રામાયણ : માનવજીવનનું પુરાતન અને અદભૂત મહાકાવ્ય

રામાયણ રામ
રામાયણ રામ
Spread the love

વિશ્વનું ખૂબ જ પુરાતન અને અદભૂત મહાકાવ્ય કદાચ વાલ્મીકિ રામાયણ છે. તે આદિકાવ્ય – પહેલું કાવ્ય કહેવાય છે. રામાયણ માનવજીવનનું અસરકારક રીતે ઘડતર કરે છે. પતિ પત્ની, મા બાપ ને બાળકો, ભાઈ – બહેન અને મિત્ર – દુશ્મન સૌની બોધદાયક કથાઓ રામાયણમાં છે.

રામાયણનો ઉદભવ

એક વખતે નારદને વાલ્મીકિએ પ્રશ્ન કર્યો, “ હે માન્યવરઋષિ ! આ દુનિયામાં એવો કોઈ પૂર્ણ પુરુષ છે જે ગુણવાન, બહાદૂર, ફરજવંત, સત્યનિષ્ઠ, ઉમદા, ફરજ ન ચૂકનાર અને પ્રાણી માત્ર પ્રત્યે દયાવાન હોય?”

નારદે કહ્યું, “ તેવો એક પુરુષ ઇક્ષ્વાકુળનો રાજપુત્ર રામ છે. તે ગુણવાન, બહાદૂર, નમ્ર અને જ્ઞાની છે. તે મહાન યોધ્ધો છે. તેની પ્રજાને તે ખૂબ જ ચાહે છે. તે ધર્મધુરંધર છે. તે નિશ્ચયી અને અટલ છે. તે ન્યાયી અને દાનવીર છે. તે વેદપારંગત છે અને શાસ્ત્રાસ્ત્રવિદ છે. તે સર્વગુણસંપન્ન અને અતિ સૌંદર્યવાન છે. આજ્ઞાંકિત પુત્ર, માયાળુ ભાઈ, પ્રેમાળ પતિ, વફાદાર મિત્ર, આદર્શ રાજવી, દયાળુ દુશ્મન અને પ્રાણીમાત્ર પ્રેમી છે. સૌ તેનો આદર કરે છે.”

તમસા નદીના કાંઠે વાલ્મીકિ આ વહેતા વર્ણન પર વિચરતા ફરી રહ્યા હતા. ત્યાં તેને ક્રૌંચ પંખીનું બેલડું પ્રેમાલાપ કરતું જોયું. અચાનક એક ક્રૂર પારધીએ નરપંખીને બાણથી વીંધી નાખ્યું. તેના પતિને દુખમાં પીડાતો જમીન પર આળોટતો જોઈ, માદા ખૂબ જ દર્દભરે અવાજે દયામણી દશા પર અનુકંપાથી ભરાઈ ગયા અને તેની માદાને શોક કરતી જોઈ તેની તને કદી શાંતિ નહિ વળે, કારણ પ્રેમક્રીડા કરતાં ક્રોંચને તે માર્યો છે.” આ શબ્દો તેમના મુખેથી સહસા અનુષ્ટુપ છંદમાં જ સરી પડ્યાં !

