રોટરી (1905) : વ્યાવસાયિકો અને પ્રોફેશનલો માટે..

ચંદ્રકાન્ત બક્ષી
ચંદ્રકાન્ત બક્ષી
Spread the love

રોટરી અને લાયન્સ જેવા શબ્દો આજે હિંદુસ્તાનમાં નગરો-મહાનગરો માટે અપરિચિત રહ્યા નથી. રોટરી અને લાયન્સ પછી જેસીઝ અને જાયન્ટઝ અને અન્ય નામો વહેતાં થયાં છે.

રોટરી
રોટરી

મહાનગરોની વિવિધ જાતિ અને બહુભાષી પ્રજાઓના વ્યાવસાયિકો અને પ્રોફેશનલ પુરુષો એક સ્થળે નિયમિત ભેગા થાય અને વિધિવત સેવા કરે આશય હોય છે. આશય ક્લબજીવનનો છે. અનુક્રમ સપ્તાહમાં એકાદ નિયત દિવસે મળતા રહેવાનો છે, અને ઉદ્દેશ્ય સેવાનો છે. એ અર્થમાં આ સંસ્થાઓ કલ્યાણસંસ્થાઓ છે, વાર્ષિક ફી લેવામાં આવે છે, હૉલ ભાડે રાખવામા આવે છે. નાસ્તા પાણી થાય છે, ક્યાંક કોકટેઇલ્સ પણ હોય છે, ફોટા પડે છે, એકાદ અતિથિ વ્યાખાતાને નિમંત્રવામાં આવે છે, આ એક સાપ્તાહિક ગેટ-ટુગેધર છે. રોટરીને ઇનરવ્હીલ સંસ્થા છે જ્યાં ગૃહિણીઓ પણ આવી શકે છે, પણ ‘શુદ્ધ’ રોટરીમાં સ્ત્રીઓને પ્રવેશ ન હતો, હવે પ્રોફેશનલ સ્ત્રીઓને ચાર-પાંચ વર્ષોથી પ્રવેશ છે. પણ ગૃહિણીઓને નથી.

એક જ વ્યવસાયમાંથી જુદાંજુદાં નામે નીચે વ્યક્તિઓ સદસ્ય બની જાય છે. દરેક રોટરી ક્લબ પોતાના સભ્યોને આર્થિક ક્ષમતા પ્રમાણે વાર્ષિક માનરાશિ નક્કી કરે છે, જેમાંથી મિટિંગોનો ખર્ચ નીકળે છે. રોટરી વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, પ્રોફેશનલોને મળવાની અને ફેલોશીપ બનાવવાની પ્રવૃત્તિ કરે છે.

ક્લબજીવન હવે નગરજીવનનો એક અંશ બની ચૂક્યું છે અને રોટરી આ પ્રવૃતિના આદિપિતા તરીકે સ્થાન લઈ શકે છે. હિંદુસ્તાનમાં રોટરીનું આગમન આજથી બરાબર 80 વર્ષો પૂર્વે, સપ્ટેમ્બર 26, 1919ને દિવસે થયું હતું. કલકત્તામાં આર. જે. કુમબ્ઝ નામના અંગ્રેજ વેપારીએ 15 અંગ્રેજોની એક મિટિંગ ભરી હતી. અમેરીકામાં રોટરી પ્રવૃતિના જન્મ પછી 14 વર્ષ બાદ હિંદુસ્તાનમાં રોટરીનો જ્ન્મ થયો હતો. હિંદુસ્તાનની રોટરી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય ચાર્ટર જાન્યુઆરી 1, 1920ને દિવસે મળ્યો હતો. કલકત્તાના નીતિશચંદ્ર લાહિરી રોટરી ઇન્ટરનેશનલના પ્રથમ એશિયન અધ્યક્ષ બન્યા હતા. જે રોટરી એક સ્થાનિક અને લગભગ ખાનગી પ્રવૃત્તિતરીકે હિંદુસ્તાનમાં શરૂ થઈ હતી એ વર્ષો જતાં અહી સમૃદ્ધ થઈ અને 1980ના દશકના અંતે હિંદુસ્તાનમાં 1100 રોટરીક્લબો હતી, જેના 50,300 સભ્યો હતા. 1980ના દશકના અંતે તેના સભ્યોને સંખ્યાની દ્રષ્ટિએ હિંદુસ્તાન વિશ્વમાં 4થુ હતું !

