વરીયાળી, આમળાં, લસણ, નારંગી

Spread the love

વરીયાળી

સંસ્કૃત : मधुरीका, शतपुष्पा

હિન્દી : सोक

અંગ્રેજી : Fennel

વરીયાળી
વરીયાળી

વરીયાળી ભારતમાં થાય છે.ઘરઆંગણે બગીચામાં પણ વાવી શકાય છે. વરીયાળીના છોડવા સુગંધીદાર અને 5 થી6 ફૂટ ઊંચા થાય છે. તે સુવાના છોડ જેવા હોય છે. તેના પાન કોથમીર જેવા બારીક હોય છે. છોડને તોરા આવે છે, જેમાં વરિયાળીના દાણા હોય છે. વરિયાળીનો પાક ગુજરાતમાં ઘણો જ થાય છે. તે મસાલા- મુખવાસમાં વપરાય છે. વરિયાળીનું શરબત ખૂબ જ સ્વાદિષ્ટ અને રુચિકર બને છે.

વરીયાળી ઠંડી, આમનાશક અને રુચિતદાયક અને બુદ્ધિ વધારનાર છે. કફ, વાયુ, જ્વર, શૂળ, દાહ, નેત્રરોગ, ઉલટી, વ્રણ, કાચો આમ તેમજ અતિસાર ને મટાડે છે. વરિયાળીની ભાજી મધુર, અગ્નિદીપક તથા પથ્ય છે. વરીયાળી હૃદયને બળ આપનાર છે. લોહીવિકાર મટાડે છે.

વરીયાળીના ઉપયોગ:

(1) લૂ લાગવી: વરીયાળી, ખડી સાકર લીંબુનું સરબત કરી તેનું સેવન કરવું.

(2) મોની દુર્ગંધ: કાચી વરીયાળી અથવા મીઠામાં પલાળીને શેકેલી વરીયાળી દિવસમાં ચારથી છ વખત ચાવવી.

(3) ઉધરસ: વરિયાળી અને જેઠીમધનું ચૂર્ણ સમભાગે બનાવી તેનું સેવન કરવું.

(4) લોહીવિકાર: વરીયાળી, ગુલાબનાં પાન, જેઠીમધનું સમભાગે ચૂર્ણ બનાવી સવાર-સાંજ સેવન કરવું.

આમળાં

સંસ્કૃત : आमलक, धात्री

હિન્દી : आमला

મરાઠી : આંવળા

અંગ્રેજી  : Indian Goose Berry

આમળાં
આમળાં

આમળાં  (આંબળા) ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધનાં જંગલોમાં કુદરતી રીતે થાય છે.મેદાની પ્રદેશોમાં તે ઉગાડવામાં આવે છે.

ભારતમાં ઉત્તર ભારત, બિહાર. પૂર્વીય દેશો, હિમાલયની તળેટી, કાશ્મીર અને બંગાળમાં ગરમ પ્રદેશોમાં પથરાળ જમીનમાં ખાસ થાય છે. ગુજરાતમાં તેની ખેતી થાય છે.

આમલનું ઝાડ 6 થી 7.5 મીટર ઊંચું હોય છે. બીજથી અને કલમથી – એ બંને રીતે આ ઝાડ થાય છે. તેના થડ ઉપરની છાલ ઉખાડી જાય તેવી હોય છે. એનાં પાન ઘણાં પાસેપાસે, આંબલીના પાન જેવાં હોય છે. દરેક ડાળી પર 100 જેટલા પાન હોય છે.

ઝાડ પર આછા લીલા રંગના સુંદર દેખાવાનાં નાણાં-મોટાં ફળ થાય છે. મોટાં આમળાં લીંબુ જેવડાં, વધુ ખટામીઠાં અને ઓછા રેસાના થાય છે. નાનાં ફળ રેસાદાર સોપારી જેવડાં તથા ખાટા તૂરા મધુર હોય છે. ચૈત્ર વૈશાખમાં લીલા-પીળા રંગના રાઈનાં દાણાં જેવા નાનાં ફૂલો ગુચ્છામાં થાય છે.

ફળ કલહસ કરી કારતક કે મહા-ફાગણમાં પાકે છે. દરેક આમળા પર પાતળી છ રેખાઓ હોય છે. આમળાનો ગર્ભ જાડો હોય છે. તેની વચ્ચે ઘેરા લીલા રંગનો લાકડા જેવો કઠ્ઠણ ઠળિયો હોય છે. એકદમ પાકાં ફળ ગુલાબી ઝાંયવાળાં પીળાં રંગનાં હોય છે.

