કનૈયાલાલ મુનશી : ગુજરાતી સાહિત્યનું ઉન્નત શૃંગ

Spread the love

કનૈયાલાલ મુનશી : જીવન

કનૈયાલાલ મુનશી ની સાહિત્યપ્રવૃત્તિનો પ્રારંભ પંડિતયુગ અને ગાંધીયુગના સંધિકાળે એટલે તેમની પૂર્વે પાંડિત્ય, પ્રશિષ્ટતા અને ગંભીર જીવનપરામર્શક તત્ત્વાન્વેષી અભિગમનું જેમાં પ્રાધાન્ય એવો ગોવર્ધનયુગ. મુનશીની પ્રવૃત્તિનો પ્રસાર સમગ્ર ગાંધીયુગ દરમ્યાન – અને તે પછીય જેમાં સર્વતીર્થ ગાંધીગંગોત્રીમાંથી પ્રવાહમાન વહેણો અને વલયો જ તત્કાલીન સાહિત્યના પ્રમુખ પ્રેરક-વિધાયક પરિબળો. આમ, મુનશીને બે પ્રચંડ પ્રભાવમૂર્તિઓ વચ્ચે પ્રકાશવાનું હતું. પરંતુ, ઉભય મહામહિમાવંતો વચ્ચે પણ, સ્વાગ્રહી વ્યક્તિત્વની ઉત્કટ અનિરુધ્ધ વૃત્તિ અને શક્તિથી તથા મમતભર્યા ને મહત્વાકાંક્ષી પુરુષાર્થથી, ઉભયનાં વ્યાપક અને દીપ્તિમંત  પ્રભાવવલયો વચ્ચેય, નિજનું કઇંક નાનું છતાં આગવું ને સ્પષ્ટ તેજોવલય, પ્રગલ્લાભતાપૂર્વક પ્રગટ કરી શકનાર મુનશીની સાહિત્યપ્રવૃત્તિ  અસાધારણ પ્રતિભાનો આવિષ્કાર ગણાય,

પ્રબળ પ્રતિભાશાળી સર્જક પૂર્વકાલીન તેમ જ પ્રવર્તમાન પ્રભાવોને આત્મસાત્ કરી, તેમને અ-પૂર્વ રૂપે પ્રગટ કરે છે, આ અપૂર્વતા એ, એ સમગ્ર સંદર્ભ  પર અંકિત, સર્જકની આગવી મુદ્રાનું પરિણામ હોય છે, સર્જકનું એ આગવું વ્યક્તિત્વ, જ્યારે પ્રવર્તમાન વલણોના પ્રવાહથી પ્રતીપ્રગતિ કરનાર પ્રતીકાત્મક પુરુષાર્થને પ્રતિષ્ઠિત કરવા અત્યંત પ્રબળ ‘અસ્મિ’તા અને પ્રચંડ વિદ્રોહશક્તિથી અપેક્ષા રહે છે. મુનશીની સાહિત્યપ્રવૃત્તિ  મહદઅંશે આવી સ્પર્ધાત્મક પ્રતિભાવથી  પ્રેરાતી પ્રતિપગા પ્રતિભાઓ સર્જનાત્મતક ઉદ્યમ છે – વિરલ તેમ જ વિલક્ષણ, મુખ્યત્વે નવલકથાકાર એવા મુનશીનાં પાત્રોમાં, તેના સર્જકનાં અદમ્ય મહત્વાકાંક્ષી અને અહંભાવી પ્રભાવાકાંક્ષાનો પ્રબળ પ્રક્ષેપ પરખાયા વગર રહેતો નથી. આથી, રંગદર્શી  કલ્પનાશીલ સર્જકપ્રતિભા  તેમની આત્મકથા કે પ્રવાસકથાને પણ નવલકથાની નજીક લઈ જાય છે, તો કલ્પિત  પાત્રોનાં મનોગત અને મંતવ્યો, આશયો અને એશનાઓમાં પણ પોતાનું જ પ્રક્ષેપણ  કરવાની વૃત્તિ નવલકથાઓને પણ આપકથાઓ  જેવી બનાવી દે છે. એ રીતે તેમના વ્યક્તિત્ત્વની વિશિષ્ટતાઓ, તેમના સર્જનની લાક્ષણિતાઓ બની જાય છે.

મુનશીનો જન્મ 30-12-1887ના દિવસે ભરૂચમાં, મુનશીને ટેકરે, બાપીકા ઘરમાં. મોટા ઘરની જૂની જાહોજલાલી ઓસરવા લાગી છે પણ ઘરનાં જૂના હાંડીઝુંમરની જેમ હજુ મુનશીઓના મિજાજમાં ને કડકડતાં અંગરખામાં કુળગૌરવ ટકી રહ્યું છે ત્યારે મુનશીનો જન્મ એ ભૃગુકુળગૌરવના અને વૈષ્ણવની સ્મૃતિઓ તથા મિજાજન વારસદાર છે. પિતા  માણેકલાલ નરભેરામ મુનશી. અમદાવાદની કલેકટર ઓફિસમાં કારકુનની નોકરીથી શરૂ કરી ક્રમેક્રમે આપબાહોશીથી મામલતદાર વગેરે હોદ્દાઓનાં પગથિયાં ચઢી સુરત-ભરૂચના ડેપ્યુટી કલેકટર થનાર ‘રાવ બહાદુર’ માણેકલાલ બહાદુર, કર્મઠ અને સ્વતંત્ર સ્વભાવના તેમ જ રસિકજન. કનૈયાલાલ તેમના ચાર દીકરીએ  એકમાત્ર પુત્ર. કનુભાઈ હજુ વડોદરા કોલેજમાં પ્રારંભિક વર્ષમાં જ હતા ત્યારે જ 1903માં પિતા માણેકલાલનું હ્રદયરોગથી અવસાન.

આમ સોળેક વર્ષની વયે જ કનૈયાલાલ મુનશી પિતાનું છત્ર ગુમાવે છે. પણ માતાની દીર્ઘજીવી પ્રેમાળ છાત્રછાયા તેમના જીવનની ઘણી તડકીછાંયડીમાં આધાર બની રહે છે. માતા તાપીબા જીજીમા તરીકે જાણીતાં. પ્રભાશાળી, પ્રેમાળ, વ્યવહારકુશળ, હિસાબ રાખે, નોંધપોથી રાખે, પદ્યો પણ રચે. વહીવતદક્ષ ને સંસ્કારી  પિતાની વિવિધ સ્થળે બદલીઓ થતાં વિવિધ સ્થળોના અનુભવો કનુભાઈને મળે છે, ભાર્ગવ બ્રાહ્મણના કુળસંસ્કારો સાથે ભગવાન ચંદ્રશેખર પ્રત્યેની ભક્તિનાં બીજ મળે છે. લાડભર્યા ઉછેર સાથે મળેલાં આઅ સંસ્કારબીજનો વારસો ભવિષ્યમાં સમૃદ્ધ બની રહે છે. ‘જય સોમનાથ’ જેવી કૃતિઓમાં પ્રગટતી ચંદ્રશેખરભક્તિ નાં મૂળ અહીં જણાઈ છે.

તત્કાલીન રિવાજ મુજબ, કુટુંબના મોભા પ્રમાણે સવેળા ઇ. સ. ૧૯૦૦માં અતિલક્ષ્મી સાથેના લગ્નસમાએ કનુભાઈની ઉંમર વર્ષ ૧૩અને અતિલક્ષ્મીની ઉંમર વર્ષ ૯, જે ‘દેખાવે પાંચ વર્ષની લાગતી’ એમ મુનશી નોંધે છે.  લગ્ન સમયે હજુ મુનશી મેટ્રિક થાય નથી ! ને કાનુબાહી પરણે છે તે પણ અનિચ્છાએ- કારણ કે પિતા સચિનના દીવાન હતા ત્યારે બાલ્યાવસ્થામાં મલેલે એક બાલસખીના સ્મરણચિત્ર ની આસપાસ કલ્પનાતરંગી કિશોર કનૈયાલાલ આરમાનોની એક સ્વપ્નસૃષ્ટ ગૂંથી બેઠા છે ! સ્વપ્નસૃષ્ટિની એ ‘દેવી’ને ઝંખતા શોધતા જ રહે છે – અન્ય મૂર્તિમાં એ ‘દેવી’નો સ્વરૂપાંતરે સાક્ષાત્કાર  થાય છે ત્યાં સુધી ! ‘શિશુ અને સખી’ અને ‘વેરની વસૂલાત’માં તેમની હ્રદયકથા-વ્યથા વ્યક્ત થયેલી છે !

સચિનની એ ‘દેવી’ એ જ ‘વેરની વસૂલાત’ની તનમન એ તો હવે જાહેર વાત છે. ૧૯૦૧માં  ‘ભાર્ગવ છોકરાઓની પ્રણાલિકા તોડી’ પહેલે જ પ્રયત્ને મેટ્રિક પાસ થયા. પણ વડોદરા કોલેજમાં ગણિતની કચાસને લીધે પ્રિવિયસમાં જ નાપાસ થયા ને ફરી પરીક્ષા આપી. દરમ્યાન ૧૯૦૩માં, પિતાનું અવસાન થતાં જ, આપત્તિ શરૂ થઈ. પિતાના અવસાન સાથે કૌટુંબિક મુશ્કેલીઓનો તીવ્ર અનુભવ – માતાની છાંયડીનું આશ્વાસન છતાં. ઘરઆંગણે કૌટુંબિક આપત્તિ ને આર્થિક સંકડામનમાંથી મા મારગ કાઢી આપે છે, તો કૉલેજમાં મનઃસૃષ્ટિનો નવો ઉઘાડ અનુભવાય છે. પ્રા. અરવિંદ ઘોષ અને પ્રા. જગજીવન શાહ જેવાના સંસર્ગથી.  મહાનુભવોની જીવંત પ્રેરણા, વિશાળવાચન, ચર્ચાઓ, વાદમંડળો, મિત્રમંડળીઓ વગેરે કનૈયાલાલના જીવનમાં નવી સમૃદ્ધિ સીંચે છે. ‘બુદ્ધિના બડેખાં’ હોવાનું અભિમાન થાય એટલો બુદ્ધિવિકાસ થાય છે, અને ૧૯૦૫ માં પહેલા વર્ગમાં સફળ થતાં ‘અંબાલાલ સાકરલાલ પારિતોષિક’ પ્રાપ્ત થાય છે.

