મેનોપોઝ – સમસ્યા : સમજણ અને સમાધાન – મેનોપોઝ એટલે શું

મેનોપોઝ
મેનોપોઝ
Spread the love

મેનોપોઝ એટલે શું ?

મેનોપોઝ એટલે કાયમ માટે માસિકનું બંધ થઈ જવું. આશરે 45 વર્ષની ઉમર પછીથી અંડાશયમાં પૂરતું ઇસટ્રોજન બનતું નથી, જેથી તેમાંથી સ્ત્રીબીજ છૂટું પડતું નથી. ગર્ભાશયની અંદર નવી દિવાલ બનતી નથી. આથી માસિક કાયમી આવતું બંધ થઈ જાય છે.

મેનોપોઝ

મેનોપોઝની શરૂઆત કેવી રીતે થાય છે ?

મેનોપોઝ આવવાનું હોય તે પહેલા સામાન્ય રીતે છેલ્લાં 3 – 4 વર્ષ માસિક આવવાની રીતે બદલાય છે.

કોઈક સ્ત્રીને નિયમિત માસિક આવતું હોય તેને માસિક આવતું એકદમ જ અબ્ધ થઈ જાય તેવું પણ બને છે.

કોઈકને નિયમિત જ આવે પણ ખૂબ ઓછું આવે, તો વળી કોઈને લાંબા સમય પછી એટલે કે- 2 -4 મહિને આવે છે.

જોઈ કોઈ સ્ત્રીને 7 દિવસથી વધુ અને ખૂબ માસિક આવે તો તેની ડોક્ટર પાસે તપાસ અને સારવાર કરાવવી પડે. સાથે સાથે આયર્નની ગોળી પણ 3 – 4 મહિના લેવી જરૂરી છે.

કઈ ઉંમરે મેનોપોઝ આવે છે?

  1. મોટાભાગની સ્ત્રીઓને સામાન્ય રીતે 45 થી 50 વર્ષબી આસપાસ મેનોપોઝ આવે છે. પણ કોઈ સ્ત્રીને 42 વર્ષે પણ મેનોપોઝ આવી જાય તો કોઈકને 55 વર્ષે પણ આવે છે. કોને ક્યારે મેનોપોજ આવશે તે પહેલેથી ખબર પડતી નથી.
  2. એવું ખરું કે જે સ્ત્રીના કુટુંબમાં માં કે દાદીમાને વહેલું માસિક જતું રહેલું હોય તો તે સ્ત્રીને પણ વહેલું માસિક જતું રહે. જો તેમને મોડી ઉંમરે ગયું હોય તો સ્ત્રીને મોડુ જવાની શક્યતા રહે ખરી. એ જ રીતે બીડી, તમાકુ, સિગારેટ પિનાર સ્ત્રીઓને માસિક વહેલું જવાની શક્યતા રહે છે.

મેનોપોઝ વખતે શરીરમાં શું ફેરફાર થાય છે ?

મેનોપોઝ વખતે શરીરમાં થતાં મોટાભાગના ફેરફારો અંડાશયમાં બનતા ઇસ્ટ્રોજન હોર્મોન્સ ઘટવાથી થાય છે. આ ફેરફારો ખૂબ ધીરે ધીરે ખબર ન પડે તે રીતે થાય છે.

ચામડીમાં કરચલીઓ પડે છે તેમજ ચામડી સુકાઈ જાય છે. વાળ ધોળા અને બરછટ થાય છે. દાંતમાં સડો થાય છે. સ્ત ન ઢીલા પડે છે. શરીરના હાડકમાં કેલ્શિયમ ઘટવાથી તેની મજબૂતાઈ ઘટે છે. આમ હાડકા નબળા પડે છે.

તેમજ પ્રજનનતંત્રમાં ઘણાં ફેરફારો થાય છે. યોનિમાર્ગ સાંકડો તેમજ સૂકો બને છે. ગર્ભાશય તેમજ કાયાને ટેકો આપતા સ્નાયુઓ પણ ઢીલા થાય છે, તેથી કોઈક વાર ગર્ભાશય, મૂત્રાશય ખસીને નીચે ઉતરે છે. (આવી સ્ત્રીઓને ખાંસી ખાતી વખતે કે હસતી વખતે પેશાબનાં ટીપાં નીકળી જાય છે. )

માસિક કાયમી ગયા બાદ ફરી આવે તો શુ કરવું?

