મુસળધાર વરસાદ  : પકૃતિ જુદે જુદે સ્વરૂપે પોતાનો આનંદ અને રોષ

વરસાદ
વરસાદ
Spread the love

પકૃતિ જુદે જુદે સ્વરૂપે પોતાનો આનંદ અને રોષ પ્રદર્શિત કરે છે. કોઈવાર તે શીળા પવનની લહેરીઓથી આનંદ આપે છે તો કોઈવાર વાવાઝોડાથી ઝાડપાન અને ઘરોને ઉખેડી નાખે છે. કોઈવાર તે ઝીણો ઝરમર વરસાદ વરસાવે છે તો કોઈવાર જળના ધોધ વરસાવે છે.


મુસળધાર વરસાદ પડે તે પહેલાં, શીતળ પવન ફૂંકાવા લાગે છે. આકાશમાં વાદળા ઘેરાય છે. જયારે ઉપરના વાતાવરણમાં ખુબ શીતળતા પ્રશરે છે ત્યારે વાદળોમાં વરાળ રૂપે રહેલું પાણી ગંગાવતરણ જેમ ધોધમાર કરતું નીચે પડવા લાગે છે. અતિશય શીતળતાને લીધે અગર કેટલીક વાર પવનને લીધે દુરના વાદળાઓ પણ તે સ્થળે ઘસડાઈ આવે છે અને ઈન્દ્રદેવના તીર જેવી વરસાદની સતત ધારાઓ પડ્યે જ જાય છે. જ્યાં સુધી વાદળોનું જોર ચાલુ રહે ત્યાં સુધી વરસાદ ચાલુ જ રહે છે.
આવો વરસાદ પડે તે સમયનું દ્રશ્ય જોયા જેવું હોય છે.

મોટા માણસો કરતા બાળકોને તે વધારે ગમે છે. ઝરમર ઝરમર વરસાદથી કેટલીકવાર મોટાઓને પણ સંતોષ નથી થતો. સરરર કરતી ધારાઓ આકાશમાંથી છુટે છે. જાણે કોઈ રાક્ષસના હાથમાંથી વછુટેલી ધેનુઓ. ચોતરફ આછી ઝાંખી છવાયેલી રહે છે. જમીન ઉપર જળ પડતા જ તેમાંથી મીઠી સોડમ નીકળે છે. પાણીના રેલાઓ ઝડપથી ચાલવા લાગે છે. સૂર્યભગવાન તો ક્યારના અદ્રશ્ય થઈ ગયા હોઈ છે અને આ જલધારામાંથી પૃથ્વીને ખુશી થતી જોઈ મોઢું દેખાડવાનો વિચાર માંડી વાળતા હોઈ તેમ લાગે છે. ઝાડપાન આનંદથી ડોલવા લાગે છે. અને વરસાદની ઝડીઓ ન ઝીરવી શકતા હોવા છતાં છોડો અને ફૂલો ડોલે છે પશુઓ પોતાના રહેઠાણોમાં છુપાઈ જાય છે અને પક્ષીઓ માળાઓમાં ભરાય જાય છે.


અતિશય ઉકળાટ પછીના જળના આ ધોધમારથી લોકો છુટકારનો દમ ખેંચે છે. ખેડૂતો આનંદમગ્ન થઇ ડોલે છે, છતાં અતિશય વરસાદથી વાવણા ધોવાઈ જાય તેની તેમને ચિંતા થઇ છે. ગામડામાંતો બાળકો આ જલધારને શરીર પર લેવા શેરીમાં નીકળે છે. શેરીમાંથી વહેતા પાણીના ધોધમાં તેઓ કાગળના વહાણ તરાવે છે અને મજા કરે છે .શહેરના માણસોને આ મુસળધાર વરસાદ બહુ આવરદાયક નથી. ઘરમાં કે ઓફિસમાં બેઠેલા માણસો થોડીવાર છુટકારનો શ્વાસ ખેચી ‘હવે જલ્દી બંધ રહે તો સારું’ એમ ઈચ્છે છે. રસ્તા ઉપરના માણસોને આ અચાનક આવી પડેલા વરસાદ પર ક્રોઘ ચડે છે. કેટલાકના કપડા બગડે છે,કેટલાકને પરાણે ગાડી કે મોટર કરવી પડે છે અને કેટલાક ને ફરવા નહિ જવાય એ વિચારે અફ્સોસ થાઈ છે. શહેરના બિચારા ગરીબ માણસો તેમની રોજી ઓછી થાઈ છે અને સુવા બેસવાની અગવડ વધે છે.


આ મુસળધાર વરસાદ કેટલીક વર જળપ્રલયનું રૂપ ધારણ કરે છે અને લોકોમાં હાહાકાર વર્તાવે છે . સખત વાવાઝોડાથી વૃક્ષો ઉખડી જઈ નીચે પડે છે, અને જુના ઘરો તૂટી પડે છે. કેટલીકવાર ગામમાં ખુબ પાણી ભરાઈ જાય છે, અને મનુષ્યો તેમજ પશુઓ તણાવા લાગે છે. ગરીબોના સામાન તેમજ ઝુપડા તણાઈ જાય છે.


ધીરે ધીરે વરસાદનું જોસ સમવા માંડે છે. વાદળા વિખરવા લાગે છે. પૃથ્વી ધોવાઈને સુસશોભીત બને છે. અતિશય વરસાદથી અકળાઈને છુપાઈ બેઠેલા પક્ષીઓ આનંદથી કલ્લોલ કરતા આકાશમાં ઉડવા લાગે છે. શીળો અનિલ ધીમે ધીમે વાય છે. મયુર હરિયાળી જમીન ઉપર ઉતરી મોતી જ્ડ્યા પીછાં પ્રસારી ઢેલને પ્રસન્ન કરવા નૃત્ય આરંભે છે.

Total Page Visits: 260 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!