ વિરાટ રાજા મત્સ્યના દરબારમાં ગુપ્ત વેશે રહ્યા, યુધિષ્ઠિર ધૃતના જ્ઞાતા કંક બ્રાહ્મણ બન્યા. ભીમ કુશળ મલ્લ અને રસોઈયો બલ્લવ બન્યો. સહદેવે ગીતનૃત્ય શીખવનાર શંઢ બૃહન્નલા નો વેશ લીધો. સહદેવે ગાયોને પારખનાર તંતિપાલની ભૂમિકા સ્વીકારી અને નકુળ અશ્વોનો જાણકાર ગ્રંથિક બન્યો. દ્રૌપદી પણ કળાકૌશલ્યથી સજ્જ સ્વતંત્ર દાસી સૈરંધ્રી રૂપે ત્યાંના રાણીવાસમાં રહી. અહીં પણ કષ્ટ આવ્યું જ. રાણીના ભાઈ કીચકની મતિ દ્રૌપદી પર બગડી અને આખરે ભીમે તેનો વધ કરવો પડ્યો. કીચક વગરના રક્ષણહીન રાજ્ય પર ત્રિગર્તરાજ સુશર્માએ હુમલો કર્યો અને વિરાટરાજને પકડી લીધો. આખરે ભીમે તેને છોડાવ્યો. આ અરસામાં દુર્યોધને હુમલો કરી વિરાટનું ગોધન હરી લીધું ત્યારે બૃહન્નલાએ રાજપુત્ર ઉત્તર સાથે જઈ કૌરવસૈન્ય સાથે લડાઈ કરી જીત મેળવી. બૃહન્નલાએ પોતાની અર્જુન તરીકેની સાચી ઓળખાણ ઉત્તરને આપી હતી.

આખરે અજ્ઞાતવાસની મુદત પૂરી થતાં પાંડવો વિરાટના દરબારમાં છતાં થયાં. વિરાટે પોતાની પુત્રી ઉત્તરા અર્જુનને આપવા ઈચ્છા કરી, પણ અર્જુને તેની ના પાડી ઉત્તરાને પુત્રવધૂ તરીકે સ્વીકારી. ઉત્તરા અને અભિમન્યુનાં ધામધૂમથી લગ્ન થયાં.   

મહાભારત : યુદ્ધ પૂર્વેની મંત્રણા

યુદ્ધના ભણકારા વાગી રહ્યા. રાજાઓને દૂત મોકલાતા રહ્યા. સંદેશા આવતા – જતાં રહ્યાં. પક્ષ થતા રહ્યા.  નારાયણીય યોદ્ધાઓ અને બીજી બાજુ નિઃશસ્ત્ર અને યુદ્ધ ન કરનાર  પોતે, એમ બે વિકલ્પો અર્જુનને આપ્યા. અર્જુને શ્રીકૃષ્ણની માગણી કરી, તેથી દુર્યોધન બીજો વિકલ્પ પામી ખુશ થયો. યુદ્ધ પહેલાં પાંડવોએ પાંચ ગામ માગી સંધિની વાત મૂકી. જેનો દુર્યોધને ઇન્કાર કર્યો. છેવટે યુદ્ધ નિવારવા આખરી પ્રયત્ન કરવા શ્રીકૃષ્ણ સંદેશવાહક તરીકે ગયા. પણ આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો. આ વખતે શ્રીકૃષ્ણે કર્ણને તેના જન્મની યાદ આપી પાંડવોના પક્ષમાં જવાની વાત મૂકી. કર્ણે તેનો સાફ કર્યો. કુંતા પણ કર્ણ પાસે આ જ વાત લઈને પહોંચી. કર્ણે તેના ચાર પુત્રોને અભયદાન આપ્યું અને અર્જુન યુદ્ધમાં મૃત્યુ પામે તો કુંતી પાસે પાંચમા પુત્ર તરીકે પાછો આવશે. તેની ખાતરી આપી.