પ્રથમ અમેરિકા હતું જ્યાં 6360 ક્લબો હતી 6330 ક્લાબો હતી,પછી જાપાનનો નંબર આવતો હતો, ત્યાં 1628 ક્લબો હતી. ત્રીજા નંબરના ઈંગ્લેન્ડમાં 1518 ક્લબો હતી. 1100 ક્લબો સાથે ઈન્ડિયા ચોથું આવતું હતું. એ વખતે દુનિયામાં રોટરીના 245 ડિસ્ટ્રિક્ટ હતા, અને હિંદુસ્તાનમા 24 ડિસ્ટ્રિક્ટ આવતા હતા. ક્લબોના એક જૂથના શિખર પર ડિસ્ટ્રિક્ટ આવતો હોય છે. રોટરી એ યુનો દ્વારા સ્વીકૃત 6 ગૈર-સરકારી પ્રતિષ્ઠાનોમાંનું એક પ્રતિષ્ઠાન છે. 1945માં બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી યુનાઇટેડ નેશન્સ (યુનો) અથવા સંયુક્ત રાષ્ટ્રોના જન્મ સમયે સાનફ્રાન્સીસ્કોમાં 46 દેશોના પ્રતિનિધિઓ એકત્ર થયા હતા, જેમાં 49 રોટેરીઅનો હતા ! અને એમણે યુનોનો ચાર્ટર ઘડવામાં ભાગ લીધો હતો.

આજે વિશ્વભરમાં વ્યાપ્ત રોટરી પ્રવૃત્તિનો જન્મ જરા વિચિત્ર સંજોગોમાં થયો હતો. આ સદીના આરંભમાં શિકાગોના 37 વર્ષીય એક વકીલ પોલ પી. હેરિસ અને એમના 3 મિત્રોએ એક ક્લબ બનાવી. દિવસ હતો : ફેબ્રુઆરી 23, 1905. આ મિત્રો વારાફરતી દરેકને ઘેરે મળતા હતા તળે અંગ્રેજીમાં ‘બાય રોટેશન’ મળતા હતા, માટે આનું નામ ‘રોટરી ક્લબ’ પાડવામાં આવ્યું અને આ પ્રથમ સિવિલિયન સર્વિસ ક્લબ હતી. એ સમયે મિલિટરીની ક્લબો ચાલતી હતી. પણ સિવિલિયન ક્લબો હતી નહીં. રોટરીમાં બિઝનેશમેન અને પ્રોફેશનલ્સ જોડાતા હતા અને સ્વૈચ્છિક સમાજસેવા (વોલન્ટરી કમ્યુનિટી સર્વિસ) એ ધ્યેય હતું. રોટરીના સંદર્ભમાં એક શબ્દ વારંવાર વપરાતો રહે ચ્હે : ફેલોશિપ અથવા બિરાદરી !

1905માં શિકાગોમાં શરૂ થયેલી રોટરી 1908માં કેલિફોર્નિયાના સાન ફ્રાનસ્કો,આ પહોંચી ગઈ હતી. 1912માં રોટરી આયર્લેંડ અને ઈંગ્લેન્ડ સુધી પહોંચી. જે વર્ષે હિંદુસ્તાન આઝાદ થયું હતું એ 1947માં રોટરીના સ્થાપક પોલ હેરિસનું અવસાન થયું ત્યારે વિશ્વમાં 6234 રોટરી ક્લબો સ્થપાઈ ચૂકી હતી અને 3 લાખથી ઉપર સભ્યો થઈ ચૂક્યા હતા. 1988 સુધીમાં, 161 દેશોના 425 ડિસ્ટ્રિક્ટની 23,000 ક્લાબોમા 10 લાખથી ઉપર રોટેરીઅન સભ્યો બની ગયા હતા. છેલ્લા પાંચ સેટ વર્ષો સુધી રોટરી માત્ર પુરુષોની ક્લબ જ હતી ! પછી અમેરિકાની સુપિર્મ કોર્ટે રૂલિંગ આપ્યું કે રોટરીએ સ્ત્રીઓને પણ પ્રવેશ આપવો પડશે. અને સ્ત્રીઓએ ધીરે ધીરે રોટરીમાં પ્રવેશ પામી શકી છે. છતાં પણ હજુ સુધી એ પ્રમાણ ઘણું ઓછું છે. રોટરીની જંસાધારણમાં હજુ સુધી એક પુરુષપ્રધાન સંસ્થા તરીકે જ પ્રતિભા ઊભરી છે. રોટરી ગ્રૂપ સ્ટડી એક્સચેન્જ પ્રોગમ નીચે યુવા પ્રોફેશનલોને વિદેશ મોકલે છે, અને આ પ્રવૃત્તિ 1965થી ચાલે છે.

