સાલીમ અલી કૃત ‘ભારતનાં પક્ષીઓ’ આસ્વાદ : ભરત ખેની

Spread the love

ભારતના વનસ્પતિશાસ્ત્રી,પક્ષીવિદ્દ,પ્રકૃતિવાદી, વન્યજીવન સંરક્ષણવાદી અને ભારતના ‘બર્ડમેન’ તરીકે જાણીતા ડૉ. સાલીમ મોહિઝુદ્દીન અબ્દુલ અલી(૧૮૯૬-૧૯૮૭) પ્રકૃતિના સંરક્ષણ માટે અને પક્ષી વિશેના જ્ઞાન પ્રસારણ માટે આજીવન પ્રયત્નશીલ હતા. તેઓ એકએવી વ્યક્તિ હતા કે જેમણે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન (પક્ષીઓ માટે) સંપૂર્ણ ભારતનું ભ્રમણ કર્યું હતું. તેઓ ભારતની વનસંપત્તિ અને પક્ષીજગત વિશે સંપૂર્ણપણે જાણકાર હતા. તેમના પક્ષીઓ અંગેના અપાર અનુભવ માટે સૌને તેમના પ્રત્યે અત્યંત આદરભાવ હતો.

તેમના પ્રયાસોથી જ ભરતપુર પક્ષી અભયારણ્ય (રાજસ્થાન)આજે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખાય છે, કેરળના સાયલન્ટ વેલી રાષ્ટ્રીય ઉદ્યાનને સંરક્ષણ મળ્યું છે, મધ્ય કેરળના કોચી શહેરથી ૫૮ કિ.મી એર્નાકુલમ જિલ્લાના કોઠમંગલમ તાલુકાના થટ્ટેકાડમાં “થટ્ટેકાડપક્ષી અભયારણ્ય”(ThattekkadBird Sanctuary) આવેલું છે. આ પક્ષી અભયારણ્યને વૈશ્વિક પ્રસિદ્ધિ અપાવવાની કીર્તિ આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત પક્ષીવિદ્દડૉ. સાલીમ અલીને આપવી પડે. આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશના પશ્વિમ વિસ્તારમાંથી મળી આવેલા વિશિષ્ટ અને નવી પ્રજાતિના પક્ષી હિમાલયન ફોરેસ્ટ થ્રશ(Himalayan ForestThrush)ને પક્ષી નિષ્ણાત ડૉ. સાલીમ અલીનું નામ આપવામાં આવ્યું છે, એટલે કે આ નવી પ્રજાતિના પંખીને ‘ઝૂથેરા સાલીમ અલી’(Zoothera Salimalii) એવું નામ આપવામાં આવ્યું છે. તેમને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયા છે.

૧૯૫૮માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ અને ૧૯૭૬માં ‘પદ્મવિભૂષણ’ આપી સન્માનિત કર્યા છે. દેશને આપેલ અપ્રતિમ સેવા બદલ ગોવા સ્થિત પક્ષી ઉદ્યાનનું નામકરણ આ પ્રસિદ્ધ વ્યક્તિનાં નામ પર સાલીમ અલી પક્ષી અભયારણ્ય રાખવામાં આવ્યું છે. તેમણે પોતાનું જીવન ભારતીય પક્ષીઓઅને તેમના વિશે સંશોધન અર્થે સમર્પિત કર્યું હતું. ડૉ. સાલીમ અલીએ ભારતના પક્ષીઓ વિશેના પોતાના જ્ઞાનથી સમગ્ર દેશને પક્ષીમાં રસ લેવા પેર્યો અને પક્ષીઓથી સુમાહિતગાર કર્યો. ભારતીય પક્ષીસંપદાની વિશ્વને જાણ કરવાનો અને પરિચય કરાવવાનો યશ પણ ડૉ. સાલીમ અલીને ફાળે જાય છે.