યુદ્ધનો આરંભ

ભીષ્મ કૌરવસૈન્યના સેનાધિપતિ બન્યા. મહારથીઓની  ગણનામાં ભીષ્મે કર્ણની ગણના ન કરી તેથી અપમાનિત થઇ કર્ણે ભીષ્મ જીવંત હોય ત્યાં સુધી રણનો ત્યાગ કર્યો. ભીષ્મની યુદ્ધ વખતે બે શરત હતી – પોતે પાંડુપુત્રોને નહિ મારે  અને સ્ત્રીધર્મી કે સ્ત્રી રહી ચુકેલાની સામે યુદ્ધ નહીં કરે. દ્રૌપદીનો એક ભાઈ શિખંડી પૂર્વે જન્મે કાશીરાજની કન્યા અંબા હતો, જેને વિચિત્રવીર્ય માટે ભીષ્મ સ્વયંવર સભામાંથી ઉપાડી ગયા હતા. ભીષ્મનાં કારણે અંબાએ જેને વરવા ઈચ્છા રાખી હતી તે શાલ્વે તેનો સ્વીકાર ન કયો. અપમાન, ક્રોધ અને વેરની આગમાં અંબાએ જીવનત્યાગ કર્યો હતો. શિખંડી જન્મે સ્ત્રી જ હતો અને પાછળથી  યજ્ઞની દયાથી પુરુષ બન્યો હતો. પાંડવ સેનામાં ધૃષ્ટદ્યુમ્ન સેનાધિપતિ નિમાયો.

ભીષ્મ કૌરવસૈન્યના સેનાધિપતિ બન્યા. મહારથીઓની  ગણનામાં ભીષ્મે કર્ણની ગણના ન કરી તેથી અપમાનિત થઇ કર્ણે ભીષ્મ જીવંત હોય ત્યાં સુધી રણનો ત્યાગ કર્યો. ભીષ્મની યુદ્ધ વખતે બે શરત હતી – પોતે પાંડુપુત્રોને નહિ મારે  અને સ્ત્રીધર્મી કે સ્ત્રી રહી ચુકેલાની સામે યુદ્ધ નહીં કરે. દ્રૌપદીનો એક ભાઈ શિખંડી પૂર્વે જન્મે કાશીરાજની કન્યા અંબા હતો, જેને વિચિત્રવીર્ય માટે ભીષ્મ સ્વયંવર સભામાંથી ઉપાડી ગયા હતા. ભીષ્મનાં કારણે અંબાએ જેને વરવા ઈચ્છા રાખી હતી તે શાલ્વે તેનો સ્વીકાર ન કયો. અપમાન, ક્રોધ અને વેરની આગમાં અંબાએ જીવનત્યાગ કર્યો હતો. શિખંડી જન્મે સ્ત્રી જ હતો અને પાછળથી  યજ્ઞની દયાથી પુરુષ બન્યો હતો. પાંડવ સેનામાં ધૃષ્ટદ્યુમ્ન સેનાધિપતિ નિમાયો.

ઘોર યુદ્ધની શરુઆત પહેલાં જ શ્રીકૃષ્ણે હતબુદ્ધિ અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ કરી કર્તવ્યનનું ભાન કરાવ્યું. ત્યાર પછી યુધિષ્ઠિરે પગપાળા કૌરવ સૈન્યમાં જઈ ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય અને શલ્યના આશીર્વાર લીધા. યુદ્ધનો આરંભ થયો. ઘોર યુદ્ધના નવમા દિવસને અંતે યુધિષ્ઠિર ભીષ્મની જ સૂચના પ્રમાણે શિખંડીને આગળ કરી પાછળથી અર્જુને બાણવર્ષા કરી અને ભીષ્મ પડ્યા. સૂર્ય દક્ષિણાયનનો હોવાથી ઈચ્છામૃત્યુનું વરદાન પામેલા ભીષ્મે બાણશૈય્યા પર રહેવાનું પસંદ કર્યું. પછી ભીષ્મે કર્ણને પાંડવો સાથે સુલેહ કરવાની શિખામણ આપી, જે કર્ણે માન્ય ન રાખી. છેવટે ભીષ્મે તેને આશીર્વાદ આપી રણમાં મોકલ્યો.