આમળા આયુર્વેદનું ખૂબ લોકપ્રિય અને સર્વાધિક વપરાતું ફળ – ઔષધ છે. તેનાં ફળનો મુરબ્બો, ચ્યવનપ્રાશ અવલેહ (ચાટણ) તથા બીજી અસંખ્ય દવાઓ બને છે. આમળાંમાં વિટામીન  ‘સી’ સૌથી વધુ હોય છે, જે સુકાવા છતાં પણ નાશ પામતું નથી. તાજાં રસદાર આમળાં બાળકો તથા બહેનોને ખાવા ખૂબ ગમે છે.

વૈદોનું તે પ્રિય ઔષધ છે. આમલાના લાકડામાંથી ખાવાનો ધોળો કાથો તૈયાર થાય છે. સૂકાં ફળમાંથી કાળી શાહી બને છે.

આમળાં ગુણમાં ઠંડા, રોગ અને વૃદ્ધાવસ્થાનાશક, કેશ કાળા કરનાર, રૂચિકર, હિતકર છે. તે મૂત્ર સાફ લાવનાર, મૃદુ રેચક, પચવામાં હલકા, પુષ્ટિ વર્ધક છે.

આમળાં કબજિયાત,પેશાબના દર્દો તથા આંખનાં દર્દો જેવાં અનેક દર્દો મટાડે છે. ઔષધમાં લીલાં તથા સૂકાં બંને આમળાં ખૂબ વપરાય છે. આમળાંનાં ફળ, ફળનો રસ, પાન, ફૂલ, છાલ ઔષધરૂપે ઉપયોગી છે.

લસણ

સંસ્કૃત  : रासों

હિન્દી : लहसून

અંગ્રેજી : Garlic

લસણ Garlic
લસણ

લસણ ભારતમાં કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશમાં તથા મહારાષ્ટ્રમાં બેલગામં ધારવાડ, નાસિક, પૂના અને સતારામાં વધુ થાય છે. ગુજરાત – સૌરાષ્ટ્રમાં પણ રેતાળ કે સારા નિતારવાળી  જમીનમાં તે થાય છે.

લસન્ના છોડ ડુંગળીના છોડ જેવાં એકથી દોઢ ફૂટ ઊંચાઈના થાય છે. ડુંગળી એક દળમાં થાય છે  પણ લસણમાં 10 15 કળીઓનું એક દળ બને છે. લસનના પાન ચપટા અને અણીદાર, લાંબી અણીવાળા, દોઢ ઇંચ પહોળા, લીલા રંગના થાય છે. તેને સૂકાં, પાતળા અને બહુ નાનાં નાનાં પુષ્પો રહે છે. છોડના મૂળમાં જ થતી ગાંઠ ‘લસણ’ તરીકે ઓળખાય છે. લસણની કળીઓ ઉપર સફેદ રંગના કાગળ કરતાંય પાતળા પડનાં છોડાં હોય છે. તે કાઢતાં અંદરથી આછા પીળા રંગની લસણની લાંબી કળી દેખાય છે. તે ગંધમાં  તીવ્ર અને સ્વાદમાં તીખી હોય છે. તે વિશ્વમાં બધે લસણનો ખાદ્ય મસાલા દ્રવ્ય તરીકે ઉપયોગ થાય છે. લસણ ચટણી કે મસલારૂપે ખાસ વપરાય છે. લસણને ‘ગરીબોની કસ્તુરી’ નામ અપાયું છે.  તે એક પરમ ઔષધ પણ છે.

લસણ સ્વાદે મધુર, તીખું અને તીક્ષ્ણ છે. ગુણમાં તે ગરમ, પાચક, સ્નિગ્ધતાવર્ધક, ઝાડો સાફ લાવનાર, પૌષ્ટિક, વીર્યવર્ધક, ભાંગેલા હાડકાં જોડનાર, કંઠને સારો કરનાર, પચવામાં જરા ભારે, બળ આપનાર, શરીરનો રંગ સુધારનાર, તેજવર્ધક, બુદ્ધિ અને નેત્રને હિતકારી, રક્ત અને પિત્ત વધારનાર તથા વાયુ અને કફ દોષ મટાડનાર છે. લસણ વાયુ અને કફજન્ય તમામ દર્દો, હ્રદયરોગ, જૂનો તાવ (મેલેરિયા), પેટનું શૂળ, કબજિયાત, અરુચિ, ઉધરસ, સોજો, હરસ, કોઢ, મંદાગ્નિ અને કૃમીરોગ મટાડે છે. કોલેસ્ટ્રોલ દૂર કરે છે. માર – ચોટ, જીર્ણ તાવ તથા ફેફસાનાં રોગ મટાડે છે.   