ડૉ. સાલીમ અલીના અતિ લોકપ્રિય પુસ્તક ‘THE BOOK OF INDIAN BIRD’નું પ્રકાશન થયું એ પૂર્વે ભારતીય પક્ષીઓ પર મોટાભાગના જૂનાં પુસ્તકો બહુ જીર્ણ અવસ્થામાં ઉપલબ્ધ હતા.તેમજ હાથથી દોરેલા- બનાવેલાં નમૂનાઓ(પક્ષીઓનાં ચિત્રો)નો ઉપયોગ પક્ષી ઓળખ, અભ્યાસ અને જાણકારી માટે થતો હતો. ૧૮૮૯માં મેબલથોર્પ (ઇંગ્લેન્ડ)માં જન્મેલા અને ૧૯૦૯માં કંપની સરકારના પોલીસ અધિકારી તરીકે પંજાબ-ભારતમાં આવેલા હ્યુ વ્હિસ્લર(Hugh Whistler 1889-1943)નું પુસ્તક “પોપ્યુલર હેન્ડબુક ઓફ ઇન્ડિયન બર્ડ”(Popular Handbook of Indian Bird)ગુર્ની એન્ડ જેક્સન પ્રેસ, લંડન દ્વારા ૧૯૨૮માં પ્રકાશિત કરવામાં આવેલું પરંતુ ભારતમાં આ પુસ્તક પક્ષી અભ્યાસ માટે જૂનું અને અપ્રાપ્ય હતું. ભારતમાં આ પુસ્તક સરળતાથી ઉપલબ્ધ ન હતું એ સમયે ડૉ. સાલીમ અલીનું પુસ્તક ‘THE BOOK OF INDIAN BIRD’ નામે ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, મુંબઈ દ્વારા ૧૯૪૧માં પ્રકશિત કરવામાં આવેલું અને ત્યારબાદ ભારતીય પક્ષીઓ પરનું આ પુસ્તક લોકપ્રિય અને વિશ્વસનીય પક્ષી માર્ગદર્શિકા સાબિત થયું હતું. આ પુસ્તકને કેવી લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હતી એ માટે નીચે મુજબની આવૃત્તિઓ અને પુનઃ મુદ્રણ વિશેની આ વિગતો જ પર્યાપ્ત છે.

આજથી ૭૮ વર્ષ પહેલાં ૧૯૪૧માં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ. આ પછી આ પુસ્તકની આજ સુધીમાં કુલ ૧૩ આવૃત્તિઓ પ્રગટ થઈ છે, જેમાં ૧૧મી આવૃત્તિ ૦૫ વાર, ૧૨મી આવૃત્તિ ૦૪ વાર,૧૩મી આવૃત્તિ ૦૨ વાર છાપવી પડી છે. દરેક નવી આવૃત્તિ સમયે આ પુસ્તકમાં સુધારો વધારો અને શોધન વર્ધન થતું ગયું છે. પક્ષીઓનાં અભ્યાસને લાગે વળગે છે ત્યાં સુધી આ પુસ્તક અનન્ય છે. ૫૩૮ પક્ષી પ્રજાતિઓનું વર્ણન અને ૬૪ પુષ્ઠમાં સમાવિષ્ઠ થયેલા ૬૪૦ રંગીન ચિત્રોથી આ પુસ્તક સમૃદ્ધ બન્યું છે. આવાં સમૃદ્ધ અંગ્રેજી પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું ૧૯૯૬માં નક્કી થાય છે અને એ કામ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, મુંબઈના માનદ્ મંત્રી ડૉ. અશોક એસ. કોઠારીને સોંપાયું. ૧૯૯૬માં શરૂ થયેલ આ અનુવાદ પ્રકલ્પ ૨૩ વર્ષ ચાલ્યા બાદ ૨૦૧૯માં પૂર્ણ થયો છે. આ સાથે જ પુસ્તક પ્રકાશન ક્ષેત્રે એક શકવર્તી ઘટના ગુજરાતમાં બને છે. મૂળે વાત એમ છે કે ૨૦૧૯માં બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીએ આ પુસ્તક ગુજરાતી ભાષામાં“ભારતનાં પક્ષીઓ”નામે ઉપલબ્ધ કરાવી આપીને ગુજરાતના પક્ષીપ્રેમીઓને ન્યાલ કરી દીધા છે. અનુવાદક ડૉ અશોક કોઠારીએ ખૂબ જહેમત ઉઠાવી હોવાનું આ બેમિસાલ પુસ્તકમાં પ્રવેશ કરતાં અને વાંચતાં ઉડીને આંખે વળગે છે. આ પુસ્તકમાં પક્ષીજગત વિષે માહિતી ભંડાર છે.