મહાભારત : યુદ્ધ – દ્રોણ બન્યા સેનાધિપતિ

કર્ણની સલાહથી હવે દ્રોણ કૌરવસેનાધિપતિ થયાં. દ્રોણ અને બીજા પાંચ મહારથીઓએ મળીને ચક્રવ્યૂહ ભેદવા  ગયેલા અભિમન્યુને મારી નાખ્યો ત્યારે જયદ્રથે બીજા પાંડવોને અભિમન્યુની સહાય માટે જતા રોકી રાખ્યા હતા. અર્જુને ભીષણ ક્રોધ અને શોકના આવેગમાં બીજો દિવસ પૂરો થતાં પહેલાં જયદ્રથવધની પ્રતિજ્ઞા કરી. પ્રતિજ્ઞાપાલન ન કરી શકે તો પોતે પ્રાણત્યાગ  કરવાનો નિશ્ચય કર્યો. બીજે દિવસે સુરક્ષિત રહેલા જયદ્રથ સુધી પહોંચવું ખૂબ  કઠિન હતું.  પણ શ્રીકૃષણે યોગનું વિધાન કરી યુક્તિથી જયદ્રથને સૂર્ય અસ્ત પામ્યો છે એમ બતાવ્યું. એટલે તે થોડો બેદરકાર બન્યો. ત્યાં અર્જુનના બાણે તેનું મસ્તક ઉડાવી સમંતપંચકની બહાર તેનો પિતા વૃદ્ધક્ષત્ર ઉપાસનામાં હતો તેના ખોળામાં પાડ્યું. તે ઊભો થયો ત્યારે તે મસ્તક નીચે  પડ્યું અને વરદાન પ્રમાણે જયદ્ર્રથના પિતાને  મસ્તના સો ટુકડા  થઈ ગયા.

ભીમના પુત્ર ઘટોત્કચના ભયંકર પરાક્રમી કર્મોથી કૌરવસેનાનું રક્ષણ કરવા કર્ણે ઇન્દ્ર પાસેથી મેળવેલી અમોઘ શક્તિ વાપરવી પડી.

અશ્વત્થામા હણાયો ?

શ્રી કૃષ્ણને વિચાર આવ્યો કે દ્રોણના હાથમાં શસ્ત્ર છે ત્યાં સુધી કોઈ તેમને જીતી શકે તેમ નથી. આ મહાસંહાર અટકાવવો કેવી રીતે? આખરે યુધિષ્ઠિરને સમજાવી ‘અશ્વત્થામા હણાયો’ તેવી બૂમ પાડી. ખરેખર અશ્વત્થામા હાથીની હત્યા થઇ હતી. દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને સત્યવાદી માની સાચી વાત જાણવા માગી. યુધિષ્ઠિરે ‘અશ્વત્થામા હણાયો’ એમ મોટેથી કહ્યું અને પછી ધીમેથી કહ્યું : ‘હાથી હણાયો.’ પણ આમ કહેવાથી યુધિષ્ઠિરનો રથ જે જમીનથી ઉપર ચાલતો હતો, તે હવે જમીન પર આવી ગયો. દ્રોણે શસ્ત્ર ત્યાગ કરી યોગનો આશ્રય કરી દેહત્યાગ કરી દીધો. ધૃષ્ટદ્યુમ્ને તેમનું માંથી કાપી નાખ્યું. અશ્વસ્થામાએ ક્રોધથી નારાયણાસ્ત્રનો પ્રયોગ કર્યો. શ્રીકૃષ્ણે યુદ્ધની પ્રવૃત્તિ બંધ કરી આ શસ્ત્રની શાંતિ કરી.

