શ્રુતિ અને સ્મૃતિ – ચંદ્રકાન્ત બક્ષી

ચંદ્રકાન્ત બક્ષી
ચંદ્રકાન્ત બક્ષી
Spread the love

શ્રુતિને અગિયાર પૂરાં થઈને બારમું શનિવારે બેસવાનું હતું. સાંજે ઑફિસથી આવીને તરત જ એને માટે એક બર્થ-ડે પ્રેઝન્ટ લેવા જવાનો પ્રોગ્રામ મેં મારી પત્ની પ્રિયા સાથે કર્યો હતો. સાંજે હું ઑફિસથી સકારણ થોડો વહેલો આવી ગયો. બારણું ખૂલતાં જ પ્રિયાએ કહ્યું, ‘મેં તને ઑફિસે ફોન કર્યો હતો પણ તું નીકળી ગયો હતો.’
‘મેં…..’
થોડા દિવસથી જ અમારી ટ્રાન્સફર કલકત્તાથી મુંબઈ થઈ હતી.
‘સાંભળ, ખરાબ સમાચાર આપવાના છે. હમણાં ફોન આવ્યો, શ્રુતિને અકસ્માત થઈ ગયો છે.’
‘શું ?’ હું એટેચી મૂકી ઊભો રહી ગયો.
‘તારદેવ પર મિલિટરીની મોટરસાઈકલનો ધક્કો વાગી ગયો છે. બચે એમ લાગતું નથી. હૉસ્પિટલમાં લઈ ગયાં છે, તું કપડાં કાઢતો નહીં. આપણે બન્નેએ સીધા હોસ્પિટલ જવાનું છે.’
શ્રુતિ મારા મિત્ર સુહાસ દેસાઈની નાની દીકરી હતી. એક જ. બીજા બે છોકરા હતા. શ્રુતિ જન્મથી જ બહેરી અને બોબડી હતી.
‘કઈ હોસ્પિટલમાં ?’ મેં પૂછ્યું.
****

સુહાસ દેસાઈ અને હું સ્કૂલમાં સાથે ભણતા હતા. એ ભણવામાં હોશિયાર હતો. મૅટ્રિકમાં એનો ફર્સ્ટ કલાસ આવ્યો હતો. હું મુશ્કેલીથી પાસ થઈ શક્યો હતો. પાસ થઈ ગયા પછી સુહાસ મુંબઈ આવી ગયો હતો. એમ.એ. સુધી ગયો હતો. હું કલકત્તા ચાલ્યો ગયો હતો. વચ્ચે વચ્ચે મળવાનું થતું હતું. એનાં લગ્ન પર આમંત્રણપત્રિકા આવી ત્યારે મારી ખાસ આવવાની ઈચ્છા હોવા છતાં અવાયું ન હતું. કંઈક તબિયત ખરાબ થઈ ગઈ હતી. સુહાસ બગડ્યો પણ હતો. તું મારા લગ્નમાં આવ્યો નથી, હવે હું તારા લગ્નમાં નહીં આવું. એની પત્ની મને મળેલા રિપોર્ટ મુજબ સામાન્ય ભણેલી હતી, પણ ખૂબસૂરત હતી. થોડું ગુજરાતી જાણતી હતી, સુશીલ હતી, એનું નામ પણ જૂનું સુશીલા હતું, જે સુહાસે ‘શીલા’ બનાવી દીધું હતું. અંગ્રેજી એ મુદ્દલ જાણતી ન હતી, પણ ગૃહસ્થી સરસ ચલાવી શકતી હતી. કદાચ, માટે જ એ ગૃહસ્થી સરસ ચલાવી શકતી હતી. જોકે સુહાસને એ રંજ ઘણીવાર રહ્યા કરતો કે શીલા અંગ્રેજી તદ્દન જાણતી નથી, એટલે બુદ્ધિની બહુ વાતો થઈ શકતી નથી. મને મળ્યો ત્યારે એણે મને આવા જ મતલબની વાત કરી હતી અને મને હસવું આવી ગયું હતું.