આ પુસ્તક પક્ષીપ્રેમીઓ દ્વારા વખાણાયું છે. જેમાં ભારતમાં જોવા મળતાં વિવિધ પક્ષીઓની સચિત્ર રંગીન માહિતી છે તથા પક્ષીનિરીક્ષણ માટેની વિગતોખૂબ સ-રસ અને અભ્યાસપૂર્ણ રીતે આપવામાં આવી છે,પક્ષીઓના ગુણ-અવગુણ, પ્રવાસી આદતો વિશે રોચક વાત અહિ આપેલ છે. ૨૦૦૨ સુધીમાં આ પુસ્તકની કુલ એક લાખથી પણ વધુ પ્રતો વેચાઇ ચૂકી છે. સુંદર તસ્વીરોથી સુસજ્જ આ પુસ્તકમાં ધોમડા-ધોમડી (ધોળી વા બગલી), તપખીરિયો કલકલિયો, કેસરી નીલતવા (લાલ પેટ નીલતવા, બદામી નીલતવા), સોનેરી પીળક, મોટો પતરંગો જેવા કર્ણમધુર નામો જીજ્ઞાસુઓને જાણવા મળે છે. આ પુસ્તકમાં કેવી અને કેટલી સુંદર માહિતી છે તેની એક નાનકડી વાત કરીએ. પક્ષીઓની બોલી કે ભાષા સંબંધી વાત કરતા સાલીમ અલી નોંધે છે કે “આપણા જેવી પક્ષીઓની કોઈ બોલી નથી હોતી, પરંતુ કલબલાટની શૈલીથી એકબીજા સાથે સંપર્કમાં રહે છે. પક્ષીઓમાં વધુ સામાજિક પક્ષીઓ હર્ષ, ભયસંકેત, આમંત્રણ, સચેત થવાનું, વગેરે અવાજ અને હાવભાવથી પ્રદર્શિત કરે છે. પોતાના જાતભાઇઓ સિવાય બીજાઓને પણ સચેત કરે છે. જ્યારે બાજ પક્ષીઓમાળા કે પક્ષીઓ ઉપર હુમલો કરે છે ત્યારે કલબલાટ કરે છે. બીજાં પક્ષીઓને ભયભીત અને સચેત કરે છે. કેટલીક હદ સુધી માનવીઓ પણ પક્ષીઓની ભાષા સમજે છે”(પુષ્ઠ:xxiii) આવા અનેક આશ્ચર્યનો આ પુસ્તકમાં ઢગલો છે.