ઈશ્વર, દેશભક્તિ, રાસ્ટ્રોન્નતિ વગેરેના વિચારો સાથે, ધર્મચૂસ્તતા અને સુધારણા વિચારોની સંઘર્ષાત્મક મથામણની આઅ અવસ્થા છે. આ અવસ્થાની ભાવનાઓ, સેવેલાં સ્વપનો વગેરે સહિત આઅ કાળની ઘટનાઓ વગેરેનું વાસ્તવિક ચિત્ર ‘સ્વપ્નદ્રષ્ટા’માં આલેખાયું છે, ૧૯૦૭ માં બી. એ. એલિસ પ્રાઇઝ સાથે સેકન્ડ ક્લાસમાં પાસ, અને યૌવનની સ્વપ્નભૂમિ વડોદરાથી વિદાય. જીવનનો અધ્યાય બદલાય છે. ‘અડધે રસ્તે’ આત્મકથાના પ્રથમ ખંડમાં આ અધ્યાયનું સુંદર આલેખન છે.

ગ્રેજ્યુએટ કનૈયાલાલ હવે  (૧૯૦૭-૦૮) નસીબ અજમાવવા મુંબઈની ધરતી પર ઉતરે છે. કઠોર વાસ્તવિકતાનો સાક્ષાત્કાર શરૂ થાય છે. મુનશી મુંબઈની ચાલીમાં ઘરસંસાર શરૂ કરે છે અને પાઇ  પાઈની ગણતરીથી ઘર ચલાવતાં, એલએલ. બી.નો અભ્યાસ શરૂ કરે છે. મુંબઈના માળાના જીવનના  તેમના અનુભવોને નિરીક્ષણોમાંથી  ઘણુંબધું ‘કોનો વાંક’? માં મળી આવશો. આત્મકથા ‘સીધાં ચઢાણ’ ના પ્રથમ ખંડમાં આ અવસ્થાનું  તાદ્રશ આલેખન છે. 

૧૯૦૭થી ૧૯૧૫ સુધીનો ગાળો મુનશીના જીવનની ભારે મથામણનો ગાળો છે. બીજા પ્રયત્ને ૧૯૧૩માં એડવોકેટ થઈ ધંધામાં સ્થિર થાય છે ત્યાં સુધી તેમની, જીવનને પગભર કરવાની મથામણ ચાલુ રહે છે. મુંબઇમાંના સાક્ષરો ચંદ્રશંકર પંડયા, અંબાલાલ બુ. જાની , ઉત્તમલાલ ત્રિવેદી, કાંતિલાલ છ. પંડયા, નૃસિંહપ્રસાદ વિભાકર વગેરે પંડિતયુગની બીજી હરોળ સમા ‘સમાલોચક’ના લેખક વર્ગ સાથે મુનશી ગાઢ સંપર્ક કેળવે છે. ‘ગુર્જરસભા’ના પોતે મંત્રી પણ બને છે અને મુખ્યત્વે પંડિતયુગના પ્રભાવોથી  પોષાયેલો આ વિદ્વદ્ વર્ગમાં પોતાના પશ્ચિમી સાહિત્યના પરિચય અને સ્પષ્ટ તથા પ્રગલ્ભ વકતૃત્વથી મહત્વ પણ મેળવે છે. અન્ય સુધારાવાદી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. આઅ કાળનું જીવનનું નિરૂપણ કરતાં આત્મકથાના બીજા ખંડને ‘સીધાં ચઢાણ’નું નામ કેમ આપ્યું હશે તેનો કઇંક મર્મ એ વાંચતાં સમજાય છે. આ જીવનકાળનાં કેટલાંય ચિત્રો- પ્રસંગો અને વ્યક્તિઓનાં – ‘તપસ્વિની’માંથી જાણકારો જરૂર ઓળખી લીધાં હશે.

સાહિત્યક્ષેત્રે શુભારંભ

મુનશીનો  એ ‘સીધા ચઢાણ’નો  જીવનકાળ તેમની સાહિત્યપ્રવૃત્તિની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનો છે. તત્કાળ પર્યંત તેમણે જ્ઞાતિપત્ર – ‘ભાર્ગવ’ અથવા ‘આર્યપ્રકાશ’ જેવાં સામયિકોમાં તો લેખો લખ્યા છે, પણ સાહિત્યક્ષેત્રે  તેમનો પ્રવેશ ‘મારી કમલા’ એ વાર્તાના પ્રકાશનથી ગણાય.

1912 માં ‘મારી કમલા’એ વાર્તા ‘સ્ત્રીબોધ’માં ‘ઘનશ્યામ વ્યાસ’ને નામે પ્રગટ થાય છે. આ પ્રથમ પ્રયાસે જ નરસિંહરાવ જેવા દુરારાધ્ય વિવેચકના આશીર્વાદ  સાથે ‘ઘનશ્યામ વ્યાસ’ – મુનશીની સાહિત્ય-કારકિર્દીનો પ્રારંભ થાય છે. 1913માં, સાક્ષરમિત્ર  અંબાલાલ બુ. જાનીના આમંત્રણથી ‘ગુજરાતી’ પત્રમાં ‘ચૌદ આને કૉલમના લોભે’, ‘વેરની વસૂલાત’ લખે છે અને વાર્તારસિયા ગુજરાતી વાચકોને વશ કરી લે છે. તે સાથે જ મુનશીની પ્રતિભાને પોતાને માર્ગે મળી જાય છે, અને 1912-13માં ‘મારી કમલા’ અને ‘વેરની વસૂલાત’થી આરંભાઈને, લગભગ 58-59 વર્ષો પર્યંત વિસ્તરેલી સાહિત્યક કારકિર્દી ગુજરાતી સાહિત્યનુ એક સમૃદ્ધ અને યશસ્વી પ્રકરણ બની રહે છે.

‘વેરની વસૂલાત’ની સફળતા મુનશીને માટે ઉત્સાહક  નીવડે છે. 1913 માં ‘વેરની વસૂલાત’ પ્રગટ થાય પછી ઝડપભેર એક પછી એક કૃતિઓ પ્રગટ્યે જ જાય છે. ‘કોનો વાંક?’, પછી ‘પાટણની પ્રભુતા’ આરંભાઈ ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’માં વિસ્તરેલી સોલંકી – નવલત્રયી તો મનશીને કીર્તિની ટોચે પહોંચાડે છે. આ દરમ્યાન જ પ્રણયકથા ‘પૃથિવીવલ્લભ’ અને નાટકો ‘વાવાશેઠનું સ્વતંત્ર્ય’ (સામાજિક) અને ‘પુરંદર પરાજય’ (પૌરાણિક) પણ પ્રગટ થઈ તેમની લોકપ્રિયતામાં વધારો કરે છે. ઉપરાંત સાહિત્યસંસદની સ્થાપના અને તેની લોકપ્રિયતા વધારો કરે છે. ઉપરાંત સાહિત્યસંસદની  સ્થાપના અને તેની પ્રવૃત્તિઓ  તથા તે નિમિત્તે આપેલાં વ્યાખ્યાનો, તેના મુખપત્ર રૂપે પ્રગટ થયેલ ‘ગુજરાત’પત્રની  પ્રવૃત્તિ  વગેરેને કારણે તેમની સાહિત્યપ્રવૃત્તિઓનું પૂર  ઊછળે છે  અને લગભગ  એક દશકને અંતે તો મુનશી પ્રારંભનાં ‘ઘનશ્યામ  વ્યારા’માંથી  ગુજરાતના મૂર્ધન્ય નવલકથાકાર અને સાહિત્યક્ષેત્રે અગ્રિમતાના અધિકારી બની રહે છે.

લગભગ દસ-બાર વર્ષના જ ગાળામાં, જાણે મુનશીનાં રંગદર્શી સર્જનનીની મોહિતી ગુજરાતને વશ કરી લે છે, તેમના ‘સરસતાવાદ’ ના પ્રચારે જાણે તેમનાં સર્જનોને  પ્રતિષ્ઠિત થવાની મનોભૂમિકા  પૂરી પાડે છે. આ દશકમાં જ એમની પ્રતિભાએ પોતાનો સાથી પ્રબળ ઉન્મેષ પ્રગટ કરી દીધો છે. ‘જય  સોમનાથ’ જેવાં જૂજ અપવાદો સિવાય મુનશીની મોટાભાગની કીર્તિદા કૃતિઓ આ ગાળામાં જ સર્જાઇ છે. તેમની શૈલીની બધી લાક્ષણિકતાઓ  અને તેમનાં અભિગમોની બધી વિશિષ્ટતાઓ આ ગાળામાં જ પ્રગટી, ઘડાઈ, સિદ્ધ થઈ સ્થિર થયેલી જણાઈ છે. આ સંદર્ભમાં એ પણ સ્પષ્ટ  થાય છે કે આ પછીના તમન દીધાયુષ્ય દરમ્યાન, તેમણે વ્યવહારજીવનનાં વિવધ ક્ષેત્રોમાં અનેકવિધ સિધ્ધિઓ પ્રાપ્ત  કરી છે છતાં, અને તે સૌ પ્રવૃત્તિઓ સાથે તેમણે સાહિત્યપ્રવૃત્તિનો પ્રવાહ પણ સતત અને અસ્ખલિતરૂપે ચાલુ જ રાખ્યો હોવા છતાં, જૂજ અપવાદો બાદ કરતાં, સર્જકપ્રતિભાનાં નવોનમેષોના પ્રાગટ્યનો અધ્યાય જાણે આ ગાળામાં જ મર્યાદિત થઈ જાય છે.

