વિનોદકથા – વિનોદ ભટ્ટ

વિનોદ ભટ્
વિનોદ ભટ્
Spread the love

સાસુ-વહુની ખીચડી

કન્યાને સાસરે વળાવતી વખતે ભારે હૈયે તેની માએ કહ્યું : ‘દીકરી, મારી કહેલી બધી જ વાતોનું ધ્યાન રાખજે હોં !’ કન્યાએ રડતી આંખોએ હકારમાં ડોકું હલાવ્યું.
‘બેટા, સહનશક્તિ એ સ્ત્રીનો મોટામાં મોટો ગુણ છે એ ના ભૂલતી.’
‘તારી બધી જ વાતો મેં ગાંઠે બાંધી છે, મા….’ દીકરી ગળું સાફ કરતાં બોલી.
‘…..અને દીકરી, પેલી પોટલીની ગાંઠ છૂટી ના જાય એનું ધ્યાન રાખજે.’

‘એ પોટલીમાં શું છે, બા ?’ દીકરીએ આતુરતાથી પૂછ્યું.
‘એમાં ખીચડી છે. દાળ-ચોખા એકબીજામાં ભળી જાય તેમ તું તારી સાસુમાં ભળી જજે… ઘેર જઈને આ ખીચડી તું રાંધજે, અને તમે સાસુ-વહુ બન્ને, એક થાળીમાં આ ખીચડી જમજો… તમે બન્ને એક બનીને રહો એવી ભાવનાથી મેં ખીચડી બાંધી આપી છે…’ મા બોલી.
અને દીકરી સાસરે આવી.
દીકરી વહુ બની.
વહુએ દાળ-ચોખાની પોટલી છોડી.
વહુએ ખીચડી બનાવી.
સાસુ-વહુ બંને એક થાળીમાં ખીચડી જમવા બેઠાં.
અને જમતાં જમતાં જ સાસુ-વહુ લડી પડ્યાં. હવે આ એંઠી થાળી કોણે માંજવી એ મુદ્દા પર બન્ને લડતાં હતાં.

સ્વાગત

શિયાળ દરરોજ ઘેર જઈને પોતાનાં બાળકોને એક ‘જોક’ કહે એવો નિયમ. નિત નવી ‘જોક’ કહેવાની. આજે શિયાળે પોતાનાં બાળકોને આ ‘જોક’ સંભળાવી : હું ગીરના જંગલમાંથી આવતો હતો. ત્યાં મેં જોયું તો એક સિંહણ સ્ટૂલ પકડીને ઊભી હતી ને સિંહ સ્ટૂલ પર ચડીને એક ઝાડના થડ પર બૉર્ડ ટીંગાડતો હતો. બૉર્ડ પર લખ્યું હતું : ‘ગીરની લાયન્સ કલબ આપનું હાર્દિક સ્વાગત કરે છે…..’

પ્રતિક્રિયા

તે મિત્રે મને દ્રાવણની શીશી આપતાં જણાવ્યું : ‘જો આ એક ચમત્કારિક પ્રવાહી છે. કોઈ જડ પદાર્થ પર તું તેનાં થોડાંક ટીપાં રેડે એટલે એ પદાર્થમાં ચેતન આવી જાય. કોઈ સ્ટેચ્યુના ડાબા કાનમાં ફક્ત ત્રણ જ ટીપાં નાખીશ તો એ સ્ટેચ્યુમાં પ્રાણ આવી જશે….’
‘આવું તે કાંઈ હોતું હશે !’ આવી શંકા સાથે તેણે આપેલી શીશી મેં લીધી. આ પ્રવાહીનો પ્રયોગ કોના પર કરું ? – મન વિચારમાં પડી ગયું. અમદાવાદના આશ્રમ રોડ પર, ઈન્કમટેક્સ ટ્રાફિક સર્કલ પાસે લાકડી લઈને ઊભેલા ગાંધીજી પર આ પ્રયોગ કર્યો હોય તો ? આમેય ઘણા લોકોએ તેમના પર દૂધસ્નાન ને રક્તતિલકના પ્રયોગો અગાઉ કરેલા છે – એક વધારે.