જો માસિક 1 વર્ષ સુધી ના આવ્યું હોય, ત્યારબાદ ફરી માસિક આવે તો તેને ખૂબ ગંભીરતાથી લેવું. ઘણાં કારણોથી જેમ કે કેન્સર જેવા રોગને કારણે પણ આવું થઈ શકે છે. ખાસ કરીને ગર્ભાશયનું મુખ, ગર્ભાશય, યોનીમાર્ગ કે અંડાશયનું કેન્સર છે કે નહીં તેની સ્ત્રીરોગના નિષ્ણાત ડોક્ટર પાડે જઇ પૂરતી તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. જરૂર પડે સોનોગ્રાફી પણ કરાવવી.

મેનોપોઝ દરમ્યાન શું શું તફલીફો થઈ શકે છે?

મોટાભાગની (આશરે 60 થી 70 %) બહેનોને મેનોપોઝ આવે ત્યારે માસિક ચાલી જવા સિવાય કોઈ તકલીફ થતી નથી. પરંતુ થોડી બહેનોને અમુક જાતની તકલીફો થાય છે. દરેકની તકલીફ પણ જુદી જુદી હોય છે. તેથી જ મેનોપોઝ સમયે આપણા સગા-સંબંધી કે બહેનપણીને શું થયેલું તે સાંભળી ગભરાવું નહીં કે તેમની સાથે પોતાની સરખામણી કરવી નહીં.

ઘણીવાર અમુક તકલીફ મેનોપોઝને લીધે છે કે ઉંમર વધવાથી તે જુદું પાડવું મુશ્કેલ હોય છે. કારણ કે આ ઉમરે વા, કમરનો દુખાવો કે બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવા રોગો પણ થતાં હોય છે.

1 ખૂબ ગરમી લાગવી : (હોટફ્લશ)

આ ફરિયાદ ઘણી સ્ત્રીઓને મેનોપોઝ આવે તેના બે ત્રણ વર્ષ પહેલાંથી શરૂ થાય છે. તેમાં અચાનક શરીરમાં ગરમી લાગે છે. ખાસ કરીને ચહેરો અને છાતીના ભાગની ચામડી લાલઘુમ થઈ જાય છે. આવું બે -ત્રણ મિનીટ સુધી રહે અને પછીથી ખૂબ પરસેવો થાય છે, ત્યારબાદ ઠંડી અને પછી થાક લાગે છે.

આવું થાય તો ઠંડા પાણીએ નાહવું જોઈએ, પંખાની સગવડ હોય તો તે વાપરવો, તેમજ ઢીલા, સુતરાઉ કપડાં પહેરવા જોઇએ.

2 ટૂંકા ગાળાની અન્ય તકલીફો

ઘણાંને માથાનો દુ:ખાવો, કમરનો દુખાવો, શરીરમાં પાણી ભરાવું, હ્રદયના ધબકારા વધી જવા, હાથ-પગે ઝંણઝાણાટી થવી જેવી તકલીફો થાય છે. જો સહન નાં થાય તો કોઈપણ ડોક્ટર પાસે સારવાર કરાવવી.

3 માનસિક તકલીફો

મેનોપોઝ વખતે અમુક સ્ત્રીઓની માનસિક હાલત સારી રહેતી નથી, જેમ કે, ચિંતા થયા કરે, જરાકમાં મૂડ બદલાઈ જાય, સૂનમૂન બેસી રહે. ચીડિયાપણું આવે, નાની નાઈ વાતમાં ગુસ્સો આવે. યાદશક્તિ ઓછી થાય, આત્મવિશ્વાસ ખોઈ બેસે, અસલામતી લાગે, ઊંઘ ન આવે વગેરે.

આવા વખતે મનને કેવી રીતે શાંત રાખવું, તણાવથી કેવી રીતે મુક્ત રહેવું તે શીખવું પડે. તે માટે જરૂર પડે તો ડોક્ટરની મદદ લેવી.

મેનોપોઝ – થોડા વર્ષો સુધી ચાલતી તકલીફો

1 માસિકમાં ફેરફાર થવો :

અમુક સ્ત્રીઓને માસિક કાયમી જતું રહે તે પહેલાના 2 – 3 વર્ષ માટે માસિક અનિયમિત થઈ જાય છે. જો કે આજ ઉંમરે ગર્ભાશયના રોગોમાં પણ અનિયમિત માસિક આવી શકે છે. જેમ કે ગર્ભાશયમાં ગાંઠ થવી, (ફાઈબ્રોઇડ), ગર્ભાશયની દિવાલ જાડી થવી, ગર્ભાશયનું કેન્સર વગેરે. તેથી અનિયમિત કે વધુ માસિક આવે તો તે મેનોપોઝને લીધે છે કે ગર્ભાશયના કોઈ રોગને લીધે તે જાતે નક્કી કરવાને બદલે ડોક્ટર પાસે જઇ તપાસ કરાવી લેવી સારી. ગર્ભાશયને તપાસ, ગર્ભાશયના મુખની તપાસ (પેપ ટેસ્ટ), સોનોગ્રાફી વગેરે જરૂર પ્રમાણે ડોક્ટર તપાસ કરશે.