બાળકોના 6 રોગો સામે મેડિકલ સહાય કરવી એ પણ એમની ગમતી પ્રવૃત્તિ છે. એન આ 6 રોગો છે : પોલિઓ. ઓરી-અછબડા, ડિપ્થેરિયા, ટી.બી., ટીટેનસ અને પરટુસીસ (વ્હીપિંગ કફ અથવા ઊંટાંટિયું.

રોટરીનો આશય, અન્ય કલ્યાણ સંસ્થાઓની જેમ, સર્વિસ કે સેવાનો છે અને ‘ફેલોશિપ’ શબ્દ સતત વપરાતો રહે છે. સેવાના નિમિત્તે નિકટ આવેલા વ્યાવસાયિક અને પ્રોફેશનલોમાં એક ભાતૃભાવ ઉત્તપન્ન કરવો આ ફળશ્રુતિ હોય છે. ધંધામાં નીતિ પર આગ્રહ, પ્રામાણિકતા, ઉદાત્ત જીવન, ગુડવિલ, ફેરનેસ આવા વિચારો પર આગ્રહ કરતો હોય છે. ઘણી કલબો સરસ સેવાકાર્યો કરતી રહેતી હોય છે અને સભ્યો સમાન્યત: શિક્ષિત અને દીક્ષિત હોવાથી સભાશિસ્ત સચવાતી હોય છે.

પણ કળિયુગમાં જેમ કોઈ પણ પ્રતિષ્ઠાન વિવાદથી પર હોતું નથી એમ રોટરી પ્રવૃત્તિને પણ આલોચનાની અગ્નિપરીક્ષામાંથી ગુજરવું પડે છે. કેટલાકનું કહેવું છે કે આમાં સાંજની મહેફિલનું તત્ત્વ પ્રવેશી ગયું છે અને હવે સેવા પ્રાથમિકતા રહી નથી, પણ દ્વિતીય સ્થાને આવી ગઈ છે. બીજો તર્ક એવો છે કે આ પ્રતિષ્ઠાન ગાંધીજીની ટ્રસ્ટશિપ થિયરીને ચરિતાર્થ કરવામાં નિકટતમ છે. પણ એક વાત સ્પષ્ટ છે, સમાજના વંચિત વર્ગોને સહાયક થવાની ભાવના જરૂર સ્તુત્ય છે, એક તર્ક અથવા અભિયોગ એવો પણ છે કે આ ઉચ્ચભ્રૂ સંસ્થા છે, જે બહુજનસમાજથી વિમુખ થઈ રહી છે. અ ઉંઘું હોવા છતાં 94 વર્ષ પહેલાં શરૂ થયેલી રોટરી ઇન્ટરનેશનલ આજે વિશ્વવ્યાપી પ્રમુખ સંસ્થા છે.

ક્લોઝ અપ

સમ્રાટ સૂતો હોય ત્યારે પણ સમ્રાટ જ છે ! – લેટિન કહેવત

આ લેખના લેખક છે શ્રી ચંદ્રકાંત બક્ષી.

પુસ્તક : અનેકવચન

પ્રકાશક : સાહિત્ય સંગમ, સુરત

રૂ : 125

પુસ્તક કરીદવા માટે પ્રેમ પુસ્તક ભંડાર નો સંપર્ક (98 796, 30387) કરે શકો છો.

Total Page Visits: 513 - Today Page Visits: 1

1 comments on “રોટરી (1905) : વ્યાવસાયિકો અને પ્રોફેશનલો માટે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!