મીરાંની રહી મહેક – દિલીપ રાણપુરા

આંસુ
Spread the love

ત્રીસમી માર્ચે અમે નીકળીએ છીએ. વીરમગામથી રિઝર્વેશનના ડબ્બામાં અમારી બેઠક ઓર ગોઠવાઈએ છીએ. સવિતા શાંત બેઠી છે. હું પણ ચૂપ છું. થોડી વારે અમારી સામેની બેઠક પર પ્રવાસીઓ આવે છે. તેમની સાથેનો સાજસામાન જોતાં તેઓ કોઈક ગાયક મંડળીના સભ્યો હોય એવું લાગે છે; પણ કોઈનું વ્યક્તિત્વ  પ્રભાવિત કરે તેવું નથી લાગતું. થોડો અણગમો, થોડી સૂગ થઈ આવે છે. સવિતા તેમની સામે નજર ફેરવી લે છે. તેના ચહેરા પરના અનગમની તીવ્રતાને હું પામી શકું છું.

થોડી વાર તે કહે : “ હું આ લોકોની સાથે પ્રવાસ નહિ  કરી શકું.”

“તને શો વાંધો છે?”

“કેવા મવાલી જેવાં છે ! એમના ચહેરા, એમના વાળ, દાંત એમની બોલવાની ઢબછબ, બધું  લોફર લાગે છે. તે મારી સામે ટીકીટીકીને જોઈ રહે છે.”

“કોઇની આંખો કે જીભ તો આપણે બંધ ન કરી શકીએ.”

“તો હું ય કાન અને આંખો બંધ કરીને બેસી શકું એમ નથી.”

થોડી વારે એક સુંદર યુવતી ડબ્બામાં દાખલ થાય છે. તે અમારી સામેના જ પાટિયા પર બેઠક લે છે. ખૂબસૂરત યુવતી, આછાં પીળા રંગના રેશમી વસ્ત્રો, મુલાયમ પારદર્શી દુપટ્ટો, હોઠ પર આછી લાલી અને આંખોમાં હજુ પણ રાતના ઉજાગરાનું ઘેન હોય છે. તેઓ ઉર્દૂ-હિન્દી જબાનમાં વાત કરી રહ્યા હતા.

યુવતીએ સવિતા સામે જોયું. સવિતાનું મન ઘૃણાથી ઊભરાઈ ગયું. તેણે મને ધીમેથી કહ્યું, :”આપણે ડબ્બો બદલી નાખીએ.”

“શા માટે?”

“આપણું રીઝર્વેશન આ ડબ્બામાં જ છે; એટલે બદલી ન શકાય. હવે ગાડી ઉપડવાનો સામે પણ થવા આવ્યો છે.”

“તમે કંડકટરને મળીને વિનંતી કરો તો..”

“હું પ્રયાસ કરું છું !” કહીને હું ડબ્બાની નીચે ઊતરું  છું. થોડી વારમાં પાછો ફરું છું. સવિતા મારી સામે આશાભરી નજરે જુએ છે. હું કહું છું : ‘કંડકટર  કહે છે : એવું કઈં થઈ શકે નહિ.”

સવિતાની આંખમાં ઝળઝળિયાં આવી જાય છે. તે ધીમેથી બોલે છે : “તમે જ ઢીલા છો. કંડકટરને દાબીને કહ્યું નહિ હોય. નહિ તો એ ડબ્બો બદલી આપવાની વ્યવસ્થા કરે જ.”

અને પછી પેલી યુવતી અને તેના સાથીદારો તરફ અછડતી નજર નાખીને આગળ બોલી : ‘આ લોકો હસી રહ્યા છે,  મને સતત એવું લાગ્યા કર્યું છે કે તેઓ મારા વિરૂપ ચહેરાની મજાક ઉડાવી રહ્યાં છે. આ લાગણી જ મારા માટે અસહ્ય છે. આટલો વખત હું મારો ચહેરો વિરૂપ છે એ ભૂલી ગઈ હતી, પણ આ સુંદર યુવતી સાથેના પેલા મવાલી જેવા માણસો..” તેનો અવાજ ડુમાઈ ગયો. તે થોડી વાર આગળ બોલી : ‘કંડકટરને બે-પાંચ  રૂપિયા આપવા પડે તો આપીને પણ ..”

