શિવ-શક્તિની અક્ષરલીલા – મકરંદ દવે

https://pixabay.com/
Spread the love

એક જ ફળને લઈએ. તેમાં છાલ, ગર્ભ, બીજ બધું જ આવી ગયું હોય તો તેમને છૂટાં પાડવા પડે છે. અને વધુ ઊંડા ઉતરવું હોય તો તેમાં રહેલાં તત્ત્વો-રસાયણોને તારવી કાઢવા જોઈએ. આવી રચના જાણ્યા વિના પણ જેને ફળ ખાવું છે તે તેનો સ્વાદ માણી શકે છે, પણ રચનાની સમજણમાંયે એક સ્વાદ રહ્યો છે. ફળને જાણ્યા પછી તેના ગુણધર્મનું જ્ઞાન થાય છે, તેના આસ્વાદ માટેનું પ્રમાણ-ભાન આંકી શકાય છે અને તેથી આ સ્વાદ પછી ઝેર નથી બની જતો. નહીં તો અત્યારે જે ફળ આનંદથી આરોગ્યાં હોય તે થોડી વાર પછી દુઃખનું કારણ થઈ પડે છે. આપણું જીવન એ આપણા હાથમાં આવેલું આવું જ ફળ છે. આપણી ભાષા એનું ઉપરનું પડ છે. ભાષાનું આ પડ ભેદીએ તો જીવનના અમૃતરસની ખબર પડે. કહેવાય છે:

શબ્દબ્રહ્મણિ નિષ્ણાતઃ પરબ્રહ્માધિગચ્છતિ.

(શબ્દબ્રહ્મને જે જાણે તે પરબ્રહ્મને પામે.)

શબ્દની ભીતર ત્યારે શું રહ્યું છે?

એક તો ભાષાવિજ્ઞાન આપણને શબ્દની વ્યુત્પત્તિ, અર્થછાયાઓ અને ધ્વનિનિષ્પત્તિ વિષે ઘણું કહી શકે;  શબ્દ કેમ ઊપજ્યો, ક્યાંથી આવ્યો, કેવાં કેવાં સ્વરૂપ પામ્યો તેનો જીવનઇતિહાસ કહી શકે. અને છતાં શબ્દના મર્મને આપણે ન પામી શકીએ એવું પણ બને. ભાષાવિજ્ઞાન સાથે હરીફાઈ કરી શકે અને ભાષાના વધુ ઊંડા રહસ્યને પ્રગટ કરે એવું ભાષાનું અધ્યાત્મશાસ્ત્ર આપણે ત્યાં છે. તેમાં રહેલા સૂક્ષ્મ બોધનો તંતુ પકડતાં શબ્દ દ્વારા જ શબ્દથી પર રહેલા તત્ત્વનો પરિચય થાય છે. મંત્રસાધના શબ્દનાં દ્રાર ઉઘાડતી આવી સાધના છે. વાણીથી મન, મનથી પ્રાણ અને પ્રાણથી મૂળ ચૈતન્યના ભંડારો તે ખોલી આપે છે. તેથી તેને મૂલ વિદ્યા પણ કહે છે.

શબ્દનો ઉચ્ચાર કરતાં તેનાં બે સ્વરૂપ વ્યક્ત થાય છે: ધ્વનિ અને અર્થ. શબ્દનો ધ્વનિ તો સદા એક જ રહે છે, પણ અર્થની તો પરંપરા સર્જાય છે. ધ્વનિ આનંદવાચક છે, અર્થ ક્રિયાવાચક. ધ્વનિ લય પામે છે તેમ ક્રિયા વિસ્તાર પામે છે. આ રીતે શબ્દ શિવ-શક્તિના સાયુજ્યનું વ્યક્ત સ્વરૂપ છે. સ્વર-વર્ણની આપણે ત્યાં જે યોજના છે તે આ શિવ-શક્તિની રમણાને વાણીમાં ઉતારવાનો પ્રયત્ન છે. અહીં આપણે બારાક્ષરી- બાર સ્વરોની સંયોજના- પર વિચાર કરીએ. વર્ણોની પાછળ પણ આ બાર સ્વર રહ્યા હોય છે. વાણીના આધારસ્વરૂપ આ બાર સ્વરોમાં આપણા દ્રષ્ટાઓએ સમસ્ત વિશ્વવ્યાપારનો આધાર પણ નીરખ્યો છે. તંત્રમાં કહ્યું છે:

અકારઃ સર્વવર્ણાગ્ય્રઃ પ્રકાશઃ પરમઃ શિવઃ
હકારઃ અન્ત્યકલારૂપો વિમર્શાખ્યઃ પ્રકીર્તિતઃ

(સર્વ વર્ણોમાં અગ્રણી એવો ‘અ’કાર પ્રકાશસ્વરૂપ પરમ શિવ છે અને છેલ્લી કલારૂપ ‘હ’કાર તે વિમર્શશક્તિ તરીકે ઓળખાય છે.)

