જ્યારે બે કે વધારે શબ્દો એકઠા મળી તેમનો એક જ શબ્દના જેવો ઉપયોગ થાય ત્યારે તે શબ્દોનો સમાસ થયો કહેવાય છે. એવી જ રીતે બનેલા આખા શબ્દોને સામાસિક શબ્દો કહે છે.

‘રામલક્ષ્મણ’, ‘રાજકુંવર’, ‘પરમેશ્વર’, ‘વરાળયંત્ર’, ‘ચંદ્રમુખી’, ‘યથાશક્તિ’, ‘પરદુ:ખભંજન’, એ શબ્દો બે કે તેથી વધારે શબ્દોના બનેલા છે અને તેમનો ઉપયોગ એક જ શબ્દ જેવો થાય છે, એ શબ્દોના અર્થ ‘ ‘રામ અને લક્ષ્મણ’, ‘રાજાનો કુંવર’ ‘પરમ (મોટો) ઈશ્વર’, ‘વરાલનું યંત્ર’, ‘ચાંદરણાં જેવુ મુખ છે જેનુ તે’. ‘શક્તિ પ્રમાણે’ ‘પરના એટલે બીજાના, દુ:ખનો, ભજન – ભાગનાર’ એ રીતે શબ્દોને છૂટા પડવાથી સ્પષ્ટ સમજાય છે.
સમાસ પામેલા શબ્દોનો અર્થ સમજાવવા જોડી દીધેલાં શબ્દોને છૂટા પાડવા પડે છે, તેને સમાસનો વિગ્રહ કહે છે.
સમાસના પદ
‘રાજકુમાર’ એ સામાસિક શબ્દના પ્રથમના શબ્દ ‘રાજ’ને પૂર્વપદ અને તેના છેલ્લા શબ્દ ‘કુંવર’ને ઉત્તરપદ કહે છે.
સમાસના પ્રકાર
શરૂઆતમાં જે શબ્દોને છૂટા કરી બતાવ્યા છે તે ઉપરથી સમજાયું હશે કે શબ્દો જુદી જુદી રીતે છૂટા પાડી શકાય છે. છૂટા પાડવાની જુદી જુદી રીત મુજબ સમાસની જાતો પણ જુદી જુદી થાય છે.
દ્વંદ્વ સમાસ
‘રામલક્ષ્મણ’, ‘રાજારાણી’, ‘જાળસ્થળ’ આ જાતના સમાસને દ્વંદ્વ કહે છે. દ્વંદ્વ એટલે જોડું. બે કે વધારે એક જવિભક્તિવાળ નામો જોડી દીધેલાં હોય છે ત્યારે સમાસ દ્વંદ્વ કહેવાય છે. વિગ્રહ કરતી વખતે ‘અને’ કે ‘તથા’ શબ્દ વચ્ચે મૂકવાથી અર્થ સમજાય છે – જેમ કે – રાજરાણી = રાજા અને રાણી.
તત્પુરુષ સમાસ
પરલોકગત = પરલોક ગત (ગયેલો) (બીજી વિભક્તિ)
શોકાતુર = શોકે આતુર (ત્રીજી વિભક્તિ)
સ્થાનભ્રષ્ટ = સ્થાનથી ભ્રષ્ટ (ચોથી વિભક્તિ)
તત્પુરુષ = તેનો પુરુષ (છઠ્ઠી વિભક્તિ)
સ્વર્ગવાસ = સ્વર્ગમાં વાસ (સાતમી વિભક્તિ)
જે સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેનો સંબંધ બીજીથી સાતમી વિભક્તિ સુધીની કોઈ પણ વિભક્તિ સુધીની કોઈ પણ વિભક્તિથી બતાવાય છે. તેને તત્પુરુષ સમાસ કહે છે/ આ સમાસનાં પૂર્વપદને સમજી લેવાની વિભક્તિ લાગુ પાડવાથી પડોનો એક બીજા સાથેનો સંબંધ સ્પષ્ટ થઈ સામાસિક શબ્દનો અર્થ સમજાઈ છે.
અલુક તત્તપુરુષ સમાસ
લુક = પ્રત્યયનો લોપ, અલુક = જેમાં પ્રત્યાયનો લોપ થયો નથી તે. ‘યુધિષ્ઠિર’, ‘કર્તરિપ્રયોગ’, ‘કર્મણિપ્રયોગ’, ‘ભાવેપ્રયોગ’, ‘વાચસ્પતિ’ આ સમાસોમાં પૂર્વપદની વિભક્તિના પ્રત્યયો કાયમ રહ્યા છે.
‘યુદ્ધ’, કર્તૃ’, ‘કર્મન’ તથા ‘ભાવ’ એ શબ્દોનું સાતમીના રૂપ છે, અને ‘વાચમ’ એ ‘વાચ’ શબ્દનું ષષ્ટિનું રૂપ છે. એવી રીતે જે સમાસના પૂર્વપદની વિભક્તિના પ્રત્યનો લોપ થયો ન્ હોય તેને અલુક સમાસ કહે છે.