ને તેમના ડાબા કાનમાં ડ્રોપર વડે મેં પેલા પ્રવાહીનાં ત્રણ ટીપાં નાખ્યાં. ત્યાં જ એ પ્રવાહીના ચમત્કારથી ગાંધીબાપુના બાવલામાં જીવ આવ્યો. વર્ષોથી એક જ પોઝિશનમાં ઊભા રહેવાને કારણે અકડાઈ ગયેલું શરીર છૂટું કરતાં તેમણે આળસ મરડી. હાથ લાંબા-ટૂંકા કરવા જતાં તેમના હાથમાંની લાકડી નીચે પડી ગઈ. એ લાકડી ઊંચકી તેમના હાથમાં મૂકતાં મેં કહ્યું : ‘બાપુ, લો તમારી આ લાકડી….’
‘હવે લાકડી નહિ, બંદૂક લાવ……’ બાપુ સખ્ત અવાજે બોલ્યા.

નસીબ

આમ તો તેને મિલમાં ગમે તે પાળીમાં બદલી મળી જતી. રોજ નહિ, અઠવાડિયામાં ત્રણ-ચાર દિવસ. પાસે પૈસા હોય ત્યારે ઘરની નજીક આવેલી સસ્તા અનાજની દુકાન પર તે ઘઉં, ચોખા કે ખાંડ લેવા જતો ત્યારે મોટા ભાગે ‘માલ ખલાસ છે… આવતા સોમવારે મળશે…’નું પાટિયું જ વાંચવા મળતું. વધુ દામ આપીને ખુલ્લા બજારમાંથી તેને ખાંડ-અનાજ ખરીદવાં પડતાં. ખૂબ ગુસ્સો આવતો તેને આ સસ્તાં અનાજની દુકાન પર. ગુસ્સાથી મુઠ્ઠીઓ વળી જતી. ક્યારેક આ દુકાન સળગાવી દેવાની પ્રબળ ઈચ્છા થઈ આવતી.

એક દિવસ શહેરમાં હુલ્લડ ફાટી નીકળ્યું. મોડી રાતે લોકોએ સસ્તા અનાજની દુકાન તોડી. તે પણ ઊભો ઊભો આ તૂટતી દુકાન સામે તિરસ્કારથી જોતો હતો. દુકાન તોડીને બધા અંદર ઘૂસ્યા. લાં….બા સમયની ખીજ ઉતારવાનો આ મોકો હાથમાંથી જવા દેવો ન જોઈએ એવા પાકા નિર્ધાર સાથે તે પણ ટોળા સાથે દુકાનમાં પેઠો. એટલામાં બહાર પોલીસવાનની સાયરન સંભળાઈ. ‘ભાગો, પોલીસ…..’ કોઈકે ચેતવ્યા. અંધારામાં જે વસ્તુ હાથમાં આવી તે લઈને બધા દોડવા માંડ્યા. એક કોથળો હાથ લાગ્યો તે લઈને તે પણ ઉતાવળથી નાસવા માંડ્યો. કોથળો ખાસ વજનદાર નહોતો, તેમ ખાલીય નહોતો. તેણે વિચાર્યું : ‘બે કિલો ચોખા હોય તોય ગનીમત છે. એય ક્યાંથી !’

દૂરથી પોલીસવાનને આવતી જોઈ કોથળા સાથે દોટ મૂકીને તે બાજુની ગલીમાં વળી ગયો. બત્તીના એક થાંભલા નીચે તે હાંફતો ઊભો રહી ગયો. કોથળો સહેજ પહોળો કરી તેણે જોયું તો પેલું પાટિયું હતું : ‘માલ ખલાસ છે…. આવતા સોમવારે મળશે….’

