ઋષિ કવિ શ્રી મકરંદ દવે સાંઇ સ્વામી તૂરીયાનંદનો એક પ્રસંગ જણાવે છે કે,
સ્વામી તૂરીયાનંદ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય. સ્વામી વિવેકાનંદના આગ્રહથી અમેરિકા ગયા. ત્યાં એકાંત સ્થળે શાંતિ આશ્રમની સ્થાપના કરી. ધ્યાન, ગીતાપાઠ અને ભજન-ભક્તિમાં થોડા શિષ્યો સાથે સમય ગાળે. એક દિવસ સ્વામીને સર્પ કરડ્યો. સર્પ ઘણો ઝેરી હતો. શિષ્યો મૂંઝાઈ ગયા. આશ્રમથી નજીકમાં નજીક ગામડું ચાલીસ માઈલ દૂર હતું. સ્વામીને ઝેરની અસર થવા લાગી. બધા ગભરાઈ ગયા. સ્વામી કહે:
‘ચિંતા ન કરો, માની ઇચ્છા હશે તેમ થશે. માનું નામ લો !’
ત્યાં આશ્રમની વાડ પાસેથી અવાજ આવ્યો: ‘અરે, કોઈ મને ગામડાંનો માર્ગ બતાવો. હું ડૉક્ટર છું. માર્ગ ભૂલી ગયો છું. ‘
‘તમે માર્ગ ભૂલ્યા નથી. તમને માર્ગ બતાવવામાં આવ્યો છે,’ શિષ્યો બોલી ઊઠ્યા. સ્વામીની હાલત ગંભીર હતી. ડૉક્ટરે સારવાર આપી ને સારું થવા લાગ્યું. ડૉક્ટર કહે:
‘હું આવ્યો ન હોત તો આ માણસ મરી જ ગયો હોત.’
સ્વામી ભાનમાં હતા. કહ્યું:
‘ સકલ ઈ માયેર ઇચ્છા.’
મૃત્યુને દર્શાવતો બીજો પ્રસંગ:
સ્વામી તૂરીયાનંદને સ્વામી વિવેકાનંદ પ્રત્યે અનહદ પ્રેમ. ભાઈ કરતાં યે વિશેષ. એક બીજાને કહે, હરિભાઈ; બીજા કહે, નરેન.
ભાઈ નરેનને મળવાની હરિને તીવ્ર ઇચ્છા થઈ. સામાન બાંધી એ ભારત આવવા તૈયાર થયા. રાતે જગદંબા સ્વપ્નમાં આવ્યાં. કહે:
‘હરિ, ભારત ન જા તો સારું. ‘
પણ હરિ મહારાજે હઠ લીધી:
‘ના, મા, મારે જવું જ છે. નરેનનું મોઢું જોવું છે.’
‘હરિ, ન જા, અહીં ઘણું કામ છે.’
પણ હરિ મહારાજે માનું કહ્યું માન્યું નહીં. એ ભારત જવા રવાના થઈ ગયા. કલકત્તા બંદરે ઊતરતાં જ સાંભળ્યું કે નરેને દેહ છોડી દીધો છે. હરિ મહારાજ બેલૂડ પણ ન ગયા. સીધા વૃન્દાવન ચાલ્યા ગયા. મનમાં પંક્તિ હતી:
સકલ ઈ તોમાર ઇચ્છા.
જગદંબાની ઇચ્છાથી જ બધું થાય છે. પણ એ સરમુખત્યાર નથી. સ્નેહાળ જનની છે. આકરા પાઠમાંથી પસાર કરાવીને પણ એ શિશુને કહેતી હોય છે:
‘જરા કાન માંડી સાંભળ !
જરા ધ્યાન આપીને જો !’
- મકરંદ દવે
(‘આભલાં’માંથી) - સ્વામી તૂરીયાનંદ અને રામકૃષ્ણ પરમહંસ અંગેનો આ લેખ આપને કેવો લાગ્યો તે ચોક્કસથી જણાવવા વિનંતી. આભાર
1 comments on “સ્વામી તૂરીયાનંદ – મકરંદ દવે”