2 પેશાબમાર્ગની તકલીફ થવી :

પેશાબમાં તફલિફ થાય, જેમ કે ઘડી ઘડી પેશાબ લાગવો, પેશાબ લાગે કે તરત દોડવું પડે, પેશાબના ટીપાં પડી જવા.

આવું કાઇપણ થાય તો ડોક્ટર પાસે પેશાબની તપાસ કરાવી સારવાર કરાવવી.

3 યોનિમાર્ગ સંકોચાય તેમજ સૂકો થવો :

મેનોપોઝ બાદ ઘણી સ્ત્રીઓનો યોનિમાર્ગ સંકોચાય તેમજ સુકો થાય છે. કારણ કે તેમાં બનતો ચીકણો પદાર્થ હવે ઓછો ઝરે છે. આ કારણે જાતીય સંબંધ વખતે પણ દુખાવો થઈ શકે છે. જો કે ડોક્ટરની સલાહ મૂજબ અમુક મલમ લગાડવાથી આ તફલીફ ઓછી કરી શકાય છે.

4 જાતીય સંબંધમાં ફેરફાર થવા :

આ ઉંમરે અમુક સ્ત્રીઓને જાતીય સંબંધમાંથી રસ ઉડી જાય છે. તેથી ઘણીવાર પતિ-પત્નીના સંબંધમાં પણ તણાવ આવી શકે છે. આવું હોર્મોન્સ ઘટવાથી થોડા સમય માટે થાય છે. તેથી જો આ બાબતને પતિ સહાનુભૂતિપૂર્વક સમજી શકે તો તેઓ વચ્ચે તણાવ ઘટી શકે છે.

મોનોપોઝ માં લાંબા ગાળાના ફેરફારો

1 મોનોપોઝ હાડકાં નબળા પડવા :

મેનોપોઝ બાદ ઘણી સ્ત્રીઓમાં હાડકાંની મજબૂતાઈ ઘટે છે. તેમાં કેલ્શિયમ ઓછું થાય છે. જો કે હાડકાં ખૂબ ધીરે ધીરે નબળા પડે છે, તેથી તેની ખાસ ખબર પડતી નથી.

પછીથી જરા જેટલું પડી જવાથી પણ સહેલાઈથી હાડકું ભાંગે ત્યારે તેનો ખ્યાલ આવે છે. ખાસ કરીને કરોડના મણકા, સાથળ કે થાપના હાડકાં ભાંગવાનો સંભવ વધુ હોય છે, હાડકાં ભાંગે છે એટલે કે 3 4 મહિનાનો ખાટલો અને પૈસાનું પાણી.

હાડકાં નબળા પડવાથી કમરથી ખૂંધ થાય છે. ધીરે ધીરે ઉંચાઇ ઘટતી જાય છે. આથી જ હાડકાં નબળા ન પડે તે માટે રોજ નિયમિત કસરત કરવી અને શરીરને કસાયેલું રાખવું. આ ઉપરાંત વધુ પડતું વજન વધે નહીં તેનું ધ્યાન રાખવું. તેમજ રોજ નિયમિત કેલ્શિયમની ગોળી લેવી.

2 હ્રદયને બીમારી

મેનોપોઝ પહેલાની ઉંમરે પુરુષોમાં સ્ત્રીઓ કરતાં હ્રદયની બીમારી વધુ થાય છે. જેવી કે હાર્ટએટેક, બ્લડપ્રેશર વધવું. જ્યારે મેનોપોઝ બાદ ઇસ્ટ્રોજન ઘટવાને લીધે સ્ત્રીઓમાં પણ હ્રદયની બીમારી પુરુષ જેટલી જ થાય છે. તેમાં પણ જો ગર્ભાશયની સાથે બંને અંદાશય પણ કઢાવી નાખવામાં આવ્યા હોય તો ઇસ્ટ્રોજન અચાનક ઘટવાને કારણે આ જોખમ વધી જાય છે.

