પણ રાખે તંઈને ! – ગુણવંતરાય જોબનપુત્રા

શૈલેશ
શૈલેશ
Spread the love

શૈલેશ તડકાપરા ગામે તલાટી-કમ-મંત્રી હતો. ગામની વસ્તી સાડા ત્રણસો માણસોની હશે. એકવાર તે પંચાયત કચેરીમાં બેઠો હતો. ત્યાં એક ૭૮ વર્ષની ઉંમરના એક બાપા  આવ્યાં. તે આવીને નીચે બેઠાં. તેનાં મોં પાર કરચલીઓ અને કાળા ડાઘા હતાં. માથે અસ્તવસ્ત  સફેદ વાળ હતાં. શરીર સાવ અશક્ત હતું. કપડાં મેલાં અને ફાટેલાં હ્તા. જાણે ભૂખનાં દુઃખથી શરીર અશક્ત થઇ ગયું હોય, એમ જણાતું હતું.

શૈલેષે તેને કઈ કામ હોય, તો પૂછ્યું. તેને કહ્યું કે, “વૃદ્ધ નિરાધારને દર માસે મળતી સહાયનાં કાગળીયાં કરી દ્યો. શૈલેષે કહ્યું કે, “હું ફોર્મ લેતો આવીશ.” થોડીવાર થઇ ત્યાં એક અરજદાર આવ્યો. શૈલેષે તેને પૂછ્યું, “આ બાપાને દિકરાં નથી?” પેલાએ જવાબ આપ્યો કે, “આ બાપાનું નામ ટભાબાપા છે અને તેને દિકરા કે દીકરે બેમાંથી કાંઈ નથી.” શૈલેષે પૂછ્યું, “ભાઈઓ છે?” પેલાએ કહ્યું કે, “ભાઈઓ ગુજરી ગયાં છે, તેનાં ભત્રીજાઓ છે, પણ તેઓ કઈ મદદ કરતાં નથી. તેઓ એનું કરે કે ટભાબાપનું કરે? કોઈ તેને કાંઈ નોં આપે તો  કાંઈ નહીં પણ કો’કે એક મણ ઘઉં લઇ દીધેલ એમાંથી પણ થોળાક ઘઉં કો’ક ચોરી ગ્યું.”

શૈલેષે કહ્યું કે, “આ ટભાબાપાને ખેતીની જમીન છે?” પેલાએ કહ્યું. “હા, ખેતીની જમીન છે, પાણી વગરની. પણ વૃદ્ધાવસ્થામાં તેઓ ખેતીકામ ન કરી શકેને ! તેથી ખેતીની જમીન વાવ્યા વગરની પડી રહે છે”

પછી શૈલેષે ટભાબાપાને જ પૂછ્યું, “બાપા ! મજુરીથી ખેતી કરાવી લેતાં હો તો?”

ટભાબાપાએ કહ્યું, “મજૂરને રાખીએ એટલે ખેતીકામ માટે ખેતીનાં સાધનો, બિયારણ, ખાતર વગેરે હોય તો મજૂર રખાયને ! અહીં અમારે મજૂર બોલાવીએ એટલે બપોરનું ખાવાનું ભાતું આપવું પડે એ કોણ રાંધે? મજૂર બોલાવીએ એટલે બપોરનું ખાવાનું ભાતું આપવું પડે એ કોણ રાંધે? મજૂરને બે ટાઈમ ચા કોણ બનાવી આપે? ભાતું કે ચા મને ય મળતાં નથી એમાં કામ કરીને સાંજે આવીને તુરત રોજી માગે તેના પૈસા કાઢવા ક્યાંથી? તેણે નિ:સાસો નાખીને કહ્યું.

“તો જમીન વેચી નાખો. એમાંથી ખાધા ખોરાકી થાય.” શૈલેષે કહ્યું.

“આ ગામમાં કોઈ મફત ય મારી જમીન રાખે એમ નથી. કોઈ ઘરાક જ  નથી.” તેણે કહ્યું.