કર્ણ સેનાધિપતિ

સોળમે દિવસે કર્ણને સેનાધિપતિ નીમવામાં આવે છે. અર્જનને શ્રી કૃષ્ણ જેવા સમર્થ સારથિનું પીઠબળ હતું. તેથી કર્ણે દુર્યોધન પાસે એવા સમર્થ સારથિ – સાથીનું માગણી કરી અને શલ્યનું એ માટે નામ સૂચવ્યું. શલ્ય તો રાતોપીળો થઇ ગયો. દુર્યોધને તેને માંડ સમજાવી રાજી કર્યો. યુધિષ્ઠિર કર્ણના પરાક્રમથી ડરી ગયા હતા. તેમને ખબર પડી કે અર્જુન કર્ણનો વધ હજુ સુધી કરી શક્યો નથી, ત્યારે તેમણે તેના બળને ધિક્કારી ગાંડીવ શ્રીકૃષ્ણને સોંપી દેવાની વાત કરી.

અર્જુનનો નિયમ હતો કે ગાંડીવ બીજાને સોંપવાની વાત કરે તેને મારી નાખવો. શ્રી કૃષ્ણ વચ્ચે પડી વડીલનું અપમાન કરવાની સલાહ આપી, કારણ કે એ મૃત્યુ આપવા જેવું જ છે. અર્જુને યુધિષ્ઠિરનું અપમાન કર્યું અને પછી શરમથી પોતે જીતવાની ઈચ્છા ન કરી. ફરી શ્રીકૃષ્ણે રસ્તો કાઢ્યો કે આપબડાઈ હાંકવી એ પણ મૃત્યુ સમાન જ છે. આમ બંને ભાઈઓની બોલાચાલી શાંત થઇ. કર્ણને ગુરુ પરશુરામનો શાપ હતો – અંત સમયે પૃથ્વી રથનું પૈડું ગળતી જશે અને કર્ણ તેની વિદ્યા ભૂલી જશે. શ્રીકૃષ્ણે કર્ણના પહેલાંનાં કુકર્મોની યાદ અપાવી અર્જુનને કર્ણવધ માટે પ્રેરણા કરી.

ઘોર સંહાર

અશ્વત્થામાની સલાહથી શલ્ય કૌરવસેનાધિપતિ તો થયો પણ યુધિષ્ઠિરના હાથે હણાયો. મહાભારત નો ઘોર સંહાર ચાલતો રહ્યો. આ વખતે દુર્યોધન રણ છોડી બાજુના પાણીના એક ધરામાં છુપાઈ ગયો. ત્યાં આવીને યુધિષ્ઠિરે તેને પ્રસ્તાવ  આપી દીધો કે કોઈ પણ એક પાંડવને હરાવે કે તેનો વધ કરો તો બધું રાજ્ય પાછું દુર્યોધનનું. દુર્યોધન પણ રાજા હતો અને તેને સારી રીતે રાજ ચલાવી લોકોને પ્રસન્ન પણ કર્યા હતા. ભીમને હરાવવા તેણે ઘણી તાલીમ પણ લીધી હતી.  તેથી તેણે ગદાધારી ભીમ સાથે લડવાનું પસંદ કર્યું. ભીમ તેને સીધી રીતે હરાવી શકે તેમ ન હતો. અર્જુનનો ઈશારો સમજી ભીમે દુર્યોધનના સાથળ પર ગદા મારી અને દુર્યોધન પડ્યો.