“હવે તો ટ્રેન ઊપડવાનો સામે થઈ ગયો છે.”

“તોય તમે જાવ. ડબ્બો ન બદલી આપે તો છેવટે આ ડબ્બામાં જ કયાંક જગ્યાની ફેરબદલી કરી આપે.”

પેલી યુવતીએ સવિતા સામે જોયું. સવિતાએ ઘૃણાના ભાવ ચહેરા પર ઊપસાવી તિરસ્કારથી મોં ફેરવી લીધું. તે અંદર ને અંદર ઘૂંટાતી હતી, ડુમાતી હતી ને હું કશું જ નહોતી કરી શકતો. ટ્રેન તો ઊપડી ચૂકી.

અમદાવાદ પહોંચતા જ સવિતાએ કહ્યું : ‘તમે કંડકટર પાસે જાવ.”

“પણ તે લોકો વડોદરા ઊતરી જવાનાં છે.”

“ત્યાં સુધીય હું સહન નહિ કરી શકું.”

હું નીચે ઊતરું છું. સવિતા બારણાં પાસે આવીને ઊભી રહે છે. મને કહે છે, “હું પણ આવું છું.”

“ના, તારી જરૂર નથી.”

“તમે કંડકટરને દાબીને કહેજો. વિનંતી કરજો. મારા માટે થઈને કરગરજો.”

“સારું”

હું કંડકટરને શોધતો હોઉં છું, તે મળતો નથી. પાછો આવું છું. તે પૂછે છે : “શું થયું?”

“કંડકટર ન  મળ્યો.”

“મારે જ શોધવો પડશે !” કહીને તે નીચે ઉતરી જાય છે. હું રોકતાં કહું છું, “ હું એને મળી લઇશ. છેવટે ટ્રેન ઊપડશે  ત્યારે તો એ આવશે. ને ત્યારે કહીશ; એટલે નડિયાદથી આપણે જગ્યા બદલી આપશે.

‘પણ ત્યાં સુધી હું આ  લોકોની નજરને, વાતોને, હાસ્યને સહન નહિ કરી શકું.”

“તું ધીરજ રાખ, થોડી સહિષ્ણુ બન, આટલી આળી ન થાય. બધી વ્યવસ્થા થઈ જશે.’

“પણ કેટલી વાર? તમે સાવ બીકણ છો કે પછી આ રૂપાળી યુવતીને જોવાનો મોહ જાગ્યો છે?”

આ સાંભળી હું ચોંકી જાઉં છું. તેની સામે ઠપકાભરી નજરે જોઉં તે પહેલાં તો તે બારણાંમાંથી ખસીને બેઠક પર બેસી જાય છે ને બારી બહાર જોવા લાગે છે. હું તેની પાસે પહોંચી જાઉં છું, ને તે મોં ચડાવીને બેઠી હોય છે. હું તેને સમજાવું છું. તે છણકાઈને બોલે છે : “એને  અભિમાન છે કે હું કેટલી સુંદર છું. મારો ચહેરો કેટલો રૂપાળો છે ! ના. ના. મારાથી આ સહન નહિ થાય. તમને આમાંથી કશું નથી સ્પર્શતું ? નથી અનુભવાતું?”

“પણ હવે તો..” હું આગળ બોલું તે પહેલાં તો ટ્રેન ઊપડે છે. 

‘નડિયાદ આવતાં તો અધમૂઈ થઈ જઇશ !’ સવિતાએ આંખો સાફ કરતાં કહ્યું.

અને પછી નડિયાદ આવે ત્યાં સુધી પેલી યુવતી કે તેની સાથેના પુરુષો સામે નજર નહિ માંડવાનો નિર્ણય કરી તે બહાર જોતી રહી. મારી સાથે પણ બહુ વાત ન કરી. જગ્યાની ફેરબદલી નહિ કરવી શકવાની મારી ઢીલાશ માટે પણ તેના મનમાં રોષ હતો, તે હું પામી ગયો હતો.