આ ‘હ’કાર તે અંતિમ સ્વર ‘અઃ’ના ઉચ્ચારમાંથી પ્રગટ થાય છે. સર્વ વર્ણોની પાછળ અવ્યક્ત રૂપે રહેલો આદિસ્વર ‘અ’ શિવનું સ્વરૂપ છે. ગીતામાં પણ ભગવાને કહ્યું છે: અક્ષરાણામ્ અકારોऽસ્મિ. ‘અ’ પછી ‘અઃ’ વગેરે સ્વરો ‘અ’ના જ વિકારો કે આવિષ્કારો છે. તે અંતિમ ‘અઃ’ સુધી પહોંચે છે. આ ‘અ’નું ‘અઃ’ થવું તેને જ આપણે ત્યાં ‘અહંકૃતભાવ’ કહે છે. સર્વ પ્રથમ ‘પૂર્ણાહંતા ભાવ’ રૂપે તે ‘હું શિવ’, ‘હું બ્રહ્મ’ એવા શુદ્ધ રૂપે પ્રગટ થાય છે અને નીચે સરતાં સરતાં શક્તિના પ્રદેશમાં આવતાં આવતાં એ જ અનંત રૂપે વિભક્ત થઈ ‘ક્ષુદ્ર અહંભાવ’ કે ‘હું જીવ’ બની જાય છે. આપણે જે સ્થૂળ સ્વરોની ‘અઃ’ સુધી વિકૃતિ જોઈ તે પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને અગિયારમા મન રૂપે વ્યક્ત થતો અહંકાર દર્શાવે છે. એ ‘અ-હં’ને શુદ્ધ ને પૂર્ણ ‘અ-હં’માં લઈ જવો એ જીવનની સાધના છે. ‘અહં’માં ‘અ’, ‘હ’ અને અનુસ્વાર આવી રહેલાં છે; ‘અ’ એટલે શિવ – પ્રકાશસ્વરૂપ, ‘હ’ એટલે શક્તિ – વિમર્શસ્વરૂપ, અને અનુસ્વાર એટલે બિંદુ તેમની એકરૂપતાનું પ્રતીક છે.

આપણો ક્ષુદ્ર ‘અહં’ આ એકતાને પારખી શકતો નથી. પોતાને મૂળથી વિભાજિત કરી, અલગ સ્વતંત્ર રૂપે તે પોતાને જુએ છે ને તેથી બંધન અને વિનાશને નોતરે છે. ભાષામાં આવેલા વિસર્ગને શિવ જેમાં પોતાની બે પ્રકારની શક્તિમાં પોતાનું મૂળ સ્વરૂપ ત્યાગી બેઠા છે તે પ્રતીકનું રહસ્ય પામીએ તો આપણી મૂળ ભણી યાત્રા શરૂ થાય. તંત્રશાસ્ત્રમાં મનુષ્યના મસ્તકે આવેલા સહસ્રારનું વર્ણન કરતાં કહ્યું છે:

બિંદુદ્વયં ચ તન્મધ્યે વિસર્ગ રૂપમવ્યયમ્
તન્મધ્યે શૂન્યદેશે તુ શિવઃ પરમસંજ્ઞકઃ

(સહસ્રારમાં બે બિંદુઓ શાશ્વત વિસર્ગરૂપે આવેલાં છે ને તેમની મધ્યમાં શૂન્યદેશમાં પરમ શિવ બિરાજમાન છે. )

વિસર્ગરૂપ આ બિંદુ એટલે શું? શિવની શક્તિનાં બે સ્વરૂપ છે: કેન્દ્રગામી ને કેન્દ્રત્યાગી, શુક્લગતિ અને કૃષ્ણગતિ, સંકોચશીલ ને વિકાસશીલ, પ્રકાશસ્વરૂપ ને વિમર્શસ્વરૂપ. તેને જ આપણે પરા-અપરા, વિદ્યા-અવિદ્યા અને શ્રેયસ્-પ્રેયસ્ તરીકે ઓળખીએ છીએ. વિસર્ગનાં બે બિંદુઓમાં એક ઊંચે છે, બીજું નીચે છે. આ ઊંચે-નીચે તો આપણી સમજ માટે છે. શિવશક્તિના સાયુજ્યમાં કશી જ ભિન્નતા નથી. શક્તિનાં આ બે સ્વરૂપ પણ ક્ષુદ્ર અહંની દૃષ્ટિએ જ ઊભાં કરેલાં છે. નીચેનું બિંદુ અત્યંત જડ સ્વરૂપ ધારણ કરેલી શક્તિનું છે. તમસનું તે ઘનીભૂત સ્વરૂપ છે. ઉપરનું બિંદુ શુદ્ધ ચૈતન્યમય શક્તિનું પ્રતીક છે. શિવ ત્યાં પોતાના સ્વરૂપને અત્યંત ઉજ્જવળપણે પામે છે. બિંદુમાંથી જ્યારે નીચેની શક્તિનું પ્રસરણ થાય છે ત્યારે તે પોતાનાં જ્ઞાન અને ક્રિયાને વિકસિત કરતી જાય છે.

ઉપરની શક્તિનું જ્યારે અવતરણ થાય છે ત્યારે તે સત્-ચિત્-આનંદને પ્રકટ કરતી આવે છે. જડ બિંદુમાં પરમ ચેતન સુષુપ્ત અવસ્થામાં અવતરિત તો થયું જ હોય છે ને તેનું જ આ ઊર્ધ્વીકરણ હોય છે, પણ વિસર્ગમાં નીચેના બિંદુનું ઊર્ધ્વ ભણી અભિસરણ ને ઊર્ધ્વ બિંદુનું નીચેના બિંદુ ભણી અવતરણ – એ બે ક્રિયા શિવ અને શક્તિના મિલનને વધુ સ્પષ્ટપણે સૂચવવા માટે જ છે. નીચેના બિંદુને મૂળ ઇચ્છાશક્તિ ગણીએ તો તેના પ્રસરણમાંથી શિવ અને શક્તિ જે બિંદુમાં આવિર્ભાવ પામે છે તે જ્ઞાનબિંદુ અને ક્રિયાબિંદુ. આ ત્રણેને જોડવાથી જે ત્રિકોણ રચાય છે તેને બ્રહ્મયોનિ અથવા તો શાશ્વતી વિશ્વયોનિ કહે છે.

વિસર્ગસ્વરૂપિણી શક્તિની દ્વિવિધ ક્રિયા જોઈ શકાય છે. નીચેના બિંદુના ઊંચે પ્રસરણથી ઊર્ધ્વશીર્ષવાળું ત્રિકોણ રચાયું તેમ ઊંચેના બિંદુના નીચે અવતરણથી પણ એક નિમ્નશીર્ષવાળું ત્રિકોણ રચાય છે. પરમપુરુષ ભણી જતી પ્રકૃતિ જેમ જેમ નિરાવરણ થતી જાય છે તેમ તેમ પુરુષના સત્, ચિત્ અને આનંદસ્વરૂપમાં તે એકાકાર બનતી આવે છે. બંને ત્રિકોણ મળીને ષટ્કોણ રચાય છે. તે શિવ-શક્તિનું સંપૂર્ણ મિલન સૂચવે છે. આ અવસ્થા પ્રાપ્ત કરવી તે સહુ સાધકોનું ધ્યેય હોય છે. જ્યારે સાધક પોતાના અંતઃકરણમાં શિવ-શક્તિનું આવું મિલન કરી શકે છે ત્યારે તેનો નવો જન્મ થાય છે. એ જ શિવશક્તિના પુત્ર કાર્તિકેય અથવા દેવોના સેનાપતિ સ્કંદનો જન્મ છે.

મનુષ્યના આવા નવજન્મથી જ આસુરી બળોનો નાશ થાય છે. આ આસુરી બળો એટલે આપણામાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા ષડ્ રિપુઓ જ ને ! સ્કંદ સેનાપતિ તેનો નાશ કરે છે. અને સ્કંદને છ મુખ છે. વેદાંતની પરિભાષામાં ષડ્ગુણ – શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન અથવા ઈશ્વરનાં ષડ્ઐશ્વર્ય – ધર્મ, યશ, વીર્ય, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય  – નાં એ સૂચક છે. તંત્રસાધકો જે ષટ્કોણ યંત્રની પૂજા કરે, વેદાંતીઓ જે ષટ્સંપત્તિને મેળવવા પ્રયત્ન કરે કે ભક્તો જે ષડ્ઐશ્વર્યને ઉપાસે તે આખરે એક જ છે.