ગદાયુદ્ધના નિયમોનો આવો ભંગ જોઈ યાત્રા કરીને પાછા આવેલા બંને પ્રતિસ્પર્ધીઓના ગુરુ બલરામ ખૂબ ચિડાઈ ગયા. છેવટે શ્રીકૃષ્ણે બધાને શાંત પાડ્યા. દુર્યોધન મર્યો ન હતો. રાતે આવેલા અશ્વત્થામાનો તેણે સેનાપતિપદે અભિષેક કર્યો. તે રાતે પાંડવોને લઇને શ્રીકૃષ્ણ છાવણી બહાર રહ્યા. તેથી તેણે ગદાધારી ભીમ સાથે લડવાનું પસંદ કર્યું. ભીમ તેને સીધી રીતે હરાવી શકે તેમ ન હતો. અર્જુનનો ઈશારો સમજી ભીમે દુર્યોધનના સાથળ પર ગદા મારી અને દુર્યોધન પડ્યો. ગદાયુદ્ધના નિયમોનો આવો ભંગ જોઈ યાત્રા કરીને પાછા આવેલા બંને પ્રતિસ્પર્ધીઓના ગુરુ બલરામ ખૂબ ચિડાઈ ગયા. છેવટે શ્રીકૃષ્ણે બધાને શાંત પાડ્યા. દુર્યોધન મર્યો ન હતો. રાતે આવેલા અશ્વત્થામાનો તેણે સેનાપતિપદે અભિષેક કર્યો. તે રાતે પાંડવોને લઇને શ્રીકૃષ્ણ છાવણી બહાર રહ્યા.

મહાભારત યુદ્ધ ચરમસીમાએ

દ્રૌપદીને બિચારીને ફરી સર્વસ્વના નાશનું દુઃખ આવી પડ્યું. તેનો શોક શાંતિ કરવા ભીમ અને તેની પાછળ અર્જુન અને શ્રીકૃષ્ણ અશ્વત્થામાની શોધમાં ગયા. અશ્વત્થામાએ પાંડવોના વિનાશનો સંકલ્પ કરી બ્રહ્માસ્ત્ર છોડ્યું. અર્જુને બધાનું ભલું ઈચ્છી સામે બ્રહ્માસ્ત્ર છોડ્યું. આખરે નારદ અને વ્યાસે આવી બધાંને શાંત પાડ્યાં. અશ્વત્થામાનું અસ્ત્ર તો ઉત્તરાના ગર્ભ પર પડ્યું હતું. શ્રીકૃષ્ણે નિર્દય અશ્વત્થામાનો માથાનો મણી કાઢી લઇ ત્રણ હજાર વર્ષ સુધી નિર્જન પ્રદેશોમાં  ગંધાતા પરુવાળા શરીર સાથે ભટકતા રહેવાનો શાપ આપી જવા દીધો.

ધૃતરાષ્ટ્રે તો પુત્રપ્રેમમાં આંધળા બની સર્વનાશ નોતરી દીધો હતો. ગાંધારીએ દુર્યોધનને સમજાવવા ઘણી કોશિશ કરી હતી. યુદ્ધમાં જતા દુર્યોધનને આશીર્વાદ તો ધર્મન જય થાય એમ આપ્યા હતા. એ જાણવા છતાં કે દુર્યોધનના પક્ષે ધર્મ ન હતો. બંને શોકમગ્ન હતાં. પાંડવો અને શ્રીકૃષ્ણ અંધ રાજાને મળવા આવ્યા. શિષ્ટાચાર પ્રમાણે ભાઈઓને ભેટતાં ધૃતરાષ્ટ્રના આલિંગનમાં છેક છેલ્લી ઘડીએ શ્રીકૃષ્ણે ભીમને બદલે તેની લોખંડી મૂર્તિ ધરી દીધી. દુઃખ, શોક અને ક્રોધથી ઘેરાયેલા મહાબલી ધૃતરાષ્ટ્રે આ મૂર્તિ કચડી નાખી. બધું સમજવા છતાં શોકાતપ્ત ગાંધારીએ રણભૂમિનું ભયંકર દ્રશ્ય જોઈ શ્રીકૃષ્ણને પણ શાપ આપી દીધો કે છત્રીસમે વર્ષે યાદવોનો પણ આવો જ કરુણ નાશ થશે અને શ્રીકૃષ્ણનું પણ અજ્ઞાન અને નીદ્ય મૃત્યુ થશે.  