ટ્રેન નડિયાદ પહોંચવા આવી ત્યાં જ એ બોલી : “તમે જગ્યાની બદલી ન્ કરાવી શકતા હો તો હું જ કંડકટર પાસે જઇશ. આ ડબ્બામાંના પ્રવાસીઓને હું જ વિનંતી કરીશ; પણ આમની સામે એક ક્ષણ પણ નહિ બેસી શકું. જો જગ્યાને બદલી નહિ થાય તો હું બહાર કૂદી પડીશ. આ બાઈની નજરમાં જે ભાવ છે એના ચહેરા પર જે ગર્વ છે, એ મારાથી નથી જીરવાતો.

મેં ડબ્બામાં તપાસ કરી તો કંડકટર જ નહોતો. ટ્રેન નડિયાદ સ્ટેશન ઊભી રહી ને તરત જ હું ડબ્બામાંથી નીચે ઊતર્યો, કંડકટરને શોધું છું ત્યાં જ પાછળથી અવાજ આવ્યો : ‘ભાઈજાન..!’

હું પાછળ જોયા વગર આગળ વધું છું, ત્યાં જ મારા ખભે કોઈનો હાથ મુકાતાં શબ્દો સંભળાયા : ‘ઠહરો ભાઈજાન..’

હું ચમકીને પાછળ જોઉં છું. ડબ્બામાંથી પેલી મંડળીમાંનો જ એક પુરુષ હતો. મે ઘૃણાથી તેની સામે જોયું, તે બોલ્યો : “આપકો વો બુલા રહી હૈ ..!”

મને એકદમ ફાળ પડી. સવિતાને અચાનક કંઇક થઈ ગયું હશે.. મેં પૂછ્યું, “વો કૌન?’

તેણે ડબ્બા તરફ આંગળી ચીંધી. પેલી યુવતી ડબ્બા નીચે ઊતરી રહી હતી. હું તેના તરફ આગળ વધ્યો.

યુવતીએ મને કહ્યું : “આપ ફીક્ર મત કીજિયે. મૈં થોડી થોડી ગુજરાતી સમજ સકતી હૂં, બોલ ભી સકતી હૂં, અને પછી આગળ બોલી, ‘અને એથીય વધુ આપની બીબીની લાગણીને સમજું છું. એમને દુ:ખી કરવા નથી ઇચ્છતી, તમારી આપસની વાત મેં સાંભળી છે.’

‘તો શું તમે જ ડબ્બો બદલી નાખો છો?’

“ના, ડબ્બો બદલવાથી બહેનજીના મન પર મારા વર્તનની એમને કલ્પેલી જે ચોટ લાગી છે તે દૂર નહીં થાય.”

“તો શું કરશો?”

“આપ પાછા ફરો ભાઈજાન, હું એમને સંભાળી લઇશ.”

હું પાછો ફરું છું.

‘શું થયું?” સવિતાએ પૂછ્યું.

‘કંડકટર હમણાં આવશે.”

“બહેનજી,” પેલી યુવતી તેની નજીક ઊભી રહેતાં ઉર્દૂ જબાનમાં બોલી : “આપ ખામખા નારાજ થઈ રહી છે.”

આ શબ્દોથી આળા ભાગમાં અંગારો ચંપાતા જે પીડા થાય એવી પીડાની લાગણી સવિતાના ચહેરા પર ઊપસી આવ્યાની મને અનુભૂતિ થઈ.

“બહેનજી, મૈં કબ સે સોચ રહી થી..” અને પછી સવિતાની આંખમાં માર્દવથી જોતાં આગળ બોલી : આપનો ચહેરો એક વખત કેટલો સુંદર હશે?”

સવિતાએ સખતાઈથી તેની સામે જોયું.

“મારા ચહેરા કરતાં પણ સુંદર ચહેરો હશે આપનો અને એટલે જ આપણે કેટલું દુ:ખ થાય છે. રંગ ગોરો નહીં હોય, પણ કાળા રંગનુંય એક રૂપ હોય છે. કાળા રંગનો એક જુદો જ મિજાજ હોય છે. આપ નારાજ ન થતાં. હું સોચતી હતી, આ મારો ચહેરો આપના ચહેરા જેવો બની જાય તો હું કેવી લાગણી અનુભવું ? બહનજી, મેં મારા ચહેરાને એવો કલ્પીને અહી સુધી મુસાફરી કરી છે ને એટલે..”

