લુચ્ચો વરસાદ – નિબંધ – કાકાસાહેબ કાલેલકર

લુચ્ચો વરસાદ કાકાસાહેબ કાલેલકર
લુચ્ચો વરસાદ કાકાસાહેબ કાલેલકર
Spread the love

હું તો હવેથી આ વરસાદ સાથે નથી રમવાનો. એ બહુ લુચ્ચો છે.

બપોરે હું સુઈને ઊઠ્યો ત્યારે બારણાં  બંધ હતાં. બહાર વરસાદ વરસતો હતો તેનો અવાજ આવતો હતો. મને લાગ્યું  કે તે હસે છે. ખરેખર એના અવાજ ઉપરથી તો તે હસતો જ જણાતો હતો. હું દોડતો દોડતો બહાર તેની સાથે રમવા માટે ગયો. ત્યાં જઈને જોંઉ છું તો ભાઈસા’બ ધોધમાર રુએ છે !

પરમ દહાડે બપોરે હું તેની સાથે ખૂબ રમ્યો. પણ જતી વખતે મેં ઇને કહ્યું કે આવતી કાલે સવારે તો મારે નિશાળે જવું છે માટે તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ. પણ એ તો લુચ્ચો તો સવારે જ આવ્યો. ભલે, એ જો સવારે વહેલો આવ્યો હોત તો એનું બહાનું કાઢીને નિશાળે તો ન જાત ! પણે એનો વિચાર તો મને ખાસ પજાવવાનો હતો એટલે એ વહેલો શાનો જ આવે ? અમે લગભગ નિશાળે પહોંચવા આવ્યા ત્યારે રસ્તામાં જ મળ્યો અને બોલ્યો, “ચાલો રમવા.” એ તે કેમ બને?

નિશાળે જતાં વાર થઇ તેથી મારની બીકે હું ધ્રુજતો હતો. મહેતાજીને લાગ્યું કે હું વરસાદ સાથે લડ્યો અને પલળીને ઠરી ગયો તેથી ધ્રુજતો હોઈશ.

વરસાદનો સ્વભાવ પણ કેટલો વિચિત્ર ! જયારે જયારે એની સાથે રમવા જાઉં છું ત્યારે એ કદી સીધી રીતે રમતો જ નથી. પોતે પહેલો પડે છે અને પછી મને સાથે પાડે છે. એ પડે છે ત્યારે એને તો કંઇયે વાગતું નથી. પણ મને તો વાગે છે, અને વળી મારા કપડાં પણ બગાડે છે તે વધારાનું. મારું દુઃખ જોઇને મોઢેથી તે હસે છે અને આંખોથી રુએ છે !

રાત્રે પણ એ નિરાંતે નથી સૂતો. મેં એને કેટલીક વાર કહ્યું કે ઉનાળામાં આવજે. તડકો બહુ પડે ત્યારે તારી સાથે રમવું મને બહુ ગમે. પણ ઉનાળામાં તો એ ભાઈ ભાગ્યેજ પધારે છે.

કોઈ દહાડે બહાર જતી વખતે જો હું સાથે છત્રી લેતાં ભૂલી ગયો હોઉં તો એ જરૂર આવવાનો. પણ જો  હુંમારી પેલી નવી સ્વદેશી છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરું તો એ દૂરથી જજ  ડોકિયું કરે.

મોર સાથે પપન એ એવા જ ચાળા કરે છે. ભલેને મોર એની તરફ જોઈ જોઇને એને આખો દહાડો બોલવ બોલવ કરે; પણ એ આવે જ નહીં.  અને પછી ઓચિંતો આવીને એટલા જોસથી એના  પર હસતો હસતો કૂદી પડે કે મોરનાં સુંદર  આંખોવાળાં પીંછા ભીંજવી નાખે અને એની બિચારાની બધી શોભા બગાડી નાખે.

ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો. કૂકડો તો એનાથી ત્રાસી જ જાય છે. ગાય-બળદને પણ એ એમ જ હેરાન કરે છે. બકરાં તો એનાથી એટલાં ગભરાય છે કે વાત ના પૂછો.

બસ્, એક બતક અને ભેંસ એ બે એનાથી ખુશ ખુશ  રહે છે. પણ હું તો નથી ધોળી બતક કે કાળી ભેંસ. માટે હું તો હવે આજથી વરસાદ સાથે રમવાનો નથી.

Total Page Visits: 42 - Today Page Visits: 5

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!