ગાંધારીનો શ્રાપ

શ્રીકૃષ્ણ મહાભારત યુદ્ધના નાયક નથી, છતાં તેમની જ મહત્તાનો ઉલ્લેખ અનેક પાત્રોએ અનેક વાર કર્યો છેઓ જ્યાં શ્રી કૃષ્ણ છે ત્યાં ધર્મ છે; અને જ્યાં ધર્મ છે, ત્યાં જ જય છે. પાંડવો ધર્મનું રક્ષણ કરી ધર્મમૂલક રાજ્યવ્યવસ્થા સ્થાપી શકે તે માટે કાયમ પાંડવોને માર્ગદર્શન અપાતા રહ્યા. કેટલીયે કટોકટીઓ પણ નિવારી. અહીં જ તેમનું પુરુષોત્તમ યોગાચાર્ય રૂપે દર્શન થાય છે.

ભારતની સંસ્કૃતિના રક્ષણ માટેની ફરજ પૂરી કરવા પાંચજન્ય શંખનો ઘોષ પણ ગજવ્યો છે અને જરૂર પડે ત્યારે સહાયનું વચન પણ આપ્યું છે. જનમાનસના લાડીલા બંસીના બજવૈયાએ પાંચજન્યનો ઘોષ કરી ગાંધારીનો સર્વનાશી શાપ પણ એવા જ નિર્વિકાર ચિત્તથી માથે ચડાવ્યો છે.

મહાભારત યુદ્ધ : અધર્મનું થયું આચરણ

આ ઘોર મહાભારત યુદ્ધમાં બંને પક્ષો ધર્મયુદ્ધના નિયમો બાજુએ મૂકીને લડ્યા હતા. બંનેએ અધર્મ આચર્યા હતા.  પણ હવે યુધિષ્ઠિર દ્વારા બંને પક્ષોના મૃત્યુ પામેલા બધા લડવૈયાની અંતિમ વિધિઓ માનપૂર્વક કરવામાં આવી. કુંતાએ આખરે કર્ણનો પુત્ર તરીકે જાહેર સ્વીકાર કરી પાંડવો પાસે જલાંજલિ અપાવી.

યુધિષ્ઠિરને થોડો વખત તો વૈરાગ્ય આવી ગયો. પણ છેવટે તેમને રાજધર્મને ધ્યાનમાં રાખી રાજ્યાભિષેક કરાવ્યો. શ્રીકૃષ્ણની સલાહથી શરશૈય્યા પર રહેલા ભીષ્મ પાસે બધા પહોંચ્યા અને પ્રકાંડ વિદ્વાન અને રાજનીતિજ્ઞ ભીષ્મ પાસેથી સમસ્ત રાજનીતિ અને લોકધર્મનું જ્ઞાન મેળવ્યું. સૂર્ય ઉત્તરાયણનો થતાં ભીષ્મે દેહત્યાગ કર્યો.

યુદ્ધનો અંત

વ્યાસની સૂચનાથી યુધિષ્ઠિરે અશ્વમેધ યજ્ઞ  કર્યો અને ચક્રવર્તી બની સુચારુ રૂપે રાજ્ય કારભાર કરવાનું શરૂ કર્યું. ઉત્તરા અને અભિમન્યુનો નવજાત પુત્ર પરીક્ષિત મૃતવત્ જન્મ્યો, પણ શ્રી કૃષ્ણે તેને જીવતદાન આપ્યું અને આ રીતે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રને નિષ્ફળ બનાવ્યું. થોડા વર્ષો પછી રાજોચિત નિયમ પ્રમાણે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી સર્વસ્વ ત્યાગ કરી વનમાં નીકળ્યાં. સહજ રીતે તેમની સેવા કરવા કુંતી પણ સાથે ગઈ અને છેવટે દાવાનળમાં બધાંનું મૃત્યુ થયું. કુંતીને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી તરફ જરા પણ દ્વેષ હતો નહિ.