ટ્રેન ઊપડી ચૂકી હતી, સવિતાએ એકદમ તેની સામેથી નજર ખસેડી લીધી.

‘આપના દિલને ખૂબ ઠેસ પહોંચી છે ને, બહનજી !” બોલતાં તેની સામે જ બેસી ગઈ.

સવિતા થોડી સંકોચાઈ.

‘બહનજી, નારાજ ન થાવ. હું આપની છોટી બહન બનું તો..”

સવિતાથી તેની સામે જોવાઈ ગયું, અને તે થોડી ક્ષણો જોઈ જ રહી.

‘બહનજી, હું એક નાચીઝ ગાયિકા છું. લોકોનું દિલ બહેલાવનારી. દીલચશ્પ કવ્વાલી- ગઝલ ગાઈને મોંમાગ્યા દામ લેનારી, દામ વગર ક્યારેય કવ્વાલી એક સખૂન નહીં બોલનારી; પણ હું આ સીનામાં દિલ ધરાવું છું એક ઔરતનું, એક આર્ટિસ્ટ ઔરતનું.’

સવિતાએ હવે તેની સામે મીટ માંડી. તેને કદાચ સ્મિત કરવાની ઈચ્છા થઈ આવી હશે. કારણ  કે તેનાહોઠ થોડા વંકાયા હતાં; પણ ચહેરો વિરૂપ લાગશે તો આટલી મીઠી જબાનમાં વાત કરનાર ઔરતને દુ:ખ  થશે, કદાચ એવી જ લાગણીથી તેણે સ્મિત સમેટી લીધું હશે.

‘બહનજી..’ તે પછી બોલવા લાગી : ચહેરાના જિસ્મના રૂપ કરતાં અંદરના રૂપ જ્યાદા અચ્છા અને અલગ હોય છે’ અને પછી પોતાના સાથીદારો તરફ સંકેત કરીને આગળ બોલી : આપના રુહાની રૂપને હું જોઈ શકું છું.”

સવિતા કશુંક બોલવા હોઠ ઉઘાડતી હતી ; પણ તે બોલી નહોતી શક્તી. સંકોચ થતો હોય કે શબ્દો મળતા ન હોય. હું તો હજુય ચૂપ ઊભો હતો.

સાજિંદાઓએ સાજ બહાર કાઢ્યાં ને તેને મેળવવા લાગી ગયા. સવિતા સતર્ક બની ગઈ. તેને સાજિંદાઓ તરફ જોયું. અને પછી મારી સામે. તેની આંખોમાં વિસ્મય હતું. આનંદ હતો.

આણંદ આવી ગયું.

‘બહનજી, આપ દૂધ પીઓગી?’

‘ના’ સવિતા બોલી.

‘મૈં પિલાતી હૂં ઇસ લિયે?’

સવિતા કશું ન બોલી.

‘પીઓ ..’ અને પછી તેં એક સાથીદારને દૂધની બોટલ લેવા દોડાવતાં આગળ બોલી : “દૂધ ક રિશ્તા સબસે ઊંચા હોતા હૈ બહનજી..’

દૂધ પિવાયું.

ટ્રેન ઊપડી.

‘બહનજી આપના દિલને જે સદમો પહોંચ્યો છે એની કોઈ દવા મારે પાસે નથી.’ તે પાછી બોલી રહી હતી. આ વખતે સવિતાના હાથ પર તેનો હાથ ફરી રહ્યો હતો. સવિતાના ચહેરાની સખત રેખાઓ ઢીલી પડી ગઈ હતી. તેની આંખો મળી રહી હતી.

‘આપ મારથી નારાજ છો, ડબ્બો બદલવા ઈચ્છો છો, એનું મને થયેલું દુ:ખ ભૂલવા જ એક ચીજ ગાઉં તો માફ કરશો – ખાસ મારી તસલ્લી માટે?

સવિતા કશું જ બોલી શકી.

યુવતીએ ગાવા માંડ્યું. એ ગાતી જ રહી, સાજમાંથી સંગીત વહેતું રહ્યું. ગળું અને સાજ જાણે એક થઈ ગયાં અને આખા ડબ્બાની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ.