નગ્ તત્પુરુષ
‘અણબનાવ’, ‘અસત્ય’ વગેરે સમાસ પામેલા શબ્દોમાં પૂર્વપદ નકારવાચક છે. આવા સમાસને નગ્ તત્પુરુષ કહે છે.
ઉપપદ તત્તપુરુષ સમાસ
ગ્રંથકાર = ગ્રંથ કરનાર
સુખકર = સુખ કરનાર
આ સમાસમાં પૂર્વપદ બીજી વિભક્તિમાં હોય છે અને ઉત્તરપદ ધાતુ પરથી બનેલું હોય છે.
કર્મધારય સમાસ
મહાદેવ = મોટો દેવ
પીતાંબર = પીળું વસ્ત્ર
સદગુણ = સારો ગુણ
મહાબાહુ = મોટા હાથ
ચંદ્રમુખ = ચંદ્ર જેવુ મુખ
જે સમાસમાં પૂર્વપદ ગુણવાચક વિશેષણ અથવા ગુણવાચક વિશેષણના અર્થમાં વપરાયેલું કોઈ પણ નામ હોય છે તેને કર્મધારય સમાસ કહે છે.
દ્વિગુ સમાસ
‘ત્રિભુવન’, ‘ચતુર્વેદ’ આ શબ્દોના અર્થ અનુક્રમે ત્રણ ભુવનનો સમુદાય અને ચાર વેદનો સમુદાય એ પ્રમાણે થાય છે. દ્વિગુ સમાસ એ કર્મધારયનો પેટાભાગ છે. પૂર્વપદ ગુણવાચક વિશેષણને બદલે સંખ્યાવાચક વિશેષણ હોય ત્યારે તેને દ્વિગુ સમાસ કહે છે. દ્વિગુ શબ્દમાં ‘દ્વિ’ સંખ્યાવાચક વિશેષણ હોવાથી આ જાતના સમાસ યાદ રાખવાનું સહેલું થઈ પડશે. ‘દ્વિગુ’ શબ્દ જાતેજ દ્વિગુ સમાસ છે.
મધ્યમપદલોપી સમાસ
‘મગનને દહીંમાં આથેલાં વડાં ભાવે છે’ એ વાક્યમાં ‘દહીંમાં આથેલા વડા’ એ શબ્દોનો અર્થ ‘દહીંવડાં’ એ સમાસથી દર્શાવી શકાય છે. તેમ કરતાં મધ્યમ પદનો વચ્ચે આવેલા પદનો, એટલે ‘આથેલા’ એ શબ્દનો લોપ થાય છે; આ સમાસને મધ્યમપદલોપી સમાસ કહે છે.
દહીંવડા = દહીં માં આથેલા વડા
આગગાડી = આગથી ચાલતી ગાડી
બહુવ્રીહિ સમાસ
મહાબાહુ = મોટા છે હાથ જેના તે
પીતાંબર = પીળું છે અબર (વસ્ત્ર) જેનું તે
અપુત્ર = નથી પુત્ર જેનો તે
ચક્રપાણિ – ચક્ર છે હાથમાં જેના તે
ત્રિલોચન = ત્રણ છે આંખ જેની તે
આ પ્રમાણે જે સમાસ છોડવામાં ‘જે’ એ સર્વનાંનાં રૂપની જરૂર પડે છે તેને બહુવ્રીહિ સમાસ કહે છે. ‘બહુવ્રીહિ‘ શબ્દ પોતેજ બહુવ્રીહિ સમાસ છે.
‘પીતાંબર’ એ સમાસનો વિગ્રહ ‘પીળું અબર’ એવો થાય છે. ત્યારે સમાસ કર્મધારય હોય છે અને તે નામ હોય છે, પરંતુ એજ સમાસનો વિગ્રહ ‘પીળું છે અબર જેનું તે’ એવો થાય છે ત્યારે તે સમાસ બહુવ્રીહિ હોય છે અને તે વિશેષણ હોય છે.
સુપુત્ર = પુત્ર સાથે
સહકુટુંબ – કુટુંબ સાથે
એ પ્રમાણે જેનું પૂર્વપદ ‘સ’ કે ‘સહ’ હો એવા સમાસને પણ બહુવ્રીહિ સમાસ કહે છે.
અવ્યયીભાવ સમાસ
‘પ્રતિદિન’, ‘યથાશક્તિ’. આ સમાસમાં ‘દિન’ કે ‘શક્તિ’ અવ્યય નથી, પરંતુ ‘પ્રતિ’ અને ‘યથા’ અવવ્યો તેમની સાથે આવવાથી ‘પ્રતિદિન’ અને ‘યથાશકિત’, એ શબ્દો અવ્યય જેવાં થાય છે, માટે આવા સમાસને અવ્યયીભાવસમાસ કહે છે.
પ્રતિદિન – દિને દિને
યથાશક્તિ – શક્તિ પ્રમાણે