વિજ્ઞાન : વરદાન કે અભિશાપ? ગુજરાતી નિબંધ વિજ્ઞાનની સિદ્ધિઓ

વિજ્ઞાન
વિજ્ઞાન
Spread the love

વિજ્ઞાન : વરદાન કે અભિશાપ? ગુજરાતી નિબંધ

વિજ્ઞાને આજે અપૂર્વ ક્રાંતિ સર્જી છે. આજથી માત્ર સો વર્ષ પહેલા માનવી જેની કલ્પના કરી શકતો નહોતો તે વસ્તુઓ આજે શક્ય બની છે. પ્રકૃતિ આજે જાણે વિજ્ઞાનની દાસી બની ગઈ છે. વિજ્ઞાનના ચમત્કારિક વિકાસથી માનવીની આસપાસ ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. મનુષ્યે ચંદ્ર ઉપર સફળ ઉતરાણ કર્યું છે. આજે એની મીટ બીજા ગ્રહો પર મંડાય છે.

વિજ્ઞાને દરેક ક્ષેત્રમાં વિકાસ કર્યો છે. રેલવે, મોટર, આગબોટ અને એરોપ્લેન જેવા વાહનવ્યવહારના ઝડપી સાધનોએ સમગ્ર વિશ્વને એક એકમ બનાવી દીધું છે. વાહનવ્યવહારની જેમ સંદેશા વ્યવહારની બાબતમાં પણ વિજ્ઞાનની સિદ્ધીઓ આશ્ચર્યકારક છે. રેડિયો, ટેલીફોન, ટેલીવિઝન, ઈન્ટરનેટ વગેરે સાધનો દ્વારા આજે જગતના બધા દેશો એકબીજાના ગાઢ સંપર્કમાં રહી શકે છે. ઈન્ટરનેટે માનવને માટે જ્ઞાન અને મનોરંજનના દ્વાર ખુલ્લા મુક્યા છે. માત્ર વીજળીની શોધે જ માનવીના જીવનમાં કેવું ક્રાંતિકારી પરિવર્તન લાવી દીધું છે!

વિજ્ઞાન : વરદાન કે અભિશાપ? ગુજરાતી નિબંધ

માનવીશરીરના અસાધ્ય રોગો પર પણ વિજ્ઞાને વિજય મેળવ્યો છે. બહેરો માણસ સાંભળી શકે તે માટે શ્રવણયંત્ર, એક્સ રે દ્વારા શરીરના ભીતરી ભાગોની તપાસ થઇ શકે છે. શસ્ત્ર ક્રિયા દ્વારા માનવીના શરીરના અંગો બીજા માનવીના શરીરમાં બેસાડી શકાય છે ! અનેક પ્રકારના યંત્રો દ્વારા ઔદ્યોગિક ઉત્પાદન ને જે પ્રચંડ વેગ મળ્યો છે તટે પણ વિજ્ઞાનની જ દેન છે.  માનવીની પોતાની યાદશક્તિ અને વ્યવસ્થા શક્તિ સાથે હરીફાઈ કરતાં કમ્યુટરો તો વિજ્ઞાનની અભિનવ અજાયબી છે. ખરેખર વિજ્ઞાન મનુષ્ય જાતી માટે એક અણમોલ વરદાન સિદ્ધ થયું છે.

પરંતુ ‘જે પોષતું તે મારતું એ ક્રમ દીસે છે. કુદરતી !” એ પંકિત આજના વિજ્ઞાનને અક્ષરશ: લાગુ પડે છે. વિજ્ઞાને કેવળ સુખ સાધનો જ નથી સર્જ્યા અનેક વિષમ સમસ્યાઓ પણ ખડી કરી છે. આધુનિક વિજ્ઞાને શોધેલા એટમબોમ્બ, હાઈડ્રોજન બોમ્બ, ઝેરી ગેસો, સ્વયંસંચાલિત શસ્ત્રો વગેરેએ વર્તમાન સભ્યતા અને સંસ્કૃતિ સમક્ષ સર્વનાશનો સતત ભય ઊભો કર્યો છે. વિવિધ ક્ષેત્રે વિજ્ઞાને સર્જેલા આધિનિક યંત્રોએ લાખો માણસોનું કામ હળવું બનાવ્યું છે. અને ઉત્પાદન વધાર્યું છે. એ ખરું પણ તેથી બેકારી અને શોષણના પ્રશ્નો ઊભા થયાં છે.   

વિજ્ઞાન આશીર્વાદ રૂપે આવ્યું છે છતાં કેટલાક અંશે શાપ રૂપ નીવડ્યું છે. વિજ્ઞાને કેટલીક સમસ્યાઓ ઉભી કરી છે. એ ખરું પરંતુ એમાં વિજ્ઞાનનો જ દોષ કાઢવો યોગ્ય નથી. વિજ્ઞાનતો એક સાધન છે. એનો સદ ઉપયોગ માનવજીવનનું કલ્યાણ કરી શકે અને એનો દુરુપયોગ જગતને વિનાશની ગર્તામાં ધકેલી દઈ શકે. વિજ્ઞાનની સિદ્ધીઓના ઉપયોગમાં સ્નેહ અને સદ ભાવનનું સિંચન થાય તો પૃથ્વી પર જરૂર સ્વર્ગ ઊતરે.

વિજ્ઞાન : વરદાન કે અભિશાપ? ગુજરાતી નિબંધ

Total Page Visits: 179 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!