ટ્રેન વડોદરા પહોંચી ત્યાં સુધી તેને ગાયા કર્યું,

સવિતાની આંખમાંથી આંસુ સારી પડ્યા.

ડબ્બામાંથી ઊતરતી વખતે તે બોલી : ‘બહનજી આપનાં આ આંસુ મારા માટે પ્યારની સૌગાત છે. હું એને સ્પર્શી લઉં, ચૂમી લઉં !” કહીને તેણે સવિતાના ગાલ પરનાં આંસુને આંગળી પર ઝીલીને ચૂમ્યાં અને પછી ડબ્બામાંથી ઊતરી. સાઇવતા અને હું બારણાં સુધી ગયાં. સવિતાએ હાથ ઊંચો કર્યો. તેણે એ હાથ ફરી એક વખત પકડીને ચૂમી લીધો. ત્યારે એની આંખો પણ ભીની બની ગઈ.

તે એની મંડળી સાથે આગળ જતી હતી, હું તેની પાછળ જાઉં છું. કહું છું, “બહનજી, આપનો ખૂબ આભારી છું. આપે અમને આટલો સમય જે આનંદ આપ્યો તેનો બદલો વાળી શકું તેમ નથી.”

‘બદલાય માટે મેં આ નથી કર્યું. આભાર માની મને શરમિન્દી ન બનાવો ભાઈજાન ! આભાર તો હું તમારો માનું છું કે મને આવો મોકો આપ્યો. જિંદગીમાં આવા મોકા વારંવાર નથી મળતા !”

‘આપનું નામ તો હું જાણતો નથી.’

‘નામ જાણીને શું કરશો?’

‘ક્યારેક યાદ કરવાં હોય ત્યારે..’

‘કરી લેજો, એક ગાનારી કહીને. બાકી આંસુઓને અને લાગણીઓને કોઈ નામ નથી હોતું. અને ભૂલી જાવ આ વાત. ક્યારેય યાદ આવું તો લાગણીની રીતે યાદ કરજો.’

‘પણ આપનું નામ…’

‘જીદ શા માટે કરો છો ભાઈજાન !’

મારા ચહેરા પર દુ:ખ લાગ્યાનો ભાવ આવો ગયો હશે એટલે તેણે કહ્યું, “નારાજ થઈ ગયા ભાઈજાન ?’

હું ચૂપ રહું છું.

‘તો મેરા નામ હૈ રશીદા.’

‘રશીદા?’

‘હાં હાં.. રશીદા ખાતૂન કા નામ તો સૂના હૈ ના?’

‘સચ્ચ ? આપ વોહી હૈ?’

‘અચ્છા, તપ ભાઈજાન, અલવિદા’ અને તે ઝડપથી ચાલી ગઈ.

સવિતા હજુય બારણાંમાં ઊભી હતી.

મારું મન સ્વીકાર નહોતું કરતું કે કવ્વાલીની ગાયકીનું આવું મોટું નામ, આટલી ઋજુતા સાથે માનવીય અભિગમ દાખવી શકે ! પણ ના, એ એ જ હતી. એ જુઠ્ઠું બોલી જ ન શકે.

સવિતાને મેં વાત કરી ત્યારે તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

તે શાંત થાય પછી મેં કહ્યું : ‘કેવો ચમત્કાર થયો. આવો ચમત્કાર તબિયત માટે પણ થઈ શકે.’

‘હા, થઈ શકે છે’ અને તે પ્રસન્નતાથી વાતો કરવા લાગી.  

(આ પ્રસંગ લેખકશ્રી દિલીપ રાણપુરાની આત્મકથાત્મક નવલકથા ‘મીરાંની રહી મહેક’ માંથી લેવામાં આવે છે. આ પુસ્તક ખરીદવા માટે આપ ‘પ્રેમ પુસ્તક ભંડાર’ ફોન નંબર – 0 98796 30387 પર સંપર્ક કરી શકો છો.)

Total Page Visits: 1671 - Today Page Visits: 1

4 thoughts on “મીરાંની રહી મહેક – દિલીપ રાણપુરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!