અહિ આપણી આસપાસ સહેલાઇથી જોવા મળતા પક્ષીઓનો પરિચય માહિતી કેટલાંક ચિત્રો સહિત આપવામાં આવ્યો છે. પાણીના સરોવર, દરિયાકાંઠે કે જળપ્લાવિત વિસ્તારો( water logged area)માં જોવા મળતા પક્ષીઓની સચિત્રજાણકારી, ઘાસના બીડમાં, ગામ બહાર ખેતરોમાં, ખુલ્લા વગડામાં કે ગોચરમાં જોવા મળતા પક્ષીઓ, જંગલોમાં જોવા મળતા પક્ષીઓ, પક્ષી ઓળખ અંગેના ફિલ્ડમાર્ક. (ઓળખ ચિન્હો) તેમના વસવાટની સુંદર વિગતો તથા પક્ષીનિરીક્ષણ અંગેની કેટલીક પૂરક માહિતી અહિ સામેલ છે. પક્ષીનિરીક્ષણ માટે તથા પક્ષીઓને ઓળખવામાં મદદરૂપ થાય તેવી સરળ ગુજરાતી ભાષામાં અનુવાદિત આ પુસ્તકપક્ષીપ્રેમીઓ માટે ખજાનો સાબિત થાય તેવું છે. આવા અતિ મહત્વના અને સુંદર પ્રકાશન માટે પ્રકાશકને અભિનંદન. પક્ષીજગતમાં લટાર મારીને આનંદવિભોર થવું હોય અને એ જગત વિશે જ્ઞાનવૃદ્ધિ કરવી હોય તો આ પુસ્તક અચૂક વાંચવું- વસાવવું જોઈએ

પક્ષીની વ્યાખ્યા અને મહત્વ, પક્ષીઓના વિવિધ ભાગો માટે વપરાતા શબ્દો, ઉપયોગ પ્રમાણે ચાંચના પ્રકાર, ઉપયોગ પ્રમાણે પગ(અને આંગળાના) પ્રકાર, પક્ષી ઓળખવાની રીતો જેમાં ખાસ પ્રકારની પૂંછવાળાં પક્ષીઓ, વિશિષ્ટ ચાંચવાળાં પક્ષીઓ, કલ્ગીધારી પક્ષીઓ, લાંબા પગવાળાં પક્ષીઓ, આકર્ષક રંગોવાળાં પક્ષીઓ અને સાદા રંગોવાળાં પક્ષીઓની વિગતે વાત છે. ત્યારબાદ ૬૪ ચિત્રપ્લેટોની સાથે તેનું વર્ણન આપવામાં આવ્યું છે. અહિ પ્રખ્યાત પક્ષી ચિત્રકાર કાર્લ ડિસિલ્વાકૃત ચિત્રો મૂકવામાં આવ્યાં છે.

દરેક પક્ષીના ચિત્રને અનુલક્ષીને નામ, સ્થાયી કે યાયાવર, સ્થળ ભૌગોલિક વિતરણ, કદ, આકાર, સંક્ષિપ્ત વિવરણ, ઓળખચિહ્નો, વગેરે આપવામાં આવ્યા છે. ૫૩૮ પક્ષીઓનું વર્ણન કુલ ૩૨૮ પુષ્ઠમાં કરવામાં આવ્યું છે. જેમાં કદ, વર્ણન, વસવાટ, પક્ષીની સ્વભાવગત પ્રકૃતિ, તેનો પ્રજનનકાળનો સમય, માળો અને તે માળાની વિશેષતા, ઈંડાં(ઈંડાંનું કદ અને રંગ), ખોરાક, જે તે પક્ષીની સ્વભાવગત વિશેષ નોંધ, ખાસિયતો અને અવાજ જેવી વિગતોની ઊંડાણપૂર્વક ચર્ચા કરીને માહિતી આપવામાં આવી છે. અને અહિ ઉલ્લેખિત પક્ષીઓ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં કયા કયા અલગ નામ ધરાવે છે તેની વિષે વિગતો પણ આપવામાં આવી છે. દરેક પક્ષી પ્રજાતિના પરિચય સાથેસિડ્ની ડીલોન રિપલેના પુસ્તક A Synopsis of the Birds of India and Pakistan પ્રમાણે ક્રમાંક આપવામાં આવ્યો છે. જે આ પુસ્તકની શાસ્ત્રીયતાનું દ્યોતક છે. પક્ષીઓનું ઉડ્ડયન, ઋતુપ્રવાસ (સ્થળાંતર), પક્ષીઓનો ઉપયોગીતા, જાણીતા પક્ષીઓના ગુજરાતી નામો, અંગ્રેજી નામો, પક્ષીઓના શાસ્ત્રીય નામો તથા સંદર્ભ સૂચી પણ આ સાથે છે. આ પુસ્તકમાંથી એક પક્ષીનું વર્ણન જોઈએ.