નારંગી

સંસ્કૃત : नारंग

હિન્દી  : संतरा, नारंगी

અંગ્રેજી  : Common Orange

નારંગી
નારંગી

નારંગીનું મૂળ વતન ભારત, મલાયા, ચીન ગણાય છે. ભારતમાં ગુજરાત, આસામ, બંગાળ, મધ્યપ્રદેશ. મહારાષ્ટ્રમાં નારંગી થાય છે. તેમાંયે ખાનદેશ, અહમદનગર, મહારાષ્ટ્ર – પૂના, ધુલિયા તથા નાગપુરમાં તેની ખૂબ ખેતી થાય છે. યુરોપ, આફ્રિકામાં પણ હવે નારંગી ખૂબ થાય છે.

નારંગીની વાવણી બીનું ધરું કરીને અને કલમ કરીને – એમ બે રીતે થાય છે. તેનાં ઝાડ પ્રમાણમાં નાનાં પુષ્કળ ડાળીઓવાળાં અને બારે માસ ચળકતા લીલા પાનવાળાં હોય છે. તેનાં પણ ચીકણાં, લીંબુપત્ર જેવાં આશરે 10 સેમીના હોય છે. તે પક્ષયુક્ત  હોય છે. નારંગીનાં ફૂલ પ્રાયઃ વસંત ઋતુની મધ્યમાં આવે છે. તે શ્વેત રંગના, સુગંધિત હપી છે. નારંગીના ફળ આશરે 7.5 સેમી વ્યાસનાં હોય છે. તે પાકે ત્યારે પીળા-ગુલાબી કે કેસરી રંગનાં થાય છે.

ફળની ઉપર ચમકતી જાડી અનિયમિત સપાટીની કોમળ છાલ હોય છે. અંદર 10 – 12 ચીરીઓ હોય છે, દરેક ચીરી પર સફેદ, પાતળા કાગળ જેવું પદ હોય છે. ચીરીની અંદર અસંખ્ય કેસરી, તાંતણા જેવો ગર્ભ હોય છે. દરેક ચીરીમાં 1 થી 4 નાનાં સફેદ બી હોય છે, ફળ સ્વાદે ખટમધુર હોય છે. નારંગી ઉત્તમ ફળ અને ઉત્તમ ઔષધી હોઇ  તેનો સર્વત્ર ખૂબ ઉપયોગ થાય છે.

નારંગીની બે જાત હોય છે : ખાટી અને મીઠી. તે ઉપરાંત ભૂમિ – ઉતત્પત્તિની દ્રષ્ટિએ તેની લાડુ, કલવા, નાગપુરી, ખાનદેશી, રેશમી, સીલહટી, સહરાનપુરી એવી અનેક જાતો થાય છે, તેમાં નાગપુરી તથા સીલહટી  ઉત્તમ છે. નારંગી લગભગ બારેમાસ મળે છે.

મીઠી નારંગી મધૂર, ભૂખવર્ધક, ઉલટી તથા તરસનિવારક છે, તે હ્રદયને હિતકર, રક્તવર્ધક, બળવર્ધક છે, તે અપચો, થાક, ફલ્યુ, જેવાં રોગો મટાડે છે,

નારંગીના રસમાંથી સુંદર મધુર શરબતો તથા એરેટેડ પીણાં બને છે. નારંગીની છાલનું તેલ કાઢી તેનો ખાદ્ય પદાર્થોમાં તથા આગરબત્તીમાં ઉપયોગ થાય છે. નારંગીની છાલનું ચૂર્ણ રોજ સ્નાન વખતે શરીર પર ચોળીને સ્નાન  કરવાથી ત્વચાનો રંગ ઉઘાડે છે.  નારંગીના રસ વગરના કૂચા અને પાન વગેરે ઉત્તમ ખાતરની ગરજ સારે છે. નારંગીનો રસ કુદરતી ઉપચારની ચિકિત્સાનું એક મહત્વનું સાધન છે. નારંગી સ્વસ્થ અને રોગી બધા માટે ઉત્તમ લાભપ્રદ ફળ  અને ઔષધ છે.  નારંગીનું અથાણું, મુરબ્બો અને જામ બને છે.

Total Page Visits: 864 - Today Page Visits: 2

1 comments on “વરીયાળી, આમળાં, લસણ, નારંગી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!