અલબત્ત, 1922-25 પછીની તેમની કૃતિઓ પણ સાવ સાધારણ ગણીને સમેટી લઈ શકે તેમ તો નથી જ, કારણ કે સફળ સ્વીકાર અને પ્રજાકીય લોકપ્રિયતના પુરસ્કારથી શ્રદ્ધાન્વિત થયેલી, તેમ અનુભવપ્રાપ્ત સિદ્ધહસ્તતા થી પક્વ થયેલી સર્જનશીલતાનો સ્પર્શ તો તેમાંય પરખાયા વગર રહેતો નથી; પણ તેમાં સર્વથા નૂતનત્વનાં આવિર્ભાવનો ચમત્કાર નથી, પૂર્વપરિચિતના પુનર્મિલનની જ તેમાં પ્રતીતિ થાય છે, પ્રસન્નકર છતાં વિસ્મયવિહીન. છતાંય, સર્જનપ્રવૃત્તિના પ્રથમ દશકમાં જ સર્વોચ્ચાસને પહોંચી જવું એ જેવુંતેવું પરાક્રમ નથી, અને પહોંચી  ગયા પછી લગભગ  અર્ધીસદી પર્યંત  અનેક વાવાઝોડાં વચ્ચે, ત્યાં  સ્થિરાસને ટકી રહેવું એ જેવીતેવી સિધ્ધી નથી !

આ દશક સાહિત્યપ્રવૃત્તિ અને પ્રગતિ એ મુનશીના જીવનની એકમાત્ર નહિ પણ અનેકમાંની માત્ર પ્રવૃત્તિઓ સાથે જ કરેલી છે અને જેમ સાહિત્યમાં તેમ અન્ય ક્ષેત્રોમાં પણ તેમણે એટલી જ સફળતા પ્રાપ્ત કરી છે. આ ગાળામાં જ ભુલાભાઈ દેસાઈની ચેમ્બરમાં બ્રીફ મેળવવા નિષ્ફળ હાજરી પુરાવતા નવા વકીલમાંથી મુનશી, 1922માં તો ‘શુદ્ધ બ્રાહ્મણને રૌરવ નરકનાં અધિકારી બનાવે’ એટલી આવક ધરાવતા અગ્રણી ધારાશાસ્ત્રી  બની રહે છે, અને ચાલીની ખોલીમાં જેમતેમ કરકસરિયું જીવન નિભાવતા, તે બાબુલનાથ રોડ પરના આલીશાન ફ્લેટમાં સુખસગવડભર્યું જીવન જીવતા થઈ જાય છે ! સામાજિક ક્ષેત્રેપણ તે હવે મુંબઈ જેવા મહાનગરમાંય ગણનાપાત્ર અગ્રણી કાર્યકર ગણાવા લાગ્યા છે, ભૂલાભાઈ અને ઝીણા  જેવાના સાથમાં હોમરૂલ કેવી પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ લે છે; પત્રકારત્વ, સંસ્થાઓ અને જાહેર પ્રવૃત્તિઓમાં આગળ પડતું સ્થાન ધરાવે છે, ગાંધીજી આફ્રિકાથી આવીને દેશનું નેતૃત્વ લે છે ત્યારે એક સ્વતંત્ર અને મહત્વના આગેવાનની હેસિયતથી તેમની સાથે મેળ પણ કરી શકે છે અને મતભેદ પણ પોકારી શકે છે !

ટૂંકમાં. એક જ દશકના ટૂંકા સમયગાળામાં મુનશી જીવનનાં અનેક ક્ષેત્રોમાં એકસાથે સફળતા સિદ્ધ કરતા મુંબઈ જેવી મયાજાળમાં પણ અજાણ્યા આગંતુકમાંથી અગ્રણીઓમાંના એક થઈ રહે છે. આ કાળની તેમની મહત્વાકાંક્ષી અને પુરુષાર્થી, ગતિશીલ પ્રવૃત્તિઓનાં ઓજસ અમે ઉત્સાહપૂર્ણ સ્પંદનો, ને તેમની ઝડપી સફળતાઓના આનંદ અને આવેગ તેમની આ કાળની કૃતિઓમાં પણ ઉતાર્યા વગર નથી રહ્યા.

મુનશીએ સાહિત્યસંસદની સ્થાપના કરી. (1922), અને ‘વીસમી સદી’ વિરમી જતાં, તેની જગા લે તેવું ‘ગુજરાત’ માસિક સંસદમાં મુખપત્રરૂપે શરૂ કર્યું. કાર્યપ્રધાન વ્યક્તિત્વને જાણે અભિવ્યક્તિનું એક માધ્યમ અપૂરતું  લાગે છે. આ માધ્યમો દ્વારા લેખો-વ્યાખ્યાનો રૂપે તેમણે વ્યક્ત કરેલા વિચારો, આદર્શો વગેરે તેમના ‘આદિવાચનો’ તથા ‘રસદર્શનો’ વગેરે લેખસંગ્રહોરૂપે આપણને પ્રાપ્ત છે. મુનશીએ પછીનાં વર્ષોમાં વ્યક્ત કરેલ આર્યત્વ અને સંસ્કૃતિની ભાવનાનાં બીજ છેક 1922 માં સેવાતાં જણાય છે. ‘ગુજરાત’ માસિકના મુખપૃષ્ઠ પરનું ચિત્ર, એમની જે ભાવનાઓ પછી એમની પાસે પૌરાણિક નાટકો, નવલકથાઓ રાચાવ્યાં, ને હૈમસ્મારક કે ભારતીય વિદ્યાભવન તથા સોમનાથના પુનર્નિર્માણની પ્રવૃત્તિઓ પ્રેરી એ ભાવનાનું દ્યોતક  છે.

સ્વપ્નો  રચવાં એ એક વાત છે, તેમની સિદ્ધિ માટે પુરુષાર્થ કરવો એ બીજી વાત છે, અને તેમ સફળતા પામી પોતાના જીવનકાળમાં જ તેના સાફળીનો સંતોષ અનુભવવો એ વળી ઔર વાત છે. મુનશીએ પોતે સ્વપ્નો સેવ્યાં છે ને પુરુષાર્થ દ્વારા તેને સિદ્ધ કરી સંતોષ અનુભવ્યો છે. આપણે ત્યાં આવા સ્વપનદર્શી, પુરુષાર્થી, અને સ્વપ્નસિદ્ધિનો સંતોષ અનુભવવાને ભાગ્યશાળી પુરુષવિશેષો કેટલા?!

‘ગુજરાત’ શરૂ થાય છે ટેન્સ પરિણામરૂપે લીલાવતી શેઠનો પરિચય, એ પરિચયમાં જન્મતો સ્નેહ, એ એ સ્નેહમાંથી જન્મતો તલસાટ, અકળામણો, મૂંઝવણો-મથામણો અને સંઘર્ષોનો ઇતિહાસ  એક નવલકથાથીય વધુ ઘટનાયુક્ત સંવેદનસભર અને રોમાંચક કથાનક છે. મુનશીનાં  પત્નીનું, અને પછી સૌ. લીલાવતીના પતિનું અવસાન  થતાં બંને લગ્નગ્રંથિથી જોડાય છે. મુનશીના અંગત જીવન  તેમ જ  વ્યવસેજીવન-મનોજીવન – પર તેના પડછાયા પડે છે. ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ એ આત્મકથાના ત્રીજા ખંડ ઉપરાંત ‘અવિભક્ત  આત્મા’ જેવી કૃતિઓમાં આના અણસાર મળે છે. લીલાવંતી સાથનું લગ્ન એ મુનશીનાં જીવનને મહત્વનો વળાંક આપતી ઘટના. મુનશીનો દીર્ઘ  સહચાર અને અનેકવિધ પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ એ સંઘર્ષોથી સભર છે, આ ગાળાની ઘટનાઓ , પ્રવૃત્તિઓ વગેરેની કેવળ યાદી પણ એક ગ્રંથ જેટલો વિસ્તાર માગે.

આ કાળમાં, બારડોલીના સત્યાગ્રહ સાથે સંકળાયલી તેમની કામગીરીથી આરંભાયેલી તેમની રાજદ્વારી પ્રવૃત્તિઓ, ગાંધીજી સાથેના, સદર સાથેના અને કોંગ્રેસ સાથેના તેમના ઘનિષ્ઠ સબંધો, રાસ્ટ્રીય સ્તરના અગ્રણી નેતા ગણાવા સુધીનું તેમનું મહત્ત્વ વગેરેથી માંડીને તે, મુંબઈ રાજ્યના સચિવ તરીકેની તેમની કામગીરી, હૈદરાબાદનાં એજન્ટ-જનરલ, ભારતના અન્નપ્રધાન અને ઉત્તર પ્રદેશના રાજયપાલ તરીકે  બજાવેલી ફરજો અને છેલ્લે રાજાજી સાથે સ્વતંત્ર  પક્ષની સ્થાપનામાં તેમનો ફાળો એ બધાનો ઇતિહાસ  ભારતના ઇતિહાસનો જ એક ભાગ છે; તો ભારતીય વિદ્યાભવન તથા અન્ય અનેક સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાઓ અને તેમની અનેકવિધ પ્રવૃત્તિઓ તેમની પ્રવૃત્તિઓનો બીજો સમૃદ્ધ  પ્રવાહ છે.