‘કેમ સાલા, હસે છે ?’
‘તું હસવા જેવી જ વાત કરી રહ્યો છે.’ મેં કહ્યું.
સુહાસ ચૂપ રહ્યો.
‘તું તકદીરવાળો છે.’ મેં કહ્યું, ‘તારી પત્ની ખરેખર સરસ છે. અંગ્રેજી ન જાણતી હોય એમાં શું લૂંટાઈ જવાનું ?’
‘નહીં યાર, અંગ્રેજી બોલતાં તો આવડવું જોઈએ. અંગ્રેજી બોલનારી છોકરી ખરેખર ખૂબસૂરત લાગે છે. અને ઘરની શોભા વધી જાય છે.’
મને થયું, મારે એનો પક્ષ લેવો જોઈએ, ‘તારી વાત સાચી છે, એ એટલી બધી મહત્વની વસ્તુ નથી. અંગ્રેજી બોલતાં આવડે તો સારું લાગે, મજા આવે. મિત્રો-પરિચિતોમાં જરા જલદી જલદી સંબંધો વધી શકે, પણ…’
‘અંગ્રેજી ન જાણનાર સ્ત્રી બાળકોને ટ્રેઈનિંગ શું આપવાની ?’
‘બાળકોના સંસ્કારને અને અંગ્રેજી જાણનાર માટે કોઈ જ સંબંધ નથી. અંગ્રેજી જાણનાર કેટલાંય કુટુંબોનાં ઉલ્લુના પઠ્ઠા જેવાં છોકરાં તને બતાવું. જોકે અંગ્રેજી જાણવાથી ફર્ક પડે છે પણ તું અંગ્રેજીને બહુ મોટું સ્વરૂપ આપી રહ્યો છે. અને મારી દષ્ટિએ તો શીલાને અન્યાય કરી રહ્યો છે.’

સુહાસ ફરી ચૂપ થઈ ગયો.
‘અંગ્રેજી જાણતી હોય તો વાંચે, વિચારે, બાળકોને નવું શિક્ષણ આપી શકે…’ સુહાસ મારી સામે જોઈ રહ્યો.
‘પણ તું નકામો નિરાશ થાય છે. હું એવી સ્ત્રીઓને ઓળખું છું જે પરણ્યા પછી ભણી છે, અંગ્રેજીમાં વાતો કરી શકે છે, વાંચે છે, રેડિયો સમજી શકે છે. તું પણ પરણ્યા પછી તારી સ્ત્રીને ભણાવજે.’
સુહાસ મંદ હસ્યો, ‘સ્ત્રીનું ભણવાનું તો પરણતાં સુધી જ ચાલુ રહે છે. પરણી લીધા પછી એનું કામ ભણાવવાનું છે, પતિને પછી તો…. પતિનું ભણતર શરૂ થાય છે !’
‘બન્નેએ સાથે ભણવાનું. તું તો એવી વાત કરે છે જાણે નિરક્ષર સ્ત્રીને પરણ્યો હોય.’
સુહાસ દેસાઈ સજ્જન માણસ હતો. કદાચ એને કાંઈક કહેવાની ઈચ્છા હતી અને એ બરાબર કહી શકતો ન હતો.

શીલાનું અને સુહાસ દેસાઈનું લગ્નજીવન બહુ સરસ, સુખી ચાલી રહ્યું હતું. બે વર્ષ પછી એમનું પહેલું સંતાન-પુત્ર અવતર્યું, ત્યારે એણે મને પત્ર લખ્યો હતો, મેં મુબારકબાદ લખી હતી. પુત્રજન્મ પછી, બાપ બન્યા પછી મને લાગ્યું, પત્નીની અંગ્રેજીની કમજોર જાણકારી વિષે એને બહુ રંજ નહીં રહ્યો હોય. બે વર્ષ પછી બીજા પુત્રના જન્મ વખતે હું એને મળ્યો ત્યારે શીલા અને સુહાસ બન્ને બહુ સુખી લાગતાં હતાં, વજન વધી ગયું હતું અને એ શીલાની ‘નિરક્ષરતા’ વિષેના એના વિચારો વિષે, મેં યાદ કરાવ્યું ત્યારે ખડખડાટ હસી પડ્યો હતો.