વિશ્વસસર્જક બ્રહ્મા પોતે કવિ સમક્ષ પ્રગટ થયા અને બોલ્યા : “ આ સૂરીલા છંદમાં શ્રી રામની મનોહર ગાથા ગાવ. વિશ્વ ટકશે ત્યાં સુધી, આકાશમાં તારા પ્રકાશે ત્યાં સુધી તારું ગાન માનવી ગાશે.” આમ કહી બ્રહ્મા અંતર્ધ્યાન થયા. શ્રી રામની ગાથાના બધા જ પ્રસંગો વિગતથી જોયા, પછી તેમણે રામાયણ લખવાનું શરૂ કર્યું. ઘવાયેલા પક્ષી માટેના પ્રેમાળ હ્રદયથી દયાદ્ર બનવાથી રામાયણનાં ગાનનો પ્રાદુર્ભાવ થયો, રામાયણની દ્રષ્ટિએ ક્રોંચ પક્ષી પ્રત્યેની અનુકંપાથી વાલ્મીકિનાં દ્રદયમાંથી સરી પડેલ શ્લોકનો અર્થ થાય છે “શ્રી રામ અને સીતા બે ક્રોંચ પંખીનું જોડલું દર્શાવે છે. રાવણ ઘાતકી પારધી છે. ક્રૂર રાવણે કઠોરતાથી સીતાજીને શ્રી રામથી છૂટા પાડ્યાં. આ બંને કિસ્સાઓમા સામ્ય છે.” પારધી ક્રૂર કૃત્યે વાલ્મીકિને રામાયણ કહેવા પ્રેયા.

24,000 શ્લોકને 500 પ્રકરણમાં વહેંચીને વાલ્મીકિ રામાયણ રચાયેલું છે. તેમાં બાલ, અયોધ્યા, આરણ્ય, કિષ્કિંધા, સુંદર, યુદ્ધ અને ઉત્તર કાંડ એવા સાત કાંડ છે. આ મૂળ શાસ્ત્રીય સંસ્કૃત  કાવ્ય છે. લવ અને કુશ, રામના બે નાના પુત્રોએ સૌ પ્રથમ જગતને આ પ્રખ્યાત  કાવ્ય ગાઈ સંભાળાવ્યું. તેઓ વાલ્મીકિ ઋષિનાં આશ્રમમાથી સાધુવેશે આવ્યા અને તેમના પિતા રામ તથા અન્ય વીરો સાથે આ ગાઈ સંભળાવ્યું.

બધા વેદોનો સાર અને  શાસ્ત્રોનો ઉપદેશ આ અદભૂત પુસ્તક રામાયણમાં આવી જાય છે. માનવીની એ મહામૂલી સંપત્તિ છે. અમરત્વ માટેનાં અમૃતનું આ સરોવર છે. એક પુત્ર જ પિતાનાં વચનનાં પાલન  અર્થે ગાદીત્યાગ કરે છે, ઇન્દ્રિયસુખ તજે છે અને ચૌદ વર્ષ વનવાસ ભોગવે છે તેનું તેમાં ચારિત્રચિત્રણ છે. એક પિતા વચન પાલન ખાતર પોતાના વ્હાલસોયા પુત્રને વનવાસ આપે છે તેનું ચારિત્ર્ય બનાવે છે. એક આદર્શ, શીલવતી પત્ની પોતાના પતિને જીવનપર્યંત વફાદાર રહે તેના દુ:ખોમાં સહભાગી થઈ, જંગલમાં તેની અથાક સેવા કરે છે અને પતિને પોતાના દેવ સમજે છે, તેનું ચારિત્રાવલોકન  કહે છે.  

રામાયણ રામ

સૌથી વધુ તો તેમાં એવા એક ભાઈનું વર્ણન છે જે જગતમાં અન્ય બધી વસ્તુઓથી વધુ ભાતૃપ્રેમને ગણે છે અને મહેલની સુખ સાહયબી છોડી ભાઈ સાથે જંગલમાં જઈ, તેને રસ્તે આગળ ચાલી બધા ભયોનો નાશ કરે છે. રામાયણમાં કુદરતનું ખૂબ  રોચક અને રમ્ય વર્ણન કરેલ છે. જાણે એમ થઈ જાય છે કે ટેકરાઓ, નદીઓ, વૃક્ષો અને પક્ષીઓ માનવ સુખદુ:ખના ભાગીદાર એનએમ હોય ! લડાઈના વર્ણનો આબેહૂબ  કરેલા છે. રામાયણનું મુખ્ય ખાસીયત તેની સાદાઈ છે. નીતનો સૂર અહીં ભવ્ય છે. રામાયણના પાયામાં ઇતિહાસ છે. તે પુરાતત્ત્વનું પુસ્તક છે. અસંખ્ય લોકોના ભાગ્ય ઘડતરમાં મોટો ભાગ ભજવનાર આ પુસ્તક હજુ પણ હજુ પણ સઇકાઓ સુધી આવી અસર જમાવ્યા કરશે.   