આ ષટ્કોણમાં બે ત્રિકોણનું મિલન થાય છે. તેમાં શિવ-શક્તિના ગુણોને વણી લેવામાં આવ્યા છે. નીચેથી ઊંચે ચડતા ત્રિકોણનાં ત્રણ બિંદુ છે ઇચ્છા, જ્ઞાન અને ક્રિયા. તેની રેખાઓ છે તમોગુણ, સત્ત્વગુણ, રજોગુણ. ઉપરથી નીચે આવતા ત્રિકોણનાં ત્રણ બિંદુ છે સત્, ચિત્ અને આનંદ. તેની રેખાઓ શિવની ત્રણ શક્તિ સન્ધિની, સંવિત્ અને હ્લાદિની છે. વેદાંતમાં તેને અસ્તિ, ભાતિ અને પ્રિય સંજ્ઞાથી ઓળખી શકાય.

ઇચ્છા જ્યારે સત્ પર આધારિત બને છે ત્યારે અમોઘ બની જાય છે. જ્યારે ચિત્ નું શુદ્ધ સ્ફુરણ અંતર્પ્રજ્ઞા બને છે ત્યારે સંશયમાત્ર ભેદાઈ જાય છે. ક્રિયા જ્યારે આનંદરૂપિણી બની જાય છે ત્યારે જીવન એક બોજ, વેઠ કે ઢસરડો નહીં પણ સહજ લીલા બની જાય છે. એ જ પ્રમાણે સત્ત્વગુણ અસ્તિરૂપ નિત્ય અસ્તિત્વ સાથે સંધિ પામે, રજોગુણ ભાતિરૂપ પ્રકાશમયી પરા સંવિત્ સાથે એકતા સાધે અને તમોગુણ પ્રિયરૂપ પ્રેમસ્વરૂપિણી હ્લાદિની શક્તિમાં જાગી ઊઠે તો જીવનની મંગલ યાત્રા પૂરી થાય. જીવનમાં સર્વથી નીચે ઇચ્છાશક્તિ છે. ત્યાંથી કામનાનું સ્ફુરણ થાય છે. તો જીવનમાં સર્વોચ્ચસ્થાને હ્લાદિની શક્તિ છે, જેમાં સર્વ કામનાનું વિસર્જન છે. એ પોતા માટે કાંઈ પણ ન ઇચ્છતો પણ પોતાનું સર્વ કાંઈ લૂંટાવી દેતો શુદ્ધ પ્રેમ છે. શિવ-શક્તિના નિત્ય આનંદવિહારનું એ જ કૈલાસધામ છે. યોગીગુરુ ગોરક્ષનાથે બંનેની એકતા બતાવતાં કહ્યું છે :

શિવસ્યાભ્યન્તરે શક્તિઃ શક્તેરભ્યન્તરે શિવઃ
અન્તરં નૈવ જાનીયાત્ ચન્દ્રચન્દ્રિકયોરિવ

(ચંદ્ર અને તેની ચાંદનીમાં જેમ ભેદ નથી એમ શિવ અને શક્તિ વચ્ચે કશી ભિન્નતા નથી.)

પણ આ દર્શન માટે ઘોર તમસની અમાસમાંથી પૂર્ણિમાના ધવલ પ્રદેશમાં આવવું જોઈએ.

આપણો જન્મ વિસર્ગના નીચેના બિંદુમાં એટલે કે પ્રકૃતિના તમસ બિંદુમાં થયો છે. તેમાંથી ઉપર ઊઠી ચૈતન્યલોકમાં કે જ્યોતિબિંદુમાં જન્મ લેવો હોય તો તમસનું આવરણ ભેદતાં જવું જોઈએ. અહંની વિશુદ્ધિ ને વિસ્તાર એ જ એનાં પગથિયાં છે. જે બહિર્મુખ છે તે બદ્ધ અહંભાવ છે; ભેદબુદ્ધિ છે, જીવરૂપ છે તે નીચેનું બિંદુ છે. જે અંતર્મુખ છે તે શુદ્ધ અહંભાવ છે, અભેદબુદ્ધિ છે, શિવરૂપ છે. આ બંનેનું મિલન તે જ શક્તિ અને શિવનું મિલન છે, તેમાંથી જે નવું જીવન પાંગરે છે તે જ સદા અંધકાર પર, અજ્ઞાન પર, મૃત્યુ પર વિજય મેળવતું જીવન છે. એ જ સ્કંદ છે. આપણી ઇચ્છાશક્તિ જ્ઞાન અને ક્રિયારૂપે પાંગરે છે સૌથી પહેલાં તે આહાર શોધે છે. મનુષ્યના પ્રદેશમાં આવતાં તેને આહારની શુદ્ધિ-અશુદ્ધિનું વિવેકજ્ઞાન થાય છે અને આહારશુદ્ધિ પૂર્ણ થતાં મનુષ્યનાં રાગદ્વેષનાં, દ્વન્દ્વોનાં બંધનો ખૂલી જાય છે. આ સત્યનું દર્શન કરાવનારને પણ છાંદોગ્ય ઉપનિષદમાં સ્કન્દ કહ્યા છે :

