શિવ સંકલ્પ અને નાગા ગુરુ – ડૉ. જીત જોબનપુત્રા

Spread the love

જીવનમાં અનાયાસે અને અજાણપણે કેવી રીતે સંકલ્પો સિધ્ધ થઈ જતાં હોય છે એ વિષે વિચારીએ તો જ ખ્યાલ આવે છે.આપણે સતત સભાન નથી હોતા અને બેહોશીમાં જીવતાં હોઈએ છીએ એટલે આવી ઘટનાની તાત્કાલિક નોંધ લેવાની રહી જાય છે. અત્રે મારે એક નાની ઘટનાની વાત કરવાની છે:

મારા એક મિત્ર શ્રી મુકેશભાઈ શુકલ દાતારના પરમ ભક્ત એટલે લગભગ મહિનામાં એકવાર તો અમદાવાદથી દાતારના દર્શન કરવા જૂનાગઢ આવે જ. પછી સમય મળે તો આસપાસનાં સ્થાનકોએ પણ દર્શન કરવા જવાનું ગોઠવે. આવી રીતે એકવાર તેઓ જૂનાગઢ પધાર્યા અને મને કહે કે આપણે ઈણાજ ખડેશ્વરી મહાત્માના દર્શન કરવા જવું છે. તેથી અમે તા.૧૯/૫/૨0૧૯ના રોજ ઈણાજ જવા નીકળી પડ્યા.

જોગાનુજોગ તે દિવસે સવારે મેં ચોરવાડના નાગા ગુરુની સમાધિએ જવાનો શિવ સંકલ્પ કર્યો હતો કે હે નાગા ગુરુ ! મારે આપની સમાધિના દર્શન કરવા છે તો મને જલદી દર્શન કરાવશો. પણ અમારે આયોજન કંઈક બીજું જ થયું અને નાગા ગુરુની સમાધિએ જવાની વાતને હું ભૂલી પણ ગયો. મારી ટેવ અનુસાર યાત્રા પ્રવાસે નીકળ્યા હોઈએ અને વચ્ચે કોઈ સારું સ્થાનક આવે તો ત્યાં પણ દર્શન કરવા જવાનું ગોઠવું. તેથી મનમાં એવું ગોઠવ્યું હતું કે વચ્ચે તાલાળામાં આવતા વાલ્કેશ્વરના પુરાતન મંદિરના પણ દર્શન કરવા અને પછી જ ઈણાજ જવું. કારણકે ખડેશ્વરી મહાત્મા અત્યંત પ્રેમાળ, ભાવપૂર્વક જમાડે અને મોડી રાત સુધી આશ્રમમાંથી કદી નીકળવા ન દે. તેથી અન્ય જગ્યાએ જવાનો કદી સમય ન મળે. અમે જૂનાગઢથી નીકળી તાલાળા ગયા પણ વાલકેશ્વર જવાનું છે એ જ ભૂલી ગયા અને સીધા ઈણાજ પહોંચ્યા.

તાલાળાથી સોમનાથ જતાં વચ્ચે ઈણાજનું ફાટક આવે. ત્યાં રોડ પર જ ખડેશ્વરી મહાત્મા સરજૂદાસ બાપુ ગુરુ રામદાસબાપુનો આશ્રમ છે. તેઓ વૈષ્ણવ નિર્મોહી અખાડાના અસલ ટકસાલી નાગા સાધુ છે. મહાત્માજી વનસ્પતિ શાસ્ત્રના પ્રખર જ્ઞાતા છે. એટલું જ નહિ ગમે તેવાં હઠીલાં દર્દોમાં તેના પ્રયોગ પણ કરી જાણે છે. પોતાના પગમાં ગેન્ગ્રીન થયું ત્યારે ડૉક્ટરોએ તાત્કાલિક પગ કપાવવો પડશે તેમ કહ્યું હતું ત્યારે વનસ્પતિઓની જડીબુટ્ટીઓના ઉપચારથી જ જાતે સાજા થઈ ગયા હતા. એકવાર તો તેમણે બાર વર્ષનું ખડેશ્વરીનું વ્રત પૂર્ણ કરી નાખેલું છે પણ હાલ એ જ પ્રકારનું બીજું વ્રત ચાલે છે.

અમે ગયા ત્યારે મહાત્માએ દેશી દવાઓનો ઉકાળો બનાવ્યો હતો. એનો અમને પણ લાભ મળ્યો ! પછી નોળવેલ જેવું એક બાફેલું ફળ આપ્યું. થોડીવાર થઈ કે અમને ભભૂતિ ચાટવા આપી.જેમાં તજ,લવિંગ,એલચીની સુગંધ આવતી હતી. મહાત્મા કહે કે આ પ્રસાદી કાયમ લેવામાં આવે તો માણસ સુદીર્ઘ આયુષ્યને પામે.

બાપુ સાથે સત્સંગ ચાલુ હતો ત્યાં સિડોકરનો ડબગર નગારું લેવા આવ્યો. બાપુએ આશ્રમનું નગારું બગડી ગયું હોવાથી ડબગરને કહી રાખ્યું હતું. બાપુએ મુકેશભાઈને જણાવ્યું કે આ નગારું તમારે ડબગરને સાથે લઈને સિડોકર મૂકવા જવાનું છે. તેથી હું અને મુકેશભાઈ ડબગરને લઈને સિડોકર ગયા.સિડોકર વેરાવળ હાઈવે પર ગડુ પાસે જ આવે અને ત્યાંથી સીધા જૂનાગઢ જવાનું પણ સરળ થાય.ડબગરને ઉતારીને અમે સીધા ગડુ આવ્યા.સાંજના છ જેવું થયું હશે. મુકેશભાઈ કહે કે આપણી પાસે હજુ થોડો ટાઈમ છે. ક્યાંય જવું છે ? મને તુરંત યાદ આવી ગયું કે અહીંથી માત્ર છ-સાત કિ.મી.દૂર ચોરવાડના સ્મશાનમાં નાગા ગુરુની સમાધિ છે ત્યાં જઈએ. પંદર મિનિટમાં તો અમે ઝુંડ માતા મંદિરની પાછળના સ્મશાને પહોંચી ગયા. મેંગળ નદીના બારા પર અહીં સાગર સાથે અને રેતીના ઢૂવાઓ વચ્ચે સુંદર ત્રિવેણી સંગમ રચાય છે. સમુદ્રની સોનેરી રેતથી બીચ ખરેખર રમણીય લાગે છે. અહીં મહાત્મા નાગા ગુરુની જીવંત સમાધિ છે. પહેલાં ઓટા પર નાની દહેરી હતી પણ હાલ ઉપર મોટું શિવાલય બંધાવેલું છે. વર્ષોથી લોકો અહીં માનતાએ આવે છે. બાજુમાં જ મધુપુરી ગુરુ ચકાચક બાપુની પણ સમાધિ છે.

આમ નાગા ગુરુની સમાધિએ જવાનો મારો સંકલ્પ હતો પણ સંજોગો ન્હોતા.છતાં યોગાનુયોગ સંજોગો એવી રીતના ગોઠવાયા કે મારો સંકલ્પ સિધ્ધ થયો.આમ કેવી રીતે બન્યું ? શું નાગા ગુરુએ જ સંજોગો ભેગા કરી મને એનાં પુનિત ચરણોમાં ન બોલાવી લીધેલ હોય ?

ડૉ. જીત જોબનપુત્રા

Total Page Visits: 447 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!