છેવટે શૈલેષે કહ્યું, “ખેતીની જમીન ભાગમાં, બિયારણ, ખાતર, મજૂરી વગેરે બધું જ એનું અને ઉપજમાંથી એનો એ પ્રમાણે ભાગ લઇ જાય એ રીતે તેને વાવવા દેવાય. તમને માત્ર ચોથો ભાગ આપે, તોય તમારા આખા વરસનાં રોટલાં નીકળી જાય.”

“પણ રાખે તંઈને !” તેણે નિરાશાથી કહ્યું.  

(સૌરાષ્ટ્રનાં નિખાલસ સપ્તરંગો – લેખક ગુણવંતરાય જોબનપુત્રા, કિંમત – ૨૬૦)

પ્રવીણ પ્રકાશન, લાભ ચેમ્બર્સ, મ્યુ. કોર્પો સામે, ઢેબર રોડ, રાજકોટ)

‘સૌરાષ્ટ્રના નિખાલસ સપ્તરંગો’ની મેઘધનુષી છટાઓ

શ્રી ગુણવંતરાય જોબનપુત્રા લિખિત પુસ્તક ‘સૌરાષ્ટ્રના નિખાલસ સપ્તરંગો’માંથી પસાર થયો. પ્રસ્તુત પુસ્તકમાં એકસો આઠ કથાનકો છે. એ બધામાં જ ગ્રામ્ય પરિવેશના પ્રસંગોનું નિદર્શન થયું છે. આપણા જીવાતાં જીવનમાં ઘટતી ઘટનાઓનું તાદ્દશ વર્ણન આ પુસ્તકમાં થયું છે. જાણે તે એક સૂત્રમાં પરોવાયેલી પવિત્ર માળા જ હોય !

પ્રસ્તુત પુસ્તકની કેટલીક વિશેષતાઓ ધ્યાનાર્હ છે :


૧. લેખનની શૈલી વાર્તા અને નિબંધ વચ્ચેની છે. ક્યાંક આત્મકથનાત્મક છે. લેખકે વાર્તામાં જે ચડાવ-ઉતાર આવે એવી રીતે નહિ પણ અહીં સરળતાથી ઘટનાઓ વર્ણવી છે. કથાનકના અંતમાં ચમત્કૃતિ નથી, પણ કટાક્ષ છે, એટલે હાસ્ય નિષ્પન્ન થાય છે.


૨. સમગ્ર ઉદાહરણોમાં લેખકે પોતાને થયેલા અનુભવોનું વર્ણન કરેલું છે અને અન્યના અનુભવોનું બારિકાઈથી સાંગોપાંગ નિરીક્ષણ કરેલું છે એથી લેખનમાં વાસ્તવિકતા આવી છે.


૩. પુસ્તકમાં તળપદા ગ્રામ્ય શબ્દોના ઉચ્ચારોનો ઉપયોગ પ્રચુર માત્રામાં થયેલો છે. ગામડાની જૂના જમાનાની વાતો છે.


૪. લેખક પોતે તલાટી કમ મંત્રીની નોકરી કરતા તેથી તેમને થયેલા રોજબરોજના અનુભવો વર્ણનોમાં સ્વાભાવિક રીતે જ આવ્યા છે.


૫. દૈનિક ગ્રામ્ય જીવનની સાધારણ વાતો યથાતથ મૂકી છે. ક્યાંક પ્રત્યક્ષ બોધ થાય છે તો ક્યાંક સમજવાનો છે.


ટૂંકમાં, આ બધી વાતો આપણા મલકના માયાળુ માનવીઓની છે. ભોળા હ્રદયના માણસોની ભીતરમાં જે નિખાલસતા વહે છે, એમાંથી હાસ્ય તો નિષ્પન્ન થાય જ છે પણ આખરે તો કરુણા જ પ્રગટે છે. એ વ્યક્ત કરવામાં લેખક સુપેરે સફળ થયા છે. જેઓને માત્ર ગ્રામ્ય પરિવેષ સાથે નાતો છે તેઓ જ નહીં પરંતુ સર્વજનોને ગમે તેવા પ્રસંગોનું આલેખન થયું છે. અભ્યાસુઓને એક નવા દ્રષ્ટિકોણથી આ પુસ્તક માણવું અવશ્ય ગમશે.

Total Page Visits: 55 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!