બોલતી કે લખતી વેળા અર્થ બરાબર સમજાય, માટે શબ્દ કે વાક્યની વચમાં થોડી કે વધારે વાર અટકવાની જરૂર પડે છે. કયા કેટલું અટકવું, એ બરાબર સમજાય, તે માટે કેટલીક નિશાનીઓ મુકરર કરેલી છે. આવી નિશાનીઓને ‘વિરામચિહ્ન’ (વિ +રમ્ = થોભવું, અટકવું વિરામચિહ્ન ) કહે છે. મુખ્ય વિરામચિહ્નો નીચે મુજબ છે : –
૧ અલ્પવિરામ ( , )
૨ અર્ધવિરામ ( ; )
૩ ગુરુવિરામ ( : )
૪ પૂર્ણવિરામ ( . )
૫ પ્રશ્નચિહ્ન ( ? )
૬ ઉદગારચિહ્ન ( ! )
૭ અવતરણચિહ્ન ( “ ” ‘ ’ )
૮ કૌંસ ( ) [ ]
૯ અપસારણ ચિહ્ન ( – )
અલ્પવિરામ
જે શબ્દો સમાનાર્થે હોય તેની વચમાં અલ્પવિરામ આવે છે – જેમ કે દશરથના પુત્ર, શ્રી રામચંદ્રજી વનવાસ ગયા. લંકાનો રાજા, રાવણ મરાયો.
એકજ પ્રકારના ત્રણ કે કે તેથી વધારે શબ્દો સાથે આવે, એન છેલ્લા બે ‘અને’ થી જોડાય, તો પહેલાંના દરેક શબ્દ પછી અલ્પવિરામ મુકાય; જેમકે, ગ્રીસ, ઈટલી અને સ્પેન યુરોપની દક્ષિણે આવેલા દ્વિપકલ્પો છે. વિદ્વાન, ડાહ્યા અને વિવેકી શિક્ષકને સૌ ચાહે છે. આપણે દરેક કામ ધીરજથી, ચતુરાઈથી અને ખંતથી કરવું જોઈએ. આવું તો જુના કાળથી થતું આવ્યું છે, હાલ પણ થાય છે, ને ભવિષ્યમાં પણ થશે.
સંબોધનાર્થે આવેલા શબ્દો પછી અલ્પવિરામ મુકાય છે : – જેમકે,
લોંકડીબાઈ, વનના રાજાજી માંદા પડ્યા છે, તેને તમે જોવા નહીં આવો ?
એક જ વર્ગના શબ્દનાં જુદાં જુદાં જોડકાં સાથે આવે છે, ત્યારે દરેક જોડકા વચ્ચે અલ્પવિરામ મુકાય છે:-
જેમકે,
ઘરમાં કે ઘરની બહાર, દિવસે કે રાતે, તે પૈસાનોજ વિચાર કર્યા કરે છે.
અને, માટે, તેથી, પણ, પરંતુ, ઇત્યાદિ શબ્દો કોઈ વાક્યમાં આવે, અને જો તે વાક્ય ટૂંકું હોય તો નહિ, પણ લાંબુ હોય તો આ શબ્દોની પૂર્વે અલ્પવિરામ મુકાય છે:- જેમકે
રામ અને લક્ષ્મણ વનમાં જવા નીકળ્યા. તે મોડો થયો તેથી ગાડી ચાલી ગઈ. એક વેળા એક લોંકડીને દ્રાક્ષ ખાવાની ઈચ્છા થઈ, પણ તે એટલી બધી ઉંચી હતી, કે તેનાથી પહોંચી શકાય એમ નહતું.
‘વગેરે’, ‘ઇત્યાદિ’, ‘પહેલાં’ અને ‘છેવટે’, ‘ટૂંકામાં’, પછી ઘણે ભાગે અલ્પવિરામ મુકાય છે.
અર્ધવિરામ
જ્યારે અલ્પવિરામથી વધારે વખત અટકવાની જરૂર પડે છે, ત્યારે અર્ધવિરામ મુકાય છે;- જેમકે,
પ્રામાણિકપણાથી ઘણા ઘણા લાભ છે; લોકો આપણને ચાહે છે; આપણું કામ સરળતાથી થાય છે; સૌથી મોટો લાભ તો એ કે ઈશ્વર આપણા ઉપર પ્રસન્ન રહે છે.