અખંડ હિન્દુસ્તાન’ જેવી ઘણી પ્રવૃત્તિઓ એમણે આદરી છે પણ સાહિત્યના ઇતિહાસમાં એ બધાના કેવળ ઉલ્લેખથી જ ચલાવી લેવું રહ્યું. અહીં નોંધવા યોગ્ય મહત્વની વાત તો એ છે કે રાજદ્વારી અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં પૂરી શક્તિથી પ્રવૃત્ત  અને અગ્રણીઓમાં એક છતાં તેમણે  લેખક  તરીકે કલમને કદી સુકાવા દીધી નથી. એ બધી વ્યવહારુ પ્રવૃત્તિઓની વચમાં પણ તેમણે સાહિત્યપ્રવૃત્તિને સતત  ચાલુ રાખીને એક યા બીજા પ્રકારની કૃતિઓ આપ્યાં જ કરી છે. આ ઉપરાંત  લગભગ ત્રીસેક વર્ષ પર્યંત ગુજરાતી સાહિત્ય પરિષદના સર્વેસર્વા બની રહી તેનું તેમણે એક હાથે સંચાલન પણ નોંધપાત્ર  છે.

 કનૈયાલાલ મુનશીનું સાહિત્ય સર્જન

ઉત્તમસર્જક છતે ગોવર્ધનરામ પ્રધાનત: ચિંતક છે, મુનશી સ્વભાવત: વાર્તાકાર. લગભગ મધ્યકાલીન લાગે તેવું રુચિતંત્ર અને અર્વાચીન રચનાવિધાન એ બેના મેળમાંથી ઉદ્ભવેલું મુનશીનું વાર્તાપ્રધાન સાહિત્ય જ તેમની સર્જક પ્રતિષ્ઠાનો પાયો છે.

કથાનકને  રોચક-રોમાંચક સામગ્રીથી સભર કરવું, ઘટનાઓને નાટયાત્મક રીતે ગૂંથવી – ગુંચવવી અને એ બધા વચ્ચે રમમાણ જીવંત ક્રિયાશીલ પાત્રોને મથતાં, મૂંઝાતા, તડપતાં, સફળતા-નિષ્ફળતાની, પ્રેમ-વેરની વેદનાઓ  વેઠતાં દર્શાવવાં, અને આલેખનની ‘સરસતા અને સચોટતાથી’ કુતૂહલવશ વાચકને વાર્તાપ્રવાહમાં વહાવી જવો, કરામત અને કસબ પકડાય-પરખાય નહિ તેટલા વેગથી તેને  ધસતો ધકેલતો અને બંધુય વગરપ્રશ્ને નભાવી લે તેટલો સંમોહિત રાખવો-વાર્તાકળાની આ બધી આવડતો, મુનશીને રંગદર્શી પ્રકૃતિ, તત્પ્રકારનું સાહિત્યસેવન  એન લક્ષ્યગામી સભાન પુરુષાર્થે સિદ્ધ કરી આપે છે. વાર્તાકળાણો આવો કીમિયો, અર્વાચીન ગુજરાતી વાર્તાકારોમાંના બહુ ઓછા એટલે અંશે સિદ્ધ કરી શક્યા છે. મુનશીની વાર્તાક્ષેત્રે  દીર્ઘજીવી લોકપ્રિયતા અને કેટલીક રીતે અન્ –અન્યતાનું રહસ્ય તેમની આ સિદ્ધિમાં છે.

આ વાર્તાકથનસિદ્ધિને કારણે જ મુનશી નવલિકા-નવલકથા-નાટક વગેરે ‘વાર્તા’પ્રધાન પ્રકારો ઉપરાંત જીવનચરિત્ર, આત્મચરિત્ર કે પ્રવાસલેખમાં પણ આકર્ષક નીવડ્યા છે. વાર્તા સિવાયના સાહિત્યપ્રકારોમાં પણ તેમનું નોંધપાત્ર  પ્રદાન છતાં, તેમની મુખ્ય મુદ્રા તો વાર્તાકારની જ રહી છે તે હકીકત છે. મુનશીની  રચનાઓમાં ‘કથનાત્મકતા’ અને ‘નાટ્યાત્મકતા’ણો ઉભયાન્વય છે. તેમની વાર્તાઓમાં નાટ્યતત્વ મુનશી હમેશાં સમાવિષ્ઠ હોય છે. આથી તેમની પાસેથી વાર્તા અને નાટક ઉભયક્ષેત્રે આવકાર્ય પ્રદાન પ્રાપ્ત થાય તે સ્વાભાવિક છે.

મુનશીનો સાહિત્યક્ષેત્રે પ્રવેશ ‘મારી કમલા’એ નવલિકાથી. એ પહેલી જ વાર્તાની અણધારી સફળતાએ તેમેન બીજી વાર્તાઓ લખવા પ્રેર્યો, અને આપણને ‘મારી કમળા અને બીજી વાતો’ ( 1912; પછીથી ‘મુનશીની નવલકથાઓ’) માંની વાર્તાઓ મળી. ‘નવલિકા’ તે જમાનામાં નવું, વિકસતું સ્વરૂપ. મુનશીની વાર્તામાંનાં અનાયાસ શિલ્પ, સરળતા અને સ્વાભાવિકતા, નર્મમર્મ અને કટાક્ષ તથા તત્કાલીન  જીવન તત્કાલીન જીવન સાથેનો અનુબંધ વગેરે તત્ત્વોએ તેમને તે કાળે – અને આજે પણ – અગ્રણી વાર્તાકારોમાં સ્થાન અપાવ્યું છે.

‘શામળશાહનો વિવાહ’ જેવી તેમની કૃતિઓ આપણા કોઈ પણ નવલિકાસંચયને શોભાવી શકે. પણ, મુનશીએ – આ લેખનમાં તેમની પ્રતિભાને વધુ અનુકૂળ ક્ષેત્ર મળી ગયું, અથવા કદાચ, નવલિકાનો સીમિત પટવિસ્તાર, અને તેની કળાસ્વરૂપ તરીકે શિલ્પશિસ્તની અપેક્ષા, મુનશીની યદ્રચ્છાવિહારી પ્રકૃતિને બહુ અનુકૂળ ન હતાં. તેમની કલ્પનાને વિશાળ પટ પર વિસ્તરવું ગમે. નવલકથા, બલકે નવલમાળાઓના  સુવિશાળ ફલક પર તેમને તે મોકળાશ સાંપડી. અલ્પવિસ્તારી સાહિત્યસ્વરૂપોમાં અપેક્ષિત સુશીલષ્ટતા અને ઝીણવટભર્યું સ્વચ્છ શિલ્પ અવકાશવિહારી, કૌતુકપ્રિય અને પ્રસ્તારવાંછું પ્રતિભાને અનુકૂળ ન જ નીવડે. વિશાળતામાં જે શૈથિલ્ય અને સ્વૈરતા નિર્વાહ્ય બને છે તે સંયમશીલ સીમામાં નભી ન શકે એ પારખી શકે તેટલા મુનશી વિચક્ષણ છે જ.

શું જીવનમાં કે શું સાહિત્યમાં, સાંકડી સીમાઓમાં રમવું મુનશીને કડી રુચ્યુ નથી; વેદકાળ પર્યંતનો વિસ્તાર પણ જેમની કલ્પનાને આળોટવા માટે ઓછો પડે, તે અલ્પવિસ્તારને, આવડત છતાં, ન જ આવકારે. મુનશીએ, પછી, નવલકથાઓ લખી – ને વિસ્તરતા વિસ્તરતા અંતે આઠ ભાગેય અપૂર્ણ ‘કૃષ્ણાવતાર’માં પહોંચ્યા, નાટકો લખ્યા, પણ નવલિકાઓ-એકાંકીઓ, આપી શક્યા હોટ તોપણ ન આપ્યાં. ન જ આપે !

કનૈયાલાલ મુનશી : નવલકથાકાર

સાહિત્યસર્જક તરીકે મુનશીની પ્રખ્યાતિ પ્રધાનત: નવલકથાકાર તરીકે, ને તેમાંય વિશેષરૂપે ઐતિહાસિક નવલકથાક્ષેત્રે. સમીક્ષાને સરળતા ખાતર તેમની કૃતિઓને ત્રણ ગુચ્છમાં વહેંચાય :

સામાજિક નવલકથાઓ :

‘વેરની વસૂલાત’ (1913),

‘કોનો વાંક’ (1915)

સ્વપ્નદ્રષ્ટા (1924)

તપસ્વિની 1, 2, 3 (1957,1958).  