૪૫૦. દૂધરાજ (શાહી બુલબુલ)
Asian Paradise-Flycatcher Terpsichore paradise (Linnaeus)
ચિત્ર: ૫૬, સિ.ક્રમ: ૧૪૬૧
હિંદી નામ: તરવારિયા મછરિયા, દૂધરાજ, શાહ બુલબુલ, હુસૈની બુલબુલ, સ્વર્ગ તીતી,
સુલતાના બુલબુલ, દૂધરાજ, તાકલા.
કદ: બુલબુલ જેવડું.

વર્ણન: પુખ્ત નરપક્ષી રૂપેરી જેવા સફેદ રંગનું હોય છે. ડોકું ચળકાટ મારતા કાળા રંગનું અને એવા જ રંગની કલગી, પૂંછડીમાં સાંકડી પટ્ટી જેવા બે લાંબા પીંછાં, વગેરે ખાસ ચિહ્નો છે. માદા અને યુવા નરપક્ષી ઉપરની બાજુ બદામી રંગ ધરાવે છે. નીચેની બાજુ રાખોડી પડતો સફેદ રંગ હોય છે. કૈક અંશે બુલબુલને મળતાં આવે છે. યુવા પક્ષીની પૂંછડીમાં બદામી રંગના લાંબા પીંછાંહોય છે. માદાપક્ષી લાંબાપીંછાં ધરાવતું નથી. એકલદોકલ ગીચ જંગલોમાં વિહરતા હોય છે. વસવાટ: સમગ્ર ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમારમાં વસે છે. આપને ત્યાં મેદાનોમાં અને હિમાલયમાં તથા ભારતીય દ્વાપકલ્પના પહાડી પ્રદેશમાં ૨,૦૦૦ મીટરની ઉંચાઈ સુધીના વિસ્તારોમાં વસે છે. અંદરોઅંદરના વિસ્તારોમાં સ્થળાંતર પણ કરે છે. આપણે ત્યાંની ૨ પ્રજાતિઓ paradiseઅને leucogasterમાં રંગ અને કદમાં ફરક છે. શ્રીલંકાની પ્રજાતિ ceylonensisમાં પુખ્ત નર પંખી શ્વેત પીંછાં ધારણ કરતું નથી. ખાસિયત: માનવ વસવાટની આજુબાજુની વનરાજી અને બાગબગીચાઓમાં, વન-વગડામાં અને કોતરોમાં અને વાસના જંગલોમાં રહે છે. ચપળ અને તરવરાટથી ભરેલા નરપક્ષી પૂંછડીના બે સુકોમળ પટ્ટીઓ જેવા શ્વેત પીંછાંના ફરફરાટથી સુંદર દૃશ્ય ખડું કરે છે. અવાજ: કર્કશ અપ્રિય એવો ચી અથવા ચે-ચ્યુ અવાજ કરે છે. પ્રજનનકાળ દરમ્યાન મધુર સ્વર પણ ફેલાવે છે. ખોરાક: પાંખળાં જીવજંતુઓ. પ્રજનનકાળ: ફેબ્રુઆરીથી જુલાઈ. (થોડો ઘણો ફેરફાર પણ હોય છે.) માળો: કુમળા ઘાસ અને તાંતણાને વ્યવસ્થિત રીતે ગૂંથી કટોરા જેવો માળો બનાવી બહાર કરોળિયાનાં જાળાં ચોંટાડી મજબુત કરે છે. જમીનથી ૨-૪ મીટરની ઊંચાઈએ વૃક્ષની બે શાખાઓના ફાંટામાં માળો મૂકેલો હોય છે. ઈંડાં: ૩ થી પ. દૂધની તર- મલાઈ જેવો રંગ એમાં થોડી ગુલાબી ઝાંય હોય છે. ઉપર લાલાશ પડતા કથ્થાઈ ટપકાં અને ધાબાં હોય છે. નર અને માદા સંયુક્ત સહકારથી બચ્ચા ઉછેરે છે, પરંતુ માદા મહત્વનો ભાગ ભજવે છે.(પૃષ્ઠ. ૩૩૯)(ઉપરોક્ત પરિચ્છેદ પુસ્તક પ્રમાણે જ રાખ્યો છે)

