સુઘરી
હિન્દી : बाया
અંગ્રેજી : The Baya, Weaver Bird

સુઘરીનું કદ ચકલી જેટલુ હોય છે. પ્રજનન ઋતુ સિવાય સુઘરી ચકલી જેવી જ દેખાય છે. પ્રજનન ઋતુમાં નર સુઘરીનું તાલકું અને છાતી ચળકતા પીળા, જ્યારે પેટાળ સફેદ, પીઠ અને પૂંછડી કથ્થાઈ પણ કાળી લીટીઓવાળા હોય છે. તેમાં થોડી પીળા રંગની ઝાંય હોય છે. ગળું આછું કાળું અથવા કથ્થાઈ હોય છે. માદાનો રંગ ચકલી જેવો ઝાંખો હોય છે. છાતી તથા પેટાળમાં પીળી ઝાંય વાળો ધોળો રંગ હોય છે. નરની ચાંચ કાળા રંગની અને માદાની કથ્થાઈ ગુલાબી. ચોમાસું પૂરું થાય છે ત્યારે નર અને માદાના રંગ સરખા બની જાય છે.
સુઘરી દાણા ને જીવાતનો ચારો લે છે.
લીટીવાળી સુઘરી
હિન્દી : रेखित बेया
અંગ્રેજી : The striated weaver-Bird
પ્રજનન ઋતુ માં લીટીવાળા નર સુઘરીનો રંગ તાલકા ઉપર સોનેરી પીળો અને માથાની બાજુ કાળો બની જાય છે. પીઠ પીળાશ પડતી કથ્થાઈ પણ પીછાંની કોર રતાશ પડતી થાય છે. પેટાળ રતાશ પડતું, જેમાં ઉપરની છાતીમાં લીટીઓ દેખાય છે. ચાંચ કાળા રંગની પણ મૂળમાં જરી ભૂરી.
માદા સુગરીનું તાલકું કાળા રંગનું, આંખો ઝાંખા પીળા અને ચાંચ પાસે ઘેરો કાળો લીટો હોય છે. તેની ચાંચ શિંગડીયા કથ્થાઈ હોય છે. શિયાળામાં નર-માદા એકસરખાં બની જાય છે. બચ્ચા માદાને મળતા રંગના પણ રતાશ પડતાં અને ઓછા લીટા વાળા હોય છે.
લીટીવાળી સુઘરીની એક વિશિષ્ટતા એ છે કે તેના માળાને છાણથી પીળા ફૂલો ચોટાડે છે.
કાળા ગળાની સુઘરી
હિન્દી : सारबो बैया
અંગ્રેજી : The black-throated Weaver-Bird
કાળા ગળાની સુઘરીનું કદ ચકલી જેવડું હોય છે. પ્રજનન-ઋતુમાં નર સુઘરીનું તાલકું પીળું ચળકતું, કપાળ પણ તે જ રંગનું થાય છે અને આંખમાં કાળો લીટો દેખાય છે. બાકીના માથાનો રંગ કથ્થાઈ જેવો દેખાય છે. છાતી અને ગળુ, કાળા પડખામાં રતાશ પડતી લીટીઓ જોવામાં આવે છે. પીઠ કથ્થાઈ જે રંગ પાંખ ઉપર ઘેરો થતો જાય છે. માદા સુઘરીનું તાલકું પીળું રહેતું નથી અને તેની છાતીએ કાળો રંગ આવતો નથી પણ થોડો પીળો રંગ દેખાય છે. દિવાળી ઉપર નર માદા જેવા રંગનો થઈ જાય છે.
કાળા ગળાની સુઘરીને સુકો પ્રદેશ ગમતો નથી, એને તો ભેજવાળા પ્રદેશ વસવા માટે પસંદ છે. તે વનમાં જણાતાં નથી.
સુઘરીના માળા
સુઘરીના માળા વિશિષ્ટ આકારના હોય છે.વરસાદ આવી ગયા પછી સુઘરી તેના માળા બાંધવા લાગે છે. તે બેસવા માટે કાંટાવાળા વૃક્ષ પસંદ કરે છે. માળા પણ કાંટાવાળા વૃક્ષ ઉપર બાંધે છે. જુલાઈથી ઓક્ટોબર માસમાં કોઈ કાંટાવાળા વૃક્ષ જેવા કે બાવળ, ખીજડા, ખજુરી ઉપર લાંબા ભુંગળા જેવા દ્વારવાળા માળા બનાવી દે છે.

સુઘરી સમૂહમાં માળા બાંધે છે. આથી સુઘરી ના માળા ચાર છ કે તેથી વધારે સંખ્યામાં જોવામાં આવે છે. માળો બનાવવા માં નર મશગુલ હોય ત્યારે નર “ચીવીઝ ચીવીઝ”જેવા અવાજની જાણે સીટી બજાવતો રહે છે. આ પ્રમાણે આખો સમૂહ બોલતો હોય ત્યારે વાતાવરણ સતેજ જણાય છે.
માળા બનાવવા માટે તે લીલછોયા ઘાસ કે ડાભને પસંદ કરે છે. તેને ડાળી સાથે એટલો મજબૂત ગુંથી લે છે કે લટકતો હોવા છતાં પવન તેને તેની જગ્યાએથી હલાવી શકતો નથી. વળી, તેની માળાની ગૂંથણી એવી કે વરસાદનું પાણી દડીને નીચે પડે પણ માળામાં જતું નથી.
નર ઘણો ખરો માળો બનાવી નાખે પછી જ માદા તેના બનાવનાર સાથે સંસાર શરૂ કરે છે. એક નર સુઘરી પોતાના માળા ઉપર બીજા નર ને બેસવા દેતો નથી, એટલે સમૂહચારી હોવા છતાં થોડો તકરારી થઈ જાય છે. માદા સુઘરી મે થી સપ્ટેમ્બર દરમ્યાન બેથી ચાર સફેદ ઈંડા મૂકે છે.માદા ઈંડા સેવતી હોય પછી નર પોતાને બેસવા માટે અડધો માળો બનાવે છે. આવા માળાને હીચકાનું નામ આપ્યું છે.
માળા બાંધવાની ખાસ જગ્યા પાણી ઉપર ઝૂકતી કાંટાવાળી ડાળી છે. આવી જગ્યા બૈયાએ પસંદ કરી છે તેનું કારણ એમ મનાય છે કે વરસાદ વરસતો હતો અને એક વાંદરો વરસાદમાં ભીંજાતો હતો એથી એક બૈયાએ મશ્કરી કરી કે તારે તો માનવી જેવા હાથ-પગ હોવા છતાં તું ઘર બાંધીને રહી શકતો નથી અને અમે તો કેવું મજાનું ઘર બનાવીને રહીએ છીએ! આ વાત સાંભળી વાંદરો ચિડાયો અને તમામ માળા વીખીને તોડી નાખ્યા. તે દિવસથી સુઘરીએ કાંટાવાળા વૃક્ષ અને નીચે પાણી હોય તેવી જગ્યા માળા બનાવવા માટે પસંદ કરી છે. આથી એક કહેવત થઈ કે,
“શીખ ઉસીકું દીજીયે જીસ્કું શીખ સમાય,
બંદર કો દીજે શીખ તો બૈયુંકા ઘર જાય.”