ઐતિહાસિક નવલકથાઓ

‘પાટણની પ્રભુતા’ (1916)

ગુજરાતનો નાથ (1917)

રાજાધિરાજ (1922)

જય સોમનાથ  (1940)

ભગ્નપાદુકા (1956)

પૃથિવી વલ્લભ (1920-21)

ભગવાન કૌટિલ્ય (1323)

પૌરાણિક નવલકથાઓ :

લોપામુદ્રા ભાગ – 1 (1933)

લોમહર્ષિણી (ખંડ 8નાં  13 પ્રકરણ સમાવિષ્ટ : અંતિમ અને અપૂર્ણ કૃતિ 1963 – 1974)

સામાજિક નવલકથાઓ

વેરની વસૂલાત

મુનશીએ નવલકથલેખનનો આરંભ કર્યો સામાજિક નવલકથાથી. જગત અને તનમનની કરુણાંત સ્નેહકથાને રાજવાડાના ખટપટી વાતાવરણની ભૂમિકા પર રજૂ કરતી એ વાર્તામાંના, જગત-તનમનની પ્રણયોર્મિઓ  અને આણંતાનંદની ભાવનશીલતાના રંગદર્શી અને કૌટુકરાગી નિરૂપણે, તેની નવી ને આકર્ષક શૈલીથી તેના અજ્ઞાત લેખક ‘ઘનશ્યામ’ને પ્રથમ પ્રયત્ને  જ લોકપ્રિય વાર્તાલેખક બનાવી દીધા ! વસ્તુદ્રષ્ટિએ, ‘સરસ્વતીચંદ્ર’નાં અનેક અંશો સાથે સરખાવી શકાય એવી આ નવલકથાએ ગુજરાતી વાચકની, ‘સરસ્વતીચંદ્ર’આદિથી ઘડાયલી રૂચીમાં પરિવર્તન આણ્યું – ‘સરસ્વતીચંદ્ર’ના પ્રભાવને પાતળો કર્યો.

કોનો વાંક

‘કોનો વાંક’માં રજવાડી વાતાવરણ અને તેને આનુષંગિક લક્ષણો દૂર થયાં. બંડખોર સમાજલક્ષિતા આગળ પડતી થઈ રહી. મણિ અને મુચકુંદની વ્યથા-વિટંબણા અને સમાજવિદ્રોહની આ વાત સમાજના વાસ્તવિક ચિત્રને ઉમદા સુધારાવાદી દ્રષ્ટિબિંદુથી રજૂ કરતી, પૂરા અર્થમાં ‘સામાજિક’ બની રહી.

સ્વપ્નદ્રષ્ટા

‘સ્વપ્નદ્રષ્ટા’માં રાષ્ટ્રીયતના ઉછળતા જુવાળામાં આદર્શઘેલા, અવાસ્તવિક સ્વપ્નોમાં રાચતા અને અંતે વાસ્તવિકતાના કઠોર ભૌતિકસ્પર્શે નિર્ભ્રાંત થતા યુવાન સુદર્શનની કથાના નિમિત્તે, આ સદીના પ્રથમ દશકની રાષ્ટ્રીય  પ્રવૃત્તિઓ અને વાતાવરણનો, અને ખાસ કરીને, શ્રીઅરવિંદ ઘોષ, લોકમાન્ય ટીળક વગેરે મહાનુભાવોનાં પ્રભાવ નીચે આવેલા યુવાનોની મનોદશનો સુંદર ચિતાર રજૂ થયો છે. ‘સ્વપ્નદ્રષ્ટા’માનું ‘ભારતીની આત્મકથા’નું પ્રકરણ  અને તેમાં રજૂ થયેલો મહામાનવનો આદર્શ  તેમ જ પ્રા. કાપડિયા દ્વારા રજૂ થયેલ દ્રષ્ટિબિંદુ, મુનશીની ભાવનાસૃષ્ટિ અને દ્રષ્ટિબિંદુને સમજવાની દ્રષ્ટિએ મહત્વનાં ગણાય.

તપસ્વિની

તપસ્વિની’માં ‘સ્વપ્નદ્રષ્ટા’નું, વચ્ચે સહેજ ખંડિત એવું, અનુસંધાન છે. રવિ ત્રિપાઠી અને રાજબા તથા ઉદયન અને શીલાની બેવડી  કથામાં, ‘સ્વપ્નદ્રષ્ટા’માં આલેખાયલા સમય પછીની પંદરેક વર્ષના  ગાળાને છોડીને, તે પછીના કાળની રાજદ્વારી  પ્રવૃત્તિઓની ભૂમિકા આલેખાયેલી મળે છે. ઉદયન-રાજબાઇ રજવાડી ભૂમિકા, શીલા-રાધારમણનું કથળેલું દાંપત્ય, ઉદયન-શીલાણો સ્નેહયોગ, રવિની રાજકીય મહત્વાકાંક્ષાપ્રેરિત પ્રવૃત્તિઓ અને રાજબાની વિલક્ષણ અલૌકિક શક્તિ, – પ્રત્યેકની વ્યક્તિગત ઉપરાંત  વિવિધ  સંબંધ-વર્તુળોની કથાનું આલેખન અને તે સાથે સંકલિત તત્કાલીન રાજદ્વારી પ્રવૃત્તિઓનું નિરૂપણ આ નવલકથાને અનેકકેંદ્રી અને સંકુલ બનાવે છે. આમ છતાં, રાધારામણ, ઉદયન, શીલા, રાજબા રવિ વ. પાત્રો તેમ જ તેમને લગતી ઘટનાઓના નિરૂપણથી વાચનક્ષમ બની રહેતી નવલકથા, દસ્તાવેજી અપેક્ષાએ વિગતોમાં ક્ષતિયુક્ત, છતાં તત્કાલીન રાજદ્વારી વાતાવરણના ચિત્રણ તરીકે પણ વિશિષ્ટ મહત્વ ધરાવે છે.

 સમગ્રરૂપે

કનૈયાલાલ મુનશી ની સામાજિક નવલકથાઓને સમગ્રરૂપે સમીક્ષતાં, નવલકથાઓની સામગ્રી મહદઅંશે મુનશીએ સ્વાનુભવમાંથી લીધી છે. જગત અને તનમનઇ સ્નેહકથા (વેરની વસૂલાત), મુચકુંદનું મુંબઈની ચાલીમાંનું જીવન (કોનો વાંક), સુંદર્શનનું કૉલેજજીવન (સ્વપ્નદ્રષ્ટા) અને ઉદયનની કથાના ઘણા અંશો (તપસ્વિની) તેમ જ, તે તે બધાની સાથે સંકલાયલાં ઘણાં પાત્રો-પ્રસંગો પણ મુનશીની આત્મકથાનાં પાત્રો-પ્રસંગો જેવાં જણાય છે. આત્મકથાપ્રાપ્ત એ સામગ્રીનું ક્યાંક થોડાક ફેરફારથી વાર્તાકરણ કરવામાં આવ્યું છે, પણ ઘણી વાર તો વાર્તાના માળખામાં અત્યઅલ્પ સંકરણ  કે આછેરા આચ્છાદન સાથે લગભગ  યથાવત્ ગોઠવી દેવામાં આવી છે – વિશેષતઃ ‘તપસ્વિની’માં.

હકીકતોનું ‘કથા’માં રૂપાંતર કરવામાં, હકીકતોનું વાસ્તવિકરૂપ ન ઓળખાઈ   જાય તેમ બને તેવું ગોપન કરવાની મુનશીએ ઝાઝી કાળજી લીધી નથી. ‘તપસ્વિની’કાળની મુનશીની આત્મકથા નથી લખાઈ, પણ તે સામે બહુ દૂરનો નથી. આથી સમકાલીનો – અને ઉત્તરસમકાલીનો પણ – એમાં વાર્તાંને બદલે વાસ્તવિકતા જ વાંચે તે સ્વાભાવિક છે. અપૂરતા સંગોપન કે રૂપાંતરને કારણે, નવનિર્મિત કલાસ્વરૂપને બદલે, ઉપાદત્ત સામગ્રી  જ અધિકતર ગોચર બને તો કળાનુભૂતિમાં  બાધારૂપ નીવડે. આમ, મુનશીની સામાજિક નવલકથાઓ તેમની આત્મકથાની સામગ્રીમાંથી જ સર્જાઇ છે. પણ આ વિધાનમાં જ આ નવલકથાઓના આકર્ષણનું કારણ પણ પ્રગટ થઈ જાય છે. આત્મપરકતાનાં એ સ્પર્શે જ મુનશીને આ નવલકથાઓમાં જે મળી તે સફળતા અપાવી છે. કેટલેક અંશે પરસ્પરપૂરક બનતી, મુનશીની સામાજિક નવલકથાઓની તેમ જ તેમની આત્મકથાના પ્રવાહોનું  અર્ધદસ્તાવેજી આલેખન પ્રાપ્ત થાય છે- આસ્વાદ્ય તે જ ઉપયોગી.

કનૈયાલાલ મુનશી એ  સામાજિક નવલકથાઓમાં, પ્રથમ નવલકથા ‘વેરની વસૂલાત’થી જ તેમની વૈયક્તિક  તેમ જ સર્જક તરીકેની લગભગ બધી જ લાક્ષણિકતાઓ અનઅને સનસનાટીભર્યા આલેખનોનો શોખ, પ્રબંધશૈથિલ્ય, કૌટુકરાગી ભૂમિકા  પર અર્વાચીનતા સાથેના અનુબંધવાળી વાસ્તવિકતાનો મેળ કરવાનો પ્રયત્ન, નાટ્યાત્મક ક્રિયા-પ્રાધ્યાન્ય વગેરે પ્રત્યક્ષ થતી જણાય છે.

‘સ્વપ્નદ્રષ્ટા’ અને ‘તપસ્વિની’તો તેમની સફળ ઐતિહાસિક નવલકથાઓ પછી રચાયેલી છે. આમ છતાં ઐતિહાસિક નવલકથાઓમાં મુનશીની જે છટા વરતાય છે તે તેમની સામાજિક નવલકથાઓમાં નથી વરતાતી. આરંભની બે કૃતિઓ પછી, મુનશીએ ઐતિહાસિક નવલકથાલેખનમાં પડેલા ગાળાઓમાં જ બીજી બે સામાજિક નવલકથાઓ રાંચી અને પછી ‘તપસ્વિની’ પછીના દીર્ઘ આયુષ્યકાળ દરમ્યાન એકેય નહિ, એ સૂચક છે, પ્રયોગ કરી જોયા પછી, શું છોડી દેવું તે કનૈયાલાલ મુનશી બરાબર સમજે છે.

કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓ

સાહિત્યસર્જક તરીકે મુનશીને ખ્યાતિ મુખ્યત્વે નવલકથાકાર તરીકે અને વિશેષતઃ ઐતિહાસિક નવલકથાકાર તરીકે. તેમાંય વળી ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’ એ સોલંકી-નવલત્રયી તો વિશેષ કીર્તિદા કૃતિઓ. આ ઉપરાંત ‘જય સોમનાથ’ તેમ જ ‘ભગ્નપાદુકા’ પણ ગુજારાતના રાજપૂતયુગના ઇતિહાસની ઘટનાઓ પર જ આધારિત નવલો, તો પૃથિવીવલ્લભ અને ‘ભગવાન કૌટિલ્ય’માં માળવા અને મગધની ઘટનાઓનું નિરૂપણ છે.

વસ્તુદ્રષ્ટિએ, ગુજરાતનાં ઇતિહાસ પર આધારિત કથાઓ એક જૂથ બની રહે છે, અને તેમાં પણ ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’ પૂર્વાપર વસ્તુ-સતત્યને કારણે એક મહાકથા બની જાય છે; કારણ કે ‘પાટણની પ્રભુતા’માં, જેસિંહદેવના રાજ્યારોહણ પ્રસંગથી આરંભાતી કથા, ‘ગુજરાતનો નાથ’માંના રાજ્યની સુદ્રઢતાની પ્રવૃત્તિઓના આલેખન પછી, ‘રાજાધિરાજ’ માં જયસિંહદેવ સોરઠ અને લાટ પર પ્રભુત્વ મેળવી રાજીવિસ્તાર સાથે રાજાધિરાજપદ પામે છે ત્યાં પૂરી થાય છે. અને તે રીતે બીજક્ષેપથી કાર્યસિદ્ધિના કાર્યાલેખમાં ત્રણ સોપાનો રૂપે બરાબર ગોઠવાઈ જાય છે. પાત્રો, ઘટનાઓ વગેરેનાં પરસ્પર સંબંધ અને સાતત્ય અને કથાના  પૂર્ણ રસાસ્વાદન માટે – ત્રણે નવલકથાઓ સ્વતંત્ર રીતે આસ્વાદ્ય છતાં – પૂર્વાપર એકમોના પરિચયની સાપેક્ષતા આ ત્રણે કૃતિઓને એક મહાકથા રૂપે સાંકળવામાં સહાયભૂત નીવડે છે.

‘પાટણની પ્રભુતા’થી આ સોલંકીગાથા  બલકે જયદેવકથાનો આરંભ  થાય છે. રાજ કર્ણદેવના અવસાન વખતે, સગીર જયદેવન વાલીપણા દ્વારા સત્તાનો દોર પોતાના હાથમાં લેવા માટેની વડેરાંઓની ખેંચતાણનું આમાં નિરૂપણ છે. એ સત્તાસંઘર્ષ ની કથા સાથે મીનળ-મુંજાલ, હંસા-દેવપ્રસાદ અને ત્રિભુવન-પ્રસન્નના  વિવિધ પ્રેમસબંધોની સ્નેહકથા વણાય છે. આગ, ધર્મઝનૂન, ઘોડદોડ, ખટપટો- રહસ્યોની સામગ્રી કુતૂહલપ્રેરક અતિરંજનનો  સંભાર પૂરો પાડે છે.

ગુજરાતનો નાથ’ માં આ જ કથા, થોડોક ગાળો ઓળંગીને, આગળ વધે છે. વડીલોના વણછામાં અકળાવા માંડેલા યુવાન જયસિંહ અહીં સ્વતંત્ર થવા મથતા જણાય છે, તો મુંજાળની રાહબરી નીચે ગુજરાતનું રાજ્ય સંગઠિત  થતું જણાય છે. પાટણની રાજકથાની દ્રષ્ટિએ આ નવલકથાની મુખ્ય ઘટનાઓ બે – પાટણ પર ચઢી આવેલા અવંતીનાં સેનાપતિ ઉબક સાથે સંજોગોવસાત્ સંધિ, અને પાટણની ભીડાયલી સ્થિતિ નો લાગ લઈ ભીંસ દેવા માગતા સોરઠના રા’નવઘણણો પરાજય. પરંતુ, વાર્તારસદ્રષ્ટિએ એ સમગ્ર રાજકથાને ગૌણ બનાવે તેવી તો, એ રાજકથાને જ અનુષંગે ઉપસ્થિત થતી અન્ય ઘટનાઓ છે. ઉબક સાથે આવેલ યુવાન યોદ્ધો કીર્તિદેવ, નવઘણના ગુપ્તચર તરીકે ‘કૃષ્ણદેવ’ને નામે આવેલ તેનો કુંવર ખેંગાર,અ એન ત્રિભુવનપાળે લાટથી મોકલેલ સૈનિક કાકભટ્ટ આ ઘટનાવર્તુળોનાં કેન્દ્રો છે, રાજદ્વારી ઘટના  સાથેના સંબંધે, તેમ જ પ્રત્યેકની અંગત કથાઓનાં આગવાં કુંડાળાંને કારણે, આ સૌની પરસ્પર સંબંધોની રચાતી સંકુલ જાળ એ જ આ કથાનો મુખ્ય વિસ્તાર બની રહે છે. 

‘રાજાધિરાજ’ કથાનાં પાત્રો તેમ જ પ્રવાહ પ્રૌઢ થાય છે. જયસિંહદેવ સોરઠ જીતવા અને રાણકને પાછી મેળવવા સોરઠનાં રા’ખેંગાર પર ચડાઈ કરે છે, એ પ્રસંગે એક પાસ જયસિંહદેવના તો બીજી પાસ ખેંગારના રહસ્યમય આમંત્રણથી ભૃગુકચ્છનો દુર્ગપાલ કાક સોરઠ તરફ જવા નીકળે છે ત્યાંથી કથાનો આરંભ થાય છે. સોરઠવિજય એ મુખ્ય વસ્તુ છે, તો કાકની ગેરહાજરીમાં ભૃગુકચ્છમાં ઊઠતું, લાટને સ્વતંત્ર કરવા માગતા રેવાપાલનું બંડ એ વસ્તુનું બીજું કેન્દ્ર છે. બે કેન્દ્રોમાં વહેંચાયેલી કથામાં પથરાટ, વર્ણનાત્મકતા અને કથનપ્રધાન્ય વધ્યું છે, નાટ્યાત્મક પ્રસંગો ઘટે છે, પ્રસંગવશાત્  નિરૂપણરીતિ બદલાઈ જણાઈ છે.

કથાત્રયીને સમગરરૂપે જોવા જતાં, પ્રથમમાં આરંભનાં  ઉત્સાહ અને બિનઅનુભવી અધીરતા, બીજામાં મધ્યની ઉત્કટતા અને આવેગના ઉછાળા અને ત્રીજામાં અંતનાં પ્રોઢત્વ અને મંદ ગતિશીલ ધીરતા વરતાય એ સ્વાભાવિક છે. પાત્રો-નિરૂપણરીતિ  ઉભય જાણે પાકટ થતાં, પ્રોઢ થતાં જાય છે – કથાની ગતિ સાથે ઉભયની વધતી વય વર્તાય છે.

‘પાટણની પ્રભુતા’ માં સ્થળ-કાળનાં મર્યાદિત વ્યાપમાં ઘણા પ્રસંગો સમાવિષ્ટ કર્યા છે. ત્રણ મુખ્ય ઘટનાકેન્દ્રોમાં બનતી ઘટનાઓ અને તેમની વચ્ચેના સબંધો ત્રિકોણાત્મક આકૃતિરચનાનો  ખ્યાલ આપે છે, અને તેમની વચ્ચેનો સંબંધ સજીવ ને વિકાસાત્મક  હોવાને બદલે સંકલનાત્મક અને એક જ ભૂમિકા  પર વિસ્તરેલા પેટ જેવો લાગે છે. સમયનાં ટૂંકા ગાળામાં પણ ગૂંચ પડે છે, ઊકલે છે, સંઘર્ષો જાગતા જણાય છે અને સમાધાનમાં સમાઈ જાય છે, ખાસ કરીને –મીનળ-મુંજાલનાં સંબંધો અને વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓની દ્રષ્ટિએ જે નિર્ણાયક –વિસ્ફોટક ઘડી આવે છે ને ઊતરી  જાય છે એ ઘડીના નિરૂપણમાં આરંભથી અંતની ગતિમાં કેટલોક વિયસ અવશ્ય પ્રતીત થાય છે. તમે છતાં  મુખ્યત્વે નવલકથા સમસામાયિક  અને પરસ્પર ગૂંચવાયેલી ઘટનાઓના નાટ્યાત્મક , ક્રિયાત્મક અને આવેગપ્રધાન સંકુલને નિરૂપે છે.

‘ગુજરાતનો નાથ’ માં વાર્તાનો વ્યાપ વધે છે. પાટણના રાજાને મુખ્ય કેન્દ્રમાં રાખીને પણ અન્ય અનેક વૈકલ્પિક  કેન્દ્રો તેમાં પ્રયોજાયાં છે અને એ બધાં કેન્દ્રોમાંથી નીપજતાં, એકબીજાને છેદતાં, આનુષંગિક-ઉપકથાનકોનાં વિષયવર્તુળોથી સમગ્ર રચનાકૃતિ વધુ વૈવિધ્યપૂર્ણ અને સંકુલ બની રહે છે. પ્રત્યેક ઘટનાવર્તુળને મુખ્ય કેન્દ્ર સાથે, ઉપરાંત અન્ય લગભગ બધાં જ વર્તુળો સાથે સુસંબંધિત રાખી, મુખ્ય કથાપ્રવાહને સભર તેમ જ ઉપકારક કરવામાં પ્રગટ થતું કૌશલ મુનશીની કલાકાર-પ્રતિભાને સિદ્ધિ છે.