રામાયણના સાતકાંડનો સાર

બાલકાંડમાં શ્રી રામનાં અવતારનું અને તેના બાલ્યકાળનું વર્ણન છે. વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરવામાં રામ મદદ કરે છે. તે રાક્ષસી તાડકા અને સુબાહુ રાક્ષસનો ધ્વંસ કરે છે. અહલ્યાના તે શાપોદ્ધારક થાય છે. શિવધનુષ તોડીને જાનકીને પરણે છે. પરશુરામનો ગર્વનાશ કરે છે.

અયોધ્યાકાંડમાં રામને પાટવી-કુંવર તરીકેની પદગ્રહણવિધિની તૈયારી થાય છે. તેની સાવકી-મા કૈકેયી આડે આવે છે અને તેને ચૌદ વર્ષ વનવાસ મોકલે છે. રામના ભ્રાતા લક્ષ્મણ અને પત્ની સીતા તેની સાથે જાય છે. પિતા-રાજા દશરથ- તેના છૂટા પાડવાના કારણે હ્રદય દ્રવિત થઈ જાય છે અને દુ:ખથી પ્રાણ તજે છે. વ્યાધના રાજા ગુહ, રામ, લક્ષ્મણ અને સીતાનું આતિથ્ય કરે છે. તેઓ ગંગા પાર કરી ભારદ્વાજ ઋષિને મળે છે. ભરત  (તેમનો બીજો – ભક્ત ભાઈ) જંગલમાં તેમની પાસે જઈ, દેશ પાછા ફરવા આગ્રહ કરે છે, પણ અંતે તેમની પાદુકા લઈ પાછા ફરે છે. રાજગાદી પર પાદુકા રાખી રામનાં નામે તો રાજકારભાર ચલાવે છે. ભરત પોતે નજીકનાં નદીગ્રામમાં રહે છે.

રામાયણના અરણ્યકાંડમાં, વિરાધનામનો રાક્ષસ, દંડકારણ્યમાં રામ-લક્ષ્મણ પર આક્રમણ કરે છે. રામ તેઓ નાશા કરે છે ત્યારબાદ તેઓ સરભંગ, સૂતીક્ષ્ણ અને અત્રિ ઋષિઓને  મળે છે. અત્રિપત્ની અનસૂયા સીતાજીને પત્નીની ફરજો સમજાવે છે. પછી તેઓ અગત્યસ ઋષિને મળે છે. રામને તેનો દૈવીશસ્ત્રો આપે છે. પંચવટીનાં વનમાં તેઓ સુર્પણખા રાક્ષસીને મળે છે. લક્ષ્મણ તેના નાક-કાન કાપી નાખે છે, કુરૂપ કરે છે. સુર્પંખાના ભાઈ ખર અને ત્રિશિરસ તેના ચૌદ હજાર સાથે ચીડપૂર્વક રામ સાથે લડે છે અને રણાંગણમાં મરે છે.    

સુપર્ણખા લંકા જઇ તેના ભાઈ રાવણને ફરિયાદ કરે છે. રાવણ વ્યુહ રચી, તેના મામા મારીચને સુવર્ણમૃગનું રૂપ લઈ રામ,  લક્ષ્મણ અને સીતા પાસે જવા કહે છે. સીતાજી શ્રી રામને આ હરણ પોતા માટે લાવી દેવા કહે છે. રામ તેની પાછળ પડી તેને મારે છે. તે સમયમાં રાવણ સીતાજીને ઉઠાવી જાય છે. ગીધરાજ જટાયુ રાવણને રોકે છે, પણ રાવણ તેને મરણતોલ મારે છે.  મરતાં મરતાં જટાયુ રામને સીતાનાં બધા હાલ કહે છે. રામ હ્રદયથી દુ:ખી થાય છે. પંપા સરોવર નજીક રામ અને લક્ષ્મણ કબંધ રાક્ષસને મારે છે. ત્યારબાદ પવિત્ર શબરીને તેઓ મળે છે. ખૂબ ભાવપૂર્વક શબરી તેને ફળમૂલ આપે છે.  

