સુરધનું અને મેઘગર્જના – નિબંધ – કાકાસાહેબ કાલેલકર

સુરધનું અને મેઘગર્જના
Spread the love

સુરધનું અને મેઘગર્જના – કાકાસાહેબ કાલેલકર

રાત્રે થોડોક વરસાદ પડવાથી હવામાં ખૂબ ઠંડક હતી. સાંજનું સુંદર ઇન્દ્રધનુષ્ય મનમાંથી સહેજે ખસે એમ ન હતું.

જો ઇન્દ્રધનુષ્ય દેખાય તો તે બીજાને દેખાડવું નહીં એવું એક જૂની શિખામણ છે. આનું શું કારણ હશે? સામો માણસ આવીને જુએ ત્યાં સુધીમાં જો એ અદ્રશ્ય થઇ જાય તો મશ્કરી માનીને ચિડાય એ કારણ હશે? કે પછી બીજો આપણા જેવો રસિક ન હોય અને આપણું બોલાવવું એને ન ગમે અને એની અરસિકતા આપણને નડે એ કારણ હશે? કે પછી ઇન્દ્રધનુષ્યમાં ઇન્દ્રજાળ જેવો કાંઈ જાદુ છે કે જેથી કામણટૂમણની શંકા રહે એવું માન્યતાને લીધે હશે? જૂના લોકો એકાદ નિયમ આપે છે અને એનું કારણ કહેતા નથી. કારણ કહ્યે નિયમનું ગાંભીર્ય ઓછું થઇ જાય છે કેમ કે લોકો નિયમથી ડરતા નથી એ પોતાનું માથું ચલાવે છે. આ તેમનાથી સહન થતું નથી, અને જયારે કારણ કહે છે ત્યારે પણ કોઈ કોઈ વાર ખરું કારણ છુપાવી કાલ્પનિક ભયાનક કારણ સામે આણે છે. બીક અને લાલચ બંનેની ડગલે ને પગલે મદદ લેનાર સમાજ – ધુરીણો વિશે શું કહેવું? આપણા સમાજમાં જે અસહ્ય બાઘાઈ વ્યાપી છે, બુદ્ધિની મંદતા વધી છે, એની જવાબદારી આવા લોકો ઉપર જ છે.

મેઘ, ઇન્દ્રધનુષ્ય, વરસાદની ઝડી અને વિદ્યુલ્લાતાનું નૃત્ય આટલું જોયા પછી ઉર્વશીને માટે ગાંડા થનાર પુરુરવાની યાદ કેમ ન આવે?

રાતે એકાએક ગાજવીજ અને મેઘગર્જના શરૂ થતાં નાનાં છોકરાંઓ કેવાં ગભરાઈ જાય છે! મારા શૈશવમાં મારી શી સ્થિતિ થયેલી એનું મને સ્મરણ છે. પણ જયારે હું દસબાર વર્ષનો હતો તે વખતે મારી નાની ભત્રીજીની થયેલી ગભરામણ જોઈ મને તો સૃષ્ટિની રચના ઉપર ચીડ જ ચડેલી. પરમાત્માના મનમાં આ નાના અર્ભક વિશે કાંઈ જ કોમળતા નહીં વસતી હોય? ક્યાં આ નાજુક ભોળી છોકરી અને ક્યાં એ આકાશ-કટાહને વિદીર્ણ કરનાર વીજળીનો ભયાનક કડાકો ! ઈશ્વરે થોડીઘણી તો દયામાયા રાખવી જોઈતી હતી. આમ તે વખતે તો થયાં વગર રહ્યું નહીં. તે વખતે કાંઈ મેં શાકુંતલ વાંચ્યું ન હતું. ફૂલો અને અગ્નિ, આશ્રમનું હરણું અને બાણ, એમના સંયોગ વિરુદ્ધ તકરાર કરનાર તપાસીઓની મને ઓળખાણ થઇ ન હતી, હવે થાય છે કે સૃષ્ટિની ભીષણ સુંદરતા છે તે જ યથાર્થ છે. તેની દિક્ષા મળ્યા સિવાય જીવન વાસ્તવિક થઇ શકતું નથી.

અમારી પાસે જો સુક્ષ્મકાલમાપક યંત્ર હોત તો વીજળીની ચમકાટ અને મેઘનો ગડગડાટ એ બે વચ્ચેનું કાલાંતર માપીને કેટલે દૂરથી અવાજ આવ્યો એ અમે કાઢી શકત.  આજે ગમે તેટલી ઊંચાઈએ હવા જહાજો જાય છે, એમની આસપાસ વીજળી પડવા માંડે અને ગડગડાટ થવા લાગે ત્યારે આકાશયાનની શી દશા થતી હશે? વીજળી પડીને આકાશયાન તૂટી પડ્યાનું આપણે કયાંયે વાંચ્યું નથી. આ આશ્ચર્ય નથી શું?

આજ સવારના પૂર્વ તરફનાં વાદળાં વિજયનગર હંપીના પહાડ જેવાં દેખાતાં હતાં. મોટા મોટા વાંકાચૂકા ગોળ પથરાઓના ઢગલા એટલે જ હંપીના પહાડ. એ પ્રાચીન પથરાનું સ્મરણ આ બાષ્પમય મેઘોએ કરી દીધું ! એમનાં છીદ્રોમાંથી પછીથી જયારે સૂરજે પોતાનાં મયૂખ હાથની આંગળીઓની જેમ ફેલાવ્યાં ત્યારેર એ પંજો કે પંખો જોવા જેવો હતો. ઠેઠ ઉત્તરથી તે દક્ષિણ સુધી એ ફેલાયેલો હતો. અને વચમાં વચમાં નાનકડાં ધોળાં વાદળાં, “અમે તો નાનાં, અમને કોની હરકત?” એમ કહેતાં આમતેમ ગમે ત્યાં ફરતાં હતાં.

સુર્યની આસપાસ કેટલાંક વાદળાં ઉપર ઇન્દ્રધનુષ્યના રંગો અસ્તવ્યસ્ત ફેલાયા હતા. તાંબાનું વાસણ ચોખ્ખું માંજીને તડકામાં રાખીએ ત્યારે કેટલીક વાર આવો રંગ એના ઉપર દેખાય છે. પણ મદ્રાસમાં કોંગ્રસને વખતે સાંજને સમયે સુર્યની આસપાસ જે પીરોજી રંગ ખીલ્યો હતો તેની સુરખી કોઈમાં પણ આવવાની જ નથી.

સુરધનું અને મેઘગર્જના – નિબંધ (જીવનનો આનંદ) – કાકાસાહેબ કાલેલકર

Total Page Visits: 47 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!