મેનોપોઝ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

  1. પહેલાંના જમાનામાં સ્ત્રીઓનું આયુષ્ય ઓછું હતું. મોટાભાગની સ્ત્રીઓ 50-55 વર્ષની આસપાસ જીવતી. તેથી તેઓને મેનોપોઝ નો ગાળો ખૂબ ટૂંકો કાઢવાનો રહેતો. હવે આપના દેશમાં સ્ત્રીઓની 65-70 વર્ષ સુધી જીવે છે. એટલે કે જીવનનો ટ્રોજો ભાગ મેનોપોઝ બાદ આવે છે. આથી તેને આ લાંબો ગાળો ખૂબ તંદુરસ્ત અને કાર્યશીલ રહીને પસાર કરવો ખૂબ જરૂરી છે.
  2. મેનોપોઝ દરેકની જીંદગીમાં આવનાર કુદરતી તબક્કો છે, તેને સહજ રીતે સ્વીકારી લેવાથી પણ ઘણી રાહત થાય છે.
  3. હવે માસિક આવશે કે માસિક વખતે દુખાવો થશે તેવી કોઈ ચિંતા નહીં. ટેહી માસિકમાંથી થયેલ છૂટકારાનો આનંદ મેળવી શકાય. પોતાને ગમતું કામ શોધી તેમાં ખૂંપી જવાથી દિવસો આનંદમાં પસાર કરી શકાય છે.
  4. મેનોપોઝ વખતે સ્ત્રીઓને કૌટુંબિક પ્રશ્નોનો સામનો પણ કરવો પડે છે. બાળકો કિશોરાવસ્થામાં હોય તેના સંવેદનશીલ પ્રશ્નો, ઘરમાં ઘરડા મા-બાપ કે સાસુ સસરાની સંભાળ લેવાની હોય, પતિની નિવૃત્ત થવાની ઉંમર નજીક આવી રહી હોય. આમ સ્ત્રીને મોનોપોઝ વખતે થતી શારીરિક અને માનસિક તકલીફો ઉપરાંત આ સામાજિક પરિસ્થિતીમાંથી પણ માર્ગ કાઢવાનો હોય છે.
  5. આથી આ સમયે જો સ્ત્રીને ખૂબ મુઝવણ થઈ હોય તો તેણે ક્યાંકતો પતિને, કુટુંબની નજીકની કોઈ વ્યક્તિને અથવા તો તેણે જે કોઈ સમજી શકતું હોય તેની પાસે જઈ મુક્તપણે પોતાની મૂંઝવણ કહેવી. જેથી ઘણાં હળવા થઈ જવાય. માનસિક તણાવ ઓછો થાય.

સમતોલ ખોરાક લેવો

પોતાનું વજન બરાબર જળવાઈ રહે તે માટે ખોરાક પ્રમાણમાં અને સમતોલ લેવો. તળેલો અને ગળ્યો ખોરાક ઓછો લેવો. ખાસ કરીને લીલા શાકભાજી અને તાજા ફળો ખૂબ ખાવાં, જેથી શરીરને જરૂરી વિટામિન – લોહતત્વ મળે. સોયાબીન પણ ખાવા હિતાવહ છે.

દૂધ અને તેની બનાવટ દહીં- છાસ તેમજ સિંગ-તલ વગેરે ખાસ ખાવા. જેથી તેમાંથી કેલ્શિયમ અને જરૂરી ક્ષાર મળે. આ ઉપરાંત કેલ્શિયમ અને વિટામીન ડીની ગોળી પણ ડોક્ટરને પૂછીને નિયમિત લેવી.

નિયમિત કસરત કરવી :

આ ઉંમરે નિયમિત કસરત કરવી ખૂબ જ અગત્યની છે. તેમાથી સ્નાયુ કસાયેલા રહે છે. તેમજ સાંધા અને હાડકાં મજબૂત બને છે. દા.ત. રોજ નિયમિત અડધો કલાક કસરત કરવી, 2 થી 3 કિલોમીટર ઝડપથી ચાલવું. સાયકલ ચલાવવી. પાણીમાં તરવું.

આમ રોજ અથવા અઠવાડિયામાં પાંચ વાર નિયમિત અડધો કલાક પણ કસરત કરવાથી વજન કાબુમાં રહે છે, શરીર અને મન સ્ફૂર્તિમાં રહે છે અને ઊંઘ પણ ખૂબ સારી આવે છે.