ગાંધારીના શાપ પ્રમાણે યાદવોના વિનાશનો સમય આવી ગયો હતો. ઋષિઓની મશ્કરી કરવા જતાં યાદવોએ વિનાશ નોતરી લીધો. મદ્યપાન કરી ભાન ભૂલી બધા યાદવો સમુદ્રમાં કિનારે કાપાકાપીમાં ખતમ થઇ ગયા. બળરામે પણ દેહત્યાગ કરી દીધો. પારધીના તીરથી આહત થઇ શ્રીકૃષ્ણ પણ સ્વધામ ગયા. અર્જુને મૃત્યુ પામેલાઓની યોગ્ય સંસ્કારવિધિઓ કરી. બચી ગયેલાં કુટુંબોને લઈને વ્રજને આગળ કરી અર્જુન સ્થળાંતર કરવા ચાલ્યો. રસ્તામાં આભીર લોકોએ હુમલો કરી ધન અને સ્ત્રીઓ પ કબજો કરી લીધો. અર્જુન કઈ કરી શક્યો નહિ. દ્વારકા પર સમુદ્ર ફરી વળ્યો. બાકી રહેલા યાદવોને અર્જુને જુદી જુદી જગ્યાએ વસાવ્યા.  

સ્વર્ગારોહણ

વ્યાસની સલાહથી પાંડવો પણ રાજ્ય છોડી ઉત્તર તરફ મહાપ્રસ્થાન માટે નીકળી પડ્યા. સાથે એક કૂતરો પણ ચાલ્યો. દ્રૌપદી અને ચારે ભાઈઓ એક પછી એક પડ્યા. યુધિષ્ઠિરને લેવા ઇન્દ્ર આવી પહોંચ્યો. પણ યુધિષ્ઠિરે છેક સુધી અનુસરતા કૂતરાને છોડીને સ્વર્ગે જવાની ના જ પાડી. છેવટે યુધિષ્ઠિર કૂતરાને લઈને સ્વર્ગમાં ગયા. આ કૂતરો તે ધર્મ જ. સ્વર્ગમાં ભાઈઓ અને દ્રોપદીને ન જોતાં તે નરકદર્શન માટે ગયા. ત્યાં તેમને જોતાં ત્યાં જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. યુધિષ્ઠિરે ખોટું બોલી દ્રોણને છેતર્યા હતા. તેથી તેમને નરકદર્શન કરવું પડ્યું. બાકી તો ધર્મે સમજાવ્યું કે બધી ઇન્દ્રની માયા હતી. યુધિષ્ઠિરે ગંગામાં પ્રવેશ કરી માનુષી શરીરનો ત્યાગ કર્યો. બધા પોતપોતાનાં ધામમાં પાછાં ગયાં.   

મહાભારત : રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર

મહાભારતમાં રાજ્યવ્યવસ્થાને લગતી તમામ બાબતોની ચર્ચા ઠેકઠેકાણે કરવામાં આવી છે. ભીષ્મ પોતે આગળ થઇ ગયેલા વિદ્વાનો અને આચાર્યોના મત જણાવે છે, તો અનેક રાજર્ષિઓ અને ઋષીઓ પણ રાજાની ફરજ, રાજ્યવ્યવસ્થા, દંડનીતિ, અમાત્ય (પ્રધન૦, સૈન્ય, રાજભ્રુત્યો (નોકરો), કૌટકિલ્લા અને અર્થવ્યવસ્થાનું વિશદ વિવેચન કરે છે. મહાભારત એ વખતની રાજ્યનીતિ જાણવાનો એક અમૂલ્ય ગ્રંથ છે.

લેખિકા : જ્યોત્સના તન્ના

Total Page Visits: 448 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!