કિષ્કિંધાકાંડમાં પંપા સરોવરને કિનારે હનુમાનને રામ-લક્ષ્મણ મળે છે. ઋષ્યમૂક પર્વત પર જઈ તેઓ સુગ્રિવ સાથે જોડાય છે. રામની મદદથી સુગ્રિવ વાલીને મારે છે. સુગ્રિવ કિષ્કિંધા નગરીનો રાજા બને છે. વાલી પત્ની તારાને રામ આશ્વાસન આપે છે. ત્યાર બાદ હનુમાન બીજા વાનરો સાથે સીતાની શોધમાં નીકળે છે. હનુમાન શ્રી રામની અંગૂઠી નિશાની તરીકે લઈ જાય છે. ખૂબ શોધ-ખોળને અંતે પણ સીતાજીની ભાળ મળતી નથી. રીંછોનો સરદાર જાંબુવાન એક ગુફામાં જટાયુના ભાઈ સંપાતિને મળે છે. તે બધી વિગત જણાવે છે. તેના કહ્યા મુજબ એક ઊંચી ટેકરી પર ચઢી, હનુમાન કૂદે છે અને સમુદ્ર ઉલ્લંઘી લંકા પહોંચે છે.

રામાયણ નાં પ્રસિદ્ધ સુંદરકાંડથી હનુમાનચરિત્રનું વર્ણન છે, હવામાં ઊડતા હનુમાનને સમુદ્રનાં કહેવાથી મૈનાક પર્વત ત્યાં થાક ખાવા કહે છે. ત્યાર બાદ સમુદ્રમાં રહેતી એક રાક્ષસી સિંહીકા હનુમાનનો પડછાયો પકડી તેને નીચે ખેંચી લાવે છે. હનુમાન તેને મારી નાંખે છે. દૂરથી તે લંકાનાં દર્શન કરે છે. રાત્રે શહેરમાં પ્રવેશે છે. અશોકવાટિકામાં તે સીતાજીને જુએ છે. શ્રી રામની નિશાની તેમ જ સંદેશ હનુમાન સીતાજીને આપે છે. અશોકવાટિકાનો હનુમાન નાશ કરે છે. રાક્ષસો હનુમાનને બાંધે છે. હનુમાન છૂટા થઈ, લંકા દહન કરે છે. રામ પાસે પાછા ફરી સીતાજીનું ચૂડામણિ શ્રી રામને હનુમાન આપે છે. સીતાનું નિશાન અને સંદેશ મળતા રામ ખૂબ ખુશ થાય છે.

રામાયણ નાં યુદ્ધકાંડમાં વાનરશ્રેષ્ઠ નળ સમુદ્ર આજ્ઞાથી તેના પર પૂલ બાંધે છે. મોટું વાનર સૈન્ય તેના વીરો સાથે સમુદ્ર પાર કરી લંકા પહોંચે છે. રાવણનો ભ્રાતા વિભિષણ તેમને મળે છે. અને રાવણ તેમજ તેની સેનાનાં નાશની રીત બતાવે છે.  લડાઈમાં કુંભકર્ણ, ઇંદ્રજીત અને રાવણ હણાય છે. યુદ્ધમાં રામ અને રાવણ બંને બાજુએ મંત્ર દીક્ષિત શસ્ત્રો વાપરે છે. રાવણની સેના પર રામ એવું શસ્ત્ર ફેંકે છે કે જેથી બધે જ રામ દેખાય છે.