આ પુસ્તકમાં પ્રજાતિઓનો ક્રમ પૂર્વેની આવૃત્તિથી અલગ આપવામાં આવ્યો છે. અગિયારમી આવૃત્તિમાંની ડૉ. સાલિમ અલીની પ્રસ્તાવના અહિ રજૂ કરવામાં આવી છે. આ સાથે જ પૂર્વેની આવૃત્તિઓના શરૂઆતના વિભાગો મુકવામાં આવ્યા છે. “પક્ષીઓને કેવી રીતે ઓળખવા” એ કોઠાઓમાં વધારાનાં ૨૪૨ પક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડૉ. સાલીમ અલીએ સમયાન્તરે લખેલી પક્ષીઓના પ્રજનન, ઋતુપ્રવાસ અને પક્ષીઅવલોકન, વગેરે ઉપરની રસપ્રદ નોંધો મુકવામાં આવી છે. ભારતીય ઉપખંડનો પક્ષી ઋતુપ્રવાસનો નકશો તથા ભારતીય ઉપખંડના જૈવ- ભૌગોલિક પ્રદેશોના સામાન્ય અને રસપ્રદ પક્ષીઓને આ પુસ્તકમાં આવરી લઈને ઉપયોગી ‘ક્ષેત્ર માર્ગદર્શિકા’નું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જેમાં હિમાલયોત્તર પ્રદેશ, હિમાલયનો પ્રદેશ, રણપ્રદેશ, સૂકો પ્રદેશ, પશ્વિમ ધાટ, દખ્ખણનો દ્વીપકલ્પ, ગંગાનદી કાંઠાના મેદાનો, ઇશાન ભારત, દ્વીપ સમૂહ અને સમુદ્રકાંઠાના પ્રદેશને ભારતના જૈવ-ભૌગોલિક વિભાગદર્શક નકશાની મદદથી સમજાવવામાં આવ્યો છે. આ પુસ્તક નવા પક્ષીરસિકો માટે માર્ગદર્શિકા અને પક્ષી અભ્યાસુઓ તેમજ વિશેષજ્ઞો માટે સંદર્ભ પુસ્તક તરીકે એન્સાયક્લોપીડિયાની ગરજ સારશે. ૪૪૧ પુષ્ઠનાં વિસ્તૃત પટ પર ચાલતા આ પુસ્તકમાં પ્રુફ અને જોડણી વિષયક ભૂલો નજરે ચડે છે, જેને ક્ષમ્ય ગણીને મૂળે અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી ભાષામાં તેનું પુસ્તકરૂપે પ્રાગટ્ય થયું છે એ ભગીરથકાર્ય કૈ નાનીસુની ઘટના તો ન જ ગણાવી શકાય. એનો ભરપુર આનંદ લઈએ.

( ‘નવનીત-સમર્પણ’ એપ્રિલ ૨૦૨૦ના અંકમાં પ્રગટ ‘સાલીમ અલી કૃત ભારતનાં પક્ષીઓ’ )

ભરત ખેની.
બંગલો નં: ૦૭, વૃંદાવન સોસાયટી,
ચિરાયું હોસ્પિટલની સામે, ગોવિંદનગર,
માર્કેટ રોંડ, દાહોદ-૩૮૯ ૧૫૧
સંપર્ક: ૯૯૨૫૬ ૬૦૬૪૬.

Total Page Visits: 2194 - Today Page Visits: 1

1 comments on “સાલીમ અલી કૃત ‘ભારતનાં પક્ષીઓ’ આસ્વાદ : ભરત ખેની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!