કવિ શ્રી રાજેશ રાજગોરનું પુસ્તક ‘ શ્રી કૃષ્ણ ચરિતમ્’ હાથમાં આવ્યું. જોતાં વેત જ ગમી ગયું. સુઘડ છપાઈ અને શ્રી કૃષ્ણના વરદ હસ્તમાં વાંસળી સાથે મનોહર મોરપીંછનું મુખપૃષ્ઠ અતિ રમ્ય લાગે છે.

કવિએ ‘શ્રી કૃષ્ણ ચરિતમ્’ માટે એ.સી. ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદના પુસ્તક ‘કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર’નો આધાર લીધો છે અને તે પુસ્તકનો આધાર ‘શ્રીમદ્ ભાગવત’ છે. અહીં આ પુસ્તકમાં ભગવાન કૃષ્ણના જીવનની લીલાને કાવ્યાત્મક રૂપે વર્ણવવામાં આવી છે. પૌરાણિક ગ્રંથો તો મોટેભાગે પદ્યમાં અને સંસ્કૃત વૃતોમાં જ રચાતા પણ અહીં કવિએ ગઝલના છંદના ‘ગાલગાગા’નાં આવર્તનો પ્રયોજી સ્થિતિ સ્થાપકતા જાળવી છે. કવિ પ્રસ્તુત પદ્યમાલાને ગઝલ સ્વરૂપની કહે છે પરંતુ ગઝલનું ચુસ્ત પોત રદિફ અને કાફિયા વિના બંધાતું નથી. જોકે, ‘ગાલગાગા’નાં આવર્તનોને કારણે પ્રાસનો ચુસ્ત આગ્રહ ન રાખવા છતાં આંતરિક લય સચવાયો છે અને તેને લીધે વહેતાં નિર્મલ નીર જેવી પ્રવાહિતા સાંપડી છે. સમગ્ર રચનાઓને જોતાં અક્ષરમેળ, માત્રામેળ અને ગઝલના છંદનો ત્રિવેણી સંગમ થયો હોય તેવું લાગે છે. પ્રસ્તુત પદ્યકૃતિઓ વાંચતાં જ પૌરાણિક કથાનકોનો આધાર લઈને રચાયેલાં કવિ કાન્તનાં કોમળ ખંડકાવ્યોની સ્મૃતિ થઈ આવે. સંસ્કૃત વૃતોમાં તેના અક્ષરમેળને કારણે સિદ્ધ હસ્ત કવિ સિવાય રમણીય રચનાઓ ન નીપજી શકે. એની સરખામણીમાં ફારસી-અરબી વૃતોમાં -બે લઘુ બરાબર એક ગુરુ જેવી- ઘણી છૂટછાટ મળે છે, છતાં પણ કેટલીક વાર છંદો જળવાતા હોતા નથી. પ્રસ્તુત પદ્ય રચનાઓમાં કવિએ ગઝલના છંદનું બંધારણ સુપેરે સાચવ્યું છે તે અદભુત છે. કવિને તેમની સારી હથોટી અને ફાવટ છે. મૂળ કથાનકને પ્રામાણિકતાથી વળગી રહેવાનું હોય ત્યાં કાવ્યાત્મકતા સિદ્ધ કરવી જરા અઘરી હોય છે, છતાં અહીં જ્યાં ભાવને અનુરૂપ હોય ત્યાં કવિએ અવશ્ય ચમત્કૃતિ સાધી છે:
દેવકીની આંખથી સરોવર સતત છલક્યા કર્યું
મેઘ ત્યાં આવીને સ્પર્શે વાળ વાંકા બાળના
આભ ચમકે વીજળી થઈ બાળનું મુખ ચૂમવા
એક જગ્યાએ દેવકી કંસ વિશે કહે છે : ‘ મા જણ્યો ‘ વેરી થયો છે ! આવા તળપદા શબ્દ પ્રયોગોથી ભાષા વધુ સશક્ત બની છે.
અહીં એ નોંધનીય છે કે આખી પદ્યમાલામાં કવિએ ક્યાંય વિરામચિહ્નોનો ઉપયોગ નથી કર્યો, કારણ કે પદ્યમાં એમને જરૂર નહિ લાગી હોય.
ભગવાન કૃષ્ણનું ચરિત્ર હોય અને ગીતાનો ઉપદેશ ન આવે તો જ નવાઈ કહેવાય :
કર્મો જીવનને બાંધે કર્મો જીવન જીવાડે
કર્મોના બંધનોમાં કર્મી જીવન બગાડે
આ જીવ આપણો જે એ યુક્ત દેહથી છે
આ દેહથી નિયંત્રિત પણ મુક્ત દેહથી છે
પુસ્તકના અંતે ગીતાના અઢારે અઢાર અધ્યાયનો છ-છ પંક્તિઓની પદ્ય-ગુટિકા રૂપે સારાંશ આપ્યો છે, જેમાં ગીતાનો સરળ શબ્દોમાં ઉપદેશ છે.
પ્રસ્તુત પુસ્તકમાં કવિ શ્રી રાજેશ રાજગોર પ્રથમ વખત જ ગઝલના છંદમાં પ્રયોગાત્મક રૂપે કૃષ્ણ ચરિત્ર લાવ્યા એ આવકાર્ય છે અને એ બદલ આપણા સહુના અભિનંદનના અધિકારી છે. આપણે અપેક્ષા રાખીએ કે કવિ પાસેથી હજુ પણ નવું નવું પ્રયોગાત્મક મળ્યા કરે. અસ્તુ.
“શ્રી કૃષ્ણના જીવન સાથે સંકળાયેલી ઘટનાઓને ખૂબીપૂર્વક પદ્યમાં શબ્દદેહ સરસ રીતે અપાયો છે. પરિશિષ્ટ રૂપે ભગવાન શ્રીકૃષ્ણનું સ્વધાગમન, પાંડવોનું સ્વર્ગારોહણ અને ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ના અઢાર અધ્યાયનું સંક્ષેપમાં નિરૂપણ અભિનંદનીય છે. શ્રીકૃષ્ણ માત્ર ભગવાન નહીં, એક સાચાં લોકનાયક પણ છે.ગિરિગોવર્ધન પૂજામાં એ જણાય છે. વ્યક્તિ પૂજા વિરુદ્ધ પ્રકૃતિ (ગોવર્ધન પર્વત)ની સ્થાપના…. સરસ. પુનઃ અભિનંદન. યાદ કરી પુસ્તક મોકલવા બદલ આભાર. ” શકીલભાઈ કાદરી


ગઝલના ઢાળમાં શ્રીમદ્ ભાગવતના પદ્યાત્મક ગુચ્છ આપવા બદલ શ્રી રાજેશ રાજગોર ધન્યવાદના અધિકારી છે. તટસ્થ સમાલોચના કરવા બદલ ‘કહુંબો’ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ !