આજે આપણે આ લેખમાં સર્વનામ વિષે ચર્ચા કરીશું.
દર્શકે કહ્યું, કે
દર્શક આજ જશે નહિ.
વનમાળીએ મગનલાલને કહ્યું કે મગનલાલ વનમાળીને બોલાવતો હતો,
એ વનમાળી જાણતો ન
હતો.
કેશવલાલ જતો હતો, તેવામાં કેશવલાલ પડી ગયો.
આ બધા વાક્યો કઢંગા દેખાય છે ! એકનું એક નામ ફરી ફરીને વાપરવાને બદલે ઉપરનાં વાક્યો નીચે મુજબ બોલાય છે.
દર્શકે કહ્યું, કે હું આજ જઈશ નહિ.
વનમાળીએ મગનલાલને કહ્યું, કે તું મને બોલાવતો હતો, એ હું જાણતો ન હતો.
કેશવલાલ જતો હતો, તેવામાં તે પડી ગયો.
ઉપરના વાક્યોમાં ‘હું’, ‘તું’ અને ‘તે’ એ શબ્દો નામોને માટે વપરાયા છે. માટે તેમને સર્વનામ કહે છે.
સર્વનામના+ : પ્રકારો
પુરુષવાચક સર્વનામ
હું દાખલા ગણું છું. તું ક્યારે ગણશે? તે કોઈ દિવસ દાખલા ગણાતો નથી.
અમદાવાદમાં દીવાસળી બને છે? હા, તે અહીં બને છે.
આ વાક્યો પૈકી પહેલા વાક્યમાં બોલનાર માટે ‘હું’, બીજામાં જેને સાથે વાત કરી છે તેને માટે ‘તું’ અને ત્રીજા તેમજ પાંચમા વાક્યમાં બોલનાર કે તેની સાથે વાત કરનાર સિવાય બીજા જે પ્રાણી કે પદાર્થ વિષે કહ્યું છે તે માટે ‘તે’ વપરાયા છે. ‘હું’, ‘તું’, ‘તે’ વગેરે પુરુષવાચક સર્વનામ કહેવાય છે.
પહેલો પુરુષ સ. બીજો પુ.સ. ત્રીજો. પુ. સ.
હું, અમે, અમો તું, તમે, તમો તે, તેઓ.
આપણ, આપણે
પ્રશ્નવાચક સર્વનામ
કોણ આવ્યું?
શું કરો છો?
કયો-કયી-કયું છે આ?
આ વાક્યોમાં કોણ, શું, કયો, કયી અને કયું એ સર્વનામો પ્રશ્ન પૂછવામાં વપરાયાં છે. માટે તે પ્રશ્નવાચક સર્વનામ કહેવાય છે. (કયી ને બદલે કઈ વાપરવાનો રિવાજ પડી ગયો છે.)
આમ, પ્રશ્ન પૂછવામાં વપરાતાં સર્વનામો પ્રશ્નવાચક સર્વનામ કહેવાય છે.
સ્વવાચક સર્વનામ
હું પોતે જઈશ.
તમે જાતે કામ કર્યું.
રાજા પંડે ન્યાય આપે છે.
આ વાક્યોમાં પોતે, જાતે, પંડે એ સર્વનામો પોતાપણું દર્શાવે છે. માટે સ્વાર્થવાચક કે સ્વવાચક સર્વનામ કહેવાય છે. સ્વ એટલે પોતાની જાત.
દર્શક સર્વનામો
આ બોલ્યો.
એ આવશે.
પેલો હસે છે.
ઓલ્યો નાઠો.
આ વાક્યોમાં આ, એ, પેલો, ઓલ્યો એ સર્વનામો પ્રાણી કે પદાર્થને દેખાડે છે માટે તેમને દર્શક સર્વનામો કહે છે. આ અને એ નજીકની વસ્તુ દર્શાવે છે અને પેલો તથા ઓલ્યો દૂરની વસ્તુ દર્શાવે છે.
પ્રાણી કે પદાર્થને દર્શાવનારા સર્વનામને દર્શક સર્વનામ કહે છે.
અનિશ્ચિત સર્વનામો
હજુ કોઈ નિશાળે આવ્યું નથી.
આમાં કંઇક છે.
કેટલાક તો ઓટલા ઉપર બેઠા હતા.
આ વાક્યોમાં કોઈ, કંઇક, કેટલાક એ સર્વનામથી કોઈ નિશ્ચિત-નક્કી પ્રાણી કે પદાર્થ સમજાતો નથી. આથી, અનિશ્ચિત પ્રાણી કે પદાર્થ બતાવનારા સર્વનામો અનિશ્ચિત સર્વનામ છે.
જે સર્વનામથી નિશ્ચિત પ્રાણી કે પદાર્થ નહિ, પણ મોઘમ એટલે ગમે તે કોઈ એક પ્રાણી કે પદાર્થ સમજાય છે, તે અનિશ્ચિત સર્વનામો કહેવાય છે.
સંબંધી સર્વનામ
જે ખાડો ખોદે તે પડે.
જેવું વાવશો તેવું લણસો.
જેટલું ખાસ જોઈતું હોય તેટલું ખરીદવું.
જેવડું મંગાવશો તેવડું મોકલીશું.
આ વાક્યોમાં જે અને જે ઉપરથી થએલાં જેવું જેટલું અને જેવડું એ સર્વનામોની સાથે અનુક્રમે તે અને તે ઉપરથી થએલાં તેવું તેટલું અને તેવડું એ સર્વનામો સંબંધ રાખે છે, માટે તે બધા સંબંધી સર્વનામો કહેવાય છે.
એક બીજા સાથે સંબંધ રાખનારા સર્વનામોને સંબંધી સર્વનામ કહે છે.