‘રાજાધિરાજ’માં આવેગો કઇંક ઘટે છે, પથરાટ વધતાં વેગ ઓછો થતો લાગે કહી, આગલી કૃતિ કરતાં નાટ્યાત્મકતા  અહીં ઓછા પ્રસંગોમાં વરતાય છે તેથી સંકલનામાં શૈથિલ્ય અનુભવાય છે. તેમ છતાં નવલકથામાં પૂરતો વેગ અને ઘટનાઓમાં પૂરતી કુતૂહલ અને વિસ્મયપ્રેરકતા  જાળવી રાખે છે. આ બધામાં ‘ગુજરાતણો નાથ’ સંકલનદ્રષ્ટિએ વધુ કુશળતાપૂર્વકનું આયોજન અને ગુંફન પ્રગટ કરે છે. સમગ્ર પૂર્વકથાને વારંવાર વાગોળીની કે તેના પૂર્વાનશોને સ્મૃતિમાં જાગ્રત રાખીને કરાતી રચના જ કોઈ પણ નવલકથામાં આવી સંઘટના અને પૂર્વાપર  સંબંધોણો વણાટ  સર્જાવી શકે.

‘પાટણની પ્રભુતા’માં પણ આવું કૌશલ જોવા મળે છે. પાટણમાં પ્રવેશતાં જ દેવપ્રસાદને દેખાતી હંસાનો ને તે પછી આખી વાર્તા દરમ્યાન  ઉપયોગ, ‘ગુજરાતનો નાથ’માં ‘સરસ્વતીને તીરે’ થતી વાતો અને વિશાળદેવનો  ઉપયોગ, કાક અને કૃષ્ણદેવનાં સંબંધણો ઉપયોગ કે વિમળશાના અપાસરાનો ઉપયોગ વગેરેને આના સમર્થનમાં ટાંકી શકાય. આમાં  નાટ્યકારની  કલાસુઝની પ્રતીતિ છે. ત્રણે નવલોમાં આ નાટ્યાત્મકતા જણાય છે એ એમની લાક્ષણિકતા છે. પાત્રોનાં વર્ણન અને તેમની કેટલીક ક્રિયાઓ-મુદ્રાઓ વગેરેના વર્ણન, દ્રશ્યોની રજૂઆત અને સંવાદો પર રંગભૂમિનો ઘણો પ્રભાવ  વરતાય છે. કનૈયાલાલ મુનશી નું નિરૂપણ મહદંશે કથાણાત્મક નહિ પણ દ્રશ્યાત્મક છે. ચિત્રાવલિની જેમ તેમનાં દ્રશ્યો બદલાય છે.    

 ‘પાટણની પ્રભુતા’માં કુમાર ત્રિભુવનપાલ અને પ્રસન્ન, મીનળ-મુંજાલ, મોરારપાલ-પ્રસન્નનાં દ્રશ્યો, ‘ગુજરાતનો નાથ’માંના ‘લોહીતરસ્યો મહાઅમાત્ય’, ‘કીર્તિદેવ અને મુંજાલ’ જેવાં અનેક દ્રશ્યો કે ‘રાજાધિરાજ’માંના ‘લીલાદેવી અને મુંજાલનો મેળાપ’, ‘રાણકની ભવિષ્યવાણી’ અથવા ‘મંજરીની મૃત્યુ’ જેવાં દ્રશ્યો રંગભૂમિ પર ખૂબ જ સફળતાથી પ્રયોજી શકાય. મુનશીની નાટ્યવૃતિનો ઉન્મેષ એમની પાત્રસૃષ્ટિમાં પણ જણાય છે, તેમનાં પ્રભાવશાળી તેજસ્વી અને મોહક પાત્રોમાં તેમની નવલકથાઓના  આકર્ષણનું મુખ્ય બળ રહ્યું છે. આ નવલકથાઓમાં એમણે સુરેખ, સજીવ, તરવતાં તેજીલાં અને પ્રભાવશાળી પાત્રોની એક સભર સૃષ્ટિ ઊભી કરી દીધી છે, એમાં મુંજાલ-મીનળ, કાક-મંજરી, કીર્તિદેવ, કૃષ્ણદેવ, રાણક  અને ઉદા મહેતા  જેવાં પાત્રો તો ગુજરાતી સાહિત્યસૃષ્ટિમાં ચિરંજીવ બની ગયાં છે.

‘પૃથિવીવલ્લભ’ આ જ ગાળામાં, સોલંકીગાથાની રચનાની વચમાં, ‘ગુજરાતનો નાથ’ પછી અને ‘રાજાધિરાજ’ પહેલાં મુનશીએ આ કૃતિ રાંચી. ‘ગુજરાતનો નાથ’ પછી લગભગ તરત જ રચાયેલી આ નવલકથામાં ધારા નગરીના રાજા મુંજના, અલ્પાંશે અતિહાસિક અને મહદઅંશે અનુશ્રુતિપ્રાપ્ત ચરિત્રને રજૂ કરે છે. રસિક કવિ અને વીર-વિલાસી મુંજનું, તેના હાથે અનેક વાર પરાજય પામેલા તૈલપ દ્વારા, તેના સામંત ભિલ્લમરાજની સહાયથી કેદ પકડાવું અને કેદમાંથી છૂટવાના નિષ્ફળ કાવતરાની શિક્ષા રૂપે હાથીપગે થવું એ મુખ્ય ઘટના. પણ એ ઘટનાના માળખામાં સાચો રસસંભાર  તો ભરાય છે.

વિસ્તારમાં નાની, પણ ઘટ્ટ  અને આડકથા –ઉપકથાઓનાં જાળાંને અભાવે ઓછી સંકુલ હોય સીધી વેગવાન ગતિવાળી આ કથા નાટ્યાત્મક  નિરૂપણનો ઉત્તમ નમૂનો છે. સંવાદાત્મક અને દ્રશ્યપ્રધાન  નાટ્યાત્મક શૈલીને કારણે નવલકથાનું વાચન કથાવચનનો નહિ  પણ નાટ્યવાચનનો વધુ અનુભવ  કરાવે છે. એટલે, બહુ જ ઓછા ફેરફારોથી ‘પૃથિવીવલ્લભ’નું સફળ નાટયરૂપાંતર અને ચિત્રપટકથા રૂપ બની શક્યું છે તે હકીકત આશ્ચર્યકારક નથી રહેતી.

સોલંકી-ત્રયીનાં મીનળ-મુંજાલની જેમ, ‘પૃથિવીવલ્લભ’ નાં મુંજ અને મૃણાલ મુનશીનાં ઉત્તમ પાત્રસર્જનોમાં સ્થાન પામે તેવાં છે.   મુગ્ધ પ્રણયની કરુણાંતિકાઓ જેવાં રસનિધિ-વિલાસ (પૃથિવીવલ્લભ) અને કૃષ્ણદેવ-સોમ  (ગુજરાતનો નાથ) નાં કથાનકોમાં પણ વસ્તુ, પાત્રો,નિરૂપણ, ઘટનાઓ વગેરેમાં ઘણું સામ્ય વરતાશે. આવાં મુગ્ધ પ્રેમનાં, મુનશીએ આલેખેલાં અન્ય ચિત્રોમાં, ત્રિભુવન –પ્રસન્ન (પાટણની પ્રભુતા)નું ચિત્ર મસ્તીખોર તોફાની વૃત્તિને કારણે તો ‘વાહડ-સમરથ’નું વ્યંગ્યચિત્રાત્મક નિરૂપણને કારણે જુદાં પડે છે, પરંતુ ‘પૌરાણીક નાટકો’માંના ‘તર્પણ’નાં સુવર્ણા અને સગરની કરુણાંત સ્નેહકથા કૃષ્ણદેવ-સોમ અને રસનિધિ-વિલાસની કથાઓની સાથે ઘણું જ સામ્ય ધરાવતી જણાશે. આ ત્રણે  કથાનકોમાં, મુગ્ધપ્રેમ ઉપરાંત, પરિસ્થિતિ ની રહસ્યમયતા, સબંધની ગુપ્તતા, નાયકનું દુશ્મન દેશમાં  અજ્ઞાતરૂપે હોવું, નાયકનાયિકાના પ્રક્ષો વચ્ચે વૈરસંબધ, અને અંતે રાજ-કલહની વેદીના વૈરાગ્નિમાં નિર્દોષ પ્રેમમુગ્ધ નાયિકાઓનાં સ્વજનને જ હાથે એક યા બીજા કારણે બલિદાન..

આ બધાં સમાનાંશો મુનશીએ એક જ કથાનકનો પ્રસંગેપ્રસંગે  વિવિધ રૂપે કરેલો પ્રયોગ સૂચવે છે. યુદ્ધદેવની આહુતિઓ બનતી કુમારિકાનું આ કથાનક ‘ઇફીજીનિયા’ની કથાનું સ્મરણ ન કરાવે ? .. અને માત્ર મુગ્ધપ્રેમના જ કથાનકની મર્યાદાઓમાં ન્ રહીએ  તો, મુનશીએ આલેખેલાં  હંસા, મંજરી, રાણક અને ચૌલાનાં વિવિધસ્વરૂપ ‘બલિદાનો’ને પણ આ યાદીમાં ન ઉમેરી શકાય ?

