સાંજ – અનિલ જોશી (સીમપરીની સેંથી – આસ્વાદ – ઉદયન ઠક્કર)

સાંજ
સાંજ
Spread the love

ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય
ને ઊડતી ધૂળનું થાય વાદળું એવું તો ઘનઘોર કે જાણે ધણની ગાયું –
કણકણ થઇને ગોરજમાં વિખરાય.

સાવ અચાનક કાબર-ટોળું ડાળ ઉપરથી ઊડ્યું ને ત્યાં એક પાંદડું તૂટ્યું
વડલાનાં લીલાં પાન વચાળે લાલચટક આકાશ થઇને લાલ પાંદડું ફૂટ્યું
ધૂળની ડમરી ચડતાં એમાં ચક્કર ચક્કર ફરતાં મારા શૈશવના કણ પાદરમાં ઘૂમરાય.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને સાંજ હીંચકા ખાય.

ખડના પૂળા લઇ હાથમાં પાછા વળતા લોક, વાયરે ઊડતી જાય પછેડી
ઘઉંના ખેતર વચ્ચે થઇને સીમપરીની સેંથી સરખી ગામ પૂગતી કેડી
ધીમે ધીમે ખળાવાડમાં કમોદની ઊડતી ફોતરીઓ વચ્ચે થઇને સાંજ ઓસરી જાય.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને સાંજ હીંચકા ખાય..

અનિલ જોશી

સમર્થ ગીતકવિ અનિલ જોશીનું આ ગોપકાવ્ય (પાસ્ટોરલ લિરિક) છે. ગોધણ ચરીને પાછું ફરે ત્યારે ઊડતી ધૂળને કારણે સંધ્યાટાણું ગોરજટાણું કહેવાય છે. કવિ કહે છે કે ગાયોને કંઠેથી રણકતી ઘંટડીઓ જાણે સંધ્યાએ પહેરેલાં નૂપુર છે. વડલાની વડવાઈએ છોકરાં ઝૂલે તેમ જાણે સાંજ ઝૂલે છે. કવિએ સાંજનું કર્ણમંજુલ, નેત્રપ્રસન્ન વર્ણન કર્યું છે.


ગોરજના વાદળ-સોંસરી ગાય ન દેખાતી હોવાથી, કવિ કહે છે કે ગાય કણકણ થઈને વિખરાઈ ગઈ છે. હવે કવિની દ્રષ્ટિ આજુબાજુ ફરે છે. ઊડતી કાબરોને જુએ છે, અને ખરતા પાનને જોવાનું યે ચૂકતી નથી. તરતનું કોળેલું પાન રાતું હોય. વડલાના લીલા ઘટાટોપ વચ્ચે લાલ પાંદડીને ભાળી લે એવી સાબદી છે કવિની નજર. લાલ-લીલા-પીળા પાંદડાંને નિમિત્તે કવિ ઉત્પત્તિ-સ્થિતિ-લયને સમાન ભાવે નિહાળે છે. ધૂળના કણની જેમ કવિનું બાળપણ પણ પાદરે પથરાયું છે.

આ નગરચેતનાનું નહિ પણ ગ્રામ્યચેતનાનું ગીત હોવાથી કૃષિસંસ્કૃતિના થોડા શબ્દો પુન: સંભારી લઈએ. ખડનો પૂળો એટલે ઘાસનો ભારો. ખળાવાડ એટલે કણસલાં ઝાટકીને ફોતરાંથી અનાજ જુદું કરવાની જગા અને કમોદ યાને ડાંગર. શ્રમજીવીઓ ઢોરઢાંખર સારુ કે છાપરે પાથરવા સારુ ઘાસના પૂળા લઈને આવતાં હોય, તેમની પછેડી વાયરે ઊડતી હોય એ ક્ષણને કવિએ કેમેરામાં ઝડપી લીધી છે. ખેતરમાંથી જતી કેડી કવિને સીમપરીની સેંથી-શી લાગે છે! અંગ્રેજી સાહિત્યમાં વનમાં ફરતાં ‘એલ્ફ-ફેરી’ની વાતો આવે. આપણી લોકકથાઓમાં વનદેવીની વાતો આવે. પણ પ્રશિષ્ટ ગુજરાતી કવિતામાં સીમ-પરી જેવી ઉપમા જવલ્લે જોવા મળે. ખળાવાડમાં અનાજ ઝૂડવાનું કામ પૂરું થાય, ફોતરીઓ ઊડતી બંધ થાય અને સાંજ ઓસરી જાય. એકત્વ (યુનિટી), ચિત્રાત્મકતા અને ઉપમાવૈચિત્ર્યના ગુણ કટાવ છંદમાં રચાયેલા આ ગીતમાં જોવા મળે છે.


ઉદયન ઠક્કર

Total Page Visits: 680 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!