મેનોપોઝ : સારવાર

મેનોપોઝ વખતે જુદી જુદી તકલીફ પ્રમાણે જુદી જુદી સારવાર હોય છે, સૌપ્રથમ તો પોતાને થતી મૂંઝવણ વિષે ડોક્ટર સાથે પેટ છૂટી વાતો કરવી. ઘણીવાર મનની વાતો કરવાથી પણ ખૂબ સારું લાગે છે. વળી માનસિક તણાવ ખૂબ હોય તો ડોક્ટરને પૂછી તણાવ ઓછો થાય અને સારી રીતે ઊંઘ આવે તેવી ગોળી પણ લઈ શકાય છે.

મેનોપોઝની ખાસ સારવાર છે એચ. આર. ટી. (હોર્મોન્સ રીપ્લેશ્મેંટ થેરાપી) એટલે કે બહારથી હોર્મોન્સ આપવા.

મેનોપોઝ પહેલાં અંદાશયમાં જે ઇસ્ટ્રોજન/પ્રોજેસ્ટ્રોરોન હોર્મોન્સ બનતા હતા તે હોર્મોન્સને જ બહારથી આપવાની સારવારને એચ. આર. ટી કહે છે. ખાસ કરીને શરીરમાં ઇસ્ટ્રોજન ઘટવાથે જે તકલીફ ઊભી થાય છે તેને એચ. આર. ટી લેવાથી ઓછી કરી શકાય છે.

મેનોપોઝ માં એચ. આર. ટી લેવી જોઈએ ?

એચ. આર. ટી લેવી જોઈએ કે નહીં તેની તરફેણ અને વિરુદ્ધ એમ બંને બાજુ ખૂબ દાખલા-દલીલો થાય છે. એમાં દરેક ડોકટરનો પોતાનો અનુભવ અને અભિપ્રાય કામ કરે છે.

હાલના મત પ્રમાણે જે સ્ત્રીને મેનોપોઝને લીધે રોજીંદા જીવન ઉપર અસર થતી હોય, તેને ખૂબ તફલીફ થતી હોય તો તેને જરૂર રામને ઓછા ડોઝવાળી તેમજ ઓછા સમય માટે એચ. આર. ટી લેવી જોઇએ. જો કે એચ. આર. ટીની જરૂર ઘણી ઓછી (આશરે 25 % થી 30 %) સ્ત્રીઓને જ પડે છે.

આ ઉપરાંત જે બેનબે ઓપરેશનમાં ગર્ભાશયની સાથે જ અંડાશય કાઢવાને લીધે મેનોપોઝ આવ્યું હોય, જેમાં અચાનક જ ઇસ્ટ્રોજન ઘટી જાય તે સ્ત્રીઓને એચ. આર. ટી ફાયદો કરે છે.

એચ. આર. ટી કઈ રીતે લઈ શકાય ?

એચ. આર. ટી ઘણી રીતે લઈ શકાય છે – મોં વાટે, કાયા વાટે, ચમડીમાં પેચ મૂકીને, ઇંપ્લાંટ મૂકીને વગેરે. કોને કેવી રીતે આપવું તે ડોક્ટર નક્કી કરે છે.

1 : મોં વાટે : આ ગોળીઓ ઘણાં નામે મળે ચ્હે, તે 28 ગોળીના પેકેટમાં મળે છે. માસિકની શું તકલીફ ચ્હે તે ધ્યાનમાં રાખી ડોક્ટર તે પ્રમાણે ગોળી લખી આપે છે.

2 : કાયમાં મૂકવાની ગોળી કે મલમ : જે સ્ત્રીઓને મુખ્ય ફરિયાદ યોનિમાર્ગ સુકાવાની કે સંકોચાવાની છે, પેશાબને તકલીફની છે કે ભેગા થતી વખતે દુખવાનાની ચ્હે તેને કાયમાં મૂકવાની ગોળી કે મલમ આપી શકાય.

2 : ચામડી ઉપર લાગવવાના પેચ-ઇંપ્લાંટ : આ થોડા મોંઘા પડે. પેચ પેટની ચામડી ઉપર લાગવાના જે 4 5 દિવસ રાખી શકાય. જ્યારે ઇંપ્લાંટ ચામડીની અંદર મૂકવાના હોય, ડોક્ટર પાસે જ મુકાવવા પડે, પણ એક વાર મુકવ્યા બાદ આશરે 6 મહિના સુધી રાખી શકાય.

એચ. આર. ટી. કોણે લેવી જોઈએ ?