પરિવર્તન….!

અલાઉદ્દીને માળિયા પરથી જાદુઈ ચિરાગ ઉતાર્યો ને ફૂંક મારી તેના પર જામેલી ધૂળ સાફ કરી. દર મહિનાની દસમી તારીખે દાણા-પાણી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ ખલાસ થઈ જતી ત્યારે અલાઉદ્દીન માળિયા પરથી ચિરાગ ઉતારીને તેના પરની ધૂળ સાફ કરતો. ધૂળ ખંખેરીને અલાઉદ્દીને ચિરાગને જમીન પર ઘસ્યો. બે મિનિટમાં જ મોટા અવાજ સાથે જમીન ફાટીને રાક્ષસ બહાર આવી, અલાઉદ્દીનને હાથ જોડતાં બોલ્યો : ‘હુકમ કરો સરકાર….’
અલાઉદ્દીને જોઈતી ચીજ-વસ્તુઓની યાદી રાક્ષસના હાથમાં થમાવતાં સત્તાવાહી અવાજે કહ્યું : ‘આ બધી વસ્તુઓ મારે જલ્દી જોઈશે.’
‘આવી જશે સાહેબ….’ કહી રાક્ષસ આવ્યો’તો એ જ રીતે અદશ્ય થઈ ગયો.

બે દિવસ વીતી ગયા છતાં અલાઉદ્દીને મંગાવેલી વસ્તુઓ આવી નહિ એટલે ગુસ્સે થઈને તેણે ચિરાગને જોરથી જમીન પર ઘસ્યો. પંદર મિનિટ સુધી ચિરાગ ઘસ્યા બાદ રાક્ષસ ઉત્પન્ન થયો.
‘હુકમ કરો સરકાર….’ ખૂબ જ વિનમ્ર ભાવે તે બોલ્યો.
‘બે દિવસ પહેલાં તારી પાસે મંગાવેલી વસ્તુઓ હજુ સુધી આવી નથી. તાત્કાલિક લઈ આવ…’ અલાઉદ્દીને ગુસ્સે થતાં કહ્યું.
‘આવી ગઈ સમજો….’ કહી રાક્ષસ અદશ્ય થઈ ગયો. ફરી પાંચ-સાત દિવસ થઈ જવા છતાં અલાઉદ્દીને મંગાવેલ વસ્તુઓ આવી નહિ. તેનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયો. તેણે અડધો કલાક સુધી ચિરાગ ઘસ્યો તોય રાક્ષસ આવ્યો નહિ. ચાળીસ મિનિટ પછી રાક્ષસે આવીને નમ્રતાથી હાથ જોડતાં કહ્યું : ‘હુકમ કરો સરકાર….’
અલાઉદ્દીને ગુસ્સામાં દાંત પીસતાં કહ્યું : ‘મેં મંગાવેલ વસ્તુઓ….’
‘હમણાં જ હાજર કરું છું, સાહેબ….’
‘ચૂપ કર બદમાશ….’ અલાઉદ્દીને આંખો તતડાવતાં કહ્યું : ‘મારી વસ્તુઓ તો બાજુ પર રહી પણ પોણો પોણો કલાક સુધી ફાનસ ઘસવા છતાં તું નથી આવતો….. આ બધું શું માંડ્યું છે ?’

જવાબ આપવાને બદલે રાક્ષસ નીચું મોઢું કરીને શાંતિથી ઊભો રહ્યો. ગુસ્સો ઓછો થતાં અલાઉદ્દીને રાક્ષસને સહાનુભૂતિથી પૂછ્યું : ‘તારામાં એકાએક આવું પરિવર્તન કેમ આવી ગયું છે ?’
‘સાહેબ….’ રાક્ષસે અચકાતાં અચકાતાં જવાબ આપ્યો, ‘હું સરકારી નોકરીમાં જોડાઈ ગયો છું…..’

ઉપાય….