શીલાને મેં કહ્યું, ‘તમને ખબર છે, તમને અંગ્રેજી આવડતું ન હતું એનું સુહાસને બહુ દુઃખ હતું !’
‘મને ખબર છે.’ શીલા હસી.
‘હવે તમને અંગ્રેજી શીખવાની ઈચ્છા થતી નથી ?’ મેં શીલાને પ્રશ્ન કર્યો.
‘ઈચ્છા ? હવે આ બેમાંથી ટાઈમ જ ક્યાં મળશે શીલાને ?’ સુહાસે જ પ્રતિ પ્રશ્ન કર્યો.
‘હા, એ પણ ખરું છે.’
બીજો બાબો મોટો થતો ગયો ત્યારે અમારે પરિવાર નિયોજન વિષે વાતો થઈ. મેં કહ્યું, ‘હવે સુહાસ તારે ઑપરેશન કરાવી લેવું જોઈએ, તારે અથવા શીલાએ….’
‘કેમ ?’
‘બે બાળકો થઈ ગયાં છે. હવે કેટલાં જોઈએ ?’
‘શીલાને ઈચ્છા છે એક બેબીની. મને પણ ઈચ્છા છે એક બેબી આવવી જોઈએ….’
હું કટાક્ષમાં હસ્યો : ‘હું વિચાર કરું છું કે એક જમાનામાં તું અંગ્રેજી ભણાવવાની વાત કરતો હતો. અને જોઉં છું કે તું સામાન્ય હિન્દુસ્તાનીઓથી ઓછો જુનવાણી નથી.’
‘બે યા ત્રણ તો સરકાર પણ રજા આપે છે. મને ત્રણ પોષાઈ શકે એમ છે.’ પછી એક પશ્ચાત્ વિચાર રૂપે એણે કહ્યું, ‘શીલાને હજી એક બેબી જોઈએ છે.’ જરા ગંભીર થઈને એણે ઉમેર્યું, ‘એની પ્રતિકૃતિ રૂપે, યાદ રૂપે પણ એક બેબી જોઈએ. એ નહીં હોય ત્યારે બેબી જોઈને હું એને યાદ કરીશ.’ સુહાસ શીલાને ખૂબ પ્યાર કરતો હતો, હું જોઈ શક્યો.

પાછળથી મને સમાચાર મળ્યા કે, શીલાએ બેબીને જન્મ આપ્યો હતો. સુહાસે મને લખ્યું કે, બેબીનો ચહેરો બિલકુલ એની મા જેવો છે. મેં એને પત્રમાં લખ્યું કે, આ દુનિયામાં કેટલાક માણસો ખરેખર તકદીરવાળા હોય છે. બધું જ એમને એમની ઈચ્છા પ્રમાણે મળતું રહે છે….

ત્યારે, છ-આઠ મહિના પછી સુહાસના જીવનમાં પહેલી ટ્રેજેડી આવી. બેબીને – બેબીનું નામ શ્રુતિ પાડ્યું હતું – ટાઈફૉઈડ થયો હતો અને એના પરિવારના ડૉક્ટરે કંઈક એવી ગરમ દવાઓ આપી દીધી કે, બાળકની શ્રવણશક્તિને નુકશાન થઈ ગયું. પાછળથી ખબર પડી કે શ્રુતિની શ્રવણશક્તિ લગભગ ખલાસ થઈ ગઈ હતી. એણે મને લખ્યું ત્યારે મને પણ ખૂબ આઘાત લાગ્યો. સારા ઈ.એન.ટી. સ્પેશિયાલિસ્ટોને બતાવવા મેં એને લખ્યું. એણે જાતજાતના નામી ડૉક્ટરો પાસે શ્રુતિનું ચેક-અપ કરાવ્યું, પણ શ્રુતિના બહેરાપણાનો કોઈ ઈલાજ થયો નહિ. નાની આયુમાં બહેરા થઈ જવાને કારણે શ્રુતિ બોલતાં શીખી નહિ. એ અરસામાં મારે એને મળવાનું થયું.
‘આ બધું શું થઈ ગયું, સુહાસ ? બેબીને જન્મથી જ આ તકલીફ હતી ?’ મેં પૂછ્યું.
શીલા રડી પડી. હું ખિન્ન થઈ ગયો. થોડીવાર કોઈ કંઈ બોલી શક્યું નહિ.
‘રડી પડવાથી શું થઈ જવાનું છે ?’ સુહાસે દર્દભરી હિંમતથી કહ્યું, ‘હવે તો રીએલિટીનો સામનો કરવાનો – બહાદુરીથી.’

શ્રુતિ બહુ સરસ, નાજુક બેબી હતી. અવાજો એ સાંભળી શકતી ન હતી. એકવાર હાથમાંથી દૂધનો ગ્લાસ પડી ગયા પછી પણ એ જરાય ધ્રૂજી શકી ન હતી. ટેલિફોનની પાસે બેસીને એ વાગતા ટેલિફોન પાસે નિરાંતે રમી શકતી. શીલા એકાદવાર એના પર જોરથી ગુસ્સે થઈને મોટા સ્વરે બોલી ગઈ હતી, પછી એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. અમે બધાં ન હોત તો એ ખરેખર રડી પડત. અમને સૌને પારાવાર ગ્લાનિ થઈ આવી હતી.
‘આ બેબી માટે મારે બધું જ કરી છૂટવું છે.’ સુહાસે મારાથી છૂટા પડતાં કહ્યું. એ બહુ ભાવાવેશમાં બોલી રહ્યો હતો.
‘હિંમત રાખ, સુહાસ, હજી બાળક છે. બેબી મોટી થાય અને એની ફેકલ્ટીઝ ડિવેલપ થાય એવું બને, ઘણીવાર એવું બનતું પણ હોય છે. શ્રુતિ હજી તો બાળક છે.’ સુહાસ અને હું. અમે બંને સમજતાં હતાં, આ જૂઠ હતું, સરાસર ખોટું હતું. અમે બંને સ્થિતિને સમજીને ચૂપ રહ્યાં.

શ્રુતિ મોટી થતી ગઈ. એના બંને મોટાભાઈઓ એને રમાડતા. શીલા રોજ સાંજે એને ફરવા લઈ જતી. સુહાસ આવીને એની સામે વધુ સમય ગુજારતો. આખા કુટુંબ માટે શ્રુતિનું સુખ એક ચૅલેન્જ બની ગયું હતું. એક સ્પેશિયાલિસ્ટે સુહાસને સમજાવ્યું, ‘મિ. દેસાઈ, અમેરિકામાં ‘ડફ ઍન્ડ ડમ્બ’ નામના શબ્દો વપરાતા નથી. વાસ્તવમાં, વ્યક્તિ માત્ર બહેરી હોય છે. જો જન્મથી જ બાળક સાંભળી ન શકે તો એ અવાજો વચ્ચેનો ફર્ક, જુદા જુદા ઉચ્ચારો વચ્ચેનો તફાવત સમજી શકતું નથી. એને માટે ‘ક’ અને ‘ડ’ વચ્ચે કોઈ જ ફરક નથી. કારણ કે, એ કાનથી બંને ઉચ્ચારોનો ફરક સમજવા અસમર્થ છે. જો એની શ્રવણશક્તિ પાછી આવી જાય તો આખી સમસ્યાનું નિરાકરણ આવી જાય. મોટી વયે બહેરા થઈ ગયેલા બાળકને વાંધો આવતો નથી, કારણ કે ત્યારે એ ભાષા શીખી ગયું હોય છે, પોતાને જે કહેવું છે એ કહી શકે છે. ફક્ત સાંભળી શકતું નથી. આ આખી તકલીફ જન્મજાત બહેરાપણાની છે. શ્રુતિ બહેરી છે. કોઈ જ ‘બહેરું અને બોબડું’ નથી હોતું વૈજ્ઞાનિક દષ્ટિએ, માત્ર બહેરું જ હોય છે. અને બહેરાઓને જીભના હોઠોના હલચલન દ્વારા ભાષા શીખવી પડે છે.’ સ્પેશિયાલિસ્ટે કહ્યું, ‘હાથનાં હલનચલન અને હોઠોનાં આંદોલનોથી એમની સાથે સંપર્ક રાખી શકાય છે.’

સુહાસે શ્રુતિ માટે સ્કૂલો જોવા માંડી અને બહેરાઓની એક સ્કૂલમાં દાખલ કરી. ધીરે ધીરે એ શીખવા લાગી. મારે સુહાસને મળવાનું થયું ત્યારે શ્રુતિની વાત નીકળી.
‘ના, હવે એટલું બધું દુઃખ થતું નથી અને સારામાં સારી ટ્રેઈનિંગ અપાઈ રહી છે.’
‘એ હવે વાત સમજી શકે છે ?’
‘એકદમ, જો હું તને બતાવું….’ સુહાસે શ્રુતિને બોલાવવા બાબાને કહ્યું. શ્રુતિ નીચે રમતી હતી, ઉપર આવી. મોટી થઈ ગઈ હતી, મોટી અને બહુ નિર્દોષ. ખૂબ સરસ લાગતી હતી. અન્ય બાળકો અપરિચિતને જોતાં શરમાઈ જાય અથવા કોન્શ્યસ થઈ જાય એવું શ્રુતિમાં ન હતું. એ મને જોઈ રહી.
‘યૂ નો અંકલ ?’ સુહાસે શ્રુતિને પૂછ્યું.
શ્રુતિએ માથું હલાવ્યું.
પછી સુહાસે ટૂંકા ટૂંકા અંગ્રેજી વાક્યોમાં શ્રુતિને મારા વિષે કહેવા માંડ્યું, પછી મને બતાવવા એ શ્રુતિ સાથે ‘વાતો’ કરવા લાગ્યો. શ્રુતિ હાથથી, આંખોથી વાતો કરતી હતી. હોમવર્કની, લેશનની, સ્કૂલની, રમતની, દોસ્તોની વાતો શ્રુતિ રૂંધાયા વિના, સ્વસ્થતાથી કરી શકતી હતી. મને આશ્ચર્ય થવા લાગ્યું. સુહાસની મર્દાઈ માટે, વર્ષોની મહેનત અને ધગશ માટે ખરેખર માન થયું. એટલામાં શીલા આવી ગઈ. એ બહાર ગઈ હતી. મને જોઈને જ સ્મિત સહ એણે પૂછ્યું :
‘અરે તમે ક્યારે આવ્યા ?’
‘હમણાં જ.’ પછી ઉમેર્યું, ‘તમારી બેબીની વાતો સાંભળતો હતો.’
શીલાએ શ્રુતિની સામે જોતાં કહ્યું : ‘અંકલ હેઝ ગોટ ડોટર જસ્ટ લાઈક યૂ.’ હું એકાએક નવી દુનિયામાં આવી ગયો હતો. શીલા અંગ્રેજી બોલી રહી હતી !!

શ્રુતિ રમવા ચાલી ગયા પછી મારા પ્રશ્નોના ઉત્તરમાં સુહાસે સમજાવ્યું, ‘લિપ-રીડિંગ’ માટે મેં શ્રુતિને બહેરાંઓની સ્કૂલમાં મૂકી. ત્યાં અંગ્રેજીમાં જ શીખવે છે. બહેરાંઓ માટે ગુજરાતીની સ્કૂલો બરાબર નથી અને અહીં મુંબઈમાં અંગ્રેજીની જ વ્યવસ્થા હતી. શ્રુતિ સ્કૂલમાં ભણવા જાય. હું જ ઘરમાં એની સાથે અંગ્રેજીમાં વાત કરી શકું. પછી બન્ને બાબાઓ પણ શ્રુતિ માટે અંગ્રેજીમાં જ વાતો કરવા લાગ્યા કે જેથી એ સ્કૂલમાં શીખવ્યા પ્રમાણે લિપ-રીડિંગ કરી શકે. અને પછી શ્રુતિને માટે શીલાએ પણ અંગ્રેજી શીખી લીધું. હવે શ્રુતિને કંઈ તકલીફ પડતી નથી, એને માટે બધાં જ ઘરમાં અંગ્રેજીમાં બોલે છે. એ અમારી વાતો લગભગ સમજી જાય છે. મોટી થશે પછી એની શિક્ષિકા કહે છે કે અભ્યાસથી એ ગુજરાતીનું લિપ-રીડિંગ કરી શકશે, પણ હમણાં ગુજરાતી શીખવતા નહિ. બન્નેમાં ગોટાળા થઈ જશે અને એને જ તકલીફ પડશે.’

શીલા અંદર ચાલી ગઈ હતી. મને એ સુહાસ યાદ આવ્યો જે શીલા અંગ્રેજી બોલી શકતી ન હતી માટે દુઃખી થઈ ગયો હતો. મને આખા કુટુંબ માટે માન થઈ ગયું અને શીલા માટે પણ. શ્રુતિ ખરેખર તકદીરવાળી હતી કે આવા સંસ્કારી કુટુંબમાં જન્મી હતી. સુહાસે કહ્યું, ‘બીજી એક વાત છે. આંધળા બાળકોને લોકો હમદર્દીની દષ્ટિએ જુએ છે. મદદ કરે જ છે. આઉટ ઑફ ધ વે જઈને મદદ કરે છે પણ બહેરું બાળક બોબડું પણ હોય, ત્યારે હાવભાવ કરીને વાત સમજે છે અને સમજાવે છે. એટલે એ જરા વિદૂષક જેવું લાગે છે. લોકો ઘણીવાર એની મજાક કરતા હોય છે. બહેરાઓની આ ટ્રેજેડી છે.
*****

હું અને પ્રિયા હૉસ્પિટલમાં પહોંચ્યા ત્યારે સુહાસ બહાર બેંચ પર બેસીને સિગારેટ પી રહ્યો હતો. સુહાસને મેં ભાગ્યે જ સિગારેટ પીતો જોયો હતો.
‘કેમ છે શ્રુતિને ?’ મેં અને પ્રિયાએ લગભગ એકસાથે જ પૂછી નાંખ્યું-પુછાઈ ગયું.
‘શીલા અંદર જ છે. બેબી હજી કોમામાં છે. આ ચોવીસ કલાક નીકળે પછી બરાબર ખબર પડે.’
સુહાસે ટુકડે ટુકડે ગમગીન સ્વરે કહ્યું, ‘સારું થયું તું આવી ગયો. તું મારી પાસે જ રહેજે.’
‘હા, હા તું ચિંતા કરતો નહીં. હવે હું તારી સાથે જ છું.’ મેં કહ્યું.

પ્રિયાને પછી અંદર જવા મળ્યું, મિલિટરીની મોટરસાઈકલે અવાજ કર્યો હતો પણ શ્રુતિ સાંભળી શકી ન હતી. મોટર સાઈકલવાળો કન્ટ્રોલ કરે એ પહેલાં જ શ્રુતિ અડફટમાં આવી ગઈ અને એના પડી જવાથી માથું ફૂટપાટની કિનારી સાથે અફળાયું હતું. બહારથી લોહી નીકળ્યું ન હતું, પણ અંદર માર લાગ્યો હતો અને એ બેહોશ થઈ ગઈ હતી. પ્રિયાને મોડી રાતે ઘેર મોકલીને આખી રાત હું સુહાસ પાસે જ હૉસ્પિટલમાં બેસી રહ્યો. પરોઢિયે ડૉક્ટરે આવીને કહ્યું, શ્રુતિને હેમરેજ થઈ ગયું છે. ચાર-પાંચ મિનિટમાં જ કેસ ખલાસ થઈ ગયો. સુહાસને રડતો જોઈને મને આખા શરીરે પસીનો ફૂટી નીકળ્યો. અંતિમ ક્રિયા વખતે હું ચિતાના લાકડામાંથી દેખાતા શ્રુતિના સુંવાળા વાળ ઝળઝળિયાંમાંથી લહેરાતા જોઈ રહ્યો હતો, ત્યારે દબાયેલ સ્વરે બીજાને કહેતો મેં સાંભળ્યો, ‘ઠીક જ થયું – સુહાસભાઈ છૂટી ગયા. નહીં તો આ છોકરીનું દુઃખ જિંદગીભર રહેત.’

પહેલો ગરમ ધુમાડો આંખોમાં ફૂંકાતાં હું આંખો લૂછતો ચિતાથી દૂર ખસી ગયો.

Total Page Visits: 267 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!