‘ભગવાન કૌટિલ્ય’ : ‘રાજાધિરાજ’ પછી છેક 1940 માં, મુનશી ગુજરાતનાં ઇતિહાસનાં પાનાં ઉખેળે છે અને ‘જય સોમનાથ’ રચાય છે, તે દરમ્યાનના ગાળામાં તેમની પાસેથી આપણને આ એક જ ઐતિહાસિક નવલકથા મળે છે. સોલંકીગાથામાં ઇતિહાસ સાથે પ્રબંધો રાસાઓ લોકપ્રચલિત કથાનકો ઘોળાયેલા છે, ‘પૃથિવીવલ્લભ’માં ઇતિહાસ કરતાં અનુશ્રુતિ અને અન્ય સામગ્રી જ પ્રધાન છે, તો ‘ભગવાન કૌટિલ્ય’માં તો મુનશી આપણની છેક ઇતિહાસના ઉષ:કાળમાં લઈ જાય છે, પુરાણ અને ઇતિહાસના સંધિયુગમાં પ્રવેશે છે. ખરેખર તો ઇતિહાસની આરંભરેખા પાસે જ જાણે આ નવલકથા અટકે છે.

બ્રાહ્મણદ્વેષી, આર્યત્વોચ્છેદક નંદોના ઉન્મૂલન અને ચંદ્રગુપ્ત મૌર્યની રાજપ્રતિષ્ઠા માટે રાજ્યપરિવર્તનના ભગવાન કૌટિલ્ય – એટલે કે આચાર્ય વિષ્ણુગુપ્ત ચણક્યના  પ્રચંડ ઉદ્યમનો પ્રથમાધ્યાય આ નવલકથામાં નિરૂપાયો છે. ‘મુદ્રારાક્ષસ’ જેવી કૃતિઓ  દ્વારા લોકપરિચિત, ‘અર્થશાસ્ત્ર’ના રચયિતા  મુત્સદ્દી અને મહર્ષિ કૌટિલ્યની જે વ્યક્તિત્વમુદ્રા તે જ આ નવલકથામાં  પણ પ્રભાવકેન્દ્ર છે. વસ્તુ તેમ જ ઉત્તરાર્ધમાં વહેંચાઈ ગઈ છે. પૂર્વાર્ધમાં નંદ  દ્વારા અપમાનિત  આચાર્ય વિષ્ણુગુપ્તની, પાટલિપુત્રને ખળભળાવતી રાજ્યક્રાંતિલક્ષી પ્રવૃત્તિઓ પ્રધાન છે, તો ઉત્તરાર્ધમાં પુરાણપરિચિત નૈમિષારણ્યનું વાતાવરણ અને ભગવાન વેદ વ્યાસના પુણ્યપ્રભાવ થી પ્રેરિત  પૌરાણિક ઋષિ-સંસ્કૃતિનું નિરૂપણ મહત્ત્વ ધરાવે છે. આ નાટ્યાત્મક રીતિનું નિરૂપણ વિશેષ છે તો ઉત્તરાર્ધમાં વર્ણનપ્રધાન  રીતિનો વધુ ઉપયોગ જણાય છે.  

મુખ્ય વસ્તુના  વિકાસની દ્રષ્ટિએ અવલોકતાં, આ નવલકથા દરમ્યાન, નંદોની સામે વાતાવરણ ખળભળવા લાગે છે અને ચંદ્રગુપ્ત કેદમાંથી નાસે છે એટલું જ સિદ્ધ થાય છે, અને કૌટિલ્યના વ્યક્તિત્વ અને પ્રભાવનું પ્રાગટ્ય અને તેનો પરિચય જ મહત્વનાં બની રહે છે. આથી, આ વસ્તુને લગતા ઐતિહાસિક પ્રકરણની અપેક્ષાએ ચંદ્રગુપ્તની રાજપ્રાપ્તિ  વગેરે તો હજુ બાકી જ રહે છે. એટલે સમગ્ર નવલકથા સર્વથા આસ્વાદ્ય એવો સ્વતંત્ર એકમ બની રહે તેવી કૃતિ હોવા છતાં, સોલંકીગાથાની જેમ કૌટિલયકથા એક નવલશ્રેણીનો જાણે પૂર્વરંગ જ હોય તેમ અન્ય અનુગામી નવલકથાઓની અપેક્ષા જન્માવે છે, અને કનૈયાલાલ મુનશી એ પોતે જ કહ્યું છે તેમ તેમની પણ યોજના તો એવી  છે, પણ, એ યોજના સાકર થઈ નથી અને કથાશ્રેણીની આપણી અપેક્ષા અપૂર્વ જ રહી છે તે હકીકત છે.

આ નવલકથા પછી લગભગ દોઢ દાયકા સુધી, મુનશીએ અન્ય ઐતિહાસિક નવલકથા આપી નથી. તે દ્રષ્ટિએ ‘ભગવાન કૌટિલ્ય’ એક દીર્ઘવિરામ  બની જાય છે. 1940 માં ફરીથી મુનશી ઐતિહાસિક કથા માંડે છે ને ફરીથી સોલંકીયુગને સંકોરે છે – આ વખતે જયસિંહ – કથાનીય પૂર્વના પ્રકરણને ‘ જય સોમનાથ’માં.

પાટણની પ્રભુતાથી ભગ્નપાદુકાની સર્જનરેખા મુનશીનાં સોલંકીગાથા નિરૂપણનો એક આલેખ આંકી આપે છે. તો સાથે સાથે, તેમનાં ઐતિહાસિક નવલકથાકાર તરીકેનો પણ આલેખ દર્શાવે છે. તદુપરાંત, સમાનવસ્તુ-નિરૂપણને કારણે તુલનાત્મક અભ્યાસની તક આપતો, કરણઘેલો થી ભગ્નપાદુકાનો એક આલેખ એ બે સીમાચિહ્નો વચ્ચે સૂચક રીતે દોરાઈ રહે છે. વચ્ચે ગુજરાતી નવલકથાનો એક વિસ્તાર સમાયેલો છે, એ વિસ્તાર ‘ગાંધીયુગ’ સાથે એકરૂપ છે ને છતાં સાહિત્યવિષયક ગાંધીવિચારથી ભિન્ન પ્રણાલિકા દર્શાવતો છે તે પણ નોંધપાત્ર છે.

કનૈયાલાલ મુનશી પર ડ્યૂમાનો પ્રભાવ

મુનશીની ઐતિહાસિક નવલકથાઓના સંદર્ભમાં બે અગત્યની બાબતો ચર્ચવી જરૂરી ગણાય : આ નવલકથાઓમાં ડ્યૂમાનો પ્રભાવ, અને આ નવલકથાઓના સંદર્ભમાં, ઐતિહાસિક નવલકથાની ‘ઐતિહાસિકતા’નો પ્રશ્ન.

કનૈયાલાલ મુનશીની આ નવલકથાઓમાં એલેકઝાંડર ડ્યૂમાની નવલકથાઓનો પ્રભાવ સ્પષ્ટ છે. આપણા વિવેચનક્ષેત્રે તે બાબત વિગતે નુકતેચીની થઈ ચૂકી છે. પરંતુ, પ્રશ્ન એટલેથી જ અટકાવવો ઉચિત નથી. મુનશીએ નવલકથાઓના આદર્શ તરીકે ડ્યૂમાની કૃતિઓને સ્વીકારી છે, અને પોતાની કૃતિઓની રચનામાં, વિશેષતઃ  વેરની વસૂલાત, પાટણની પ્રભુતા અને ગુજરાતનો નાથમાં  ડ્યૂમામાંથી તેમણે ઘણું સ્વીકાર્યું છે, ને ઘણાંનું અનુસર્જન – અનુસરણ  કર્યું છે. એ હકીકત છતાં, પ્રશ્ન સમગ્રકૃતિના આપણા અનુભવનો છે. 

મુનશીની કૃતિઓ વાંચતાં જો આપણની તે પરાઈ લાગે અથવા તો તેમાંના ખંડો ઉદ્ધત લાગે તો તે મર્યાદા. જો સમગ્ર રચના એતદ્દશીય વાતાવરણમાં પૂર્ણ ઔચિત્યપૂર્વક ગોથાવાઈ હોય, ઉદ્ધત્ અંશો, અનુકરણ કે અનુસરણ પરાયાપણાને ત્યજીને આપણાપણાને પામ્યું હોય, જો કુશળ સંશોધકો જ્યાં સુધી શોધી સરખાવીની પુરવાર ન કરી આપે ત્યાં સુધી ગુજરાતી વાચકને એમાં કશું પરાયાપણું ન અનુભવાય – બલકે તે પછી પણ તે કૃતિઓના  આસ્વાદનમાં વિક્ષેપ ન આવે તો તે ‘પ્રભાવ’ને મર્યાદા ગણવો કે કેમ? તેને ‘ઉઠાંતરી’ ગણવી કે આહાર્યવસ્તુવિનિયોગ ગણવો ? સાહિત્યમાં, ઘણું બધુ જેમ જીવન અને જગતમાંથી તેમ અન્ય કે પૂર્વસાહિત્યમાંથી પણ સામગ્રીરૂપે, આહત થતું રહયું છે – ક્યાંક સામગ્રીરૂપે, ક્યાંક સ્મૃતિસંસ્કાર  રૂપે, કયાંક પ્રભાવરૂપે ને તે જ રીતે સાહિત્યમાંથી પ્રેરણા અને પ્રભાવ પણ પ્રાપ્ત થતાં જ રહ્યાં છે, જે ક્યાંક અનુકરણરૂપે, ક્યાંક અનુસર્જન  રૂપે, ક્યાંક પુનઃસર્જન  રૂપે કે ક્યાંક અનુસરણરૂપે પ્રગટતાં જણાય છે.

Total Page Visits: 2363 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!