રાક્ષસો એકબીજાને અરસપરસ કાપવા લાગે છે. રાવણ રામ પર નાગાસ્ત્ર ફેંકે છે. કે જેથી બાણ પર વિષ ભરપૂર નાગ થઈ જાય છે. બાણોને નાગની ફેણ જેવી અણી હોય છે. અને તેમાંથી ચોમેર આગ ઓકાતી હોય છે. રામ ગુરૂડાસ્ત્ર ફેંકે છે. બાણો ગરુડ બની નાગને બધી બાજુથી કાપી નાખે છે. ગરુડ નાગનો દુશ્મન છે. રાવણને મારવા રામ બ્રહ્માસ્ત્ર વાપરે છે. સીતાને બચાવી લે છે. સીતાની અગ્નિપરીક્ષા થાય છે. તેમાથી તે પ્રકાશિત, પ્રતિભાવંત બહાર આવે છે. વિભિષણને લંકાપતિ બનાવે છે. પુષ્પક વિમાનમાં રામ અને તેના સાથીઓ સાથે અયોધ્યા આવે છે. રામનો રાજ્યાભિષેક થાય છે. પ્રજા ખૂબ આનંદિત થાય છે.

ઉત્તરકાંડમાં રામનાં રાજ્યને રામરાજય તરીકે વર્ણવ્યુ છે. સર્વત્ર ન્યાય પ્રવર્તે છે. બધે જ સંપત્તિ અને સુખ છે. દુ:ખ કે દર્દ ક્યાંય નથી. લૂંટારા કે ચોરનો ભય નથી. જાનમાલની સલામતી છે. ચારે વર્ણ પોતાના ધર્મ પાળે છે. લાંબા સંપત્તિપૂર્ણ રાજ્યનાં અંતે રામ સાકેતપૂરી ધામમાં પાછાં પધારે છે.

રામાયણનો ગૂઢ અર્થ આ છે. રાવણ એટલે અહંકાર. તેના દસ મસ્તક દસ ઇન્દ્રિયો છે. આ સ્થૂળ શરીર નવ દ્વારપૂરી રૂપ લંકા છે. વિભીષણ બુધ્ધિનું પ્રતિક છે. સીતાજી શાંતિ છે. રામ જ્ઞાન છે. રાવણ-હનન એટ્લે અહમનો નાશ અને ઇન્દ્રિય દમન. ઈચ્છાઓને કારણે જીવે શાંતિ ગુમાવી છે. તે પાછી મેળવી તે સીતાને પાછી મેળવવાનો સાર છે. રામના દર્શન એટલે પરમાત્માના દર્શન. તે જ્ઞાન પામવા રૂપ છે.     

મોહનો સાગર તરીને રાગ દ્વેષરૂપ રાક્ષસો મારીને જે યોગી શાંતિ પામે છે, આત્મ્સ્થ થાય છે. તે ચિર આનંદ પામે છે. શ્રી રામસત્વ – ‘સારા’નું પ્રતિક છે. રાવણ દુષ્ટતાનું દ્યોતક છે. રામ-રાવણ એકબીજા સાથે લડ્યા છે. ઘનાત્મકતા, ઋણાત્મ્કતા પર વિજય મેળવે છે. સારું હંમેશા નરસા પર વિજય પ્રાપ્ત કરે છે.  

જય શ્રી રામ

આ લેખ ‘શિવ- આનંદ’ પુસ્તકમાથી લેવામાં આવેલ છે.

પુસ્તકનું નામ : શિવ-આનંદ

લેખક : સ્વામી શિવાનંદ સરસ્વતી

પ્રકાશક : દિવ્ય જીવન સંધ ટ્રસ્ટ, રતનપર, સુરેન્દ્રનગર, ગુજરાત

રામાયણ પરનો આ લેખ આપને કેવો લાગ્યો ? આપના મિત્રોને ચોક્કસ શેર કરો.

Total Page Visits: 878 - Today Page Visits: 2

2 thoughts on “રામાયણ : માનવજીવનનું પુરાતન અને અદભૂત મહાકાવ્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!