એચ આર ટી ખાસ કરીને હોય ફ્લેશ એટલે કે ખૂબ ગરમી લાગવી, પરસેવો થવો તેમાં કામ સફળ રહે છે. આ ઉપરાંત તે લેવાથી માનસિક તણાવ. ચિડિયો સ્વભાવ ઓછા થાય છે. તેમજ યાદશક્તિમાં સુધારો થાય છે. આ બધી તફલીફ માટે આશરે 5 -6 મહિના સુધી જ એચ. આર. ટી. લેવાની જરૂર પડે છે.

એચ. આર. ટી. યોનિમાર્ગને સંકોચતા કે સૂકો થતો અટકાવે છે, તેમજ પેશાબની તકલીફો ઘટાડે છે. એથી એવી તકલીફવાળી સ્ત્રીઓએ કાયમાં મૂકવાની ગીલી લેવી જોઇએ.

એચ. આર. ટી. લેવાથી હ્રદયની બીમારી સામે રક્ષણ મળે છે. તેનાથી ધમનીની દિવાલ મજબૂત બને છે, લોહીમાં ખરાબ કોલેસ્ટેરોલ ઘટે છે અને સારું કોલેસ્ટેરોલ વધે છે. તેથી ખાસ કરીને જેને હ્રદયની બીમારીનું જોખમ વધારે હોય તે એચ. આર. ટી. લઈ શકે છે. જો કે એકવાર હાર્ટએટેક આવી જાય પછી તે લેવાથી ખાસ ફાયદો થતો નથી.

એચ. આર. ટી. હાડકાં નબળા પડતાં પણ અટકાવે છે. મેનોપોઝ બાદ ઘણી સ્ત્રીઓના હાડકાં નબળા પડે છે. આથી જ્યાં શક્ય હોય ત્યાં મેનોપોઝ સમય હાડકાં નબળા છે કે નહીં તેનો ક હસ ટેસ્ટ કરાવવો. આ ટેસ્ટ થોડો મોંધો હોય છે અને અમુક જગ્યા એ જ થાય છે. કેટલાક અભ્યાસમાં એવા તારણો છે કે ઓછામાં ઓછું પાંચ વરસ એચ. આર. ટી. લેવાથી થાપના અને કરોડના ફ્રેકચર ખૂબ ઓછા થાય છે. આ ઉપરાંત કેલ્શિયમ-વિટામિન ડીની ગોળી લેવાથી અને નિયમતી કસરત કરવાથી પણ હાડકાં નબળા થતાં અટકાવી શકાય છે.

એચ. આર. ટી.ની આડઅસર :

એચ. આર. ટી. ની અસર પણ છે. જેમ કે શરીરમાં પાણીનો ભરાવો થવો, છાતીમાં દુખાવો થવો, ઊલટી ઊબકા થવા. જે થોડો સમય જતાં ઓછા થઈ જાય છે. કેટલાક લોકો એવું માન છે કે તેનાથી વજન ખૂબ જ વધી જાય છે પણ આ વાત સાચી નથી.

જેને પહેલાથી કલેજાની કે પિત્તશાયની તકલીફ હોય, લોહી ગંઠાવાની તકલીફ હોય તો એચ. આર. ટી. એને વધારે છે. આવી સ્ત્રીઓએ એચ. આર. ટી. લેવી નહીં.

લાંબો સમય એચ. આર. ટી. લેવાથી ગર્ભાશયની દીવાલ ફૂલી જઇ શકે છે. કોઈકને વચ્ચેથી માસિક આવી જાય છે, જો કે એચ. આર. ટી.માં ઇસટ્રોજન – પ્રોસ્ટેરોન ભેગા લેવાથી તેમજ તેને સતત ચાલુ રાખવાથી આમ થતું અટકાવી શકાય છે.

જિંદગીનો આ કુદરતી તબક્કો છે, તેને સારી રીતે સ્વીકારી લેવાનો. જો મેનોપોઝ માટે આપણે માનસિક રીતે બરાબર તૈયાર હોઇએ તો ઘણી ઓછી તકલીફ થાય છે.

આ લેખ ડૉ. દક્ષા પટેલ (એક્શન રિસર્ચ ઇન કૉમ્યુનિટી હેલ્થ) નગારીયા ધરમપુર, જી : વલસાડને આભારી છે.


Total Page Visits: 1352 - Today Page Visits: 1

1 comments on “મેનોપોઝ – સમસ્યા : સમજણ અને સમાધાન – મેનોપોઝ એટલે શું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!