આહારશુદ્ધૌ સત્ત્વશુદ્ધિઃ , સત્ત્વશુદ્ધૌ ધ્રુવા સ્મૃતિઃ
સ્મૃતિલંભે સર્વગ્રન્થીનાં વિપ્રમોક્ષઃ

તસ્મૈ મૃદિતકષાયાય તમસસ્પારં દર્શયતિ ભગવાન્
સનત્કુમારઃ તં સ્કન્દં ઇતિ આચક્ષતે તં સ્કન્દ ઇતિ આચક્ષતે
[છાંદોગ્ય, 7-26-2]

(શુદ્ધ અન્નના આહારથી બુદ્ધિ સાત્ત્વિક થાય છે, બુદ્ધિ સાત્ત્વિક થવાથી અચળ સ્મૃતિ પ્રાપ્ત થાય છે. સ્મૃતિ પ્રાપ્ત થતાં સર્વ રાગદ્વેષાદિ ગ્રંથિઓનો નાશ થાય છે.

આ રીતે મૃદિતકષાય-પવિત્ર-નારદ મુનિને ભગવાન સનત્કુમાર તમસને પેલે પાર શું છે તે દર્શાવે છે. આ સનત્કુમારને સ્કંદ કહેવામાં આવે છે. ખરેખર, તેને સ્કંદ કહે છે. )
તમસ અને જ્યોતિને આ ત્રિગુણાત્મક જગતમાં કેમ જોડવાં તે વિસર્ગરૂપ બે બિંદુ અને તેમને જોડતાં બે ત્રિકોણરૂપે દર્શાવવામાં આવ્યું છે. મહાકાલના અંધકાર પર આ પ્રકાશની વિજયરેખાઓ છે. આ ષટ્કોણનું યંત્રપ્રતીક સામે રાખો કે ષણ્મુખ સ્કંદની ઉપાસના કરો પણ તેના રહસ્યને પામ્યા વિના માર્ગ જડવો મુશ્કેલ છે. આપણને તેથી કેટકેટલી રીતે આપણા દ્રષ્ટાઓ માર્ગ ચીંધતા રહ્યા છે ! કૃત્તિકાના છ તારાનું ઝૂમખું કાર્તિકેયની યાદ અપાવતું આકાશમાં પ્રકાશે છે. સ્થળ અને કાળ, પૃથ્વી અને આકાશ – બંનેને આપણે જ્યોતિરેખામાં સાંકળી લીધાં છે. બાર માસના કાળના ક્ષેત્રમાં કાર્તિકસ્વામી અંધકારને હટાવતા જાય છે, તો બાર જ્યોતિર્લિંગ પૃથ્વી પર પ્રકાશનો સ્તંભ રચી આપે છે, બાર સ્વરના ક્ષેત્રમાં શિવને અર્થાત્ પ્રથમ સ્વરને આપણે સર્વ વર્ણો પાછળ અવ્યક્ત રીતે રમતો રાખ્યો છે. શક્તિના સર્વ આવિર્ભાવો પાછળ શિવનાં પ્રફુલ્લ આનંદમય નેત્રો ખૂલે છે અને વિરાટ બ્રહ્માંડથી પણ એક વેંત ઊંચે રહેતા શિવ આપણી અત્યંત પરિમિત શક્તિમાં પૂર્ણપણે આવી વસે છે. વિસર્ગની જેમ વિખૂટાં પડેલાં આ તેજોબિંદુઓ આપણા જીવનની ભૌતિક, માનસિક, ચૈતસિક ત્રણે ભૂમિકાએ મળે ત્યારે બંને ત્રિકોણ મળી પ્રકાશનો ષટ્કોણ તારો પ્રકાશી ઊઠે. આપણા જીવનની સમ-વિષમ છએ છ ૠતુઓમાં તે આપણને તમસને પેલે પાર લઈ જવા સમર્થ છે.

મકરંદ દવે

(ચિરંતનામાંથી, નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ)

Total Page Visits: 654 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!