એ માણસનો ચહેરો જ એવો હતો.
કોઈનેય તેનો ચહેરો જોવો જ નો’તો ગમતો. પોળના આઠ-દસ રહીશો મને મળવા આવ્યા. એ બધા એ કહેવા આવ્યા હતા કે પેલાનું મોઢું આપણે જોવું ન પડે એવો કોઈ રસ્તો શોધી કાઢો.
અમે બધા એનો ઉપાય વિચારવા માંડ્યા. લાંબા વિચારને અંતે અમે એનો ઉપાય શોધી કાઢ્યો.
અને અમે બધાએ તનતોડ મહેનત કરીને પેલાને ચૂંટણીમાં જિતાડી દીધો. નિરાંત થઈ ગઈ. હવે કમ-સે-કમ પાંચ વર્ષ સુધી તો અમને એ મોઢું નહિ જ બતાવે…

સુદામાનાં તાંદુલ

ભગવાન શ્રીકૃષ્ણ ખાટ હીંચતા બેઠા છે. સાથે રાણી રુકિમણીયે ઝૂલે છે. કૃષ્ણના મુખ પર પ્રસન્નતાના ભાવો રમી રહ્યા છે. બારણા પર સેવક કોઈકને ધમકાવી રહ્યો છે.
‘હું તો કૃષ્ણને મળીને જ જઈશ…’ કહેતો ગરીબ બ્રાહ્મણ અંદર ધસવા મથી રહ્યો છે.
‘આવવા દે… જે હોય એને….’ શ્રીકૃષ્ણ આજ્ઞા કરે છે.
ને ભગવાન શ્રીકૃષ્ણનો બાલસખો સુદામો હરખભેર અંદર દોડી આવે છે. ભગવાન તેને જોતાં જ હિંડોળા પરથી ઊભા થઈ સામે દોડી જાય છે. બંને ભેટે છે. બંનેની આંખોમાંથી હર્ષનાં આંસુ ઊભરાઈ આવે છે. ભગવાન કૃષ્ણ સુદામાને પ્રેમપૂર્વક હિંડોળા પર બેસાડે છે. પત્ની બાળકોનાં ખબર-અંતર પૂછે છે.

સુદામા તાંદુલની પોટલી દાણચોરની જેમ કૃષ્ણથી સંતાડયા કરે છે. શ્રીકૃષ્ણની કસ્ટમ-નજરમાંથી તાંદુલની પોટલી છટકી શકતી નથી. સુદામાના હાથમાંથી ભગવાને પોટલી ખૂંચવી લીધી. પોટલી ખોલીને જોયું તો અંદર માંડ બે મૂઠી જેટલા તાંદુલ…. ભગવાનને ગમ્મત સૂઝી, રમૂજમાં જ પૂછ્યું : ‘કેમ આટલા જ ?’ રુક્મિણીભાભીની હાજરીમાં પહેલાં તો સુદામા થોડાક ગૂંચવાયા.
પછી શ્રીકૃષ્ણના કાન પાસે મોં લઈ જઈને ધીમેથી કહ્યું : ‘સખા, લાવ્યો’તો ટ્રક ભરીને; પણ ઑકટ્રોય નાકાંઓ પર ટ્રક રોકવામાં આવતી… એટલે બચતાં બચતાં આટલા જ તાંદુલ તમારા માટે બચ્યા….’

લેખક શ્રી વિનોદ ભટ્ટ નાં પુસ્તકો ‘ઈદમ તૃતીયમ’, ‘ઈદમ ચતુર્થમ’, ‘આંખ આડા કાન’, ‘આજની લાત’ અને અન્યત્ર પ્રગટ થયેલ વ્યંગ-વિનોદકથાઓનો તાજેતરમાં પ્રકાશિત થયેલો સંગ્રહ. – કુલ પાન : 250. (પાકું પૂઠું.) કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com )

Total Page Visits: 246 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!