ગુરુવિરામ
આ ચિહ્ન એકલું બહુ વપરાતું નથી. જે કંઇ કહ્યું હોય, તેમ કંઇ દ્રષ્ટાંતરૂપે ઉમેરવું હોય, ત્યારે આ ચિહ્ન વપરાય છે.
ધાન્યને ઘણી જાતો થાય છે:– જેવીકે, ઘઉં, ચણા, બાજરી, જુવાર, વગેરે.
પૂર્ણવિરામ
વાક્ય પૂરું થાય છે, ત્યારે પૂર્ણવિરામ મુકાય છે. આજ્ઞા આપવી હોય કે આશીર્વાદ આપવા હોય, ત્યારે પણ વાક્યને છેડે પૂર્ણવિરામ જ મુકાય છે. જેમકે,
રાજાજીનો હુકમ છે કે આ કામ તમારે કરવું.
આ કામ જલદી તૈયાર કરો.
પરમેશ્વર તમારું ભલું કરો.
પ્રશ્નચિન્હ

વાક્યમાં સવાલ પૂછાયો હોય છે, તો તેની પછી પ્રશ્નચિન્હ મુકાય છે: – જેમકે,
હિન્દુસ્તાનમાં કોનું રાજ્ય છે?
હિન્દુસ્તાનમાં અંગ્રેજ લોકો ક્યારે આવ્યા?
જ્યારે પ્રશ્નાર્થ વાક્ય પેટા વાક્ય હોય, ત્યારે પ્રશ્નાર્થચિહ્ન મુકાય નહીં;- જેમકે,
હિન્દુસ્તાનમાં કોનું રાજ્ય છે એમ શિક્ષકે મને પૂછ્યું.
ઉદગારચિહ્ન
એક અથવા અનેક શબ્દોથી કે કોઈ વાક્ય ઉપરથી હર્ષ, શોક, આશ્ચર્ય, વગેરેનો બોધ થતો હોય, તો તેને છેડે ઉદગારચિહ્ન મૂકવામાં આવે છે.
જેમકે,
અરેરે!
તે મોડો આવ્યો એ કેટલુ બધું ખોટું!
તેના શબ્દો સાંભળી હું તો દંગ જ થઈ ગયો!
અવતરણચિહ્ન
બીજા કોઈના વિચાર અથવા બીજા કોઈનું બોલેલું કે કહેલું તેનાજ શબ્દોમાં દર્શાવવું હોય તો તે શબ્દોની પહેલાં અને પછી “ ” આવાં અવતરણચિહ્ન મુકાય છે. જો વાક્ય નાનું સરખું હોય તો માત્ર ‘ ’ આવાં ચિહ્નો મુકાવમાં આવે છે.
કૌંસ
કોઈ વાક્યમાં અર્થ સ્પષ્ટ જણાવવા માટે વાક્યની સાથે ખાસ સંબંધ ન હોય એવી હકીકત વચ્ચે લાવવામાં આવે છે. એ હકીકત એવી હોય છે, કે તે બાતલ કરી હોય તો તેથી વાક્યના અર્થમાં કંઇ ફેર પડતો નથી. આવી હકીકત [ ] આવા અથવા ( ) આવા કૌંસમાં મુકાય છે.
રાજ્યનો ખરો વારસ શિવાજી (એટલે સંભાજીનો દીકરો) તે વખતે માત્ર છ વરસનો હતો, તેથી રાજ્યનો બધો કારભાર તેનો કાકો રાજરામ ચલાવતો હતો.
અપસારણચિહ્ન
હકીકત લખતાં લખતાં તે હકીકતને વધારે સ્પષ્ટ કરવાને અથવા વચમાં સૂજી આવેલા વિચાર દર્શાવવા તેની પહેલા – આવું, અને તેની પછી પણ – આવું એવા બે વિરામચિહ્ન મુકાય છે. આ ચિહ્નો અપસારણચિહ્નો કહેવાય છે. આપણે અનેક ભાષા બોલનારા – ગુજરાતી, સિંધી, પંજાબી, બંગાળી – એક જ દેશના છીએ.
વિરામચિહ્ન પરનો આ લેખ આપને કેવો લાગ્યો ?
Khub saras